દરેક મા—બાપ, શિક્ષિકે અને વાલીઓ પોતાનાં બાળકો પ્રત્યે સાચી સમજ કેળવે, તેમનાં કુદરતી વૃદ્ધિ, વિકસ અને જરૂરતોને ઓળખે તો બાળકોનો સર્વાંગી વિકસ થઈ શકે છે. બાળકો વિશ્વભરનાં રંગબેરંગી ખુશ્બુદાર પુષ્પોમાં સૌથી અધિક સુંદર અને સુગંધી પુષ્પો છે. બાળકને ઉછેરવું એ એક કળા છે. અને માતા—પિતા બાળકના પ્રથમ શિક્ષકો છે. બાળકના સ્વભાવ, રુચિ, રસ, ટેવો અને સર્જનાત્મકતા ઉપર વાતાવરણની ઘણી અસર વર્તાય છે. આધુનિક પ્રયોગો પરથી સિદ્ધ થયું છે કે વાતાવરણની અસર દ્વારા બુદ્ધિ આંકમાં વધારો કરી શકય છે. તેથી બુદ્ધિશાળી બાળકોની ઝંખના રાખતાં માબાપે બાળકોને સુરુચિપૂર્ણ, પ્રગતિશીલ, સાહસપૂર્ણ અને પડકારભર્યું વાતાવરણ પૂરું પાડવાના પ્રયાસો કરવા જોઈએ.

સર્જનાત્મકતા એટલે મૌલિકતા, અસલપણું, કલ્પનાશકિત, જુદું વિચારવાની આવડત, વસ્તુઓ ભેગી કરી નવું સર્જવાની કળા.

સર્જનાત્મક બાળક કોને કહી શકાય?

જે બાળક જિજ્ઞાસાવૃત્તિ ધરાવતું હોય, જે પ્રશ્નો પૂછી શકે. જે એક સમસ્યાના વધુ ઉકેલ લાવી શકે, પ્રશ્નોનો અજોડ અસામાન્ય જવાબ આપી શકે, પોતાની વાત અને વિચારો ખુલ્લાપણે રજૂ કરી શકે, જૂથથી કંઈક જુંદું કરવાની વિચારધારા ધરાવતું હોય, જે સાહસિક હોય અને જેને જોખમ લેવું ગમે. જે કલ્પનાશકિતમાં રાચે, જે અજોડ વાર્તાઓ, ગીતો બનાઈ શકે અને નવી—નવી યુકિતઓ વાપરી શકે, જેની પાસે બહુ જ નવા વિચારો અને યોજના હોય, જેને કળા, સંગીત, વિવિધ રમતોમાં વધુ આનંદ આવતો હોય, જેનામાં બદલાવ સ્વીકારવાની આવડત હોય તેવાં બાળકોને આપણે સર્જનાત્મક બાળકો કહી શકીએ.

બાળકોમાં રચનાત્મક કાર્ય, સર્જનાત્મક કાર્ય, સર્જનપ્રવૃત્તિ કરવાની વૃત્તિ ઘણી પ્રબળ હોય છે. તેઓ આજુબાજુની પરિસ્થિતિમાંથી અનુકરણ કરીને કંઈક નવું ઇચ્છે છે. રમકડાં આમતેમ ગોઠવીને કંઈક નવું સર્જન કરે છે. ઘરમાં પડેલા ટેબલ કે સ્ટુલ પર કેટલીક વસ્તુઓ જુદી—જુદી રીતે ગોઠવશે, કપડાંની ગડી વાળશે, કાગળમાંથી કશુંક બનાવશે, ચિત્ર દોરશે, રમકડાં ભેગાં કરી વાર્તાઓ બનાવશે. આ બધી ક્રિયાઓમાં પ્રબળ સર્જન — શક્તિ દેખાય છે. જોકે શરૂઆતમાં બાળક વિસર્જન (ખંડન) પણ કરે છે. પણ એક માતા—પિતા તરીકે તેને બહુ સ્વાભાવિક ગણીને પ્રેરણા આપવી જોઈએ, આમ કરવાથી બાળકની સર્જનવૃત્તિ સંતોષાય છે અને પરિણામે તેના વ્યક્તિત્વનો વિકાસ થાય છે.

બાળક સર્જનાત્મક કયારે બની શકે?

