કુટુંબમાં એક કરતાં વધારે બાળકો હોય ત્યારે બે બાળકો વચ્ચે અણબનાવ રહે, લડાઈ—ઝઘડા થતા રહે અને એકબીજાની ઈર્ષા કરતાં રહે એવું સામાન્ય રીતે જોવામાં આવે છે. એક જ માબાપનાં બે સંતાનો વચ્ચે માતાપિતાના પ્રેમ અને ધ્યાન મેળવવા માટે ચડસાચડસી થતી હોય છે. આવી ચડસાચડસી અને ઝઘડો પોતાની મર્યાદા ન ઓળંગે ત્યાં સુધી બાળકોના વિકાસ અને ઘડતરમાં એ મદદરૂપ થાય છે. એનાથી બાળકો એકબીજાની ચીજવસ્તુઓ અને લાગણીઓની સ્વસ્થતાથી આપ—લે કરતાં શીખે છે, એકબીજાનું સન્માન જાળવતાં થાય છે અને જીવનમાં હતાશાનો સાનુકૂળ સામનો કરવાની કેળવણી મેળવે છે. બાળકના માનસિક અને સામાજિક વિકાસની પ્રક્રિયામાં આ બાબતો મહત્ત્વની છે

પણ જો બે બાળકો વચ્ચેનું વૈમનસ્ય અને ઈર્ષ્યાખોરી રોગની હદે આગળ વધી જાય તો તે બન્ને વચ્ચે અને માબાપની શાંતિ માટે વિઘાતક બની રહે છે.
આ લેખમાં એક જ કુટુંબનાં બે સંતાનો વચ્ચે સંબંધોમાં નાનપણથી જોવા મળતા તણાવ, તેનાં કારણો, નિવારણના ઉપાયો અને તેને દૂર કરવાના માર્ગોની ચર્ચા કરવામાં આવી છે.

બીજા બાળકનું આગમન

કુટુંબમાં એક જ બાળક હોય છે ત્યાં સુધી તે માબાપના પ્રેમ અને સંભાળનું એકમાત્ર હકદાર હોય છે. પણ બીજું બાળક અવતરતાં જ પરિસ્થિતિ બદલાઈ જાય છે. પહેલા બાળકને હવે એવું લાગવા માંડે છે કે કુટુંબમાં એની કોઈ કિંમત રહી નથી, એનું સ્થાન ઝૂંટવાઈ ગયું છે. માબાપના પ્રેમમાં ભાગ પડાવનાર કોઈ અણગમતો નવો મહેમાન આવી ગયો છે. દેખીતી રીતે જ એ પોતાના આ નવા જન્મેલા ભાઈ કે બહેન પ્રત્યે વૈમનસ્યની તીવ્ર, પણ સાવ કુદરતી લાગણીથી પીડાવા લાગે છે

જ્યારે કુટુંબમાં બીજા બાળકનું આગમન થવાનું હોય ત્યારે પહેલા બાળકને એના માટે માનસિક રીતે તૈયાર કરવાની માબાપ અને કુટુંબની જવાબદારી છે. પણ આની અવગણના કરવાના પરિણામે પહેલું બાળક નવા આવનારને ઈર્ષ્યા અને વેરભાવથી જોવા લાગે છે.

જ્યારે બે બાળકો વચ્ચેનો ગાળો બે થી ત્રણ વર્ષ વચ્ચેનો હોય ત્યારે તેની વચ્ચે પરસ્પર આવો તણાવયુક્ત સંબંધ બંધાવાની શક્યતા સૌથી ઊંચી રહે છે, કેમ કે બે કે ત્રણ વર્ષની ઉંમરે પહોંચેલું આગલું બાળક લાગણીની દૃષ્ટિએ વધારે પડતો આધાર રાખતું થઈ જાય છે. આની સરખમણીમાં પાંચ વર્ષથી મોટાં સંતાનો નવા આગંતૂકો પ્રત્યે વધારે હકારાત્મક અને વહાલભર્યો અભિગમ દાખવતાં હોય છે.

બે બાળકો વચ્ચેનો ગાળો અને પહેલા બાળકની ઉંમર

એવું અવલોકન કરવામાં આવેલું છે કે બે બાળકો વચ્ચે જ્યારે ઝાઝાં વર્ષોનું અંતર હોય છે ત્યારે બન્ને વચ્ચે ઈર્ષ્યા અને વૈમનસ્યનો સંબંધ થવાની શક્યતા નહિવત્‌ રહે છે. બે બાળકો વચ્ચે એક દસકા કે તેથી વધારે વર્ષોનું અંતર પડી જાય છે ત્યારે મોટું બાળક નાના બાળક પ્રત્યે વડીલ તરીકેનો વ્યવહાર કરતું હોય છે. એનું કાર્ય પોતાના નાના ભાઈ કે બહેનને સામાજિક વર્તનના પાઠો અને રોજિંદા જીવનની નાનીમોટી ક્રિયાઓ તેમ જ રીતભાતો શીખવવાનું બની જાય છે. એટલે નવા આવનાર બાળકને જાણે ત્રણ વડીલોને વેઠવાનો વખત આવે છે.

