સર્જનાત્મકતા, પ્રોબ્લેમ સોલવિંગ જેવી સ્કિલ્સ માટે “કલ્પના” એ પાયાની જરૂરિયાત છે.

આવનારા સમયમાં સ્ટેપ બાય સ્ટેપ, રિપિટેડ રીતે તૈયાર થતાં બધાં કાર્યો તો રોબોટ કરી લેશે.

નવાં સંશોધન—ઈનોવેશન કરવા માટે, સર્જનાત્મક રીતે વિચારવા માટે કલ્પના— શક્તિ એ પહેલું પગથિયું છે.

નાસાના એક વિજ્ઞાની જણાવે છે કે આપણી શૈક્ષણિક વ્યવસ્થાના કારણે બાળકોની મૌલિક રીતે વિચારવાની શક્તિ ૪ થી ૫ વર્ષની વય સુધીમાં જ નષ્ટ થઈ જાય છે.

આપણી પ્રાથમિક શાળાઓમાં બાળકની કલ્પનાશક્તિ ખીલવા માટે કોઈ જગ્યાઓ નથી. આપણે બાળકોને ફ્ક્ત માહિતીકીય અને ક્લોઝ્‌ડ એન્ડેડ જવાબો વિચારવાની સૌથી ઓછી તકો આપીએ છીએ.

અહીં ૩ થી ૧૧ વર્ષનાં બાળકો સાથે કલ્પનાશક્તિ ઉપર કામ કરી શકાય તેના કેટલાક નુસ્ખાઓ આપ્યાં છે, જે પ્રાથમિક શાળાાના શિક્ષકો તથા વાલીઓ પોતાનાં બાળકો સાથે અપનાવી શકે છે.

તમારી કલ્પનાનું મુખ્ય નાયકનું પાત્ર બનાવો.

તમારી કલ્પનાનું પ્રાણી બનાવો, તેનું નામ પાડો તે ક્યાં રહેતું હશે, શું ખાતું હશે, કેવી રીતે સૂઈ જતું હશે તે વિષે વિચારો અને કહો.

તમારે કોઈકને ગાયબ કરી દેવાનું હોય તો કોને ગાયબ કરો? તમે ૨૦ ફૂટ ઊંચા થઈ જાવ તો શું કરો?

જો ચોકલેટનો વરસાદ પડે તો., જો બધાનાં ઘર કાચનાં હોય તો… જો બધાને ગુસ્સો જ ન આવે તો… જો બધાનાં ઘર રૂપિયાથી ભરાઈ જાય તો.. આવી પરિસ્થિતિ વિષે વિચારો અને આગળ ચલાવો.

કપડાં નીચે કોઈ વસ્તુ સંતાડી દો અને કઈ વસ્તુ હશે તે બાળકોને વિચારવા માટે કહો.

બાળકોને ઉખાણાં પૂછો, ઉખાણાં બનાવવા માટે કહો.

જે વસ્તુઓની જાહેરાત ન આવતી હોય એની એડ બનાવવાની.

વાર્તા કે પાઠમાંથી કોઈપણ પ્રકારના પ્રશ્નો પૂછવા.

કાર્ડબોર્ડ અને બીજા મટીરીઅલ સાથે ટિન્કરિંગ અને મેકિંગ(સુધારવું અને બનાવવું) ની પ્રવૃત્તિઓ કરાવવી.

નાટક દ્વારા

ઈમ્પ્રોવ થીએટરની રમતો રમાડી શકાય.

દાખલા તરીકે બાળકો પહેલાં કોઈ એક સ્થાન લઈ લે અને પછી શિક્ષક તેમને કોઈ એક પરિસ્થિતિ આપે જેમકે તમે બસ ડેપો ઉપર રાહ જોઈ રહ્યાં છો, તમારા ઘરમાં આગ લાગી છે—પછી બાળકોએ આ પરિસ્થિતિની કલ્પના કરીને જ્યારે શિક્ષક કહે ત્યારે તરત જે આવે તે સંવાદ બોલવાનો રહે છે.
તમારી આસપાસની નિર્જીવ વસ્તુ લઈ આવો જેમકે એક છોકરો પેન લાવ્યો અને બીજો છોકરો નોટબુક લાવ્યો. હવે પેન અને નોટબુકનો સંવાદ રચો. બંનેને એકબીજા સાથે વાતો કરાવો.

શિક્ષક પરિસ્થિતિ આપે જેમકે “બરફવાળો પ્રદેશ અને ત્યાંની રાત”. હવે આ જગ્યાએ આ સમયે કયું પાત્ર હશે એ બાળકોએ વિચારવાનું અને એનું નામ શું હશે, એ કેવું બોલતું હશે, એનાં કપડાં કેવાં હશે એ બધું જ બાળક નક્કી કરે.

કાર્ડબોર્ડ, કંપાસ બોક્સ, આસપાસ દેખાતી ગમે તે વસ્તુમાંથી પપેટ(કઠપૂતળી) બનાવીને રમવું, વાતો કરાવવી.

બાળકોને પપેટ(કઠપૂતળી)નો કાર્યક્રમ બતાવવો.

વાર્તાના પાત્ર કરતાં ઊંધું વર્તન કરવું, પાત્ર ચાલતું હોય તો આપણે ઊડવાની એક્ટિંગ કરવાની.

