વર્તણૂક સંચાલન (શિસ્ત)

કોઇ વ્યક્તિ પોતે જે કંઈ કરે છે અથવા ખાસ કરીને બીજાઓ સાથે આચરણ કરે તેને વર્તણૂંક કે વર્તન (Behaviour) કહીએ છીએ. ‘ઈચ્છનીય’ વર્તણૂંક વધે અને ‘અનિચ્છનીય’ વર્તણૂંકમાં ઘટાડો થાય એવી વર્તન બદલવાની ટેકનિકને વર્તણૂંક મેનેજમેન્ટ કે શિસ્ત કહેવાય છે.

બાળકના વિકાસ માટે સારું વર્તન કેમ જરૂરી છે?

આપણે એવું ઈચ્છીએ છીએ કે આપણાં બાળકો મોટાં થાય ત્યારે એ સારી રીતે સેટ થાય. મેચ્યોર્ડ હોય અને એમનામાં જીવન જીવવા અંગેની શિસ્ત કેળવાયેલી હોય. બાળક ગર્ભાશયમાં હોય છે ત્યારથી જ એ પર્યાવરણનાં સંવેદનાત્મક અને રાસાયણિક સંકેતોની પ્રતિક્રિયા આપતું હોય છે. જેમ કે માતાને ટેન્શન કે સ્ટે્રસ હોય તો બાળકનાં હાથ—પગનું હલનચલન વધી જાય છે. જેમ—જેમ બાળક જન્મ પછી મોટું થતું જાય તેમ તેમ એ બહારનાં વાતાવરણ પ્રમાણે પોતાની લાગણીઓનાં પડઘાં પાડવાનું શરૂ કરે છે. બાળક આ સંકેતોને સારી રીતે સમજે છે તથા તેને અનુરૂપ પ્રતિક્રિયા આપતું થાય છે. સામાજિક (મલકાવું, તાળી પાડવી, પૂછવું, આંખોથી વાતો કરવી, માતાપિતાની સૂચનાઓને અનુસરવું અને અન્ય બાળકો સાથે રમવું), જ્ઞાનાત્મક (આકાર, રંગો, અક્ષરો, સંખ્યાઓ ઓળખવી), શારીરિક (ઉભા રહેતા શીખવું, ફેંકવું, ચઢવું, ચાલવું), સૂક્ષ્મશારીરિક (પેન/વટાણો પકડવો) અને અન્ય સ્વ—સહાયક પ્રવૃત્તિ—ધ્યાનની અવધિ અને બેઠકોનો સમય અને ભાષા કુશળતાનો સમાવેશ થાય છે.

વર્તન કેવી રીતે શીખવી શકાય?

બાળક ‘ પ્રતિક્રિયા મેળવવા અથવા ટાળવા ’ અમુક ચોક્કસ રીત મુજબ કામ કરે છે, જો કોઇ બાળક ચમચી પકડે અને તેને મોઢામાં મૂકે અને જો માતા સ્મિત કરે તો બાળક એ જ વાતને રિપિટ કરે છે અને ધીમે ધીમે ખાવાનું શીખી જાય છે. જો બાળક ચમચી ઉપાડે ત્યારે માતા એને અટકાવે કે એને ધમકાવે અથવા તો વારંવાર ના પાડે તો બાળક ધીરે—ધીરે જાતે ખાવાનો પ્રયત્ન કરવાનું બંધ કરી દે છે. બધાં જ વર્તનનો આધાર આ બે પ્રકારના અનુકૂલન પર રહેલો છે.

બાળક આવી રીતે વર્તે તો ચિંતા કરવી જોઇએઃ

૧. આક્રમક—ચીસો પાડવી, મારવું, બબડવું, માથું પટકવું, કરડવું, ધક્કો મારવો, ફેંકવું, આદત—નશો કરવો, આગ લગાડવી વગેરે.

૨. નિષ્ક્રીય/અંતર્મુખી — એકલાપણું, શરમાળપણું, માતાને ચીપકી રહેવું, વગેરે.

આ કારણે બાળક વિચિત્ર વર્તન કરે છેઃ

૧) ૦—૩ વર્ષ : સામાન્ય રીતે આ ઉંમરે વર્તણૂંકની સમસ્યાઓ ખોરાક આપવાની ખોટી રીતો, સંવેદનાત્મક પ્રક્રિયા વિકૃતિઓ (Sensory Processing Disorders), માતા પિતાની ચિંતા, ગુસ્સો અથવા ઉપેક્ષા (Abuse or Neglect) સાથે સંકળાયેલી હોય છે. પર્યાવરણ અથવા આસપાસની દુનિયા Explore કરવાની તક નહીં મળવી, ડિજિટલ મીડિયાનો અનુચિત વહેલો સંપર્ક અને વારંવાર નકારાત્મક મજબૂતીકરણ (Negative Reinforcement) સૌથી સામાન્ય કારણો છે.

