કૌટુંબિક ભાવના સીંચવાનો સાચો સમય એટલે બાળપણ…..
દરેક બાળક માટે એની માતા દુનિયાની સૌથી મહાન ગુરુ હોય છે. એનો સૌથી વધુ સમય માતા સાથે વીતે છે. તોરલ માટે પણ તારીકા બહેન જ આદર્શ માતા હતાં. તોરલ ભણવામાં ખૂબ જ હોંશિયાર હતી. સ્કૂલની દરેક પ્રવૃત્તિમાં એ ખૂબ જ સારો દેખાવ કરતી.
આ વખતના વાર્તા લેખનમાં પણ એની વાર્તા બધાને ખૂબ જ ગમી.
એમની સ્કૂલનાં મેગેઝિનમાં પણ છપાઈ. વાર્તાનો સાર એ હતો કે દરેક વ્યક્તિને તમારે પ્રેમથી બોલાવવી જોઇએ. શાળાના ચોકીદારને પણ પ્રેમથી બોલાવતી એક બાળકી જ્યારે મુસીબતનાં સમયે શાળામાં ફસાઈ જાય છે, ત્યારે બધાં બાળકો વચ્ચે એ બાળકી ન દેખાતાં એ જ ચોકીદાર એને શોધવા જાય છે અને કોઈ કારણોસર ફસાઈ ગયેલી બાળકીને બચાવી લે છે. ખૂબ જ સરસ વાર્તા છે અને આ વાર્તા લખવાની પ્રેરણા તોરલને એની માતા પાસેથી મળી હતી.
આટલી નાની ઉંમરે તોરલ વાર્તા લખે એ ખૂબ જ ગૌરવ લેવા જેવી વાત છે. મમ્મીએ કહેલી વાતને પોતાના શબ્દોમાં મઠારવી એ કાંઈ નાની આવડત નથી. અને નાનાં બાળકોને વાર્તાનો વિષય આપી લખવા માટે પ્રેરિત કરવા એ ખૂબ જ આવકારજનક છે.
તોરલની દાદી જે બીજા શહેરમાં રહેતાં હતાં, એમણે આ વાર્તા વાંચી તો એ પૌત્રી માટે ખૂબ જ ખુશ થયાં. એમણે પૌત્રીને ફોન કરીને અભિનંદન પણ આપ્યા. પરંતુ, સાથે એમની આંખો ભરાઈ પણ આવી. ચોકીદાર જેવી વ્યક્તિને પણ માનવતાના નાતે બોલાવવાનું શીખવાડતી તોરલની મમ્મી તોરલને અઠવાડિયામાં એક વાર પણ એનાં દાદા—દાદીને ફોન કરીને એમની ખબર પૂછવાનું શીખવાડવાનું તો ભૂલી જ ગયાં! દાદી એક કુટુંબની વ્યક્તિ તો છે જ પણ એક લાગણીસભર વ્યક્તિ પણ છે, જેને કોઈ પોતાની ખબર પૂછે તો સારું લાગે છે. એમને બાળકો ખૂબ જ ગમે છે, એ બાળકોના પ્રેમના તરસ્યાં છે એ વાત તોરલની મમ્મી નહીં જાણતી હોય?
બાળકને નમ્રતા શીખવો, પણ પહેલું પગથિયું તો ઘરથી જ શરૂ થાય એવું જરૂર શીખવો. તમે બાળકને ઘરના વડીલનું માન આપવાનું નહીં શીખવો તો આગળ જતાં તમે પણ એના માટે ઘરની જ એક સામાન્ય વ્યક્તિ બની જશો. અને ઘરનાં સભ્યોનું ધ્યાન, માન ના રાખીએ તો ચાલે એ વાત તમે જ બાળકને ગળથૂંથીમાં પીવડાવશો તો એની કુટુંબપ્રેમની ભાવના કેવી રીતે વિકસશે? બાળક કદાચ ભૂલી જાય તો આપણે એને પૂછવું જોઈએ કે તેં બા સાથે વાત કરી? કોઈ વાર આપણે ફોન લગાડીને વાત કરાવી દેવાની.
કોઈપણ પ્રસંગમાં ચાર ફુગ્ગા ફુલાવી આપનાર દોસ્તને તમે આભારના દસ શબ્દો કહો છો, પણ બાળકની વર્ષગાંઠનો પ્રસંગ સચવાય એ માટે બાળકને પોતાની સાથે પટાવીને સૂવા લઈ જતી એની દાદી કે નાનીને તમે ભૂલી જાઓ છો. માતાપિતા તરીકે બાળક તમારું જ અનુકરણ કરશે. એ બધું જ અવલોકન કરતું હોય છે. તમે વડીલોનો અનાદર કરશો તો બાળક ભવિષ્યમાં તમે એને કરેલી મદદની કિંમત ક્યાંથી કરશે?
