ભાવનગર તાલુકાના કરદેજ ક્લસ્ટરમાં, દરિયાના ખારાપટ મધ્યે પછાત વિસ્તારમાં આવેલી માઢિયા પ્રાથમિક શાળા. ૧૨ શિક્ષકો અને ૩૮૪ વિદ્યાર્થીઓનું મહેકમ. ગામનાં મકાનો જુઓ અને શાળાને જુઓ : માન્યામાં ન આવે કે આ ગામની શાળા હશે. શાળાનું પરિસર અને હરિયાળી જોઈને કોઈને પણ ધાર્યા કરતાં વધારે રોકાવાનું મન થઈ જાય. એપ્રિલ માસથી શાળાઓ બાળક ઓશિયાળી છે, છતાં મેદાન એકદમ ચોખ્ખું—ચણાક !

શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર છે કે “જરૂરિયાત જણાય ત્યારે બધાએ, અન્યથા રોટેશન મુજબ હાજર રહેવું. ઘેર રહીને મોબાઈલ અને ટી.વી. માધ્યમથી બાળકો અભ્યાસ કરે તે સુ—નિશ્ચિત કરવું.” પણ પંદરેક દિવસની જહેમત પછી બધા શિક્ષકોનો સૂર વ્યક્ત થયો કે મોબાઈલ અને ટી.વી. ની સગવડ ન હોવાને કારણે મોટા ભાગનાં બાળકો તો શિક્ષણથી દૂર જ રહે છે. ખૂબ જ રસ લઈને તમામ શિક્ષકોએ ફરી આવો સર્વે કર્યો. શિક્ષકો ભાવનગરથી પંદર કિલોમીટર દૂરથી આવ—જા કરે છે. છતાં શિક્ષકોએ આપમેળે નક્કી ર્ક્યું કે, ફોન પર બાળકો—વાલીઓને મળીએ એના કરતાં દરરોોજ શાળાએ આવીને પૂર્ણ સલામતી અકબંધ રાખીને બા ળકોને ઘેર જ મળીએ તો…!

બસ આજ સુધી આ શાળાના બધા શિક્ષકો દરરોજ શાળાએ આવે છે. વિદ્યાર્થીઓની મુલાકાત કરે છે, સાહિત્ય નિર્માણ કરે છે અને આ સમયગાળાને કેવી રીતે સાચવવો એની ભલામણ વાલીઓને કરે છે. શાળાએ આવીએ એટલે શું શું વિશેષ થઈ શકે એનો ઉત્તમ નમૂનો આ શાળા છે. શિક્ષણ વિષે વિચારવા શૈક્ષણિક પરિવેશ કેટલો ખપનો છે એનો જાત અનુભવ દરેક શિક્ષક પાસે સંચિત છે.

હમણાં ગામાના દાતાઓની મદદથી દરેક વિદ્યાર્થીઓ માટે માસ્ક બનાવડાવ્યા. અને શેરીએ શેરીએ દોઢ કલાક શાળા શરુ કરી. તમામ બાળકો માસ્ક સાથે, યોગ્ય અંતર જાળવીને નક્કી કરેલી જ્ગ્યાએ એકત્ર થાય છે. શિક્ષકો આયોજન મુજબ સ્થળે જઈને તેમને ભણાવે છે. ગામમાં છ જેટલાં કેન્દ્રો ચાલુ કર્યાં છે.

ધોરણ ૧ અને ૨ માટે સાહિત્ય તૈયાર કર્યું છે. ગત વર્ષના જૂના પાઠયપુસ્તક એમને વહેંચી દીધાં છે. પેન્સિલથી લખેલું સાફ કરીને બાળકો એમાં જ ફરીથી લેખન કરે છે. કારણ કે શાળાઓ જ્યારે ખુલશે ત્યારે સૌથી વધારે નુકસાન તો આ બાળકોને જ થઈ—ગયું હશે. ધોરણ ૬ થી ૮ નાં બાળકોને તેમની આજુબાજુ રહેતા ૨—૨ બાળકોને ભણાવવાની જવાબદારી આપી છે, તેમનું નિયમિત ફોલો—અપ લેવાનું નક્કી કર્યું છે. એટલે એમનો આ પ્રયત્ન ખરા ટાણાનો ગણી શકાય.

શાળાના આચાર્ય યુવરાજસિંહ ગોહિલ અને સમગ્ર શિક્ષકોના કાર્ય માટે આપણે સૌએ ગૌરવ લઈએ.