આપણે જાણીએ છે તેમ મગજના બે ભાગ હોય છે. ડાબી બાજુ અને જમણી બાજુ. મગજની ડાબી બાજુ ભાષા, તર્કશાસ્ત્ર, ઝીણવટભરી તપાસ અને લેખન—વાંચન સાથે સંકળાયેલી હોય છે. જ્યારે જમણી બાજુ રચનાત્મકતા અને સર્જનાત્મકતા સાથે સંકળાયેલી હોય છે. આપણે સોસાયટીમાં મોટાભાગના લોકો મૌખિક અને ડાબી બાજુની આવડતને વધારે મહત્ત્વ આપીએ છીએ અને આજના ભણતરમાં પણ એ દેખાય છે. બાળકના મગજનાં આ બંને પાસાંનો વિકસ થવો જોઈએ. તો જ બાળકોનો સર્વાંગી વિકસ થયેલો ગણાય.

સર્જનાત્મકતાનું મહત્ત્વ

સર્જનાત્મકતા દ્વારા બાળક પોતાના વિચારો અને જ્ઞાનને રજૂ કરી શકે છે. રંગો, ડિઝાઈન, આકારો અને વિવિધ વસ્તુઓ દ્વારા પ્રયોગ કરતા શીખે છે. પોતાની લાગણી અને ભાવના વ્યકત કરી શકે છે. કશું પ્રાપ્ત કર્યાની ખુશી અને સંતોષ મેળવે છે. નાના/મોટા સ્નાયુઓનો વિકસ થાય છે. ભાષા દ્વારા વ્યકત ન કરી શકાતી લાગણીઓ અને વિચારો વ્યકત કરી શકે છે. શબ્દભંડોળમાં અને આત્મવિશ્વાસમાં વધારો (કંઈક કર્યાનો આનંદ) થાય છે.

બાળક સર્જક કયારે બની શકે?

બાળકોને વિવિધ અનુભવો આપવા જોઈએ, જે તેમના મગજની ડાબી અને જમણી બાજુ વિક્સાવી શકે.

વિવિધ જાતની વસ્તુઓ આપવી જોઈએ (જે પણ ઘરમાં હોય) જેના દ્વારા બાળકની કલ્પનાશકિત જાગૃત થાય.

પાંચેય ઇન્દ્રિયોનો વિકસ થાય તેવી વસ્તુઓ બાળકને આપવી જોઈએ.

બાળકોને સમસ્યાઓ આપવામાં આવે જેના વિવિધ ઉકેલ બાળકોએ શોધવાના હોય.

વસ્તુઓ જેના મલ્ટિપલ ઉપયોગ (અનેક રીતે) થઈ શકે.

ગીતો, વાર્તા બનાવવા માટે પ્રોત્સાહન આપવું જોઈએ.

બનાવેલ ગીતો, વાર્તાનું લખાણ કરવું જોઈએ.

નાટક ભજવી શકે તેવી વસ્તુઓ આપવી.

ટેપ રીકોર્ડરમાં વાર્તા/ગીતો સાંભળવાના અનુભવો.

પુષ્કળ સમય, મુક્ત(ખુલ્લું) વાતાવરણ જ્યાં બાળકોને પોતાના અનુભવો, વિચારો વ્યકત કરવા માટે પ્રેરણા મળે.

બાળકને લાગવું જોઈએ કે જે કાંઈ કરશે તેનો સ્વીકર કરવામાં આવશે.

બાળક જે કંઈ કરે છે એ પ્રક્રિયાને વધુ મહત્ત્વ આપવાની જરૂર છે, નહીં કે પેદાશને.

એવું વાતાવરણ જ્યાં મોટાઓએ કહેલું હંમેશાં સત્ય જ હોય અને બાળકો એ જ કરે જે એમને કહેવામાં આવે, એક પણ પશ્ન પૂછયા વગર, એ બાળકોની સર્જનાત્મકતા વિક્સાવવા માટે અવરોધપૂર્ણ છે.

ચિત્રકામ—રંગપૂરણી ચોપડી, કે સામે આપેલ જેવું જ બનાવવું, જ્યાં બધાની પેદાશ એક જેવી હોય તે સર્જનાત્મકતા વિક્સાવી શકે નહીં.

કેવી રીતે કરવું એ કહેવામાં આવે તો બાળકને સમસ્યાનો ઉકેલ લાવવાની તક મળતી નથી.

જ્યારે કોઇ બાળકની અજોડ પ્રતિભા પર હસે અથવા નકારાત્મકતા દાખવે તો બાળક પોતાની સર્જનાત્મક અભિવ્યકિત દાખવવા માટે નાહિંમત દર્શાવે છે.

એક વાલી તરીકે જો ઉપર પ્રમાણેનું વાતાવરણ અને વિવિધ અનુભવો બાળકને આપવામાં આવે તો બાળક ખરેખર એક સર્જક બની શકે છે.