એક ભાઈએ એક વાર પ્રશ્ન પૂછયો : “અમારા નાના બાળકને ખોળામાં બેસાર્યું હોય તો, તેને મૂકીને મને ખોળામાં બેસારો એમ અમારો મોટો દીકરો હઠ લે છે ને અદેખાઈ કરે છે. આ અદેખાપણું શી રીતે મટે?

પ્રશ્નમાં વર્ણવેલો અનુભવ બાળ અનુભવીઓ માટે સર્વસાધારણ છે. પોતાના જ નાના ભાઈબેનને કે બીજાના છોકરાને બા તેડે તો બાળકો તેને મુકાવીને પોતાને તેડવાનું કહે છે. ઘણી વાર બાળકો એમ પણ માને છે કે “આ નાનાને કોઈ લઈ જાય તો હું મારી બાની પાસે સૂઈશ ને બાના ખોળામાં બેસીશ.”

વાત હમેશાં બનતી ને લગભગ બધાના અનુભવની છે માટે ઓછી વિચારણીય છે એમ નથી કારણ, આવે પ્રસંગે મોટાંઓનું યોગ્ય વર્તન ન થાય તો બાળકના મન ઉપર ઘણી જ માઠી અસર થવાનો સંભવ છે. આવી બાબતને નજીવી ગણી ધ્યાન બહાર તો ન જ કઢાય.

પ્રથમ તો ઘણી વાર સ્ત્રીઓ આવું બને તેને એક વિનોદનું સાધન કરીને એક મજાનો વિષય કરી દે છે તે બંધ થવું જોઈએ. છોકરું અદેખાઈ કરતું દેખાય તો ખાસ એની દેખતાં બીજા છોકરાને તેડીને પેલાને કહેવામાં આવે છે : “જો તારી બાએ તો પેલાને ખોળામાં લીધું. હવે તે તારી મટી ગઈ.”
એવું એવું કીધા પછી છોકરું મૂંઝાવા લાગે, રડવા લાગે કે “તેને મૂકી દઈને મને તેડ” ની હઠ લે એટલે બધાં હસી પડે છે. આવી રીતે બાળકને ઈર્ષાયુક્ત બનાવી તેમાંથી મજા લૂંટવાનું કોઈ કાળે ઇષ્ટ ન જ ગણાય.

હઠ ને ઈર્ષા વધારવાનો બીજો પણ એક સજ્જડ ઉપાય સ્ત્રીઓ લે છે, તે એ કે વારંવાર “આ તો મને કોઈ છોકરાને તેડવા દેતો નથી; એ તો અદેખો છે.” વગેરે વચનો બાળક દેખતાં કાઢીને બાળકના મનમાં અસ્પષ્ટ રીતે ઉદ્‌ભૂત થયેલી વૃત્તિને નામઠામ આપીને તેમજ બાળકની વિશેષતા તરીકે જાહેર કરીને વધારે પાકી કરવામાં આવે છે. આ માર્ગ પણ નુકસાનકારક છે.

બાળકમાં ઉદ્‌ભવ પામતી ઈર્ષાને શમાવવા આપણે બે બાબતો કરવી ઘટે. પ્રથમ તો નવું બાળક આવે ત્યારે માબાપો કે મોટાઓનું વિશેષ ધ્યાન તેની તરફ હોય એ સ્વાભાવિક છે; પરંતુ તે ધ્યાન એટલા પ્રમાણમાં ન જવું જાઈએ કે પ્રથમનાં બાળકો તરફ દુર્લક્ષ થાય. તેમની માગણીઓ કે જરૂરિયાતો કે મુશ્કેલીઓ તરફ ધ્યાન દેનારું ઘરમાં કોઈ જ નથી એમ ન બનવું જોઈએ.

નવું જન્મેલ બાળક નાનું તેથી કાંઈ ત્રણ વર્ષ પહેલાં જન્મેલું બાળક એકદમ મોટું થઈ જતું નથી; તે પણ હજી નાનું જ હોય છે. એટલું જ નહિ પણ નાનું બાળક તો માત્ર ખોરાક ને ઊંઘ માગતું હોય છે — મોટે ભાગે માત્ર શારીરિક સારવાર માગતું હોય છે. જ્યારે ૨ /૩ વર્ષનું બાળક માનસિક ખોરાક માગવા લાગે છે. તેના તરફ વધારે સંભાળથી ધ્યાન દેવાની જરૂર હોય છે. તે તરફ જરાયે દુર્લક્ષ ન જ કરી શકાય. જેમ નવું બાળક આવ્યું માટે પહેલાંને ભૂખે ન જ મરાય તેમજ તેનો વિકસતો પ્રાણ પણ ગૂંગળાઈ ન જાય એની સંભાળ લેવી જ જોઈએ.

