ગિજુભાઈ બધેકાના બાલમંદિરના વિચારોનું ણ્ૈંફ્—૨૦માં દર્શન અને તેનું મૂર્તિમંત સ્વરૂપ એટલે શ્રી દક્ષિણામૂર્તિ ભાવનગરનું બાલમંદિર

પ્રસ્તાવના

જીવતી જાગતી, જવાબદારી ધરાવતી પ્રત્યેક વ્યક્તિનું લક્ષ્ય હોય છે —તેમનાં બાળકોની ઉત્તમ કેળવણી. આજનો સમાજ એ ગઈ કાલે અપાયેલી અને આવતી કાલનો સમાજ એ આજે અપાતી કેળવણીનું પ્રતિબિંબ હોય છે. ત્યારે આ પ્રશ્ન વિશે દરેક યુગે —સમયે ચિંતન થયા કર્યું છે. સમયાંતરે તેમાં વિવિધ ફેરફારો કરીને અમલીકરણ કરવાના પ્રયત્નો સૌ કોઈ દ્વારા થતા રહ્યા છે. આ લેખમાં બાળકેળવણીના આર્ષદૃષ્ટા શ્રી ગિજુભાઈ બધેકાના કેળવણી વિષયક વિચારો અને એ વિચારોનું નવી શિક્ષણનીતિ ૨૦૨૦માં સ્થાન ક્યાં અને કેવી રીતે છે તે આલેખવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે. સાથોસાથ એમણે પોતાના વિચારોને જ્યાં અમલમાં મૂક્યા એ ભાવનગરના દક્ષિણામૂર્તિ બાલમંદિરથી થોડા અવગત થવાનો પણ પ્રયાસ છે.

ગિજુભાઈ બધેકા : પ્રાથમિક પરિચય

ગિજુભાઈ એટલે ગિરિજાશંકર ભગવાનજી બધેકા. તેમનું વતન ભાવનગર જિલ્લાનું વલ્લભીપુર ગામ અને જન્મતારીખ ૧૫ નવેમ્બર ૧૮૮૫. પ્રાથમિક શિક્ષણ લીધું વલ્લભીપુરમાં અને પછી આગળ અભ્યાસ માટે રેલવેમાં સ્ટેશન માસ્તર એવા તેમના મામા હરગોવિંદભાઈ પંડયાને ત્યાં ભાવનગર ગયા. મામાના સાદગીભર્યા જીવનની, એમની કાર્યનિષ્ઠાની અને આધ્યાત્મિકતાની ગિજુભાઈના જીવન પર ખૂબ અસર પડી. ઈ.સ.૧૯૦૨માં તેઓ કોલેજમાં પ્રવેશ્યા અને હરિબેન સાથે એમનું લગ્ન થયું. થોડાક સમયમાં જ હરિબેનનું અવસાન થયું. એમનું બીજું લગ્ન થયું જડીબેન સાથે. એ સમયમાં પણ તેઓ ભણેલાં હતાં. ઘરની નબળી આર્થિક સ્થિતિને કારણે ગિજુભાઈએ કોલેજ પૂરી ન કરી અને પહોંચ્યા આફ્રિકા. ત્યાંથી પરત આવી કાયદાનો અભ્યાસ કરવા તેઓ મુંબઈ ગયા. ઘરખર્ચને પહોંચી વળવા એક શાળામાં શિક્ષકની નોકરી સ્વીકારી. એક વર્ષમાં વકીલાતની સનદ લઈ ઈ.સ. ૧૯૧૧માં તેમણે વઢવાણમાં આવીને વકીલાત શરૂ કરી. આ કામમાં તેમને પૈસો અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થવા લાગ્યા, પણ કોર્ટના કાવાદાવાથી તેમનું મન અકળાવા લાગ્યું. દરમિયાન ૧૯૧૩માં એમને ત્યાં પુત્રનો જન્મ થયો. દરબાર ગોપાળદાસ દેસાઈ અવારનવાર વઢવાણ કેમ્પ પર આવતા. ગિજુભાઈ સાથે તેઓને મિત્રતા થઈ. એક દિવસ તેમણે ગિજુભાઈને કહ્યું, “ગિજુભાઈ, તમારે બાળશિક્ષણમું સાહિત્ય વાંચવું હોય અને નવી બાળશાળા જોવી હોય તો તમે મોતીભાઈ અમીન પાસે વસો ગામે જાઓ. તેઓ તમને બધું જ બતાવશે.”

