મારાં બા દક્ષિણામૂર્તિ ભાવનગરમાં ભણેલાં. તેથી ગિજુભાઈ સાથે પરિચય. હું બહુ નાનો હતો ત્યારે ગિજુભાઈ મારા રાંદેરના ઘરે આવેલા. તે સમયે બા સાથે વાતો થાય. આમ દૂર રહ્યાં રહ્યાં અમારા ઉછેરમાં ગિજુભાઈનો ફાળો છે. તેથી આ પ્રસંગે આમંત્રણ માટે મારે તમારો આભાર માનવાનો છે.

તે સમયની પ્રાથમિક શિક્ષણ પદ્ધતિની વાત કરીએ તો બાળકને મારી મારીને ભણાવતા. મોરારજી માસ્તર—બાળકને ખૂબ મારે, ખૂબ મારે. આ સમયમાં માતા—પિતાનું વલણ એવું જ. શિક્ષકને સામેથી કહે, મારા દીકરાને મારો તો જ એ ભણશે. કેટલાક એવા માસ્તરોનાં તો નામ પણ યાદ છે. માસ્તર કાલિદાસ ભૂલાભાઈ પટેલ. રમણને ભીંતમાં માથું પછાડી આપે.

બીજા માસ્તર નારૂશંકરભાઈ. એમની બે આંગળી ચોંટેલી હતી. તે પણ ખૂબ મારે. એવું મારે કે બાળકના ગાલ પર, શરીર પર બે આંગળીના લીસોટા પડી જાય.

કેટલાક શિક્ષકોએ બાળપણમાં અમને ગાળો શીખવી. જે શિક્ષક ખૂબ મારે તેમનો ગામમાં વટ પડે. આવા સમયમાં ગિજુભાઇએ “બાળકોને પ્રેમ આપો, બાળકોને વ્હાલ કરો” એમ કહ્યું.

તે સમયની પરિસ્થિતિ જોઈએ, તો મારા બાપુ એમની દીકરીને લઇને ગામમાં ફરી ન શકે. એવાં ઓશીંજાળાં આપણા સમાજમાં હતાં.

૧૯૧૨માં મોન્ટેસૉરીનું વિધાન હતું : “આપણે બાળકોને પાટલી પર, જેમ કલાકો સુધી ટાંકણી પર પતંગિયાને ચોંટાડીએ તેમ, બેસાડી રાખીએ છીએ.”

ગણિતના શિક્ષકનું એક જ કામ. ગણિત તરફ નફરત થાય તે રીતે ભણાવવું. અને ગુજરાતી શિક્ષક તો સાવ નિર્જીવ શિક્ષક. કાવ્યનો કચરો થાય તેમ ભણાવે. કલાપીનું એક સુંદર કાવ્ય — “ગ્રામ માતા” એવી નિરસતાથી ભણાવે કે કવિતાનું મૃત્યુ જ થઈ જાય !

“રસહીન ધરા થઈ, દયાહિન થયો ભૂપ. કવિતાનું મૃત્યુ થયું.” — આવા મૃત્યુ વણઝાર વર્ગમાં ચાલે. આ શિક્ષણ સામે ક્રાંતિકારી અવાજ ગિજુભાઈએ ઉઠાવ્યો. ફ્રોબેલની વાત જોઈએ : બાળક એક છોડ જેવો છે. તેનો બધો વિકાસ માળી પર નથી. પરંતુ જમીનની અંદર રહેલાં તત્ત્વો પર હોય છે. માળીનું કામ તડકો પડે તેવી જગ્યાએ છોડ રોપવાનો, પાણી પાવાનું, ખાતર આપવાનું — એક વાતાવરણ ઊભું કરવું એ શિક્ષકનું કામ છે. ફ્રેંચ ભાષામાં તો શિક્ષક જેવો કોઈ શબ્દ જ નથી. છોડની જેમ બાળકની અંદર રહેલાં તત્ત્વો (શક્તિ) ને આધારે જ વિકસવાનો છે. આ વાત શિક્ષકે સમજવાની છે.
મકરંદભાઈએ કહેલી એક વાર્તા છેઃ

