ઘણા વર્ષો પહેલાંની વાત છે. એક ગામમાં એક સુંદર મજાનો બગીચો હતો. લીલુછમ ઘાસ, સરસ મજાના ફૂલ અને એ ફૂલ પર રંગબેરંગી પતંગિયા. એ બગીચો ગામની બહાર હતો. ખૂબ જ મોટો બગીચો હતો અને એ બગીચાના બીજા છેડે એક રાક્ષસ રાજાનો મહેલ હતો. પરંતુ એ મહેલ ખાલી હતો રાક્ષસ રાજા થોડા વર્ષો પહેલાં મહેલ છોડીને ક્યાંક જતા રહ્યા હતા. નિશાળેથી છૂટીને એ બગીચામાં બાળકો રમવા આવતા. એમને ત્યાં રમવાની ખૂબ જ મજા પડતી. બાળકો ને એ મહેલ પાસે જવાની મનાઈ હતી. એમના માતા—પિતાએ એમને સખત શબ્દોમાં ચેતવણી આપી હતી.

પરંતુ એક દિવસ રાક્ષસ રાજા અચાનક પાછા આવી ગયા. એ દૂર દેશમાં તેમના સગા સંબંધીઓને મળવા ગયા હતા, પછી એમને પોતાના મહેલની યાદ આવી એટલે એ પરત આવ્યા. પોતાના બગીચામાં બાળકોને રમતાં અને દોડાદોડ કરતાં જોઈને રાક્ષસ રજાને ખૂબ જ ગુસ્સો આવી ગયો. એમણે જોરથી બૂમ પાડી, ‘તમે બધા કોને પૂછીને મારા બગીચામાં આવ્યા? મારો બગીચો ખેદાનમેદાન કરી નાખ્યો છે. ચાલ્યા જાવ બધા નહીં તો હાઉ કરીને ખાઈ જઈશ.’ રાક્ષસ રાજાની લાલ લાલ આંખો અને મોટા પીળા દાંત જોઈને બાળકો ડરી ગયા અને બગીચામાંથી નાસી ગયા. રાક્ષસ રાજાએ બગીચા ફરતે મોટી વાડ ચણાવી લીધી , તાર નો દરવાજો બનાવડાવ્યો એને મારી દીધું મોટું તાળું.

બાળકો તો ખૂબ જ દુઃખી દુઃખી થઈ ગયાં. ગામમાં રસ્તા પર વાહનોની અવરજવર હોય ને એટલે ત્યાં રમી નહીં શકાય. જ્યારે જ્યારે બાળકો બગીચા પાસે થી પસાર થાય ત્યારે નિરાશ થઈને કહે, ‘ રાક્ષસ રાજા કેમ પાછા આવ્યા? આપણે હવે રમી નથી શકતા, મઝા કરી નથી શકતા.’ એમ કરતાં થોડાં મહિના વીતી ગયા. અને વસંત ઋતુ આવી. રાક્ષસ રાજા રહેતા હતાં એ ગામમાં અને બાજુના દરેક ગામમાં સુંદર મજાના ફૂલછોડ ખીલ્યાં, ઝાડ ઉપર નવાં પાન આવ્યાં, પંખીઓનો કલરવ સંભળાવવા લાગ્યો. પરંતુ રાક્ષસ રાજાના બગીચામાં કોઈપણ નવું ફૂલ ખીલ્યુ નહીં, ઝાડ ઉપર નવું પાન પણ ઉગ્યું નહીં, અને જ્યાં ફૂલછોડ ના હોય, ત્યાં પંખીઓને ગમે જ નહીં.

બધું જ લીલુંછમ અને રાક્ષસ રાજાનો બાગ તો સૂકાવા લાગ્યો. જે ફૂલ અને પાન હતાં તે પણ ખરી ગયા. પાનખર ઋતુનું આગમન થયું. બગીચામાં શિયાળો આવે એવો ઠંડો પવન ફૂંકાવા લાગ્યો . બધા જ ઝાડ પર બરફની વર્ષા થવા લાગી. લીલાછમ ઘાસની જગ્યાએ પણ બરફની ચાદર પથરાઈ ગઈ. રાક્ષસરાજા વિચારવા લાગ્યાં કે કેમ આ વખતે વસંતઋતુનું આગમન ના થયું? ઠંડી તો જાણે ઓછી થતી જ નથી. રાક્ષસરાજ તો એમનાં ઘરમાંથી બહાર નીકળી જ ન શકે. એમનાં મહેલનાં બધા જ દરવાજા અને બારીઓ બંધ કરીને એમને એકલા જ બેસી રહેવું પડે.

