તમારી ૧૫ વર્ષની દીકરી સ્કૂલેથી રડતી રડતી આવે છે અને ફરિયાદ કરે છે કે એના વર્ગમાં એની એક ફ્રૅન્ડ એને ખૂબ સતાવે છે. એનું દફતર રફેદફે કરી નાખે છે. એનો લંચ બૉકસ પડાવી લઇને એમાંનું ખાવાનું ઝાપટી જાય છે. ટીચર આગળ એની ખોટી ફરિયાદો કરે છે. કલાસની બીજી ફ્રૅન્ડ્‌સને એની વિરુદ્ધ ચઢાવીને મિત્રતા તોડાવી નાખે છે. કોઇને એની સાથે બોલવા દેતી નથી. એની ચીજવસ્તુઓ સંતાડી દે છે. એનાં કપડાં પર જાણીબૂઝીને કલર નાખીને એને પરેશાન કરે છે. ટૂંકમાં એ તમારી દીકરીને સતાવવાનો એકય મોકો છોડતી નથી. તમે શું કરશો? સ્કૂલમાં જઈને તમારી દીકરીના ક્લાસ ટીચર આગળ ફરિયાદ કરશો? આની વિરદ્ધ લેખિત કંપ્લેઇન કરશો? એ છોકરીના ઘરે જઇને એનાં માબાપ આગળ રાવ કરશો?

તમારો દસમા ધોરણમાં ભણતો છોકરો આળસુ છે. એનામાં જવાબદારીનું જરાપણ ભાન નથી. એ પોતાનું કોઇ કમ જાતે કરવાની આદત ધરાવતો નથી. તમે રોજ શું કરશો? એની સ્કૂલ બેગ બરાબર છે કે નહીં એ દરરોજ ચેક કરી લેશો? એનો લંચ બોકસ તૈયાર કરી આપશો? એની વોટરબેગ ભરી આપશો? એના યુનિફોર્મને ઇસ્ત્રી કરી આપશો? એણે એનું હોમવર્ક કર્યું છે કે નહીં એ ચકાસી લેશો? રાત્રે સૂવા માટે એની પથારી તૈયાર કરી આપશો? એના બાથરૂમમાં સાબુ છે કે નહીં તે જોઇ લેશો? એની બધી ચીજવસ્તુઓ ઠેકાણે છે કે નહીં એની ખાતરી કરી લેશો?

આઠમા ધોરણમાં ભણતા તમારા સંતાનને સ્કૂલમાં જ હોમવર્ક આપવામાં આવે છે એવી એની ફરિયાદ છે. હોમવર્ક કરીને એ બિચારું અધમૂવું થઇ જાય છે. હોમવર્ક પૂરું કરવા માટે એને ઘણી વાર મોડે સુધી ઉજાગરો કરવો પડતો હોય છે. તમે શું કરશો — એને એના હોમવર્કમાં મદદ કરશો? એની સ્કૂલમાં જઇને એના ટીચર્સ સાથે લડી આવશો? પ્રિન્સિપાલને કાને વાત નાખશો? હોમવર્ક પૂરું ન થયું હોય તો એના ટીચર પર ભલામણની ચિઠ્ઠી લખી આપશો?

તમારા ટીનેજને ખાવાપીવાના ખૂબ જ તીવ્ર ગમા—અણગમા છે. દૂધ, શાકભાજી, કઠોળ, ભાખરી — રોટલી અને ભાત તો એને ભાવતાં જ નથી. ફાસ્ટ ફૂડનો તો એને ખૂબ જ ચટકો હોય છે. મા તરીકે તમારી જવાબદારી તમે શી રીતે પૂરી કરશો — એને રોજ મનગમતી વાનગીઓ બનાવી આપશો? ઘરનું ખાવાનું ન જ ખાય તો તમે એને બજારમાંથી મેગી કે ટોપ રેમનની નૂડલ્સ ખરીદી લાવીને પેટ ભરવાની છૂટ આપશો? રાંધેલું અન્ન ન જ ભાવે તો છેવટે ભૂખ્યું સૂઇ જવાની છૂટ આપશો? એ ડાઇનિંગ ટેબલ પર બેસે તે પહેલાં એની થાળી પીરસી આપશો?