ગિજુભાઈને તો ભાવતું હતું અને વૈદે કહ્યું જેવું થયું. તેમને અહીં મેડમ મોન્ટેસૉરીનું સાહિત્ય મળ્યું અને તેમના વિચારો સમજવા મળ્યા. તેમનું જીવન જુદા જ રસ્તે જવા તલપાપડ બની રહ્યું.

ઈ.સ.૧૯૧૦માં નૃસિંહપ્રસાદ ભટ્ટ (નાનાભાઈ)એ ભાવનગરમાં “દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવન”ની સ્થાપના કરી હતી. ગિજુભાઈ તા. ૧૩/૧૧/૧૯૧૬માં મદદનીશ ગૃહપતિ તરીકે તેમાં જોડાઈ ગયા. ત્યારબાદ વિનય મંદિરના આચાર્ય તરીકે તેમણે કામ શરૂ કર્યું. તેમના આ કાર્યમાં તેમને તારાબેન મોડક મળ્યાં. બંનેએ સાથે મળીને આ કાર્યને ખૂબ જ સુંદર રીતે નમૂનેદાર બનાવીને મૂકી આપ્યું કે આજે શતાબ્દી પછી તેનો ઉજાસ આપણને સૌને અજવાળી રહ્યો છે.

આવા ગિજુભાઈ વિશે દક્ષિણામૂર્તિ હાઈસ્કૂલમાં વર્ષો સુધી આચાર્ય તરીકે કામ કરનારા કેળવણીકાર (સ્વ.) દીપકભાઈ મહેતા લખે છેઃ

“પાની સુધી પહોંચતું ધોતિયું, લાંબો કોટ, મોટી મૂછો, ચશ્માં અને માથે ફેંટો એવા પોશાકમાં ગિજુભાઈને વર્ગો લેતા જોવા, તેમના વર્ગમાં ભણવું એ એક લ્હાવો હતો… એમની પાસે હતી પ્રયોગકારની વૈજ્ઞાનિક દૃષ્ટિ, કંઈક નવું કરી બતાવવાની તમન્ના, શિક્ષણમાં ચાલી રહેલી અંધાધૂંધીમાંથી પ્રકાશ ફેલાવવાની સૂઝ અને શ્રદ્ધા, પોતાના મામાનો સંસ્કાર વારસો અને મેડમ મોન્ટેસૉરીનાં પુસ્તકો વાંચીને હાલી ગયેલું અંતર… આટલી મૂડી પર તેમણે શિક્ષણશાસ્ત્રની કેડી પર પગ માંડયા. એમણે પોતાની હૈયા ઉકલતથી બાળ શિક્ષણની એક નવી જ કેડી પાડી બતાવી.”

બસ, ગિજુભાઈને સમજવા માટે તલપાપડ થવા આટલો પરિચય પૂરતો ગણાય.

ગિજુભાઈ અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦

ગિજુભાઈએ બાળ કેળવણી માટે કરેલા પ્રયોગો અને એમણે મેળવેલી સિદ્ધિઓ આજે ધીરે ધીરે વિશેષ સ્વરૂપે પ્રચાર—પ્રસાર પામવા લાગી છે. આજે નવી પેઢીમાં કેટલીક અયોગ્ય બાબતો પ્રવેશ પામતી જાય છે અને એની સીધી અસર આપણા પ્રત્યેકના આંગણા સુધી પહોંચી ગઈ છે; ત્યારે ગિજુભાઈએ કંડારેલો રસ્તો આપણને પોકાર પાડી રહ્યો છે. એમને બાળશિક્ષણ જે રીતે સમજાયું અને તેમણે અમલમાં મૂક્યું તેની આવશ્યકતા આજે આપણને ઊભી થઈ છે. અરે, આજે તેની જરૂરિયાત એ અનિવાર્ય માંગ બની રહી છે. ત્યારે ગિજુભાઈની કઈ નીતિ—રીતિને નવી શિક્ષણનીતિ ૨૦૨૦માં સરકારે સમાવિષ્ટ કરી છે, તેનો ટૂંકમાં ખ્યાલ મેળવીએઃ

