કબજિયાત
બાળકની મળપ્રવૃત્તિ અંગે આપણા વડીલો અતિ ચિંતિત હોય છે. નાના બાળકના ઝાડાના સમયમાં જરાક પણ જો ફેરફાર થાય તો ઘરના સૌ ચિંતા કરવા લાગે છે. ફક્ત ધાવણ પર રહેતાં બાળકો ઘણી વખત ૭ થી ૧૦ દિવસ સુધી ઝાડો કરતાં નથી. આવાં બાળકો જો દસમા દિવસે ઝાડો કરે અને જો એ ઝાડો ટુથપેસ્ટ જેવો પોચો હોય તો એને કબજિયાત ન ગણવો જોઈએ. આવાં બાળકોને કોઈ જ દવાની જરૂર નથી હોતી.
કબજિયાત કોને ગણવો?
બજિયાત એટલે બાળક ખૂબ જ કઠણ તેમજ સૂકો મળ કરે. એ મળત્યાગ રોજ કરતું હોય કે અનિયમિત સમયે પણ કરતું હોઈ શકે. પણ ઝાડો તો કઠણ અને કષ્ટ સાથે જ થાય છે.
કબજિયાતનાં કારણો :
આંતરડાના ચેતાકોષો બરાબર ન બનવા : આંતરડાની સંકોચન તેમજ વિકોચનની પ્રક્રિયાથી ખોરાક તેમજ મળ આગળ ધકેલાય છે. આ આખી જ પ્રક્રિયા ચેતાકોષોના કાર્ય પર આધારિત હોય છે. જો આ ચેતાકોષો જ બરાબર ન બન્યા હોય તો મળને આગળ ધકેલવાનું કામ અટકી પડે છે. ભરાઈ રહેલા મળમાંથી પાણી શોષાઈ જવાને કારણે એ વધારે કઠણ થઈ જાય છે. આ જન્મજાત તકલીફને હર્ષપૃંગ ડિસીઝ (હ્વરુિંસ્ચ્હ્સ્પ્રુુન્ગ્જાસ્ ધ્સ્િેંંઙસ્ેં) કહે છે.
અપૂરતું પાણી લેતાં બાળકો : બાળક પૂરતા પ્રમાણમાં પાણી જ ન પીતું હોય કે માતાપિતા આ બાબતમાં બેદરકાર હોય તો મોટું આંતરડું મળમાંથી પાણી શોષી લે છે. આના કારણે મળ કઠણ થઈ જાય છે..
અપૂરતો ખોરાક : ભૂખ્યું રહેતું બાળક સ્વાભાવિક રીતે જ ઓછો ઝાડો કરે એ સમજી શકાય તેવું છે.
રેષાયુક્ત ખોરાકનો અભાવ : સૌથી વધારે કબજિયાત મેંદા, માવા તેમજ બેકરીની વસ્તુઓ વધારે પડતી આરોગતા બાળકને થાય છે. કાકડી, ગાજર, લીલાં શાકભાજી, સલાડ ખાતાં બાળકના ખોરાકમાં પુષ્કળ પ્રમાણમાં રેષાઓ હોય છે. એટલે એમને કબજિયાત થતો નથી.
ફક્ત દૂધનો જ ખોરાક લેતું બાળક : દૂધ પણ રેષા વગરનો ખોરાક છે. ફક્ત ઉપરનું—ગાય—ભેંસનું દૂધ પીતું બાળક કબજિયાતનો શિકાર બનવાની શક્યતા વધારે રહે છે. ઝાડાની જગ્યાએ ચીરા પડવા (ઢ્ઢસ્સ્િુંરુેં—ન્િં—ઙનેં) : આ એક ખૂબજ પીડાદાયક પરિસ્થિતિ છે. ઝાડાની જગ્યાએ પડતો ચીરો ખૂબ જ દુઃખે છે. કઠણ મળ થવાથી ચામડીને ઈજા થવાથી આવું થાય છે. દૂધની એલર્જીવાળાં બાળકોને એસિડયુક્ત ઝાડો આવવાને કારણે પણ આમ થઈ શકે છે. આ ચીરાનો દુઃખાવો એટલો તો સખત હોય છે કે બાળક ફરી વખત ઝાડો કરતાં ગભરાય છે અને ઝાડો રોકી રાખે છે. પરિણામસ્વરૂપે કબજિયાત વધતો જ જાય છે.