એની બોર્ડની પરીક્ષાઓ આવી છે. તમે એની સાથે રાત્રે ઉજાગરા કરીને એને સાથ આપશો?રાત્રે એને જોઈએ તે ખાવાનું અને માગે તો ચા કોફી ગમે તે સમયે તૈયાર કરી આપશો? એ કહે તે ટાઇમે એને ઉઠાડવા માટે એલાર્મ મૂકીને સૂઈ જશો? એની પરીક્ષાઓ ચાલે એટલા દિવસ તમારી ઓફિસમાં રજા મૂકી દેશો? એને એની પરીક્ષાના સ્થાન સુધી લઇ જવા — લાવવા માટે તમારા સમયની કુરબાની આપશો? એ પેપર પૂરું કરીને બહાર આવે ત્યારે એને આવકારવા તલપાપડ બનીને એના પરીક્ષાખંડનાં બારણાં તાકયા કરશો? ઘરેથી પાથરણાં લઇને, એ પેપર પૂરું કરીને બહાર આવે ત્યાં સુધી ઊભડક્ જીવે સ્કૂલની બહાર બેસી રહેશો? એનું પેપર ખરાબ ગયું હોય તો એને આશ્વાસન આપશો? જો એ ફરિયાદ કરે કે પ્રશ્નપત્ર ખૂબ જ લાંબું હતું તો પેપર સેટરને ગાળ દેશો? સિસ્ટમને દોષ દેશો?

આ તો થોડા નમૂનાના પ્રશ્નો છે. આવા બીજા ઘણા સવાલો અને સંજોગો ઉમેરી શકાય છે. દરેક માબાપ પોતાના બાળકને ચાહતા જ હોય છે. એમાં કોઇ શંકા નથી. એનું જીવન સરળ બને, એની તકલીફો ઓછી થાય, એને કોઇ વાતે પીડા ન થાય, એનું સારામાં સારી પેઠે રક્ષણ થાય, એ જોવું એમની ફરજ છે. બધાં જ માબાપ પોતાનાં સંતાનો માટે ફૂલોનો માર્ગ બનાવવા ઇચ્છતાં હોય છે. આપણને એમ થાય કે આટલું તો આપણે એમના માટે કરવું જ પડે. આ તો આપણી ફરજ છે. આ કુદરતી પણ છે. સવાલ એ છે કે આમાં આપણાં સંતાનોનું ભલું છે ખરું?

એ હવે બાળક નથી રહ્યું !

બાળક હોય ત્યાં સુધી બરાબર, પણ એક વખત એ બાળપણનો ઉંબરો મૂકે અને કિશોરાવસ્થામાં પગ મૂકે પછી આપણું આ પ્રકારના વર્તન—વલણથી એની જિંદગીની કેળવણીમાં કચાશ રહી જવા સંભવ છે. હવે એ કંઇ બે—પાંચ વર્ષનો કીકો નથી કે તમે એને ડાયપર બદલી આપો, નવરાવી આપો, શરીર લૂછી આપો, એના કપડાં બદલાવી આપો, અને એના મોંમાં કોળિયા પણ ભરાવો! તરુણ સંતાન તો હવે પુખ્ત બનવા જઇ રહ્યું છે. આ એનો ઈન્ટર્નશીપનો — એટલે કે જિંદગીની ટ્રેનિંગનો સમય છે. એને આત્મનિર્ભર બનવા દો. એનું સઘળું કમ એની જાતે કરવા દો. જવાબદારીના પાઠ શીખવા દો. થોડીઘણી તકલીફો ઉઠાવવા દો. એની જિંદગીની સમસ્યાઓ એને એની જાતે સમજવા દો, ઉકેલવા દો. જરૂર પડશે તો એ તમારી મદદ માગશે. એ પાણી માંગે તો એના માટે દૂધની કોથળી હાજર ન કરી દેશો. સ્કૂલમાં એના માટે લડવા ન પહોંચી જશો. એના વતી એની જિંદગીનો રસ્તો તૈયાર ન કરી આપશો કે ન એ રસ્તા પર એના વતી ચાલી પણ આપશો. આમ કરવામાં તો એનો જીવન વિકસ રુંધાશે. એ પાંગળું બની જશે. આજે આપણે આમ કરીએ છીએ કેમ કે આપણી પોતાની અંદર ધીરજનો અભાવ છે. આપણે કદાચ સમય બચાવવા જઈએ છીએ. જો બધું એના પર છોડી દઈએ તો સમય અને શકિતનો વ્યય થાય એ આપણને પસંદ નથી. એ ભૂલો કરે તે આપણને પરવડે તેમ નથી. પણ પાયાની વાત એ છે કે એની જિંદગીની મજલ એણે જાતે કાપવાની છે. આપણું — માબાપનું — આ કામ નથી.