શિક્ષણનીતિમાં વાલીઓને વિદ્યાર્થીઓના ક્ષમતાવિકાસમાં સહકારી બનાવવાની વાત ભારપૂવર્ક લખી છે. ગિજુભાઈએ આ કાર્યને એ સમયે અતિ મહત્ત્વનું ગણ્યું હતું. બાળકોને કેળવવા માટે તેના પાલકોને કેળવવામાં ન આવે તો ધારી સિદ્ધિ ક્યારેય મળે નહીં — એવું સમજી તેમણે વાર્તાઓ, સારી ટેવો, જીવનસૃષ્ટિ, કુદરતની ભૌતિક રચનાઓ, બાળ માનસશાસ્ત્ર વગેરે જેવા વિષયો સમજાવતાં સરળ સંદર્ભ પુસ્તકોનું પ્રકાશન કરી વાલીઓ સુધી પહોંચાડવાનું કાર્ય કર્યું. આપણે ત્યાં વચ્ચેના સમયમાં આ કાર્ય કદાચ થોડું ધૂંધળું બન્યું, પુરિણામે “શાળાએ તો માત્ર બાળકે જ જવાનું હોય, વાલીઓએ ત્યાં જવાની શીૌ જરૂર?” —આવી સમજ પ્રસરી હતી.

ભાષા જાય તો સંસ્કૃતિ જાય એ સર્વવિદિત વાતને શિક્ષણનીતિમાં લક્ષમાં લઈને પ્રારંભિક શિક્ષણ માતૃભાષામાં જ રાખવાની વાત સૂચવી છે. સ્વઅનુભવો માતૃભાષામાં જ સારી રીતે વ્યક્ત થઈ શકે છે. પરભાષામાં તેની રજૂઆત અઘરી પડે છે — એટલે બાળકના ભાવો — વિચારો કાયમી ગૂંગળાઈ જવા પામે છે. બાળકની મૌલિકતા અને વ્યક્તિગત અભિપ્રાયોનું પ્રગટપણું બાળમરણ પામે છે. ગિજુભાઈના બાલમંદિરમાં દરેક બાળકને વ્યક્ત થવાનો નિયમ હતો. એ સ્વભાષા સિવાય કેવી રીતે શક્ય બને? એટલે તો તળપદી બોલીમાં પણ એમણે સાહિત્યસર્જન કર્યું છે.

રોજબરોજના વ્યવહાર સાથે શિક્ષણના મુદ્દાઓ જોડવાની વાત ગિજુભાઈની કેળવણીમાં હતી. બાળકનું ઘર, શેરી, મહોલ્લો, ગામ, પાદર, સીમ, બાજુનું ગામ અને ક્રમશઃ દેશ—દુનિયા સુધી પહોંચાડતું શિક્ષણ જ હોવું જોઈએ. આજુબાજુનું પર્યાવરણ કે પડોશની સંસ્થાઓ વિશે બાળક જાણે—સમજે નહિ અને દેશ—વિદેશની સંસ્થાઓ વિશે તેમને ભણાવવું એ વાત સાથે તેઓ સંમત ન હતા. શિક્ષણનીતિમાં દર્શાવવામાં આવ્યું છે કે, તમામ પાઠયક્રમ, શિક્ષણશાસ્ત્ર અને નીતિઓમાં સ્થાનીય વિવિધતા અને તેના સંદર્ભો માટે સન્માન ધરાવતો અભ્યાસક્રમ હોવો જોઈએ.

બાળક પોતાનાં કામ જાતે કરતું થાય તેવી સ્વાવલંબી વૃત્તિ તેનામાં સ્થિર કરવાનો પ્રયત્ન કરવો એ શિક્ષણનો એક ભાગ છે — એવું ગિજુભાઈ માનતા. એટલે બાળકો શાળામાં પોતાની ડીશ જાતે જ સાફ કરે, વર્ગની સફાઈ જાતે કરે, વસ્તુઓની ગોઠવણી પોતે કરે, ગાય, વગાડે, કસરત કરે, રમે, વગેરે કાર્ય માટે બાળકની વય—કક્ષા મુજબનાં સાધનો ગિજુભાઈએ બનાવડાવ્યાં હતાં. જુગતરામ દવે આવાં સાધનો માટે “કામકડાં” શબ્દ વાપરતાં.