તમારા બેતરફા વ્યવહારથી બાળક ગૂંચવાય છે. માતાપિતા સામે ઊંચા અવાજે ના બોલાય એમ બાળકને શીખવવાનો અધિકાર તમને ત્યારે જ પ્રાપ્ત થાય છે જ્યારે તમે ઘરમાં એવું વર્તશો. તમારે ફક્ત સલાહ નથી આપવાની, એ રીતે વર્તવાનું પણ છે. બાળકને કદી કોઈ કામ સોંપો કે કોઈ સલાહ આપો અને બાળક જ્યારે તમને એમ કહે કે તમારે મને નહીં ટોકવાનું, હું મારા સમયે કરીશ તો તમને ખૂબ જ ગુસ્સો આવે એ સ્વાભાવિક છે, પણ થોભો, જરાક આત્મનિરીક્ષણ કરો. આ કદાચ તમારા જ બોલાયેલા શબ્દોનો પડઘો તો નથી ને? તમારા જ કોઈવારના વર્તનની પ્રતિક્રિયા નથી ને?
બાળક ભલે નાનું હોય, પણ એ બધું જ સાંભળતું હોય છે. અને પછી એ પોતાની સમજ પ્રમાણે એમાંથી જે ગ્રહણ કરવું હોય એ ગ્રહણ કરે છે. આથી તમે બાળક માટે આદર્શ શિક્ષક બનો.
એક વિદ્વાનનું કથન છે, મારા માતા—પિતાએ મને કદી પણ નથી શીખવ્યું કે કેવી રીતે જિવાય. એ એમની જિંદગી જીવ્યા જ એ રીતે જે રીતે એ મને જીવવાનું શીખવવા માગતાં હતાં. બાળકનું મન એક કશું ના રોપેલા ખેતર જેવું છે. તમારે નક્કી કરવાનું છે કે એમાં શું રોપવું , કેટલું પાણી પીવડાવવું , ક્યારે અને કેટલું ખાતર નાખવું જેથી ભવિષ્યનો પાક એકદમ ફળદ્રુપ બને.
બાળકના વિકાસની જવાબદારી ફક્ત માતાપિતાની નથી. ઘરની વ્યક્તિ તરીકે દાદી પણ એમના અનુભવોના આધારે ફાળો આપી શકે. થોડા દિવસ પછી તોરલનાં દાદીએ તોરલને ફરી અભિનંદન આપવા ફોન કર્યો ત્યારે કહ્યું કે બેટા, પેલી બાળકીના મમ્મીએ એને ઘણી જ સરસ વાત શીખવાડી. પણ એક વાત શીખવાડવાનું એ ભૂલી જ ગયાં. તમારાં દાદા—દાદી કે નાના—નાનીને પણ તમારે સુપ્રભાત અને શુભરાત્રિનો ફોન કરવો જોઈએ. તોરલ બેટા, તમે પણ દાદા—દાદીને રોજ ફોન કરશો તો એમને બહુ જ ગમશે. દાદી—દાદા તમે કેમ છો ? તમે શું કરો છો? તમારી તબિયત કેમ છે? વગેરે. તોરલને દાદીની વાત સાચી લાગી. તોરલ ત્યારથી દાદીને ભલે રોજ નહીં પણ બે—ચાર દિવસે ફોન જરૂર કરે છે.
બાળક તો નાનું છે. તમે જ એના મનરૂપી કૂંડામાં ભાવનાનું બીજ રોપી શકો. “જેવું બીજ એવો છોડ”. બાળકના મનમા ઈર્ષાનું બીજ રોપશો તો ફળ પણ કડવું આવશે. તમારા પછી તમારી ભવિષ્યની પેઢી કેવી હશે એનો મદાર આજનાં યુવાન માતા—પિતા પર છે. આજનાં બાળકો આવતી કાલે યુવાન થશે અને એક નવા સમાજનું નિર્માણ કરશે. બાળકના શિક્ષકો તો દરેક વર્ગમાં બદલાય, દરેક ક્ષેત્રમાં બદલાય પરંતુ તમે એટલે કે માતા—પિતા જે અવિરત એમની સાથે રહેવાનાં છો, એમની જવાબદારી ખૂબ જ મોટી છે. બાળક કોઈની કાળજી કરતાં શીખશે તો કાળજી મેળવશે. કોઈને માન આપશે તો માન મેળવશે. તો તમારે જ નક્કી કરવાનું છે કે સમજણનું બીજ તમારા બાળકમાં તમારે કેટલું ઊંડું રોપવું છે. એનું ઘડતર કરી એને કેવો માનવ બનાવવો છે.
તમે બાળકને દાખલો આપવા કરતાં ખુદ દૃષ્ટાંત બનશો તો બાળક વધુ શીખશે. ચાલો આપણે, એટલે કે આજનાં માતા—પિતા એક તંદુરસ્ત સમાજનું નિર્માણ કરીએ.