જે માબાપ આવું કરે છે એ પોતાના સંતાનની ભાવી જિંદગી માટે આપત્તિઓ પેદા કરી આપે છે. આજે આપણા ઘરમાં આપણે એને સંપૂર્ણ સુરક્ષિત રાખીએ છીએ. પણ ઘરનો ઊંબરો છોડશે ત્યારે એને આવું સુંવાળું વાતાવરણ મળવાનું નથી. માબાપનો ખોળો એને ઘરની બહાર કયાંય મળવાનો નથી. જ્યારે એને જગતની વાસ્તવિકતાઓનો સામનો કરવાનો આવશે ત્યારે જ ખરી મુશ્કેલી ઊભી થશે. ઘરમાં છે ત્યાં સુધી તમે એમ કહેશો કે છોકરી ભણે છે તો ભણવા દો. એની પાસે ઘરકામ શા માટે કરાવવું જોઈએ? પણ પરણીને સાસરે જશે ત્યારે એનાં સાસુ — સસરા એની સાથે એનાં માબાપ જેવું કૂણું વલણ ધારણ નહીં કરે. ઓફિસમાં કામ કરશે ત્યારે એના બોસ પપ્પા જેવા નહીં હોય. મમ્મી—પપ્પાએ લાડકોડથી કરેલા ઉછેરને લીધે કડવા વેણ સાંભળવાની અને ટીકા સહન કરવાની એની ક્ષમતા નહીં કેળવાય. ઘરમાં બધું જ તૈયાર મળ્યું હોય ત્યારે કયાંય મહેનત કરવામાં એનાં મોતિયા મરી જશે. આવું બધું બનશે ત્યારે મમ્મી કે પપ્પા પરિસ્થિતિને સંભાળવા પાસે આવીને નહિ ઊભી શકે. માબાપનો આજનો ટૂંકી દૃષ્ટિનો ઉછેર આગળ ઉપર એના માટે કેટકેટલી મુશ્કેલી ઊભી કરી શકે છે એનો ખ્યાલ રાખવો અત્યંત જરૂરી છે. જો તમે એને આત્મનિર્ભર અને ક્ષમતાવાન બનાવવા ઇચ્છતાં હો તો આજે એને એનું કામ જાતે કરવા દો. ભણવા સિવાયની બીજી બાબતોમાં પણ એને તાલીમ આપો. કેવળ ભણીને સારામાં સારી ડિગ્રી સાથે બહાર નીકળવાથી જીવનમાં સફળતા અને સુખની ખાતરી આપી શકાતી નથી. ભણવા સિવાય એણે બીજાં પણ અનેક જીવનલક્ષી કૌશલ્યો શીખવાં જરૂરી છે. સ્કૂલ અને કોલેજ આ કમગીરી નહીં કરે; માબાપનું એ કામ છે. જો આપણે એના માટે આ બધું કરતાં રહીએ તો એને આની ટેવ નહીં પડે. એને બદલે આપણે એને સખત પરિશ્રમ કરવાની આદત પાડીએ. જો આજે આપણે એની જિંદગી સરળ બનાવવા જઈએ તો એની આવતી કાલ માટે મુસીબત ઊભી કરી આપીશું. એના વતી બધી જ મહેનત આપણે કરતા રહીએ એ પ્રકારના ઉછેરનો દૃષ્ટિકેણ તો ખામી ધરાવે છે. આ રીતે એ જીવનભર કદી જવાબદારી, શિસ્ત અને નિર્ણયશકિત કેળવી જ ન શકે. એને એના કૃત્ય અને પરિણામની વચ્ચેનો સંબંધ જોવાની ટેવ જ નહીં પડે.