શિક્ષણનીતિમાં ઉલ્લેખ છે કે, વિવિધ કલાઓ, સાંસ્કૃતિક વિકાસ, વિવિધ કૌશલ્યોનો વિકાસ થાય તેવાં સંસાધનોની ઉપલબ્ધિ શાળાકક્ષાએ રાખવી.
રમત આધારિત શિક્ષણના હિમાયતી ગિજુભાઈના બાલમંદિરમાં બાળકોને દફતરનો ભાર રાખવાનો હતો જ નહિ. બાળકનું લક્ષ્ય હોય — ખાવું અને રમવું.

ભારવિનાના ભણતરની વાતને શિક્ષણનીતિમાં મહત્ત્વની બતાવી છે, ગોખણપટ્ટી વિનાનું શિક્ષણ એટલે સમજ આધારિત સહજ શિક્ષણની વાત શિક્ષણનીતિમાં મૂકવામાં આવી છે.

ગિજુભાઈનું એ બાલમંદિર આજે પણ “ટેકરીવાળું બાલમંદિર” તરીકે ઓળખાય છે. મોટેરાઓને પણ ટેકરી ઉપર ચડવાની અને હવા ખાવાની મજા આવે એવી જગ્યા એમણે પસંદ કરી હતી. હવા ઉજાસથી સભર અને રમણીય સ્થાન શિક્ષણને પ્રોત્સાહક હોય છે. આ વાત નવી શિક્ષણ નીતિમાં કહેવામાં આવી છે કે, આંગણવાડી માટે પૂરતાં હવા ઉજાસવાળાં, બાલ મૈત્રીપૂર્ણ, શ્રેષ્ઠ અને ઉત્તમ ડિઝાઈન ધરાવતાં બાંધકામવાળાં ભવનો તૈયાર કરવાં.

બાળકોને સતત મહાવરો કરવાનું પ્રોત્સાહન મળતું રહે તે માટે ગિજુભાઈ વર્ગખંડમાં જ સંસાધનો ગોઠવેલાં રાખતાં. જે વસ્તુુ રોજ નજર સામે જ હોય તો તેના વિશે ચિંતન — મનન થયા કરે અને તરત જ તેને ઉપયોગમાં લઈ શકાય એ મનોવિજ્ઞાન શિક્ષક — વિદ્યાર્થી બંને માટે હકારાત્મક બાબત બની રહે છે. શિક્ષણનીતિમાં આ ઉદ્દેશને પણ ધ્યાને રાખવામાં આવ્યો છે. સતત અને સર્વગ્રાહી શિક્ષણ એ ગિજુભાઈના ભણતરની વિશેષતા હતી.

બાળકમાં કઈ ક્ષમતા કેટલી સિદ્ધ થઈ છે? તે માપવા માટે બાળકનું સતત મૂલ્યાંકન કરતા રહેવું પડે છે. શિક્ષણનીતિમાં આ બાબત પર ફોકસ કરવામાં આવ્યું છે. બાલમંદિર કક્ષાએ બાળકનાં અંગોની સ્વચ્છતા, તેની અંગત પ્રવૃત્તિઓમાં તકેદારી અને ચોકસાઈ, તેનાં કપડાં વગેરેમાં સુઘડતા અને તેની શાળાકક્ષાએ જાહેર પ્રવૃત્તિ… વગેરેમાં શિક્ષકના નિરીક્ષણ દ્વારા આ કાર્ય કરી શકાવું આવશ્યક ગણાય.