એક દિવસ રાક્ષસ રાજા બપોરે સુતા હતા તો એમને પંખીઓનો કલરવ સંભળાયો. ‘અરે વાહ, આખરે વસંત ઋતું મારા બગીચામાં આવી ખરી ! એમણે બગીચા બાજુની બારી ધીમેથી ખોલી, અને રાક્ષસ રાજા શું જુએ છે ! બારીની સામેના બધા જ ઝાડ રંગબેરંગી ફૂલોથી મહેકી ઉઠયા હતાં. અને દરેક ઝાડની ડાળી પર એક એક બાળક બેઠું હતું. પણ અરે ! આ શું થયું ? પેલું ખૂણામાંનું એક ઝાડ કેમ ફુલછોડ વગરનું છે? રાક્ષસ રાજાએ ચશ્માં પહેરીને જોયું તો એ ઝાડ નીચે એક નાનકડું બાળક ઊભું હતું અને એ કૂદકો મારીને ઝાડ પર ચઢવાનો પ્રયત્ન કરી રહ્યું હતું. પરંતુ એની ઊંચાઈ ખૂબ જઓછી હતી એટલે એ ડાળી સુધી પહોંચી નહોતું શકતું. રાક્ષસ રાજા ની આંખમાં અચાનકથી ના જાણે ક્યાંથી આંસુ આવી ગયા.

રાક્ષસ રાજાએ પોતાના મહેલનો દરવાજો ધીમેથી અવાજ કર્યા વગર ખોલ્યો , અને એ ચાલતાં ચાલતાં બાળક પાસે ગયાં અને બાળકને ઊંચકીને પેલી ઝાડની ડાળી પર બેસાડી દીધું. રાક્ષસરાજા ને જોઈને બીજા બધા બાળકો ભાગી ગયા, અને ફૂલોથી મહેંકતો બગીચો ફરી કરમાઈ ગયો. પરંતુ એક જ ઝાડ પર ફૂલ અને પાન હતા. જે ઝાડની રાક્ષસ રાજાને બધી જ સમજ પડી ગઈ. બાળકો ના હોય ત્યાં ભગવાન નાં હોય, જ્યાં બાળકો ના હોય ત્યાં ખુશી ના હોય, જ્યાં બાળકો ના હોય ત્યાં કુદરત પણ મહેરબાન ના હોય. અને એટલે જ મારા બગીચામાં ફૂલ છોડ નહીં ખીલ્યાં. પેલાં બાળકે જોયું કે આજુબાજના ઝાડ પરનાં બધાજ બાળકો ભાગી ગયા છે એટલે એ પણ ઘબરાઈ ગયો અને કહે,‘મને માફ કરી દો રાક્ષસ રાજા, મારી ભૂલ થઈ ગઈ. હું પણ તમારા બગીચામાંથી ચાલ્યો જાઉં છું. અને ફરી કદી પણ પાછો નહીં આવું.’ રાક્ષસ રાજાએ પેલા બાળકને વહાલથી ઊંચકી લીધું અને કહ્યું, ‘આવું કેમ બોલે છે દીકરા. મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. તમે બધા બાળકો મને માફ કરી દો. તું મારું એક કામ કરીશ બેટા ? ’ જઈને તારા મિત્રોને બોલાવી લાવ. અને એમને કહે કે રાક્ષસ રાજાએ તમને આ બગીચામાં રમવાની પરવાનગી આપી છે. ’ ડાળી પર પેલું બાળક બેઠું હતું એ ઝાડ ફૂલોથી મઘમઘતું હતું.