એને પોતાના વર્તન અને એનાં પરિણામની વચ્ચેનો સંબંધ જોતા શીખવો

મોટા ભાગનાં તરુણોની માનસિકતા પરિણામો અને જવાબદારીઓથી છટકવાની રહે છે. કેમ કે એ રીતે એમનો ઉછેર થાય છે. એ કદી એમના વર્તન (હું જે કરું છું) અને એના પરિણામ (જેનું ફળ મારે ભોગવવું પડે છે) — આ બેની વચ્ચે સંબંધ જોડતાં નથી. ઉદાહરણ તરીકે, “અવિચારીપણે વાહન ચલાવવાથી અકસ્માત થયો અને એને લીધે મારો પગ ભાંગ્યો” એવું કબૂલ કરવાને બદલે એ એમ કહીને પોતાનો બચાવ કરી લેશે કે રસ્તામાં કૂતરું આવી ગયું”, “એક ઘરડા કાકા રસ્તાની વચ્ચે આવી ગયા એમને બચાવવા ગયો ને એકિસડન્ટ થઇ ગયો.” આવી માનસિકતાથી જીવવાને લીધે એ પોતાની કાર્યશકિતમાં વિશ્વાસ ખોઈ બેસે છે અને નસીબમાં માનતાં થઈ જાય છે. લાચારી ભોગવતાં થઈ જાય છે. પોતાની નિષ્ફળતા માટે બીજાને દોષ દેતાં થઈ જાય છે. જેમ કે પરીક્ષામાં નબળું પરિણામ આવે તો પેપર અઘરું હતું, કોર્સ બહારના પ્રશ્નો હતા, ટીચર બરાબર ભણાવતા નથી, આપણી એજ્યુકેશન સિસ્ટમ જ બરાબર નહોતી, લાગવગ ઘણી ચાલે છે, વગેરે અનેક બહાનાં કાઢશે, પણ “મારી તૈયારી જ બરાબર નહોતી” એવો એ સ્વીકાર નહીં કરે! માબાપ જ એમની આ માનસિકતાને પોષતાં હોય છે. આપણા જીવનમાં ક્ંઈપણ ખરાબી થાય તો આપણે નસીબનો વાંક કાઢીએ છીએ. સિસ્ટમની ખોડ કાઢીએ છીએ. બીજાઓની ઊણપ જોઈએ છીએ. પણ આપણી પોતાની જવાબદારી એમાં જોવા ટેવાયેલાં નથી. આ ખામી આપણા ઉછેરમાંથી આપણી અંદર ઘર કરી જાય છે. યુવાનીના ઘડતર કાળમાં આપણી જે માનસિકતા કેળવાય છે એ પછીની જિંદગી જીવવા માટેનું ભાથું બની જતી હોય છે.

એના બદલે તરુણોને એમના વર્તન અને પરિણામની વચ્ચે સંબંધ જોતાં શીખવો. આનાથી એમનો એમની જિંદગી પર કાબૂ આવે છે. એ પ્રારબ્ધવાદી મટીને પુરુષાર્થવાદી બને છે. મહેનત કરવાથી અને કળજી રાખીને જીવવાથી સારું પરિણામ આવે છે અને બેદરકારીથી વર્તવાથી તેમ જ આળસુ બની રહેવાથી માઠું ફળ નીપજે છે. વળી બીજાના ભરોસે બેસી રહેવામાં ભલીવાર નથી. આ તથ્યો જેટલાં વહેલાં એમના શીખવામાં જાણવામાં આવે એટલું સારું છે. સરવાળે તો દરેક જણે પોતાની જિંદગી પોતે જાતે જ જીવવાની છે અને પોતાનું યુદ્ધ જાતે જ લડવાનું છે. કોઇ બીજું આ કરી શકતું નથી. માબાપે સંતાન માટે આમ શા માટે કરવું જોઈએ? દરેક યુવાને એ જીવનમૂલ્ય શીખવું જોઇએ કે “હું પુરુષાર્થથી મારા જીવનમાં શુભ ફળ ઉત્પન્ન કરી શકું છું. મારી જ ગફલતથી આપત્તિ પેદા થાય છે. આ સઘળાનો આધાર મારા પર છે. હું મારા સુખ અને સફળતા માટે જવાબદાર છું. હું જ મારો ભાગ્ય નિર્માતા છું.”