હરીફાઈ રહિત તંદુરસ્ત કાર્યક્રમો, બાળકોને તેની સિદ્ધિ માટે પ્રોત્સાહક શબ્દો, તેમની નબળાઈની જાહેરમાં અવહેલના નહિ પણ પીઠ પંપાળીને હિંમત આપવાનું કાર્ય, બાળકની ઇચ્છા પ્રમાણે આયોજન, બાળકની વય—કક્ષાને અનુરૂપ જ બધી સગવડ અને સંસાધનોનું નિર્માણકાર્ય, બાળકની કુદરતી મર્યાદાનો સ્વીકાર કરી તેના રસ અનુસાર વિષયમાં તેને પ્રોત્સાહન, બાળકના વાલીઓ સાથે નિકટતાભર્યા અને ઉષ્માભર્યા સંબંધો, કક્ષાનુરૂપ પ્રવાસ—પર્યટન, સમયાંતરે શાળામાં રાત્રી રોકાણ, બાળ પુસ્તકાલય, સંસ્થા મુલાકાત… આ બધા કાર્યક્રમો ગિજુભાઈના બાલમંદિરની વિશિષ્ટતાઓ હતી. નવી શિક્ષણનીતિમાં આ બધી બાબતોને આવરી લેવા માટે ભલામણ કરી છે.

વળી ગિજુભાઈના કાર્યની પ્રણાલી જ એવી હતી કે, તેઓ જ સતત પોતાના કાર્યનું મૂલ્યાંકન ચાલુ રાખતા. એટલે જે બાબત અનુકૂળ, યોગ્ય કે પરિણામદાયી ન જણાય તો તેનું રૂપાંતરણ તેઓ જાતે જ કરી લેતા. માટે એમની પાસેથી જે કંઈ આપણને મળ્યું તે સો ટચનું જૂનું સોનું જ મળ્યું છે.

દક્ષિણામૂર્તિ ભાવનગરનું આજનું બાલમંદિર : સહુનો આદર્શ ગિજુભાાઈની કર્મભૂમિ એવું ભાવનગરનું એ ટેકરીવાળું બાલમંદિર આજે પણ કોઈ ત્યાં મુલાકાતે જાય તો પોતાનો સમય ભુલાવી દે તેવી શૈલીથી કાર્ય કરતું અડીખમ ઊભું છે.

અહીં બાળક સાથે હંમેશાં માનવાચક સંબોધનથી જ વાતચીત કરવામાં આવે છે.

અહીં યુનિફોર્મ જેવું કશું જ નથી, બાળક સ્વ પસંદગીનાં કપડાં પહેરી ત્યાં આવે છે.

દફતર જેવું કશું બાળકે સાથે રાખવાનું હોતું નથી.

પોતાના નાસ્તાની ડીશ—વાટકો પોતાને જ સાફ કરવાનાં હોય છે.

અહીં બટાકા ફોલવા, સોયમાં દોરો પરોવવો, અનાજ સાફ કરવું, કઠોળનું વર્ગીકરણ કરવું, માટીનાં રમકડાં બનાવવાં, ચિત્રો દોરવાં, રેતીમાં રમવું, કસરત કરવી, નાચ—ગાન—વકતૃત્વ જેવી ઇન્દ્રિયોની કેળવણીને પ્રાધાન્ય આપવામાં આવે છે. આ બધી પ્રવૃત્તિઓ માટે બાળકને કામ કરવા —રમવામાં અનૂકૂળ પડે એવાં નાનાં નાનાં સાધનો (રમકડાં) ખાસ બનાવવામાં આવેલાં છે.

બાળક પ્રારંભમાં નવું નવું હોય ત્યારે તે ઇચ્છે એટલા દિવસ વાલીને એની સાથે જ બેસવા દેવામાં આવે છે.

વર્ષમાં વારંવાર સમયાંતરે સાંસ્કૃતિક કાર્યક્રમ વાલીઓની ઉપસ્થિતિમાં રાખવામાં આવે છે. જેથી વાલી — બાળક બંનેનો ઉત્સાહ દ્વિગુણિત બને છે. હા, આજના વાર્ષિકોત્સવની જેમ ત્રણ—ચાર કલાક નહિ, માત્ર એકાદ કલાક જ સમય હોય છે. જેથી કંટાળ્યા વિના પૂરો કાર્યક્રમ સંપૂર્ણ રીતે એકાગ્ર બનીને સૌ માણી શકે.