તમારી આસપાસ રહેલી નિર્જીવ વસ્તુઓમાંથી વાર્તા બનાવો જેમકે સ્કૂલ બેગ બોલતી હોય, કંપાસ બોક્સ બોલતું હોય એવી વાર્તા.

પ્રાણીઓ કેવું નાચતાં હશે કેવું ચાલતાં હશે એવો અભિનય કરવાની અને એને વાર્તામાં ગૂંથી લેવાનું.

વાર્તા દ્વારા

વાર્તા કહ્યા પછી બાળકો વાર્તામાંનાં અમુક પાત્ર દોરે, અમુક દૃશ્ય અથવા અમુક જગ્યાઓ દોરે.

બાળકોને કોઈ ત્રણ શબ્દો આપો (જેના વચ્ચે કોઈ સંબંધ ના હોય તેવા) જેમકે કીડી, મોબાઈલ, પાકીટ. હવે આ શબ્દોમાંથી વાર્તા બનાવવાનું કહો.
વાર્તામાં કોઈ દૃશ્યનું વર્ણન થતું હોય ત્યારે બાળકોને એ દૃશ્યની વિગતો પૂછવાની કે એમાં બીજું શું હશે… જેમકે “એક મોટો બંગલો હતો. બંગલામાં બહુ બધી ગાડીઓ હતી, કાચનાં બારી બારણાં હતાં… પછી બીજું શું હોય તમને ખબર છે?” દૃશ્યની પૂર્ણ વિગત બાળકો પાસે કરાવવાની.

બાળકોને એકદમ કલ્પનાથી ભરપૂર વાર્તા સંભળાવો (કોઈ નવા જ પ્રદેશની કથા, કોઈ નવા પ્રકારના પ્રાણીની કથા)

અધૂરી વાર્તા કહેવાની પછી આગળની વાર્તા બાળકોને પૂરી કરવા માટે કહેવાનું.

વાર્તા કહેવાની પછી વચ્ચેથી થોભવાનું અને બાળકોને પૂછવાનું આગળ શું થશે?

વાર્તાનું કોઈ પાત્ર વાર્તામાં ન બતાવી હોય એવી પરિસ્થિતિમાં શું કરતું હશે એ બાળકો સાથે મળીને વિચારવાનું અને તેનો અભિનય કરવો.

વાર્તાની અમુક પરિસ્થિતિનાં ગીતો બનાવવાનાં જેમકે વરસાદ પડતો હશે ત્યારે આ પાત્ર કેવું ગાતું હશે.

ચિત્ર દ્વારા

ચિત્ર જુઓ અને ગપ્પાં મારો.

ચિત્રમાં મુખ્ય વસ્તુઓ જ દોરેલી હોય. બાળકોએ ચિત્રમાં બીજું શું ઉમેરી શકાય, શું બદલી શકાય, પૂર્ણ વિગત ક્યાં કરી શકાય, એવું કાર્ય આપવું જોઈએ.

ચિત્રમાં આવતાં પાત્ર શું વાતો કરતાં હશે તે બાળકો જણાવે.

અડધું ચિત્ર બતાવો અને અડધું ચિત્ર પોતાની કલ્પનાથી વિચારવા માટે કહો.

ચિત્રમાં કોઈ પાત્ર હોય તો એનું નામ પાડો, એ ક્યાંથી આવ્યો હશે, કયાં જતો હશે એ બધું વિચારો.

મ્યુઝિક અને મુવમેન્ટ દ્વારા

વિવિધ ધૂન સંભળાવીને બાળકોને ગીત ઓળખવા કહેવાની.

કોઈ કવિતાની ધૂન બેસાડવાની પ્રક્રિયા શિક્ષક અને બાળકોએ સાથે કરવાનું.

કોઈ એક ગીતને બીજા ગીતના રાગમાં ગાવાનું.

એક ગીતને જુદા જુદા ત્રણ ઢાળમાં / ત્રણ રીતે ગાવાનો પ્રયત્ન કરવો.

કોઈ પણ કવિતા ઉપર નૃત્ય કરવું, પોતાના અભિનય બનાવવા.

કોઈ ગીતમાં આવતા શબ્દો ઉપરથી બેઠેબેઠા અભિનય બનાવીને નૃત્ય કરવો.

સંગીતનાં વિવિધ વાદ્યો સાથે ધૂનના થોડા પ્રયોગો, ધૂનની સાથે ગાવાનું, અડધી ધૂન વગાડી અડધી માટે પોતાનું કંઈક નવું કરવાનું.

અને ઓડિયો દ્વારા

ડિઝનીના કાર્ટૂન બતાવવાનાં વચ્ચે અટકાવવું અને આગળ શું થશે એ પૂછવાનું.

આસપાસની વિવિધ વસ્તુઓનો અવાજ રેકોર્ડ કરવો અને એ અવાજ શેના જેવો સંભળાય છે એની કલ્પના કરવી.

વિડિયોમાંથી કોઈપણ પ્રશ્નો પૂછવા.

એકદમ કલ્પનાથી ભરપૂર ફિલ્મો બતાવવાની.

કલ્પનાથી ભરપૂર ચિત્રો પણ દેખાડી શકાય.