એને પાંગળું ન બનાવશો

દરેક માબાપ એના સંતાનનું કઠણાઈ સામે રક્ષણ કરવાની ઇચ્છા ધરાવતા હોય છે. કંઈપણ થાય તો તરત જ એ 4ઢાલ અને છત્ર લઈને ઊભાં થઈ જાય છે. એને કશી તકલીફ પડવા દેતાં નથી. આ સ્વાભાવિક પણ છે, પણ તે બાળકના હિતમાં નથી. એને ભૂખ લાગે એ પહેલાં તમે એના મોંમાં કોળિયો ભરી દો. એ માગે એ પહેલાં એને કપડાં ખરીદી આપો. એની જરૂરિયાત કરતાં વધારે પોકેટ મની આપી દો. “એની સલામતી માટે જરૂરી છે” એમ કહીને એને મોંઘાદાટ મોબાઈલ લઈ આપો. “ટયુશનની દોડાદોડ કરીને થાકી જશે” એમ કહીને એને સ્કૂટી કે એક્ટિવા લઈ દો. “ખાશે નહીં તો માંદો પડશે અને ભણશે શી રીતે?” એમ માનીને એ જ્યાં પણ જાય ત્યાં આખેઆખું રસોડું એની સાથે લઈને ફરશો. આ રીતે તો એની દયા ખાઈ—ખાઈને તમે એને પાંગળું બનાવી દેશો. નાનું હોય ત્યારે આપણે એને કપડાં અને રમકડાંમાં મહાલતાં શીખવીએ છીએ અને મોટું થાય ત્યારે એને જવાબદારીનું ભાન આવે તે પહેલાં તો મોબાઈલ અને ટૂ વ્હીલર વાપરતાં કરી દઈએ છીએ. પરિણામે એ એવું માનતું થઈ જાય છે કે સુખ પૈસામાંથી આવે છે કે એકમેકથી ચડિયાતી ચીજવસ્તુઓ પાસે હોય તો જ મળી શકે છે. ખરેખર આવું નથી એની આપણને પણ ખબર છે અને છતાં આપણાં સંતાનોને અનેક મોંધીદાટ ચીજવસ્તુઓ ખરીદી આપીને આપણે એમને પણ ભૌતિકવાદી અને ઉપભોક્તાવાદી બનાવી દઈએ છીએ. આપણે જ એમને પૈસા અને ચીજવસ્તુઓની છોળ વચ્ચે જીવતાં કર્યાં, જિંદગી એમના માટે ખૂબ જ આસાન કરી મૂકી અને એક એવા ભ્રમક જગતનું ચિત્ર એમના મનમાં ખડું કર્યું છે કે જ્યાં પૈસાથી બધું જ ખરીદી શકાય છે એવી જુઠ્ઠી માન્યતા એમના મનમાં પોષી. આપણે જ નાણાંની છોળથી એમને માટે પરીક્ષાના પેપરો અને પરિણામ ખરીદી આપીએ છીએ, વાહન ચલાવતાં એનાથી કોઈ ગુનો થઈ જાય તો ટ્રાફિક પોલીસને લાંચ આપીને એમને બચાવી લઈએ છીએ, ગંભીર અપરાધ કરે તો આપણી સઘળી વગ વાપરીને એમને છોડાવી આવીએ છીએ, એમના જીવનમાં કોઈ આપત્તિ આવી પડે તો એમાંથી છૂટવા માટે એમને જાતે તાર્કિક રસ્તો કાઢતાં શીખવવાને બદલે વ્રતઉપવાસ અને બાધાઆખડીઓનો આશરો લેતાં હોઈએ છીએ. જીવનમાં સફળતા અને સુખ માટે કોઈ શોટૅકટ હોતો નથી એની આપણને ખુદને ખબર છે અને છતાં એમના માટે આપણે આપણી બધી જ નીતિઓને નેવે મૂકીને ચાલીએ છીએ. એક બાજુ આપણે એમને સખત પરિશ્રમ કરવાનો અને નીતિના માર્ગે ચાલવાનો ઉપદેશ આપીએ છીએ અને બીજી બાજુ આપણે જ એમના માટે જાહોજલાલીનો એવો માહોલ ઊભો કરી દઈએ છીએ કે જેના માટે એમને લગીરે મહેનત કરવી પડતી નથી.

