કઈ ઉંમરે બાળકને કેવાં રમકડાં આપવાં જાઈએ !

ત્રણ મહિનાથી નાની ઉંમરે

એક મહિનાની ઉંમરનું બાળક તેની આંખોથી ૩૦ સે.મી. (૧૨ ઈંચ)ના અંતર સુધીનાં રમકડાંને આમતેમ ફરતાં જોઈ શકે છે. તેને ચળકતાં અને રંગીન રમકડાંમાં વધારે રસ પડે છે. આ ઉંમરે તમે એના ઘોડિયા પર મધુર અવાજ કરતું કોઇ સરસ રમકડું બાંધી દેશો તો ઘોડિયામાં ઝૂલતાં ઝૂલતાં એને જોઈ રહેવાની એને ઘણી મઝા પડશે. સંગીતમય રમકડાં એને ગમશે.

બાળક ત્રણ મહિના પૂરા કરે પછી એને ચાવી દઈને સંગીત અને ભાતભાતના અવાજ પેદા કરે તેવાં રમકડાં લઈ આપો.

ત્રણથી છ મહિનાની ઉંમર

અરીસામાં એનું પોતાનું પ્રતિબિંબ બતાવો. એને સંગીત ગમે છે. તેના હાથમાં ઘૂઘરો પકડાવી દો, અથવા લાકડાની કે મજબૂત પ્લાસ્ટિકની જાંબુડી રમવા આપશો તો તેને એક હાથથી બીજા હાથ વચ્ચે ફેરવતું રહેશે. નાનાં સૉફટ ટોયમાં એને આકર્ષણ થઈ શકે છે.

છ અને ૧૨ માસ વચ્ચે

ઘૂઘરો, જાંબુડી અને સંગીતમય અવાજ કરતાં રમકડાંમાં તો એની રુચિ રહે જ છે, પણ તે ઉપરાંત તેના હાથમાં સમાઈ શકે તેવો દડો, દબાવવાથી અવાજ પેદા કરે તેવાં નરમ પ્લાસ્ટિકનાં રમકડાં, જમીન પર મૂકવાથી આમથી તેમ ઝૂલતાં રમકડાં, ચાવી આપીને ફેરવી શકાય તેવાં રમકડાં, રમકડાંનો ટેલિફોન વગેરે તેને લઈ આપો. એક સ્થાનમાં બેસીને દોરીથી ખેંચી શકાય તેવાં રમકડાં પણ સારાં છે, આ ઉંમરનાં બાળકોને સ્ટીલનાં ચમચી, વાટકી અને રકાબી સાથે રમવાનું અને તેમને પછાડીને અવાજ કાઢવાનું ખૂબ ગમતું હોય છે. તેને સંતાડેલી ચીજો ખોળવામાં ગમ્મત આવે છે. તમે તમારા ચહેરા પર રૂમાલ ઢાંકી દો અને તમારો ચહેરો સંતાડી દેશો તો રૂમાલ ખેંચી લઈને તમારો સંતાડેલો ચહેરો ખોળી કાઢતાં એ ખૂબ ખીલી ઊઠે છે.

૧ થી ૨ વર્ષની ઉંમર વચ્ચે

બાળકને આ ઉંમરે ચાવી દઇને ચલાવી શકાય, અથવા હાથ વડે ધક્કો આપીને દોડાવી શકાય તેવાં રમકડાંનાં વાહનોમાં કાર, બસ, વિમાન, હેલિકોપ્ટર, ટ્રક કે ટ્રેન. તે ચાલતું થઇ જાય એટલે એના એક હાથમાં પકડીને ખેંચીને ચલાવી શકાય તેવાં રમકડાં એને લઇ આપો. એને ઢીંગલીઓમાં મજા આવશે. ટેડી બે‘અર (નરમ, પોચાં ગાભાંમાંથી બનેલું રીંછ). રમકડાનાં પ્રાણીઓ, પ્લાસ્ટિક અને લાકડાનાં બનેલાં રંગબેરંગી બ્લૉક્સ, એકમેકની ઉપર ગોઠવીને બાળકને જુદા જુદા આકાર અને કદનો ખ્યાલ આપી શકે તેવાં બ્લૉક્સ તેની દુનિયાને ભરી દે છે. તેને રંગીન ચિત્રો ધરાવતાં પુસ્તકોની દુનિયાનો પરિચય આપો. તેને નાની નાની વાર્તાઓ, જોડકણાં અને સરળ બાળગીતોનો પરિચય આપો.

