યુગે યુગે આજ્ઞા ઊતરે છે અને યુગપ્રવર્તકો તેને ઝીલે છે. નાસ્તિક યુગે કે આસ્તિક યુગે આવી આજ્ઞાને ઉઠાવેલી છે, અને આજે પણ ઉઠાવે છે.

આ આજ્ઞાઓ જેણે સાંભળી છે અને જીવનમાં ઉતારી છે તેઓ પૃથ્વી ઉપર સમર્થોનાં બિરુદો મેળવી ગયા છે. જેઓ તેને જીવનમાં ઉતારી રહ્યા છે, તેઓ જગતના ઉદ્ધારની પ્રવૃત્તિમાં અમોલ ફાળો આપી રહ્યા છે.

આ આજ્ઞા સાદી છે છતાં અભ્યાસ વિના જીવનમાં ઊતરી શકશે નહિ. અભ્યાસનો પાયો આગ્રાહ છે. તેનું બળ સતત ઉદ્યોગ છે, અને તેની શુદ્ધિ શ્રદ્ધા છે. આવો અભ્યાસ સાધક પેઠે આપણે શિક્ષકોએ આપણી આજ્ઞાઓ વિષે કરવાનો છે.

આ આજ્ઞા કે જે આકાશમાંથી નથી ઊતરી, જે પુસ્તકોથી નથી પ્રગટી, જે પવર્ત ઉપરથી નથી કહેવાઈ, તે શિક્ષણના સાધુઓના અંતરમાંથી ઊપજી છે. આ આજ્ઞા છે : તમે બાળકમાં વિશ્વાસ રાખો. તે આજ્ઞા કહે છે : બાળકને માત્ર દેહથી ના ઓળખો પણ તેના આત્માથી ઓળખો; તેનો આત્મા કાળ જૂનો છે, અનાદિ છે, સર્વજ્ઞ છે. શરીરથી જ તે શરૂ થયો નથી; શરીર સાથે તેનો અંત પણ નથી. એ આત્મા પોતાના વિકાસને માર્ગે વળી આગળ પ્રવાસ કરવા માટે નવું શરીર મેળવીને આવેલો છે. એનો ઉદ્દેશ તેની પાસે છે, તેનું ફળ તેની અંદર છે — જેમ બીજમાં વૃક્ષ અને ફળ છે તેમ. તેનો માર્ગ ને લક્ષ તે જાણે છે. શરીર, ઈંદ્રિયો, મન, બુદ્ધિ, ક્રિયાશક્તિ, ક્લ્પના વગેરે સાધનો વડે તે પોતાનું દર્શન કરવા સજ્જ થયેલ છે. એ પ્રવાસીના માર્ગમાં તમે ના આવો. તમે તમારે માર્ગે એને જવાની પ્રેરણા કરતા નહિ. એને પ્રલોભનથી ખેંચો નહિ, અને જબરજસ્તીથી ફરજ પાડો નહિ. તમારો માર્ગ તમને મુબારક હો.

