સાચો બનાવ
ધારો કે એ દવા તો આખરે નિર્દોષ નીવડી ને રંભાને કશું ન થયું પણ એ શીશીમાં ઝેર જ હોત, અને અનેક ઉપચારો કર્યા છતાં રંભા મરણશરણ થઇ હોત, તો? અગર ભયંકર માંદગીની ભોગ થઇ પડી હોત તો? તો તે દિવસની બેદરકારી એ ગુનાઇત કૃત્ય ન ગણાત? અરે ન ગણાત એનો પશ્ન જ કયાં છે? એ કૃત્ય ગુનાઇત જ ગણાય. કારણ કે એમાં કેટલું બધું જોખમ ભર્યું હતું તે તો અડધો કલાક થઇ રહેલી મૂંઝવણ જ કહી બતાવે છે!
એ શરમાવનારી અને ગુનાઇત હકીકત આ પ્રમાણે બનેલી. રંભાને તાવ આવતો હતો; મેલેરિયા હતો. રંભાની બા પુષ્પાબેને રમાનાથને કહ્યું : “આજે પણ રંભા બેચેન છે. એક ક્વિનાઈનનો ડૉઝ આપવો જોઇએ?” પુષ્પાબેને તાજું આવેલું માસિક પત્ર ઉપાડયું હતું, ને તે ઉપર તે નજર નાખતાં હતાં; રમાનાથ ઉતાવળમાં હતા; નોકરી પર જવાનો વખત થઇ જવા આવ્યો હતો. તેઓ કિ્વનાઇનના ડૉઝની શીશી જ્યાં ત્યાં શોધવા લાગ્યા. આ ઓરડીમાં, પેલી ઓરડીમાં, સૂવાના ખંડમાં, વાચનાલયમાં, બધે ય ઝટપટ આંટા મારી આવ્યા; બાટલી ન જડી. રમાનાથ કહે : “જુઓ તો જરા, બાટલી ક્યાં હશે? મને તો નથી જડતી?”
પુષ્પાબેને રસોડામાં જતાં જતાં કહ્યું : “જરી ફરી વખત જુઓને; હું કામમાં છું.”
રમાનાથ અધીરો થઇ ગયો હતો. ઉતાવળમાં બીજી વાર ચક્કર માર્યું. એક બાટલી હાથ લાગી. રંભાને પરાણે મોં ફડાવી દવા રેડી.
રંભા કહે : “હાશ, આજ તો જરા યે કડવું ન લાગ્યું, આજ તો સોપારી યે નહિ ખાવી પડે ને પાણી યે નહિ પીવું પડે.”
રમાનાથ ચમક્યો : ”અરે! આ શું ! કિ્વનાઇન નહિ? ત્યારે મેં શું પાયું?” રમાનાથ વિચારમાં પડયો ને ગભરાયો.
પુષ્પાબેન કહે : “લ્યો દોડો હવે દવાખાને! એટલી બધી શી ઉતાવળ હતી કે ઝટ ઝટ જે શીશી આવી તે ઉપાડી?”
રમાનાથને સામે ચિડાવાની નવરાશ ન હતી. તે તો દવાખાને દોડયો. પુષ્પાબેન ઉતાવળની નિંદા કરતાં બેઠાં, ને “હાય હાય! હવે રંભાને શું થશે?” એમ રડવા લાગ્યાં.
“કેમ રમાનાથ! દોડતા કેમ આવ્યા? ”
“અરે આ શીશી તો જુઓ? એમાં શી દવા છે? ભૂલથી એકને બદલે આ અપાઇ છે.”
ડૉક્ટર કહે : “કોણે આપી?”
રમાનાથ કહે : “મેં મારે હાથે આપી.”
ડૉક્ટર કહે : “ઠીક, એ તો પછી. પણ ઝટ દર્દીને લાવો. દવાને જોઇને શું કરવું છે?” દરદીની સ્થિતિ જોવી જોઇશે.”
રમાનાથ ઊભે પગે દોડયો. વરસાદ વરસતો હતો, પણ દોડયો. દર્દીને તેડીને દોડતો દોડતો પાછો આવ્યો. મનમાં થતું હતું કે કોણ જાણે શું યે થયું ને શું યે થશે! ડૉક્ટરે રંભાને તપાસી. આંખો જોઇ; પેટ તપાસ્યું; હાથ, નખ, બધું જોયું. તેજાબ નાખી દવા તપાસી જોઇ; રંગ જોયો, સ્વાદ જોયો, બધું જોયું.
ડૉક્ટર કહે : “બરાબર ખબર નથી પડતી કે શી દવા છે; પણ ઝેર તો નથી જણાતું. દર્દીને પણ કશી ખરાબ અસર નથી.”
રમાનાથને હાશ થયું; તેના મોં પર જરા હોંશ આવી.
ડૉક્ટર કહે : “જુઓ રમાનાથ! આ તો જાણે થઇ ગયું. પણ તમારા જેવા ભણેલાને શો ઠપકો આપવો? તમે એટલું પણ ન કરો કે દવાની શીશી પર દરદીનું નામ રાખો? તમે સમજુ છો, વાંચનાર છો, ભાષણ કરો છો, લેખ લખો છો ને આટલી સાદી વાત ન કરો? પુષ્પાબેન પણ ભણેલાં—ગણેલાં છે; એ પણ એટલું ન કરે? આ તો જાણે ઠીક થયું; પણ આવામાં તો મરણ થાય ને બાળક હાથમાંથી જાય!”
રમાનાથ શરમાઇ ગયા. ડૉક્ટરનું કહેવું સાચું હતું.