એક આદિવાસી બાળકના પિતા ગુજરી ગયા. બાળકે બાને પૂછયું, “મારા બાપૂજી ક્યાં ગયા? ” માએ જવાબ આપ્યો : “તારા બાપૂજી ભગવાનના ઘરે ગયા.” બાળકને વિચાર આવ્યો, મારા બાપુજી ખાશે શું? પીશે શું? બાળકે માને કહ્યું, “તું રોટલા તૈયાર કર, કાલે સવારે હું બાપાને રોટલા આપવા જઈશ.” બીજે દિવસે બાળક તો રોટલા લઇને નીકળ્યો. રસ્તામાં લોકોએ પૂછયું. “અલ્યા, કયાં જાય છે? બાળક કહે : “મારા બાપુ ભૂખ્યા છે. તેમને રોટલા આપવા ભગવાનને ઘરે જાઉં છું.“ આગળ ચાલતાં ગામનો રાજા મળ્યો. તેણે પેલા છોકરાને પૂછ્યું.“અલ્યા કયાં જાય છે ?”બાળક કહે :“ભગવાનને ઘેર રોટલા આપવા જાઉં છું. મારા બાપુ ત્યાં છે.” રાજા કહે : “ભગવાના ઘેર ! તો મારો પ્રશ્ન પણ પૂછજે. “મહેલ બંધાવું છું. ત્રણ માળ ચણ્યા. જ્યાં ચોથો માળ ચણું છું કે તૂટી જાય છે.” બાળક આગળ ચાલ્યો. રસ્તામાં તેને આંબો મળ્યો. તેની સાથે આવી જ વાત થઈ. આંબો કહે, “ભાઈ મારો એક પ્રશ્ન ભગવાનને પૂછજે, મારા પર કેરી ખૂબ પાકે છે પણ સડેલી હોય છે. આવું કેમ ?” બાળક તેને ઉત્તર આપી આગળ ચાલ્યો. આગળ જતાં મગર મળ્યો. મગર કહે : અરે ભાઈ, ભગવાનને મારી સ્થિતિ જણાવજે. પાણીમાં રહેવા છતાં મને ખૂબ અગનજાળ બળે છે.આવું કેમ ? બાળક તેને સારું કહી આગળ ચાલ્યો. બાળક પહોંચ્યો ભગવાનને ત્યાં. ભગવાને તેને પૂછયુંઃ “કેમ આવ્યો ?” બાળક કહે,“મારા બાપુ તમારી પાસે છે, તેમને રોટલા આપવા આવ્યો છું. તે ભૂખ્યા હશે.” ભગવાને કહ્યું : તેમના રોટલાની ચિંતા ના કરીશ. તેની વ્યવસ્થા થઈ ગઈ છે. એટલે તું શાંતિથી ઘરે જા. બાળક કહે, અહીં આવતી વખતે રસ્તામાં મને ત્રણ જણા મળ્યા. રાજા,આંબો અને મગર. તેમણે મને તમને પૂછવા માટે કહ્યું છે. તેમના પ્રશ્નોના જવાબ આપો જેથી હું તેમને કહી શકું.

ભગવાને જવાબ આપ્યો — મગર પહેલાં જ્ઞાની હતો. તેણે પોતાનું જ્ઞાન વહેંચેલું નહિ તેથી અગનજાળ બળે છે.

આંબો ધનવાન હતો. વાડીમાં રહે. કોઈ માટે એક પૈસો ઘસાય નહિ. કોઈને પૈસો આપે નહિ તેથી સડેલી કેરી થાય છે.

રાજાની પરણવા લાયક એક કન્યા છે. તેને પરણાવતો નથી. તેથી તેનો મહેલ પૂરો ચણાતો નથી.