૨ થી ૩ વર્ષની ઉંમર

તેને વાર્તાનાં સચિત્ર પુસ્તકો, બાળગીતોની કૅસેટ્‌સ અને સી.ડી., રંગકામ માટે મીણિયા ચૉક (ક્રેયોન), કાગળ, જાતજાતના આકાર અને ઘાટ આપી શકાય તેવી રંગીન પ્લાસ્ટિસિન માટી, રમકડાંની ઘરવખરી અને રસોઇઘરનો સામાન, દોરીમાં પરોવી શકાય તેવા મણકા (પણ રમત—રમતમાં તેને ગળી ન જાય તેની કાળજી લેવાનું ભૂલશો નહીં), બૉલ, પગેથી લાત મારીને રમી શકાય તેવો અને ફેંકી શકાય તેવો દડો, સજાવી—ધજાવી શકાય તેવી ઢીંગલીઓ, ટ્રાઇસિકલ વગેરે તો આણી જ આપજો, પણ સાથે સાથે રેતી, માટી, કાદવ સાથેની નિર્દોષ રમતની મજા પણ માણવા દેજો. રેતીના કિલ્લા ચણવાની પ્રવૃત્તિ એની આંખોમાં અવનવાં સપનાં સજાવશે. તેને ચિત્ર કોયડાઓ પણ આપો. તેની પાસે અભિનય ગીતો કરાવો.

૩ થી ૪ વર્ષ

રમકડાંનાં અગાઉ લખેલાં વાહનોમાં તો બાળકને આ ઉંમરે રસ પડે જ છે, પણ તેમાં હવે ઍમ્બ્યુલન્સ, આગ હોલવવાનો બંબો, એરોપ્લેન અને હૅલિકોપ્ટર તમે ઉમેરી શકો. બાળકને ઈમારત અને રાચરચીલું બનાવી શકાય તેવાં બ્લૉક્સ લઈ આપો તો તેની અંદર રહેલી ઈજનેરી કુશળતાના પૂર્વપાઠ એને મળી શકે છે. તે રમકડાંનાં સાધનોમાંથી નાનકડી વસાહત કે નાનું ગામ રચી શકે છે. તેને રમકડાંનાં પ્રાણીઓ, બાગકામનાં સાધનો, રસોઈઘરનાં રમકડાં, ડૉક્ટરનો રમકડાં સેટ, ચહેરા પર ધારણ કરવાનાં મહોરાં, દોરડામાંથી તૈયાર કરેલા ઝૂલા કે ચઢઊતર કરવાની સીડી ઇત્યાદિ પણ આપી શકાય. વાર્તાનાં પુસ્તકો અને રંગકામની પ્રવૃત્તિમાં એને ખાસ રસ પડે છે.

ખાસ કરીને બાળકોને આ ઉંમરે રોલ પ્લે કરવાનું ગમતું હોય છે. તેમને પપ્પા, ટીચર અને ડૉક્ટર—દર્દીની ભૂમિકા કરવાની ઘણી મજા પડી જાય છે. આમાં એ એમની કલ્પના અને મનનાં સપનાઓ વણી લેતાં હોય છે.

૪ થી ૫ વર્ષની ઉંમર

હવે તેમને ઘરમાં બેસીને રમી શકાય તેવી સાપ—સીડી, લુડો અને કેરમની રમત લાવી આપો. તેમને ચિત્રો દોરવાનું અને રંગ પૂરવાનું કામ સોંપો. તેમને કાતરકામ શીખવાડો; કાગળમાંથી ભાતભાતના આકારો બનાવી આપો. પ્લાસ્ટિસિન માટીમાંથી રાચરચીલું અને પ્રાણીઓના આકાર બનાવવાનું પણ તેમને ગમે છે.