સંતાનોની જરૂરિયાતો પૂરી કરવામાં કશું ખોટું નથી. પણ એ જે માગે કે ઇચ્છે એ બધું જ એમને લઈ દેવું કંઈ જરૂરી હોતું નથી. એમને જરૂરિયાત અને ભોગવિલાસની વચ્ચેનો તફાવત નક્કી કરતાં આવડવું જોઈએ. દસમા અને બારમા ધોરણમાં — કે પછી કોલેજમાં — ભણતા છોકરા માટે મોબાઈલ જરૂરિયાતની ચીજ નથી જ. અને છતાં આપણે એક બાજુ હોંશે હોંશે એને એ લઈ આપીએ છીએ અને બીજી બાજુ એ એનો દુરુપયોગ કરે છે એવી ફરિયાદ પણ કરીએ છીએ. આપણે જ એને બગાડનારાં છીએ. એક વાત યાદ રાખીએ કે એને જે ચીજની જરૂર નથી હોતી તે જો એને લઈ આપીશું તો તે આપણા માટે જ માથાનો દુઃખાવો બની જશે. ખેદની વાત એ છે કે માબાપ જ નક્કી કરી શકતાં નથી કે એમનાં સંતાનને શાની જરૂર છે અને કઈ ચીજવસ્તુઓ એને માટે કેવળ મોજમજાનું સાધન છે? એની જરૂરિયાતથી વધારે કોઈ ચીજ એની પાસે જમા થઈ ગઈ હોય તો એ પણ પછી તો લક્ઝરી બની જાય છે. એ પહેરી શકે એનાથી વધારે કપડાં એના વોર્ડરોબમાં જમા થઈ ગયાં છે? તમે એને કેટલા પોકેટ મની આપો છો — અને સામે પક્ષે એની રોજિંદી જરૂરિયાત કેટલી હોય છે? એ છેલ્લામાં છેલ્લા મોડેલનો મોબાઈલ ફોન કે નવામાં નવું અમુક ઈલેક્ટ્રોનિક ગેજેટ લઈ આપવા માટે તમારી આગળ જીદ કરે છે? એના કોઈ ફ્રેન્ડ પાસે છે માટે એને અમુક વસ્તુ જોઈએ છે ને જોઈએ જ છે, એવી એની મમત હોય છે? તમે એને જે પણ ચીજવસ્તુ લઈ આપો છો એ બદલ એ તમારો આભાર માને છે કે પછી એને એ પોતાનો અધિકાર સમજીને ચાલતો હોય છે? આ બધા મુદ્દાઓ પર આપણે સ્થિર બુદ્ધિથી વિચાર કરવો જરૂરી છે.

થોડા નિયમો

તરુણ વયનાં સંતાનની કોઈપણ માંગણી સંતોષતી વેળાએ આપણે અને એણે કેટલીક આચારસંહિતાનું ચુસ્ત પાલન કરવું જરૂરી છેઃ

૧. તમને પરવડતી હોય તો પણ એને મોંઘામાં મોંઘી કે સૌથી લેટેસ્ટ વસ્તુ લઈ આપવી જરૂરી નથી.

૨. કોઈપણ માંગણી પૂરી કરવા માટે અમુક વખત એને રાહ જોતાં શીખવવું જોઈએ, તરત જ એ પૂરી કરવી કંઈ જરૂરી નથી.