માટે જ આ આજ્ઞા કહે છે : તમે તેના માર્ગમાં ન આવો. તેને તેની ગતિથી અને શક્તિથી આગળ વધવા દો. તમારું માપ બહુ નાનું અને ટૂંકું છે. એનાથી તમે એને માપવાની ભૂલ ના કરો. તમે તમારી મર્યાદામાં એને બાંધી ના લો. તમે તમારા મમત્વમાં એનું પતન ન કરો. તમારાથી બને તો તમે તેના માર્ગમાં સહાય કરો. બુદ્ધિના માર્ગો જેમ બોધિસત્ત્વો સ્વચ્છ કરે છે, નિષ્કંટક કરે છે, નિર્ભય કરે છે તેમ બાળકોના માર્ગોને સ્વચ્છ કરો, નિર્ભય કરો, નિષ્કંટક કરો, નિર્મળ કરો. પશુ આદિથી ખેડૂત કે બાગવાન જેમ પોતાનાં વૃક્ષોને રક્ષણ આપે છે, તેમ તમે અસત અને હીનથી તમારાં બાળકોને રક્ષણ આપો; વિકાસને માટે જ સમૃદ્ધિ જોઈએ તે તમારી પાસે હોય તો બાળકને આપો, અને ન હોય તો તેને માટે અનુકૂળતા કરી આપો. આટલી સગવડ આપ્યા પછી બાળક પોતે પોતાનો વિકાસ ખોળશે. આકાશના તારાઓ સામે દૂરબીન માંડીને જોઈ રહેનાર વિજ્ઞાની પેઠે તમે વિકાસના નિયમો શોધવા માટે તટસ્થ બની તેને જોયા કરો; અને છતાં તેને કોઈ રાહુ ગળી ન જાય તે માટે ભય અને નુકશાનની પળે તેને તુરત ઉગારી લો. તેના પોતાના સ્વપ્રયત્નોને રોક્યા વિના, જગતના પ્રયત્નોથી દુનિયાએ જે લાભો ઉઠાવ્યા છે અને જે સંસ્કૃતિ મેળવી છે તે તેને સુલભપણે મળે તે માટે સંપૂર્ણ વાતાવરણ રચો. એમ ના સમજો કે બાળક મનુષ્યની પ્રાથમિક દશાની અવસ્થામાં છે. તે પ્રાથમિક મનુષ્ય પેઠે પહેલેથી અખતરા કરી આગળ વધે છે અને વધશે, એવી ભૂલ ના કરો. દુનિયાનો પ્રવાસ જ્યાંથી આગળ વધવા લાગે છે ત્યાંતી જ બાળક આગળ વધવા માગે છે, એ જ આપણી સમજણ જોઈએ. એ સમજણનું ઊંડાણ આપણને બાળકો માટેના વિધિનિષેધોનો વિવેકભર્યો ખ્યાલ આપે છે. એ ખ્યાલથી બાળકોને મદદરૂપ થઈશું તો આપણે તેમના ઉપરના મતાગ્રહમાંથી, તેમને વિષેની હલકી માન્યતાઓમાંથી, તેમના વિકાસ સંબંધેના જૂનાપુરાણા વિચારોમાંથી મુક્ત થઈશું. બાળક આખરે ઉત્તમ મનુષ્ય થવા માગે છે. આપણા પ્રયત્નો પણ તેને તે માર્ગે જવા દેવામાં છે. અવળા માર્ગે જતા બાળકને અટકાવવામાં કે પાછું વાળવામાં આપણે ભૂલ નથી કરતાં. બાળકનું સ્વાતંત્ર્ય સત્ય સુખની શોધને માટે છે, સત્ય સુખના અનુભવને માટે છે. જે શોધ દુઃખ જ લાવે તે શોધનો માર્ગ જૂઠો છે. તે માર્ગે જવાની છૂટ એ સ્વાતંત્ર્ય નથી પણ સ્વચ્છંદતા છે. બાળક મરજીનું સ્વામી બને. પોતાની અધોગામી ઈચ્છાને ગુલામ તરીકે બાળક અધીન વર્તે ત્યારે તે સ્વયંસ્ફૂર્તિ કે સ્વાતંત્ર્યના પ્રદેશની બહાર જાય છે, અને વિનાશને માર્ગે જાય છે. તેવે વખતે તેને આપણે સહાનુભૂતિ અને પ્રેમનાં સાધનોથી સ્વાધીનતાને માર્ગે મૂકવા યત્ન કરીએ, અને તે ધર્મ્ય છે.

શિક્ષકો, માબાપો, સમાજવાદીઓ અને રાજનીતીજ્ઞો માટે આ એક આજ્ઞા છે; દુનિયાના હિતાર્થે એક આદેશ છે. આ આદેશ સત્તાથી નહિ પણ જગતાના કલ્યાણની મમતાથી છે, સમષ્ટિના પ્રેમથી છે. સૌ તેને બાળકોના હિત માટે ઉપાડે.