૫ થી ૬ વર્ષની ઉંમર વચ્ચે

હવે એમને ભમરડો ફેરવતાં શીખવી શકાય. એમને દોરડા કૂદતાં શીખવી શકાય. સોય—દોરો પરોવવાની રમત અને સીવણકામમાં એમની રુચિ પેદા કરી શકાય છે.

૬ થી ૭ વર્ષ

હવે એમને બે પૈડાંવાળી સાયકલ ફેરવતાં શીખવો. પતંગ ચગાવતાં શીખવો. મિત્રો સાથે મળીને રમતાં કરી શકાય છે.

થોડું ધ્યાનમાં રાખવા જેવું

બાળકોનાં રમકડાં ઘણાં ખર્ચાળ, આધુનિક અને યાંત્રિક બની ગયાં છે; અનેક બહુરાષ્ટ્રીય કંપનીઓ તદ્દન અદ્યતન રમકડાં લઇને આપણે ત્યાં માકેર્ટમાં ઊતરી પડી છે. ન્યુયોર્ક અને લંડનનાં માબાપનાં સંતાનો જે રમકડાંથી રમે છે તે હવે આપણાં બાળકો માટે પણ ઉપલબ્ધ બન્યાં છે. આ હોડમાં હવે છેલ્લાં થોડાં વર્ષોમાં ચીનનાં આર્કષક, ભાતભાતનાં અને પ્રમાણમાં સસ્તાં રમકડાં ઊતર્યા છે. તેથી આજનાં માબાપ પાસે હવે તેમનાં બાળકો માટે રમકડાં ખરીદવા માટે વિશાળ પસંદગી ઉપલબ્ધ છે.

આમાંનાં અમુક રમકડાં બાળકનાં જ્ઞાન અને બુદ્ધિમાં વધારો કરી શકે છે, પણ મોટા ભાગનાં અતિશય ખર્ચાળ અને ફેશનેબલ જ હોય છે. તેને ખરીદવામાં તમે જેટલો ખર્ચ કરો છો તેટલા પ્રમાણમાં તે બાળકના વિકાસમાં ઉપયોગી થતાં નથી. આપણાં બાળકોની કલ્પનાશીલતાને તે પોષતાં નથી. તેને બદલે લાકડાં અને માટીનાં બનેલાં આપણાં પરંપરાગત રમકડાં વધારે ઉપયોગી થઇ શકે છે. આવાં રમકડાં આપણી આજની પેઢીનાં બાળકોમાંથી બિલકુલ અદૃશ્ય ન થઇ જાય તે જોવાની આપણી ફરજ છે.

ઉપરાંત મોંઘાંદાટ અને અનેકવિધ રમકડાં વસાવવાથી બાળક એકલપેટું બનીને રમતું રહે અને તેનો અન્ય બાળકો સાથેનો સામાજિક સંપર્ક ગુમાવી બેસે એવો પણ સંભવ રહે છે.

કૃત્રિમ રમકડાંની દુનિયામાં ખોવાઇ જવાને બદલે એ પ્રકૃતિના ખોળે જાય, મેદાની રમતો રમે, તેમ જ બાગબગીચાની સંગત માણે તેની પણ ખાતરી રાખજો.

બાળકોને ઘોંઘાંટથી દૂર રાખજો. લગ્નના વરઘોડામાં વાગતા સંગીત અને ડી.જે., લાઉડ સ્પીકર અને ફટાકડા, તહેવારોની ઉજવણી અને નવરાત્રિના ગરબા — આ બધાંથી બાળકોની શ્રવણશક્તિને કાયમી હાનિ થાય છે એવું અવલોકનોથી પુરવાર થયેલું છે. અવાજના પ્રદૂષણ અને ઘોંઘાંટથી બાળકોના સામાન્ય સ્વાસ્થ્ય પર પણ ગંભીર ખતરો પેદા થાય છે.