રોગ પ્રતિકારક રસીઓ વિષે થોડાક સવાલ જવાબ
બાળકોમાં રસીકરણ એ એક ખૂબ જ અગત્યનું પાસું છે. બાળકોને પીડાતા ઢગલાબંધ રોગોનો ફેલાવો રસીકરણ દ્બારા અટકાવી શકાય છે. પણ હાલ એટલી બધી રસીઓ ઉપલબ્ધ છે કે મા—બાપને એે અંગે ઘણી જ મૂંઝવણ રહેતી હોય છે. આશા છે કે એવી કેટલીક મૂંઝવણોનો અહીં ઉકેલ મળી શકશે. આ થોડાક સવાલ—જવાબ રસીઓ અને એને લગતા ગૂંચવાડા પર થોડોક પ્રકાશ પાડી શકશે. છતાં પણ જો કોઇ ગૂંચ રહી જાય તો પોતાના ડૉકટરને મળીને સ્પષ્ટતા કરી લેવી.
રસીઓ અંગે થોડાક સવાલ—જવાબ :
સવાલઃ— ડીપીટી, ત્રિગુણી રસી, એમ.એમ.આર, બીસીજી વગેરે રસીઓનાં પૂરાં નામ તેમજ એમાં શું હોય છે તે જણાવશો?
જવાબ :— દરેક રસીનાં નામ અને એની અંદર શું હોય તે નીચે જણાવેલું છે.
બીસીજી (BCG) – એટલે બેસિલ કાલમેટી ગુરીન (Bacillus Calmette Guerin). આ રસીમાં જીવંત પરંતુ નબળાં પાડી નખાયેલ બોવિન(પ્રાણીના) ટીબીનાં જંતુ હોય છે. રસી ડાબા ખભે ઉપરના તરફ અપાય છે. જન્મ પછી વહેલામાં વહેલી તકે બીસીજીની રસી મુકાવી દેવી જોઇએ. આ રસી ૧૦૦ ટકા રક્ષણ આપતી નથી. પરંતુ મગજના, હાડકાંના કે લોહી દ્બારા પૂરા શરીરમાં ફેલાઇ જતાં મિલિયરિ પ્રકારના ટીબી સામે રક્ષણ જરૂર આપે છે. એનાથી રકતપિત્તના રોગ સામે રક્ષણ મળે છે. આ ઉપરાંત શરીરની રક્ષણાત્મક શકિતમાં પણ અમુક રોગો સામે એ વધારો કરી આપે છે.
ઓરલ પોલિયો (OPV) – મોં વાટે અપાતી પોલિયો સામે રક્ષણ આપતી રસી છે. જે સેબીન વેક્સીન તરીકે ઓળખાય છે. અમાં પણ જીવંત પરંતુ નબળાં કરી નખાયેલ પોલીયોનાં ટાઇપ—૧, ટાઇપ—૨ તેમજ ટાઇપ—૩ નાં જંતુઓ હોય છે. આ રસી મોં વાટે આપવામાં આવે છે. પોલીયોનો ૦(ઝીરો) ડોઝ જન્મ સમયે મૂકવામાં આવે છે. ત્યારબાદ દર મહિને એક ડોઝ અપાય છે, પ્રારંભિક ડોઝ અપાઈ ગયા પછી દોઢ વર્ષ અને સાડાચાર વર્ષની ઉંમરે બૂસ્ટર ડોઝ આપવામાં આવે છે. રાષ્ટ્રીય કાર્યક્રમ મુજબ ઝીરો ડોઝ અપાયા પછી દોઢ મહિનાની ઉંમરથી દર મહિને એક એમ કુલ ત્રણ ડોઝ અપાય છે. આ ઉપરાંત દર વર્ષે પલ્સ પોલિયોના બે ડોઝ પાંચ વર્ષથી નાના દરેક બાળકને અપાય છે.
ડીપીટી, ત્રિગુણી (DPT) – ૧૯૪૦ની સાલથી આ રસી વપરાય છે, રસીમાં ત્રણ રોગ સામે લડવા માટેનાં શકિતવર્ધક તત્ત્વો ભેગાં કરવામાં આવે છે. ડી(D) એટલે ડિફ્થેરિયા ટોક્ષોઇડ, પી(P) એટલે પર્ટુસીસ (મોટી ઉધરસ)નાં મૃત જીવાણુઓ અને ટી(T) એટલે ટીટીનેસ ટોક્ષોઇડ (ધનુર સામે). પોલિયોના ૩ પ્રારંભિક ડોઝની સાથે જ જન્મ પછી છઠ્ઠા, દસમા તેમજ ચૌદમા અઠવાડિયે આ રસી આપવામાં આવે છે. ત્યાર બાદ પોલિયોની માફક જ દોઢ તેમજ સાડાચાર વર્ષે એનો એક એક બૂસ્ટરડોઝ આપવામાં આવે છે.