તેથી ઊલટું, જ્યારે બન્ને બાળકો વચ્ચેનું અંતર ઘણું ઓછું હોય ત્યારે બેઉ વચ્ચે પ્રતિસ્પર્ધીઓનો સંબંધ થતો હોય છે. બન્ને વચ્ચે મા—બાપના પ્રેમ અને ધ્યાન આકર્ષવાની હરીફાઈ પેદા થાય છે. આ દૃષ્ટિએ બે બાળકો વચ્ચે ચાર વર્ષથી ઓછું અંતર રાખવું જોખમી થઈ જાય છે. આ સંજોગોમાં મોટા બાળકને પોતાની ઇચ્છાઓ અને જરૂરિયાતોને દબાવવાની ફરજ પડે છે. અને કોના આગમનને કારણે તેમને આમ કરવું પડયું એ સમજતાં એમને વાર લાગતી નથી.

જોડિયાં બાળકો એક જ ઉંમરનાં હોવાના કારણે વિકાસના સમાન તબક્કે હોય છે. તેથી એમની વચ્ચે વૈમનસ્ય ઘણું ઉગ્ર સ્વરૂપ ધારણ કરે એમાં નવાઈ નથી. આવાં બાળકો પરસ્પર ઘણાં આક્રમક બની જાય છે, એકબીજાને મારે છે, કરંડી પડે છે કે વાળ પણ ખેંચવા લાગે છે. પરિસ્થિતિ ક્યારેક એટલી હદ સુધી વણસતી હોય છે કે બેમાંથી જે બાળક વધારે આક્રમક હોય એને એ સ્થાનેથી ખસેડી લેવું હિતાવહ બને છે. આ કારણથી જોડિયાં બાળકોને ઉછેરવું માબાપ માટે ઘણું પડકારરૂપ બની જતું હોય છે.

આક્રમકતાની વાત કરીએ ત્યારે બાળકોનું વ્યક્તિત્વ પણ એમની વચ્ચેના સંબંધોમાં મહત્ત્વની ભૂમિકા ભજવતું હોય છે. કેટલાંક બાળકો શરૂઆતથી જ શાંત અને નિરુપદ્રવી પ્રકૃતિનાં હોય છે, જ્યારે બીજાં આક્રમક, આવેગી અને વધુ પડતી ચંચળ પ્રકૃતિનાં હોય છે. આવાં બે વિભિન્ન વ્યક્તિત્વ ધરાવતાં બાળકોને પરસ્પર ખાસ બનતું હોતું નથી. જે માબાપ પોતાનાં સંતાનોની પ્રકૃતિમાં રહેલી આ ભિન્નતાને બરાબર ઓળખી લે છે તે બાળકોની ભિન્નતાનો તેમના વિકાસની પ્રક્રિયામાં હકારાત્મક ઉપયોગ કરી શકે છે.

ભેદભાવપૂર્ણ વ્યવહાર

જુદી જુદી ઉંમરનાં બે બાળકો પ્રત્યે માબાપનો વ્યવહાર સામાન્ય રીતે એકસમાન રહેતો નથી. એવું ઘણીવાર જોવા મળશે કે પિતા કામકાજના સ્થળેથી સાંજે ઘેર પાછા ફરે ત્યારે નાના બાળકને વહાલપૂર્વક ઉપાડી લેશે અને મોટા બાળકની સાવ ઉપેક્ષા કરશે. મોટા બાળકને પોતાના નાના ભાઈ કે બહેનને રમાડવાનો કે વહાલ કરવાનો ઘણો ઉત્સાહ હોય છે. પણ માબાપ, “રહેવા દે, તને નહીં ફાવે. તું એને વગાડી બેસીશ” એવું કહીને એને વાર્યા કરશે. મોટું બાળક નાના બાળકના હાથમાંથી પોતાને ગમતું રમકડું ઝૂંટવી લેવાનો પ્રયાસ કરશે ત્યારે નાનું ઉશ્કેરાટમાં રડવા માંડશે. આવે વખતે મા કે બાપ શું કરશે? નાના બાળકનો પક્ષ લઈને એની વહારે ધાશે અને મોટાને ધમકાવી નાખશે. નાનાનો કંઈ વાંક હશે તો એના ઉપર દુર્લક્ષ સેવવામાં આવશે અને મોટાને એ જ “ગુના” બદલ સખત સજા કરવામાં આવશે, કેમ કે, “એ તો નાનો છે, એને તો સમજાવાય નહીં, પણ તું કંઈ નાનો છે? તને ખબર નથી પડતી?” — આનાથી મોટા બાળકની લાગણી ઘવાય છે.