બળજબરી પૂવર્કની ટોઈલેટ ટ્રેંનિંગ : બાળકને ઝાડા—પેશાબની ટ્રેંનિંગ (ટોઈલેટ ટ્રેંનિંગ) આપવામાં માબાપ બળજબરી કરે તો બાળક ઝાડો કરવાનું ટાળવા માંડે છે. માબાપ સાથે સંઘર્ષમાં ઊતરવા કરતાં એ ઝાડો રોકી રાખવાનું પસંદ કરે છે. આના લીધે કબજિયાત જોર પકડે છે અને મળ ઉત્તરોત્તર કઠણ થતો જ જાય છે.
ગુદા દ્વારની રચનામાં ખામી : ઘણી વખત ગુદાદ્વારની રચનાની ખામીને કારણે પણ આમ થાય છે. બાળકનું ગુદાનું દ્વાર નાનું હોવાથી કે
એની મૂળ જગ્યાએથી દૂર ગોઠવાયેલું હોવાથી મળત્યાગ પૂરેપૂરો શક્ય બનતો નથી. બાળકને બરાબર તપાસતાં આ નિદાનનો ખ્યાલ આવે છે.
કબજિયાતનો ઉપાય :
બાળકને પુષ્કળ પાણી પીવડાવવું. એ પાણી માગે તે ઉપરાંત પણ વચ્ચે વચ્ચે એને પાણી આપતાં રહેવું. શરબત જેવું અન્ય પ્રવાહી પણ આપી શકાય.
૧૦ મહિનાથી મોટાં બાળકોમાં ફક્ત દૂધનો જ ખોરાક બધી જ રીતે હાનિકર્તા છે. ઉપરનું અનાજ, કઠોળ પણ બાળકને આપવું.
શાકભાજી તેમજ લીલાં સલાડ પુષ્કળ આપવાં. ગાજરના રસ કરતાં જો બાળક એમ ને એમ ગાજર ખાય તો વધારે સારું. પાલકનો રસ, પપૈયું વગેરે પણ ખૂબ જ ઉપયોગી છે.
સફરજન, દાડમ ન આપવાં.
બેકરીના ખાદ્ય પદાર્થો, માવાની મીઠાઈઓ, બિસ્કિટ્સ, ચોકલેટ્સ, તેમજ મેંદાની વસ્તુઓનો ઉપયોગ બંધ કરવો.
ઝાડાની જગ્યાએ પડેલા ચીરાને મટાડવા માટેની દવા માટે ડૉકટરને મળવું. કઠણ મળને ઢીલો કરવાની દવા પણ આવે છે, જે ડૉક્ટરની સલાહ મુજબ આપવી. કોઈ ચૂર્ણ, ફાકી કે આયુર્વેદિક દવાઓનો જાતે જ અખતરો ક્યારેય ન કરવો.
બાળકને ઝાડા—પેશાબ માટે ટ્રેનિંગ આપતી વેળા બળજબરી ક્યારેય ન કરવી. નહીંતર બાળક ઝાડો ચોરવાનો પ્રયત્ન કરતું થઈ જશે. પરિણામે કબજિયાતની તકલીફ ઊભી થશે.
કાંદા, કાકડી, કોબીજ વગેરે ખમણીને આપવાં અથવા થેપલાં બનાવીને ખવડાવવાં.
કોરમું, ફાડા લાપસી, થૂલી વગેરે વધારે આપવાં. આ બધામાં દેશી ઘીનો ઉપયોગ છૂટથી કરવો. આખા—આખા ઘઉંના કરણે કબજિયાત જલદી તૂટે છે.
રોટલી—ભાખરીમાંથી પણ ચાળણ ન કાઢવું. પેટ સાફ રાખવા માટે ઘઉંનાં ફોતરાં ખૂબ જ ઉપયોગી છે.
બાળકને ઝાડો લાગે તો તે સમયે જ તે ઝાડો કરવા જાય તે જોવું અને તેવો આગ્રહ રાખવો. રમતમાં મશગૂલ બાળક ઝાડાની ઇચ્છા દબાવે છે. પરિણામે કબજિયાત થઈ જાય છે.
કોઈપણ ઉપાયો તેમજ સાદી દવાઓ કામ ન કરે, બાળકનું પેટ ખૂબ જ ચડી જાય, એનું પોષણ ઘટતું લાગે તો હર્ષપૃંગ નામનો જન્મજાત રોગ નથી તેની ખાતરી કરાવી લેવી. આવાં બાળકોને ઘણી વખત આંતરડાની બાયોપ્સી (કટકી લઈને તપાસ) તથા ઓપરેશનની જરૂર પડી શકે. આ ઉપરાંત મળદ્વારની રચનાની ખામીમાં પણ ઓપરેશનની જરૂર પડી શકે.