મીઝલ્સ (Measles,ઓરી)ની રસીમાં જીવતાં અને નબળાં કરી નખાયેલાં ઓરીનાં જંતુ હોય છે. નવમા મહિને એનો પ્રથમ ડોઝ અને ત્યારબાદ ૧૫ થી ૧૮ મહિનાની વચ્ચે બૂસ્ટર ડોઝ અપાય છે. જે એમ.એમ.આર. રસીના એક ઘટક તરીકે હોય છે.
એમ.એમ.આર (MMR)ની રસીમાં ઓરી (Measles), ગાલપચોળું (Mumps) તેમજ રુબેલા (Rubella) એટલે કે જર્મનઓરી—નૂરબીબીની રસીઓ સામેલ છે. એ પંદર મહિનાની ઉંમરે અપાય છે. અમેરિકામાં શાળા પ્રવેશ વખતે અને યૂરોપમાં આ ૧૦ થી ૧૨ વર્ષની ઉંમરે મુકાય છે.
ઝેરી કમળાની રસી (એન્જિરીક્ષ બી.એનિવેક એચબી,વગેરે) ઝેરી કમળા સામે રક્ષણ આપે છે. જે હીપેટાઇટીસ “બી”તરીકે ઓળખાય છે. પ્રથમ બે ડોઝ એક મહિનાના અંતરે મૂકવામાં આવે છે અને ત્રીજો ડોઝ છ મહિના પછી અપાય છે. બૂસ્ટર ડોઝ પાંચ વરસ પછી અપાય છે.
હીબ, હીબટાઇટર વગેરેઃ— હિમોફિલસ ઇન્ફલુએન્ઝા નામના જંતુથી થતા મેનિન્જાઇટિસ (મગજનાં પાક)સામે રક્ષણ માટે છ મહિનાથી નાના બાળકને એક મહિનાના અંતરે એક એમ ત્રણ ડોઝ મૂકવામાં આવે છે. ત્યાર બાદ એક વરસ પછી બૂસ્ટર ડોઝ અપાય છે. છ થી બાર મહિનાની વચ્ચેના બાળકને આ જ રીતે મહિનાના અંતરે ડોઝ મૂકવામાં આવે છે અને બૂસ્ટર ડોઝ એક વરસ પછી મુકાય છે.
એક વરસથી મોટા પંરતુ ૧૫ મહિનાથી નાના બાળકને એક જ ડોઝ મૂકવો પડે છે અને બૂસ્ટર ડોઝ એક વરસ પછી. જો પહેલાં ન મૂકી હોય તો ૧૫ મહિનાની ઉંમરથી પાંચ વર્ષ સુધીમાં એક જ ડોઝ મુકાય છે. ત્યારબાદ બૂસ્ટરની જરૂર નથી.
ટીટી (Tetanus Toxoid) ફ્ક્ત ધનુર માટેની રસી છે. કંઈ પણ વાગ્યા પછી ડોકટરની સલાહ મુજબ તેમજ બાળકોને આઠ તેમજ ૧૬ વરસની ઉંમરે મૂકવામાં આવે છે.
ડીટી (Diphtheria + Tetanus Toxoids) ડિફ્થેરિયા તેમજ ધનુરની મિક્ષ રસી. જે બાળકોને ત્રિગુણી રસી ન મૂકી શકાય તેમ હોય તેને આ રસી અપાય છે.
અછબડાંની રસી (વેરીલરીસ) – ઘણી મોંઘી પરંતુ અસરકારક રસી છે. એક વરસની ઉંમરથી ૧૨ વરસની ઉંમર સુધી એક ડોઝ લેવાનો હોય છે. ૧૩ વરસથી મોટી વ્યકિતએ ૬ થી ૧૦ અઠવાડિયાંના અંતરે બે ડોઝ લેવાના હોય છે.
“એ” પ્રકારના કમળા (સાદા કમળા) સામેની રસી (Havrix A 720) પણ એક મોંઘી રસી છે. પ્રથમ ડોઝ આપ્યા પછી બીજો ડોઝ છ મહિનાથી એક વરસના ગાળા પછી આપવો પડે છે. કંપનીના દાવા મુજબ ત્યારબાદ “એ” પ્રકારના કમળા સામે લડવા માટેની લાંબા ગાળાની રોગ પ્રતિકારક શકિત મળી જાય છે.
