એમને વિચારતા કરી મૂકીએ
આજના બદલાતા યુગમાં ઘણુંબધું નવેસરથી વિચારવું પડે, એવી પરિસ્થિતિ નિર્માણ થઈ રહી છે. કેટલાક મૂળભૂત સિદ્ધાંતો પણ એના વ્યાપક અર્થમાં જ ગ્રહણ કરવા પડે તેમ છે. જેમ કે, “પ્રેમ” પાયાનો સિદ્ધાંત જ નહીં, જીવનનું પણ જીવન છે, તેમ છતાંય પ્રેમની સંકલ્પનાનાં પણ અનેકવિધ રૂપ હોઈ શકે.
બાળઉછેરના પ્રશ્નમાં આજે આ પ્રેમ કેવા વિધવિધ રૂપે અવતાર પામી શકે એનો વિચાર કરવો પડે તેમ છે. બાળકને પ્રેમ કરવો એટલે માત્ર પ્યાર—દુલાર અને વહાલ—ચૂમી કરવા એટલામાં જ પ્રેમ તત્ત્વ સમાઈ જાય તેટલું સીમિત નથી, બાળકનું કલ્યાણ, હિત શેમાં છે, એ જોઈ પ્રેમનો વ્યવહાર નક્કી કરવો પડે છે. પ્રેમ એટલે હંમેશા “પ્રેય” નહીં, પણ “પ્રેમ” એટલે હંમેશા “શ્રેય” તો ખરું જ.
થોડા દિવસ ઉપર એક મા કહે, “પંદર વર્ષના મારા બાળકને હું છેલ્લાં દશ વર્ષથી ટેવ પાડી રહી છું કે સવારે ઊઠીને એ એનું ઓઢવા—પાથરવાનું સરખું કરે, પણ પોતાની ચાદર સુદ્ધાં સંકેલાવાનું એ મન પર જ લેતો નથી. ટોકી ટોકીને હું થાકી છું. શબ્દો કાંઈ જ કામ આપતા નથી. હું શું કરું?
સાચે જ પ્રશ્ન મૂંઝવનારો છે. બાબત સાવ સામાન્ય, પણ ઘણી બધી ચીજો એની સાથે સંકળાઈ જાય છે. ચોખ્ખાઈ, ચીવટ, સ્વાશ્રય, જવાબદારી, જેવાં અનેક મૂલ્યોનું શિક્ષણ આ નાનકડી કૃતિમાં ગર્ભિત છે. પણ બાળક કશું શીખવા જ ન માગે તો શું? પથારી એમની એમ રહેવા દેવામાં પણ પ્રશ્નો, પરાણે કરાવવામાં પણ પ્રશ્નો, બીજાં એ કામ કરી લે તેમાં પણ પ્રશ્નો!
આ સમસ્યામાં કશુંક સ્થગિત થઈ ગયું છે. વહેણ અટકીને ઊભું છે, જડતા છે. કાંઈક વહેતું કરવાની જરૂર છે. બાળકને વિચાર કરતો કરી દેવું જરૂરી છે. લોકશાહીની સંકલ્પનામાં “વિચાર” એ અત્યંત મહત્ત્વની પ્રક્રિયા છે. મત એટલે વોટ નહીં, પણ ઓપિનિયન, અભિપ્રાય. આ “અભિપ્રાય” નિર્માણ કરવાની પ્રક્રિયા શિક્ષણનું મહત્ત્વનું આયામ છે અને એનો આરંભ બાળપણથી જ થઈ શકે. આવી ઘટનાઓ આવા અભિપ્રાયો કેળવવાનું સારું માધ્યમ થઈ શકે. સમજાવીને, મનાવી—પટાવીને બાળક સાથે બેસવાનું તો નક્કી કરી જ શકાય. “ચાલો, જમી લઈએ” ની જેમ હવે કુટુંબમાં “ચાલો, (સાથે) બેસી લઈએ’ની પ્રક્રિયા ઉમેરાવી જોઈએ. દિલ્હીનું સંસદગૃહ સુપેરે કામ કરતું ત્યારે જ થશે, જ્યારે ઘર—ઘરમાં સંસદ બેસતી થઈ જશે. અત્યારે ઘર ઘરમાં સંસદો ચાલે છે પણ એની બેઠક નથી હોતી, એની “ઉભડક” હોય છે, અને ઘટનાની આસપાસ વાક્બણ, ગુસ્સો, ઠપકો, રીસ, નારાજગી અને એ સૌના પરિણામે “કંકાસ” નિર્માતો હોય છે.
કોઈ પણ કૌટુંબિક પ્રશ્ન ઊભો થાય, તો સાથે બેસીને સહવિચારણા કરવાની પ્રક્રિયા શરૂ કરી શકાય? પથારી સમયસર ન ઉપાડવાથી શાં શાં પરિણામો આવે છે, કયા પ્રશ્નો ખડા થાય છે એનો ઉકેલ આપણે સૌ કેવી રીતે લાવી શકીએ? આટલું વિચારવા માટેની બેઠક.