બીજું એ પણ છે કે બાળકને જાણે પોતે સ્થાનભ્રષ્ટ થઈ ગયું હોય એમ ન લાગવું જોઈએ. પહેલાં જાણે કે આપણે રાજા હતા, બધું જગત આપણી આસપાસ ફરતું હતું તે હવે આપણે પદૃચ્યુત થયા છીએ, ને આ નવું આવેલું બાળક રાજ્યાસન ઉપર છે અને પોતાનું મહત્ત્વ ઓછું થઈ ગયું છે એમ તેને લાગવું ન જોઈએ. મૂળે જરૂર કરતાં વધારે પડતા માનમરતબાથી બાળકને રાખ્યું હોય ને તે જ માનપાન પછી નાના ઉપર ઢોળાતું દેખાય તો વધારે પદભ્રષ્ટતા લાગે. બાળકને પહેલેથી જ યોગ્ય સન્માનથી રાખ્યું હોય તો બાળકને પાછળથી દુઃખી થવું પડતું નથી.

એટલે કે બીજું નાનું બાળક ઘરમાં ન હોય ત્યાં સુધી સૌથી નાનું હોય તે નાનું હોવાને લીધે વિશેષ હક્કો ભોગવે, વિશેષ ધ્યાનને પાત્ર બને, વિશેષ લાડનો વિષય બને એ તેના વિકાસ માટે છે. બાળક જેમ જેમ વધતું જાય તેમ તેમ તેને વિકાસપોષક વાતાવરણ આપતા જ રહેવું જોઈએ. આપણા ઉપરનો આધાર આસ્તે આસ્તે ઓછો થવો જ જોઈએ. પછી બાળક એકનું એક હોય કે સૌથી નાનું હોય કે સૌથી મોટું હોય કે ઘણાં છોકરાંઓ વચ્ચેનું એક હોય.

ત્રીજી એક વાત ધ્યાનમાં રાખવાની, આપણી સ્પર્ધાયુક્ત વાણી કે એકને ચડાવનાર ને બીજાને ઉતારી પાડનાર તુલના વગેરેથી પણ ઈર્ષાનો કાંટો ફૂટે છે. જેમ કે નવું બાળક આવે ત્યારે આ વધારે રૂપાળું છે, આ તો રોતલ હતું, આ ડાહ્યું છે, વગેરે ઘણાં અર્થ વગરનાં વાક્યો બોલીને બાળકનું કુમળું મન દુભાવીએ છીએ. રૂપાળા થવું કે કાળા હોવું કે ધોળા હોવું એ બાળકના હાથની વાત નથી. તેમાં તેને ઠપકા રૂપ લાગે કે ઉતારી પાડનારું લાગે એ રીતે બોલવાની જરૂર નથી. તેમજ રોતલ હોય તો તેની તંદુરસ્તી બગાડી દેવા માટે માબાપોને જ ઠપકો ઘટે ને બાળક ન રડતું હોય તો તેને ડાહ્યું કહેવાની જરૂર નથી. તંદુરસ્ત હોય તો બાળક ન રડે ને ન હોય તો રડે; એમાં બાળકનું ડહાપણયે નથી એ ગાંડપણેય નથી. મોટા બાળકને ઉતારી પાડયા વગર અથવા તેનામાં સ્પર્ધા જાગ્ર્રત કર્યા વગર હકીકત તરીકે ગમે તે વસ્તુ આપણે કહી શકીએ; તેમાં બાળકને નુકસાન નથી. ઊલટું, બાળક પણ પોતાની બાલ્યાવસ્થાની હકીકત જાણી લઈ ખુશ થાય છે.

આમ, માબાપો તેના પોતાના સ્થાન પરત્વે એક બાબત ધ્યાનમાં લે તો બાળકને અદેખાઈ કરવાનું કારણ સ્વાભાવિકપણે રહે નહિ. તેને જોઈતું ધ્યાન અપાતું હોય, તેની શારીરિક ને માનસિક જરૂરિયાતો તરફ દુલર્ક્ષ ન થતું હોય તેમજ પહેલેથી તેને વધારે પડતું માનનું સ્થાન આપવામા ન આવ્યું હોય તો ઈર્ષા ઉત્પન્ન થવાનું કારણ રહેતું નથી.