બે સંતાનો વચ્ચે સરખામણી

જ્યારે માતાપિતા કે ઘરના અન્ય વડીલો બે સંતાનો વચ્ચે સરખામણી કર્યા કરતા હોય છે ત્યારે બેમાંથી એકને માઠું લાગવાનો સંભવ રહે છે. “જો, પિન્કી પડી જાય ત્યારે કંઈ તારી જેમ રડવા બેસે છે?” “પિન્કી તારા જેવું કરે છે કોઈ દિવસ?”, “પિન્કી જો. એ કંઈ ખાતી વખતે તારી જેમ કજિયો કરે છે?” — આવાં વાક્યો આપણે જાણે—અજાણે કંઈ કેટલીયેવાર ઉચ્ચારતા હોઈશું! આપણી આવી ટીકાઓ કે સરખામણી બે સંતાનો વચ્ચે વૈમનસ્ય પેદા કરે છે, એટલું જ નહીં, એનાથી એમનામાં અસલામતીની લાગણી, લઘુતાગ્રંથિ કે બળવાની ભાવના પેદા કરે છે. ઘણા વડીલો પોતાના મોટા સંતાનને નવાં કપડાં ઉત્સાહભેર લઈ આપે છે અને એનાં ઊતરેલાં કપડાં નાના બાળકને પહેરાવવાનો આગ્રહ રાખતા હોય છે. આવે વખતે નાના બાળકને પોતાના મોટા ભાઈ કે બહેન પ્રત્યે સ્વાભાવિક રીતે જ ઈર્ષ્યાની લાગણી થવાની. બેમાંનું એક બાળક બોલવામાં વધારે વાચાળ હોય, ક્રિયાઓમાં ચપળ હોય, શીખવામાં હોંશિયાર હોય કે સર્વ વાતે આગળ હોય ત્યારે એનું ઉદાહરણ આપીને બીજા બાળકને ઉતારી પાડવામાં આવે છે. બે સંતાનો વચ્ચે આવી સતત સરખામણી કરવાથી કશો હેતુ સરતો નથી, ઊલટું, તે બન્ને વચ્ચે પરસ્પર થતી ઈર્ષ્યા તો માતાપિતા માટે સાચા અર્થમાં શિરદર્દ સમાન પુરવાર થતી હોય છે.

માતાપિતા વચ્ચે પરસ્પર અણબનાવ

બાળકો કુટુંબમાં જે કંઈ જુએ છે એનું જ અનુકરણ કરતાં હોય છે. એમના માતાપિતા એકબીજાને પ્રેમ છાનામાના કરે છે, પણ ઝઘડો તો બાળકના દેખતા જ કરતા હોય છે. માતા અને પિતાના સંબંધમાં જે તણાવ અને ઘર્ષણ હોય છે એની બાળકોના મનમાં ઊંડી છાપ પડે છે. પતિ—પત્ની લડતી વખતે જે આક્રમક વલણ અખત્યાર કરે છે એ કમનસીબે બાળકોમાં ઊતરી આવે છે. એટલે જો બે સંતાનો વચ્ચેનો સંબંધ સુધારવો હોય તો પહેલી એ જરૂરિયાત છે કે પતિ—પત્નીએ પોતાના મતભેદો ઓગાળી નાખવા જોઈએ અથવા સ્વસ્થતાપૂર્વક એની ચર્ચા કરવાની ટેવ પાડવી જોઈએ અથવા સંતાનોની હાજરીમાં વિવાદાસ્પદ મુદ્દાઓ પર ચર્ચા કરવાનું ટાળવું જોઈએ.

વિશિષ્ટ જરૂરિયાત ધરાવતાં બાળકો

બેમાંથી એક સંતાન જ્યારે મંદ બુદ્ધિનું હોય અથવા શારીરિક ખોડ ધરાવતું હોય ત્યારે એને માબાપની સંભાળની વિશેષ આવશ્યક્તા રહે છે. આવે વખતે બીજા બાળકના મનમાં પાંગળા બાળક પ્રત્યે સ્વાભાવિક રીતે જ નકારાત્મક લાગણીઓ પેદા થાય છે. જો બીજા બાળક સાથે મુક્ત સંવાદ કરવામાં આવે અને એને પણ સમજપૂર્વક પોતાના અપંગ ભાંડુની સંભાળમાં જોડવામાં આવે તો વિકટ પરિસ્થિતિમાંથી હકારાત્મક પરિણામ મેળવી શકાય છે.