અહીં કયારેય કોઈ પ્રકારની રેકોર્ડ વગાડીને કાર્યક્રમ થતો નથી, દરેક શિક્ષક પોતે જ ગાઈ — વગાડીને સહભાગી બને છે.

સ્થાનિક સ્થળનું પર્યટન, સત્રમાં રાત્રી નિવાસ અને સર્જનાત્મક બાબતોના વિકાસ માટેની અઢળક પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે.

પ્રારંભે યોજાતી પ્રાર્થનાસભા જ એટલી આહ્‌લાદક થાય છે કે હરકોઈ વ્યક્તિ પોતાની ઉંમર ભૂલીને બાળક જ બની જાય છે. ખેતી, વિવિધ કલાઓ, જૂનાં વાસણો, વિવિધ રમતનાં સાધનો, કસરતનાં સાધનો, વિવિધ આકારો, ફૂલછોડ, દીવાલ પર વિવિધ ચિત્રાંકનો, ડિઝાઈન, સાધનોની પ્રતિકૃતિઓ — આ બધું જોઈને કશું જ કહ્યા વિના આપોઆપ બાળક શીખતો જ રહે એવો પરિવેશ આ બાલમંદિરનો છે.

આવા આ બાલમંદિરમાં ગિજુભાઈ અને તારાબેને સાથે કામ કર્યું, કેળવણીકાર્યને ઉપકારક અઢળક સાહિત્ય સર્જન પણ કર્યું.

ઉપસંહાર

કાકાસાહેબે જેમને “બાળ—સાહિત્યના બ્રહ્મા” કહીને નવાજ્યા અને “મૂછાળી મા”ના બિરુદથી જેઓ આખા ગુજરાતમાં પંકાયા એવા ગિજુભાઈ વિશે અંજલિ આપતા ગાંધીબાપુએ લખ્યું,

“ગિજુભાઈ વિશે હું લખનાર કોણ? એમના ઉત્સાહ અને એમની શ્રદ્ધાએ મને હંમેશાં મુગ્ધ કર્યો હતો. એનું કામ ઊગી નીકળશે.”

જેમણે મોન્ટેસૉરીના સાહિત્યમાંથી પ્રેરણા લઈ એક ઉત્તમ કેળવણી આચાર ઊભો કર્યો, અરે! જીવન જ એમાં ખર્ચી નાંખ્યું એ ગિજુભાઈ, મેડમ મોન્ટેસૉરીને આજીવન મળ્યા નથી. જ્યારે મેડમ ભારત આવ્યાં ત્યારે ગિજુભાઈ એ કેળવણીની કેડી કંડારીને વિદાય થયેલા. એમનાં જીવન—કાર્ય વિશે જાણીને તેમણે દુઃખી હૃદયે અંજલિ આપી :

“મને એમનો પરિચય ન હતો. થયો હોત તો ઘણું સારું થાત. કારણ, ગિજુભાઈ મહાન બાળ—પ્રેમી હતા. બાળકોને સ્વાતંત્ર્ય અને સુખ મળે એ માટે કોઈ મુસીબતને તેમણે ગણકારી ન હતી. મારાં ધોરણે બાળકોને માટે પ્રયત્ન કર્યો છે, તે સ્મરણને યોગ્ય ઠરે છે. બાળકોનું હિત જેમને હૈયે છે એવા સૌના હૃદયમાં તેમનું સ્થાન ચિરંજીવ રહો!”

આવા આપણા ગિજુભાઈના મૂલ્યલક્ષી બાળ—કેળવણીના સિદ્ધાંતો આજે જ્યારે નવી શિક્ષણનીતિ ૨૦૨૦માં વિશેષરૂપે સ્થાપિત થવા જઈ રહ્યા છે એનો આપણે સૌ આનંદ પ્રગટ કરીએ અને કવિ શ્રી ઉમાશંકર જોશીના ગિજુભાઈ માટે કહેવાયેલા આ લયબદ્ધ શબ્દાંકનો સાથે વિરમીએ :
“બાળકને જોઈ જે રીઝે, રીઝે બાળક જોઈ જેને;

વત્સલ મૂરત, સ્નેહલ સૂરત, હૃદય હૃદયનાં વંદન તેને.”

સાભાર : જીવનશિક્ષણ