છતાં ધારો કે કોઈ પણ કારણથી ઈર્ષા ઉત્પન્ન થઈ તો તેને વખોડવાથી, નિંદવાથી કે વઢવાથી તે જતી નથી. બાળકમાં પ્રાથમિક મનુષ્યની ઘણી ખરી લાગણીઓનું ઓછા વધતા પ્રમાણમાં દર્શન થાય છે, તેમ ઈર્ષાનું દર્શન થાય તો તેને એક પ્રેમથી જ નાબૂદ કરી શકાય. મોટા બાળકના પોતાના જ ખોળામાં નાના બાળકને દઈએ; નાનાને સંભાળવાનું તેને સોંપીએ; નાનાને રમાડવામાં, તેની હીલચાલો, તેના નાના નાના હાથ—પગ વગેરે જોઈને ખુશ થવામાં વગેરેમાં જો આપણે મોટા બાળકને ભાગીદાર બનાવીએ તો ઈર્ષાને સ્થાને પ્રેમ આવી જાય છે. પછી બાળક તેની તરફ પોતાના હક્કોમાં ભાગ પડાવનાર પ્રતિસ્પર્ધી નહિ પણ પોતાનો નાનો ભાઈ કે નાની બેન કે જેની સંભાળ લેવી જોઈએ એ રીતે જોતાં શીખે એટલે વાત્સલ્યથી બાળકને રાખે છે; તેને બધું આપી દેવા તૈયાર થાય છે ને કોઈ તેને લઈ જાય કે દુઃખ દે એ તેને ગમતું નથી.

એક સાચો બનેલો દાખલો છે. એક બાઈને એક જ દીકરી. તે આઠ વર્ષની થઈ ત્યારે તેમને ત્યાં બાઈની બેનનો ચાર વર્ષનો દીકરો થોડા દિવસ રહેવા આવ્યો. પ્રથમ દીકરીના ઘણા હક્કો ઓછા થતા દેખાયા એટલે બેનને ઈર્ષા આવવા લાગી. “મારી બા પાસે હું જ સૂઈશ; બા તો પહેલાં મને જ આપે; હું કહું તેમ જ થાય” વગેરેને બદલે હવે આ શું? એમ કંઈક તેને થયું. બાઈએ બેનને જ ભાઈ સોંપી દીધો : “જો તારો નાનો ભાઈ આવ્યો છે ને ! તેની મા અહીં નથી માટે તારે તેને સાચવવો. તારી પાસે સુવરાવજે. તારી સાથે રમવા લઈ જજે ને ત્યાં તેને સાચવજે, હો.” બેનની દૃષ્ટિ આસ્તે આસ્તે ફરી ગઈ. ભાઈને નવરાવવામાં, તેને દિશાએ લઈ જવામાં વગેરેમાં તેને આનંદ પડવા લાગ્યો; બધી બાબતમાં ભાઈને સાચવવો તેને અઘરું પડવા લાગ્યું એટલે તે જ બાની મદદ લેવા લાગી. “બા હું રમવા જાઉં છું તો તું એને રાખજે હો. તારી પાસે સુવરાવજે” વગેરે. પહેલાંની ને હવેની દૃષ્ટિમાં ફેર પડી ગયો. ઈર્ષાની જગ્યાએ વાત્સલ્ય આવ્યું. બેનના હક્કો તો સાબૂત જ હતા, પણ પહેલાં પહેલાં એને લાગતું કે બા તો ભાઈ તરફ જ ધ્યાન આપે છે. તો પોતાનો નાનો ભાઈ થયા બાદ બાનું ધ્યાન આપવું બેનને ઊલટું સારું લાગવા લાગ્યું.

આમ ઈર્ષાનો ઉદ્‌ભવ થતાંવેંત તેને ધ્યાનથી ને સંભાળથી પ્રેમમાં ફેરવી નાંખવું જોઈએ, નહિ તો નાનપણના આવા નાના એવા અસમાધાન વગેરેને લીધે ઘણા માણસોની જિંદગી બગડે છે. ઈર્ષાને એક માનસિક વિકૃતિ કે રોગ ગણી તેને સારુ યોગ્ય કાળે યોગ્ય ઉપાયો કરી જ છૂટવા જોઈએ.
નાનાં બાળકો હૂંફ ઝંખે છે અને હૂંફ માત્ર રજાઈ ન આપી શકે. હૂંફ એટલે ટેમ્પરેચર નહીં, હૂંફ એટલે વાત્સલ્યના ગરમાટે માઢેલો જીવતો સ્પર્શ. ઘણા સમજુ પિતાઓને ઓચિંતો એક પ્રશ્ન પૂછવા જેવો છે; તમે તામારા દીકરાને છેલ્લે ક્યારે ભેટેલો?

— ગુણવંત શાહ