ભગવાનના ઘરેથી છોકરો પાછો ફર્યો. રસ્તામાં તેણે મગરને વાત કરી. મગરે તેને બધું જ્ઞાન આપી દીધું. આગળ જતાં આંબાને વાત કરી, આંબો કહે, ધન ઝાડની નીચે જ છે. આ બધું ધન તું લઇ જા. છેલ્લે રાજાને વાત કરી તો રાજાએ તેની કુંવરીને છોકરા સાથે પરણાવી દીધી.

આ વાર્તામાં આગળ હું (ગુણવંત શાહ) ઉંમેરું છું. મગરને મળ્યા પછી બાળક આગળ ચાલ્યો. રસ્તામાં ઘરડાંઘર આવ્યું. એક બાપાએ બાળકને પૂછયું, “બેટા, કયાં જાય છે ?” બાળકે જવાબ આપ્યો. “ભગવાનને ઘરે, મારા બાપુને રોટલા આપવા.” ભાઈ,ભગવાનને મારો એક પ્રશ્ન પૂછજે, “મેં એવાં કયાં પાપ કર્યાં કે મારે ઘરડાંઘરમાં રહેવું પડયું? તેમજ મારો દીકરો મને એક દિવસ પણ મળવા આવ્યો નથી” બાળકે આ પ્રશ્ન ભગવાનને પૂછયો. ભગવાન કહે,“એ બાપાએ જ્યારે એમનો પુત્ર નાનો હતો ત્યારે તેને એકેય વાર્તા કહી નથી. જન્મદિવસે એક સારું પુસ્તક ભેટ આપ્યું નથી.”

આજે આપણે શું કરીએ છીએ ? બાળકને જન્મ આપ્યા પછી છોડી દઈએ છીએ. મનુષ્યયોનિ જ એવી છે જેમાં માતૃત્વ છેલ્લા દિવસ સુધી ટકે છે. પશુયોનિમાં જન્મ આપ્યા પછી લાંબો સમય માતૃત્વ ટકતું નથી. રહી વાત પિતાની. પિતા સેનસીબલ હોય તો પિતૃત્વ ટકે.

ઘરમાં ફરજિયાતપણું ઘણું હોય છે. બાળકને માટે આપણે બીબું તૈયાર રાખીએ છીએ. તેમાં તેને ઢાળવાનો પ્રયત્ન કરીએ છીએ. પ્રત્યેક મગનભાઈ પોતાનો પુત્ર બીજો મગનભાઈ જ બનવો જોઇએ, એવી ઇચ્છા રાખે છે. વણિકના દીકરાને પકકાઈ શીખવવામાં આવે. અને ત્યારે જ બાપાને થાય કે હવે દીકરો ઘડાયો. મા—બાપ જ બાળકને કુસંસ્કાર આપે છે. ઘરમાં બધું ફરજિયાત કરવાને બદલે બાળકને મુકત રાખો. બાળક થોડું બગડે તો બગડવા દો.

બાળકને આપણા બીબામાં ઢાળવાની વૃત્તિ એ હિરણ્યકશ્યિપુની વૃત્તિ છે. મારું બાળક મારા જેવું થાય આ હિરણ્યકશ્યિપુની વૃત્તિ છે. હવે તો મઘમઘતી શાળાઓ, મોંઘી શાળાઓની બોલબાલા છે. અને મોંઘી શાળા એ જ સારી શાળા, એવી માન્યતા થઈ ગઈ છે.

જે લોકો બાળકોના સંપર્કમાં આવે છે તેમણે એક જ વસ્તુ યાદ રાખવાની કે પુષ્પ પાસે જવાની કોઈ પાત્રતા છે ખરી ? પુષ્પ નથી આપણને આવકારતું કે નથી તિરસ્કરતું. પુષ્પની સુગંધ એ જ એની પર્સનાલીટી. આપણે પુષ્પનો સત્સંગ કરવો પડશે. કોઈ પુષ્પ આપણને દગો નહિ દે.