૨) ૩—૧૦ વર્ષ : આ એવી ઉંમર છે જ્યારે બાળકને એનાં સારા વર્તન વિશે સમજ આપી શકાય છે અને ખરાબ વર્તન વિશે ધ્યાન દોરી શકાય છે. આ ઉંમરમાં બાળકો પેરન્ટ્‌સે આપેલી સૂચનાઓનું આંખ મીંચીને પાલન કરતાં હોય છે. આ સાથે એમનાં રોલ મોડલ પણ આ જ ઉંમરમાં નક્કી થાય છે. સારી અને ખરાબ ટેવો પણ આ જ ઉંમરમાં વિકસે છે. સંવેદનાત્મક પ્રક્રિયા વિકૃતિઓ (Sensory Processing Disorders), ઓટીઝમ, ધ્યાનની ખામી, ચંચળતા (ADHD), શીખવાની મુશ્કેલીઓ (Learning Difficulty), ભાવનાત્મક સમસ્યાઓ, અસંતુલિત પેરેન્ટિંગ શૈલી, શોષણ (Abuse), મા—બાપના ઝગડાઓ, મીડિયાનો દુરૂપયોગ, માનસિક રીતે મંદ હોવું—એ બધાં સંભવિત કારણો સમાવિષ્ટ છે.

૩) ૧૦—૧૯ વર્ષ : કિશોરાવસ્થા દરમિયાન અપેક્ષિત શારીરિક અને ભાવનાત્મક ફેરફારોને કારણે ઘણાં બાળકોમાં જોખમ લેવા (Risk Taking Behaviors) અને અપમાનજનક બળવાખોર વર્તણૂંક ઊભી થવાની શરૂઆત થાય છે. એડીએચડી, ઓડીડી, કંડક્ટ ડિસઓર્ડર, માનસિક માંદગી, શારીરિક અને જાતીય દુર્વ્યવહાર—શોષણનો ભોગ તથા બાળપણના શરૂઆતના વર્ષોમાં માતા—પિતાનું ખરાબ માર્ગદર્શન પણ આમાં કારણજનક હોય છે.

વર્તણૂંકની સમસ્યા કેવી રીતે સુધારવીઃ

પગલું ૧: વર્તનની સમસ્યાનો ચાર્ટ બનાવો. (કાર્યાત્મક વર્તન વશ્લેષણ) — બાળક શું મેળવવા અથવા તો ટાળવાનો પ્રયાસ કરી રહ્યું છે? એબીસી ફોર્મેટમાં (Antecedent – પૂર્વવર્તી અથવા ટ્રિગર,) Behaviour – વર્તણૂંક અને (Consequence – પરિણામ) ‘કોઇ બાળક કંટાળી જાય છે અથવા ગુસ્સે થાય છે ’— વર્તનનું વર્ણન કરતું નથી. જ્યારે ગુસ્સે થાય ત્યારે બાળક શું કરે છે? (ચીસો, મારે છે, વસ્તુઓ ફેંકી દે છે) વર્તનનું વર્ણન કરે છે.

પગલું ૨: અનિચ્છનીય વર્તનને ઈચ્છનીય વર્તણૂકમાં બદલવાની વ્યૂહ—રચના, અનિચ્છનીય વર્તણૂંક ઘટાડવા — બાળક ટાળવા અથવા કંઇક મેળવવાનો પ્રયાસ કરી રહ્યો છે કે નહીં તેના આધારે ટ્રિગર અથવા પરિણામ બદલો.

યોગ્ય વર્તન સાથે બદલો: બાળકને સારું વર્તન શીખવો; એ અનુસરે છે ત્યારે બાળકની પ્રશંસા કરો. આવું કરતાં તમને ૪ થી ૮ અઠવાડિયાનો સમય લાગશે. બધા જ સેટિંગ્સમાં આ વ્યૂહ—રચના સતત અમલમાં મૂકીશું તો પરિણામોને સુનિશ્ચિત કરી શકાશે.

વર્તન ફેરફારનાં સિદ્ધાંતો:

૧. સુસંગતતા—સાતત્ય, નિષ્પક્ષતા.

૨. બાળકને લાંચ, ધમકી અથવા ખોટાં વચનો આપશો નહીં.

૩. યોગ્ય પુરસ્કાર આપો અથવા સજા કરો.

૪. ચોક્કસ સૂચના — બાળકનું ધ્યાન આકર્ષો, સૂચનાઓને થોડાશબ્દોમાં જણાવો, પુનરાવર્તન કરવા માટે પૂછો અને તેને અનુસરવા દો. એકસરખા ટોન રાખો, પ્રયાસને તરત જ વખાણો.

વર્તણૂંક જાળવવાની રીતોઃ

૧. ચેક—લિસ્ટ

૨. ટોકન અથવા ઈનામ પદ્ધતિ

૩. ટાઇમટેબલ અને રિમાઇન્ડર્સ

૪. રોલ મોડેલિંગ — મા—બાપનો એવો વ્યવહાર જેને એ અનુસરી શકે.

૫. સંપૂર્ણ કુટુંબ દ્વારા શાંત, સંકલિત પ્રયત્નો.

વ્યાવસાયિક મદદ ક્યારે લેવી ?

૧. બાળપણના પ્રારંભિક વર્ષોમાં બાળકનો સંભાળી ન શકાય તેવો ખરાબ—દુર્વ્યવહાર.

૨. નવા વાતાવરણમાં સેટ થતાં બાળકને જો ખૂબ લાંબો સમય લાગે છે તો.

૩. અભ્યાસને અસર કરી વર્તણૂંક સમસ્યાઓ.

૪. ગુનાખોરી, શાળામાં વારે—વારે બંક મારવો, અન્ય બાળકોને નુકશાન પહોંચાડવું અથવા તો જાતને નુકશાન પહોંચાડવું, વારંવાર મિલકતને નુકશાન કરવું, ભાંગફોડ કરવી, આગ લગાડવી, ઘર છોડીને ભાગી જવું. આવું કરતાં બાળકોને વ્યાવસાયિક સલાહ—ક્યારેક દવાની પણ જરૂર પડશે.