આ ઉપરાંત ઘણી બધી રસીઓનું મિશ્રણ કરીને બનાવેલ રસીઓ પણ હવે ઉપલબ્ધ છે. આ રસીઓનો અલગ અપાતી રસીઓ કરતાં વધારે કોઇ જ ફાયદો નથી. હા!, આનાથી બાળકોને અપાતાં કુલ ઇન્જેક્શનની સંખ્યામાં જરૂર ઘટાડો થાય છે. (કયારેક આ રસીમાં વાહક તરીકે જોડે અપાતાં ટોક્ષોઇડથી થોડો વધારે ફાયદો થતો જણાયો છે.)
સવાલઃ— બાળકને ટાઇફોઇડ થઇ ગયો હોય તો પણ ટાઇફોઇડની રસી મુકાવવી જોઇએ?
જવાબ:— હા, કારણ કે ટાઈફોઈડ થયા પછી બધા જ કિસ્સાઓમાં રક્ષણ મળતું નથી. ઉપરાંત દવાઓ અપાયેલી હોવાથી પણ રક્ષણાત્મક શકિતનો વિકાસ થતો નથી. માટે ટાઇફોઈડ થઇ ગયો હોય તો પણ રસી અપાવવી જોઈએ.
સવાલઃ— ટાઇફોઈડની રસીથી ટાઇફોઈડ થાય ખરો?
જવાબઃ— ના, તાવ ઉતારવાની દવાથી તાવ વધે ખરો? તાવ ઊતરે નહીં તેમ બને પણ યોગ્ય માત્રામાં અપાય તો વધે તો નહીં જ, એજ રીતે ટાઇફોઈડની રસીથી ટાઇફોઈડ ન થાય (હા, એનાથી રક્ષણ ન મળે તો ટાઇફોડ નો ચેપ બહારથી લાગી શકે ખરો પરંતુ રસીથી કયારેય ટાઇફોઈડ ન થાય.)
સવાલઃ— પાંચ વર્ષના બાળકને ઓરી નીકળ્યા હોય તો ઓરીની રસી મૂકી શકાય ખરી?
જવાબઃ— હા.
સવાલઃ— બાળકને થોડાક મહિના પહેલાં ત્રિગુણી રસી મુકાવી છે. એના ઈંજેક્શનની જગ્યાએ ઢોકળું થઈ ગયું છે તો તેના માટે શું કરવું?
જવાબઃ— કંઈ ન કરવું. એ ઢોકળું એની મેળેજ સમય થતાં જતું રહે છે.
સવાલઃ— બાળકને તાવ સાથે ખેંચ આવતી હોય તો બૂસ્ટર ડોઝ અપાવવા માટે શું કરવું?
જવાબઃ— ઇન્જેક્શન આપવાના સમયેજ પેરાસિટામોલ આપી દેવાનું (મેટાસીન, ક્રોસીન વગેરે). ત્યારબાદ દર છ કલાકે બે દિવસ સુધી આપતાં રહેવું. આનાથી તાવ અટકાવી શકાશે. ઉપરાંત જરાપણ તાવ જેવું દેખાય તો પોતાં મૂકવાં. કોઇ પણ સંજોગોમાં બૂસ્ટર ડોઝ તો અપાવી જ દેવો.
સવાલ :— બાળકને ત્રિગુણી રસીનો તેમજ “બી” પ્રકારના કમળાનો પ્રથમ ડોઝ આપ્યે પાંચ—સાત મહિનાથી વધારે સમય થઇ ગયો છે હવે બધી રસી પહેલેથી મુકાવવી પડશે? કે બાકીના ડોઝ જ પૂરા કરવા?
જવાબઃ— પહેલેથી શરૂ કરવાની જરૂર નથી. બાકીના ડોઝ જ પૂરા કરવા. એક વખત આપેલી રસીની યાદગીરી શરીરે સાચવી રાખી જ હોય છે. એટલે જે ડોઝથી બાકી હોય ત્યાંથી જ શરૂઆત કરવી.
સવાલઃ— ભૂલથી અમારા બાળકને કમળાની રસીના બે ડોઝ વધારે મુકાઈ ગયા છે. કંઈ નુકસાન થશે ખરું?
જવાબઃ— અમુક રસીને બાદ કરતાં વધારાના ડોઝથી કોઇ જ નુકસાન થતું નથી. એટલે કમળાની રસીના વધારે મુકાયેલા ડોઝથી નુકસાન થવાની શકયતા નથી. હવે પછી વ્યવસ્થિત રેકોર્ડ રાખવાનુ ભૂલવું નહીં.