આ પ્રક્રિયામાં કુટુંબ નામમા ઘટકના તાણાવાણા બંધાતા જશે, “હું” માંથી “આપણે” તરફ જવા માટેની દિશા ખૂલશે અને સહભાગીદારીનું કર્તવ્ય નિર્માણ થશે. આ બધું એકડે એકથી કરવું પડશે. કોઈ પુસ્તકમાં કે દૂરદર્શનની કોઈ ચેનલ પર તમને આનો પૂર્વપ્રયોગ જોવા નહીં મળે. પણ જો કુટુંબસંસ્થાને મજબૂત રાખવી હશે તો પારિવારિક જીવનમાં આવી બેઠકોનો આરંભ કરવો ઉપકારક સિદ્ધ થશે.
આવી બેઠકોમાં ઘણું છતું થાય છે, એટલે એને ટાળવાનો પ્રયત્ન થશે, એ ન કરવાની ફીલસૂફી પણ સામે ધરાશે (પ્રયોગોને અંતે આ તારણો મળ્યાં છે) કાંઈક અણગમો, કંટાળો પણ વ્યક્ત થશે, પરંતુ તેમ છતાંય આવું સાથે બેસીને વિચારવું જરૂરી છે. “સાંજનું વાળુ સાથે” ના પ્રયોગમાં પરસ્પર હળવા—મળવાનું સિદ્ધ થાય છે, પણ વિચારવાની પ્રક્રિયા વહેતી નથી થતી. માણસ જો વિચારવાન પ્રાણી હોય તો એને “વિચાર” ની આસપાસ હરતો ફરતો તો કરી જ દેવો જોઈએ. આમ તો શિક્ષણની વ્યાખ્યા જ “વિચાર કરતા કરી મૂકવાની પ્રક્રિયા” કહી શકાય, એટલું બધું માનવજીવનમાં “વિચાર”નું મહત્ત્વ છે.
આજે આપણાં ભારતના સામાજિક જીવનમાં ભારે મોટા ફેરફારો થઈ રહ્યા છે. ચીલા ચીતરાઈ રહ્યા છે, મૂલ્યો બદલાઈ રહ્યાં છે, દિલ— દિમાગ અકલ્પિત દિશામાં કામ કરતાં થઈ ગયાં છે. એવા સંજોગોમાં પુરાણા ચિંતન—મનન પર નવી કલમો નહીં ચઢાવીએ, તો એ બધું કશું જ કામ આવે એવું નથી. એટલે બાળશિક્ષણના નિષ્ણાતો પણ જે કહી ગયા હોય તેને નવા પ્રયોગોમાં અજમાવવું પડશે. આવા સંજોગામાં આ યુગનાં મા બાપે વધારે સાબદા અને સજાગ રહેવાની જરૂર છે. સર્વસાધારણ પણે આજે બાળકોમાં વિનય—વિવેક ઓછા જણાય છે, તેઓ આક્રમક અને થોડાક અસભ્ય પણ લાગે. મોટાંનું કીધું માને જ, એવી કોઈ ખાતરી નહીં. દશકે દશકે આ બધી બાબતોમાં નકારાત્મક ફેર વધતો જતો અનુભવાય છે. આપણે નાનાં હતાં ત્યારે વડીલો આવે તો આપણે ઝટ ઊભાં થઈ જઈ એમના માટે ખુરશી ખાલી કરી દેતાં, આજે બાળકને કહીએ તો ય એ ઊઠે જ, એવી કોઈ ખાતરી નહીં, માત્ર “થેંક્યુ” અને “પ્લીઝ” શબ્દોને વાપરી નાંખવાથી સભ્યતા પ્રગટ ન થઈ શકે. બંને શબ્દોના પડઘા પ્રત્યક્ષ વ્યવહારમાં પડવા જોઈએ.
વાસ્તવમાં આ બધાને માટે જવાબદાર મોટા લોકો જ છે. વડીલોના પોતાના વ્યવહારનું પ્રતિબિંબ બાળકોના આચરણમાં ઝીલાય છે. અગાઉ, પારિવારિક જીવનમાં નિયમિત પ્રાર્થના જેવાં સામૂહિક આયોજનોનો મારા પોતાના મનમાં વિરોધ ઊભો થતો હતો. મને લાગતું હતું કે પ્રાર્થના રુટીન થઈ જાય છે અને એમાંથી કશું ઊગતું નથી. પરંતુ આજે મને લાગે છે કે બાળચિત્તમાં કેટલાક સંસ્કાર પડી જાય તે ઈષ્ટ જ છે. છેલ્લાં વર્ષોમાં બાળપણનાં સંસ્મરણો આલેખતાં કેટલાંક સુંદર પુસ્તકો પ્રગટ થયાં છે, તેમાં જોવા મળે છે કે બાળચિત્તે કેવી ઝીણી ઝીણી બાબતો પણ ઝીલી લીધી છે. જીવનમાં એવો તબક્કો આવે જ છે, જ્યારે માણસ પોતાનાં મૂળિયાં ખોદીને પોતાને પામવા ઝંખે છે, ત્યારે એના બાળપણના વાતાવરણની મધુર સ્મૃતિ એની મહામૂડી બની શકે છે.
આપણાં બાળકોના બાળપણને આપણે મધમીઠાં સંસ્મરણોનું ધામ બનાવીએ, મોટા થઈને માબાપની કડકાઈ ભલે યાદ આવે, પણ એનું ચિત્ત તો આ લાગણીથી જ ઘેરાયેલું રહે — મા—બાપ જેટલો પ્રેમ આ દુનિયામાં બીજું કોણ કરી શકે?