પેલા બાળકે રાક્ષસ રાજાને કહ્યું, ‘ પણ તમે અમને ખાઈ નહીં જાવ ને?’ રાક્ષસ રાજા કહે ના બેટા, ‘ હું તમને કદી પણ ખાઈ નહીં જાઉં.’ નાનકડા બાળકે કીધું ‘પણ રાક્ષસ રાજા અમને તમારા આ મોટા દાઢી મુછની અને આ મોટા વાળની ખૂબ જ બીક લાગે છે.’ રાક્ષસ રાજા કહે , ‘તું તારા મિત્રોને બોલાવી લાવ ત્યાં સુધી હું મારા દાઢી મુછ મુંડાવી દઉં છું. એ મારા વાળ પણ કપાવી દઉં છું. ’ પેલો બાળક ગામમાં જઈને બધાને બોલાવી લાવ્યો ને કહ્યું કે ‘ચાલો ચાલો, હવે રાક્ષસ રાજા બદલાઈ ગયા છે. એ રાક્ષસ રાજામટીને આપણા રાક્ષસ દાદા બની ગયા છે.

બાળકો ખુશી ખુશી બગીચામાં આવ્યા અને એમણે જોયું તો રાક્ષસ દાદા બિલકુલ એમના દાદા જેવા લાગતા હતા. બાળકો એ કહ્યું કે ‘ રાક્ષસ રાજા હવે તો તમે બિલકુલ અમારા જેવા જ લાગો છો.’ રાક્ષસ રાજાએ કહ્યું કે હવે તમારે મને રાક્ષસ રાજા નહીં રાક્ષસ દાદા કહેવાનું. મને પણ તમારા જેવા બાળકોનાં દાદા બનવાનું ખૂબ જ ગમશે. તમને બધાને ભૂખ લાગી છે ને હું તમારા માટે સરસ મજાનું ખાવાનું લઇ આવું.’ અને રાક્ષસ દાદા એમના મહેલમાંથી બાળકો માટે સરસ મજાનો નાસ્તો ઘણી બધી મીઠાઇ અને ઘણા બધાં રમકડા લઈ આવ્યા.

રાક્ષસ રાજાએ કહ્યું કે ‘બાળકો આજથી આ બગીચો તમારો છે. તમે મારા વહાલા બાળકો અને હું તમારો દાદા.’ પછી તો રોજ સ્કૂલેથી આવતી વખતે બાળકો રાક્ષસ દાદાના બગીચામાં રમે અને સરસ મજાનો નાસ્તો કરીને પછી ઘરે જાય. રાક્ષસ દાદાને પણ એમની સાથે રમવાની ખૂબ જ મજા પડે. ગામના લોકો એ પણ જાણ્યું કે હવે રાક્ષસ રાજા બદલાઈ ગયા છે, બાળકોના દાદા બની ગયા છે. એટલે ગામના લોકોએ પણ એમને સ્વીકારી લીધા અને એ પણ ગામની એક જ વ્યક્તિ છે એવું માની લીધું. જ્યાં સુધી રાક્ષસ દાદા જીવ્યા ત્યાં સુધી એ બગીચામાં બાળકો રોજ મઝા કરવા આવતા.

આ વાર્તામાંથી આપણે એક વાત જરૂર શીખવા જેવી છે. આપણી પાસે જે પણ કાંઈ હોય એને આપણે કોઈની પણ સાથે વહેંચીએ તો આપણી ખુશી બમણી થાય છે. જો તમે કોઈ પણ વસ્તુની મજા એકલાં એકલાં લો તો તમે પણ રાક્ષસ રાજાની જેમ એકલા પડી જશો. તમારી પાસે બે વસ્તુ હોય તો એક તમારા મિત્રને આપો, હંમેશા બીજાને મદદ કરો. જેમ રાક્ષસ રાજા રાક્ષસ દાદા બની ગયા અને સૌના વહાલા બની ગયા એમ તમે પણ સહુના મિત્ર બની જશો ને તમને બધા જ પ્રેમ કરશે.

[ઓસ્કાર વાઈલ્ડની વાર્તા “ધ સેલ્ફિશ જાયન્ટ (સ્વાર્થી દાનવ)” પરથી ભાવાનુવાદ]

— મનીષા શુક્લા