૩. પોતાની કોઈપણ માંગણી પૂરી કરાવવા માટે એ જીદ કે ત્રાગાંનો માર્ગ નહીં લે. એને બદલે એ મમ્મી—પપ્પા સાથે બેસીને પરસ્પર ચર્ચા—વિચારણા દ્વારા જ રસ્તો કાઢે એવો આગ્રહ રાખીએ.

૪. અમુક વસ્તુ મેળવવા માટે એણે અમુક નિશ્ચિત ક્રેડિટ એકઠી કરવી પડે એવો એક નિયમ કરો. દાખલા તરીકે, મોબાઈલ ફોન લેવો હોય તો એણે પરીક્ષામાં નક્કી કરેલું પરિણામ લાવીને પોતાની જાતને પુરવાર કરી બતાવવી પડશે. મિત્રો સાથે બર્થ ડે ઊજવવાની એની રજૂઆત હોય તો એ માટે ઘરમાં અને કૌટુંબિક અમુક કામોમાં નિયમિત રીતે મદદ કરવાની રહેશે, અથવા સોંપવામાં આવતી કેટલીક જવાબદારીઓ પાર પાડવાની રહેશે. એ જેટલા રિવોર્ડ પોઈન્ટ્‌સ એકત્ર કરશે એ અનુસારની જ ચીજવસ્તુઓ મેળવવા માટેનો હકદાર બનશે. કેવળ અધિકારના નાતે એને કોઈ ચીજ નહીં જ મળે.

૫. પોતાની ઇચ્છાઓ અને માંગણીઓ પૂરી કરાવવાની સાથે એણે જબાવદારીની ભાવનાથી પણ વર્તવાનું રહેશે એવો આગ્રહ રાખવો જરૂરી છે. નવું વાહન લઈ આપીએ તો ટ્રાફિકના નિયમોને અનુસરીને તે ચલાવવું, એની વખતોવખત જાળવણી કરવી, વખતોવખત પેટ્રોલ—હવા ઈત્યાદિ ભરાવવાની એની જવાબદારી રહેશે, એવી એની સાથે અગાઉથી શરત કરીને ચાલવું ઉપયોગી થઈ પડશે.

૬. એની ચાલાકીનો તમે ભોગ ન બની બેસો એની કાળજી રાખશો. ઘણી વાર મમ્મી કે પપ્પા બેમાંથી કોઈ એક જો એને જોઈતી ચીજ લઈ આપવા માટે નન્નો ભણશે તો એ બીજા પાલકની પટ્ટી પાડીને પોતાની ઇચ્છા પૂરી કરવાનો માર્ગ લેશે. એને એની આ યુક્તિમાં ફાવવા નહીં દેવાની માબાપ તરીકે સતત ચીવટ રાખવી જરૂરી છે.

૭. એને કાનૂનનો આદર કરવાનું ખાસ શીખવશો. જો કાયદેસરનું ડ્રાઈવિંગ લાયસન્સ મેળવવાની એની પાત્રતા ન થઈ હોય તો એને વાહન ન લઈ અપાય. ટ્રાફિકના ગુનામાં પકડાય તો પોલીસને લાંચ આપીને એને છોડાવાય નહીં.

૮. એ શહેર અને દેશનો ઉત્તમ નાગરિક બને એવી એને તાલીમ આપીએ. સ્વચ્છતા જાળવવી, શિસ્તનું અને કાયદા—કાનૂનનું પાલન કરવું, નિયમોનો આદર કરવો, અન્યની જરૂરિયાતને પ્રાથમિકતા આપવી, વૃદ્ધો અને બાળકોને રક્ષણ આપવું, જરૂરિયાતમંદોની સેવા કરવી, પાણી અને પર્યાવરણનું જતન કરવું, વગેરે બાબતોની તાલીમ યુવાનીનાં વર્ષો દરમિયાન થવી જોઈએ.

એમને સાચી રીતે વિકસવા દો. એમને જિંદગી અને જગતની ઊંચી ઊડાણ કરવા દો. એમનું જીવન સરળ બનાવીને એમને પાંગળાં કદી ન બનાવશો.