એક બાળક પોતાના બાપુજી સાથે ચાલી રહ્યો છે. બાપુની આંખ અને બાળકની આંખ વચ્ચે ત્રણ મીટરનું અંતર છે. સારો પિતા એ છે જે વાંકો વળીને દીકરાના ચહેરા સામે ચહેરો રાખીને વાત કરે.

આપણી આરસી બાળકની આરસી બનવી જોઈએ. દરેક બાળકના અસ્તિત્વમાં પુષ્પ છે. પુષ્પ અને બાળક વચ્ચે સમાનતા છે બંને ખીલે છે.
બારમું ધોરણ એટલે જાણે બાળકનું બારમું આટલો બધો ભણતરનો ભાર !

આજે શિક્ષકોના ઇન્ટરવ્યૂમાં પ્રશ્ન પુછાય એમ.એડ.કર્યું છે ? આટલા પોઇન્ટ, બી.એડ.? આટલા પોઇન્ટ. પરંતુ ઇન્ટરવ્યૂમાં કયારેય એવા પ્રશ્નો નથી પુછાતા કે શિક્ષકને બાળક પ્રત્યે પ્રેમ છે કે કેમ ?

રાંદેરની વાત કરું.એક માતા તેના બાળકને મારતી મારતી શાળામાં મૂકવા જાય. જાણે કતલખાનું !

એક પ્રસંગ જોઈએ. એક શાળામાં શાળા છૂટયા પછી એક વર્ગમા બાળક રડતું હતું. ઘણા શિક્ષકો પસાર થયા પણ તેના પ્રત્યે કોઈનું ધ્યાન ગયું નહિ. તેવામાં એક શિક્ષકનું ધ્યાન ગયું. શિક્ષકે બાળકને પૂછયું,“તું રડે છે કેમ ?” બાળક કહે,“મારે આ શાળામાં હજુ ચાર વર્ષ કાઢવાનાં છે. કેમ જશે ? મને ખૂબ કંટાળો આવે છે.” બાળકનો ઉત્તર સાંભળી શિક્ષકે જવાબ આપ્યો, “તારે તો ૪ વર્ષ જ કાઢવાનાં છે પરંતુ મારે તો ૩૨ વર્ષ કાઢવાનાં છે.
મારાં માતા પાસેથી સાંભળેલી ગિજુભાઈની એક વાત કરું. ગિજુભાઈને કોઈએ પ્રશ્ન પૂછયો કે તમે આટલું બધું કમ કરો છો તો ગાંધીજીની સ્વાતંત્ર્યની ચળવળમાં કેમ જોડાતા નથી ? ગિજુભાઈએ જવાબ આપ્યો કે, હું એવાં બાળકોને તૈયાર કરું છું, જે કયારેય ગુલામી સહન નહિ કરે.

અત્યારનાં માતા—પિતા પોતાના બાળકને અંગ્રેજી માધ્યમમાં જ મૂકવાનો આગ્રહ રાખે છે. અંગ્રેજી માધ્યમના શિક્ષકને ચેલેન્જ છે કે તેઓ અંગ્રેજી બાળકને ગુજરાતીમાં ભણાવી જુએ.

અંગ્રેજી માધ્યમના શિક્ષકોમાંથી કોઈની તાકાત હોય તો ગિજુભાઈની કાવ્યપંકિતનો અનુવાદ કરી આપે.

ગોળ કેરી ભીંતલડી ને,
શેરડી કેરા ડાંડા
કોપરિયે ઘર છાયાં
બચ્ચાં બારણાં ઉઘાડો.

(“બાળકનું બાળપણ છીનવાઈ ગયું છે.”— નૂતન બાલ શિક્ષણ સંઘ વડોદરા ખાતે પરિસંવાદમાં અપાયેલ વક્તવ્યને આધારે સંકલિત)