બે સંતાનો વચ્ચેના અણબનાવનાં ચિહ્‌નો

જ્યારે બે સંતાનો વચ્ચે પરસ્પર ઈર્ષ્યા અને પ્રતિસ્પર્ધીના સંબંધો કેળવાય ત્યારે એનાં ચિહ્‌નો મોટેભાગે સ્પષ્ટ જોવા મળે છે. આવાં ચિહ્‌નોમાં આક્રમક વર્તન, બીજા બાળકને મારવું, નાના ભાઈ કે બહેનને એના માબાપ ઊંચકે કે રમાડે ત્યારે કજિયો કરવો, રડવું વગેરેનો સમાવેશ થાય છે.

પરંતુ ક્યારેક આવું સ્પષ્ટ પરિણામ આવવાને બદલે બાળકના લાગણીતંત્ર પર અસર પડે છે. આવું બાળક તેની કુદરતી ઉંમર કરતાં નાની ઉંમરના બાળક જેવું વર્તન કરવા લાગે છે, અંગૂઠો ચૂસવા માંડે છે, રાત્રે પથારીમાં પેશાબ કરતું થઈ જાય છે, મમ્મી પોતાના હાથથી જ ખવડાવે એવો આગ્રહ રાખે છે અથવા સતત પોતાને તેડવાની માંગણી કરે છે, નાની ઉંમરના બાળક જેવી બોલી બોલતું થઈ જાય છે અથવા એના વર્તનમાં આક્રમકતા અને કજિયાખોરી પેસી જાય છે. આવે વખતે બીજા સંતાન પ્રત્યેની ઈર્ષ્યાખોરી કે વૈમનસ્યથી એનામાં આવું પરિવર્તન આવ્યું છે એવું પારખવું પણ અઘરું થઈ પડે છે.

બાળક જ્યારે ઢીંગલી સાથે રમતમાં પરોવાયેલું હોય ત્યારે ઢીંગલી સાથેના વાર્તાલાપમાં એના હૃદયમાં છુપાયેલી ઈર્ષા બહાર આવી શકે છે. બાળક એની લાગણીઓ શબ્દોમાં વ્યક્ત કરી શકતું નથી, પણ વર્તન દ્વારા તો એનો પડઘો પાડતું જ હોય છે. એના પ્રત્યેક વર્તનમાં એની અસલામતીની લાગણી ડોકાતી હોય છે

જો એના હૃદયમાં રહેલા વૈમનસ્ય અને ઈર્ષ્યાનો વેળાસર ઈલાજ કરવામાં ન આવે તો એની એના વર્તન ઉપર કાયમી માઠી અસર પેદા થવા સંભવ છે. આવું બાળક હંમેશ માટે આક્રમક સ્વભાવનું, સ્વાર્થી અને લઘુતાગ્રંથિ ધરાવતું થઈ જાય છે. મોટી ઉંમરે એનાં પોતાનાં સંતાનોમાં એના વર્તનની આ નકારાત્મક ખાસિયતો ઊતરી આવે છે.

ઉપાય બે સંતાનો આપસમાં ઝઘડતાં હોય ત્યારે માબાપે શું કરવું જાઈએ? વચ્ચે પડવું જોઈએ કે નહીં? આનો ઉત્તર છે : બને ત્યાં સુધી વડીલોએ સંતાનોની લડાઈથી દૂર રહેવું જોઈએ. બાળકોના ઝઘડામાં માબાપ જો કાજી થઈને વચ્ચે ઝુકાવે તો પોતાના મતભેદોનું નિરાકરણ કરતાં બાળકો શીખી શકશે નહીં. જીવનમાં આ કુશળતા પણ તેમના માટે અગત્યની છે. આનો અર્થ એવો નથી કે આપસની લડાઈમાં વાત શારીરિક હાનિ સુધી પહોંચી જાય ત્યારે પણ માબાપે અદબ વાળીને દૂરથી જોયા કરવું. બેમાંથી જે બાળક વધારે આક્રમક બન્યું હોય એને તો એ સ્થાનેથી તરત દૂર કરવું જ જોઈએ.

એક વાત સમજી લેવી જરૂરની છે કે સંતાનોની આપસની ઈર્ષ્યા અને લડાઈ એ કંઈ મોટો ગુનો કે આપત્તિની બાબત નથી, સાવ સ્વાભાવિક બીના છે. જો થોડી આપસૂઝ અને સામાન્ય બુદ્ધિનો ઉપયોગ કરવામાં આવે તો આ સમસ્યા લાંબી ટકતી નથી. માબાપના પક્ષે થોડી ધીરજની અપેક્ષા રહે છે. મુશ્કેલી ત્યારે પેદા થાય છે કે જ્યારે એમને આનું તાત્કાલિક નિરાકરણ જોઈતું હોય છે.

આધુનિક જીવનનાં દબાણો બે સંતાનો વચ્ચેના વૈમનસ્યને વધારી મૂકનારાં નીવડે છે. જ્યારે માતાપિતા બન્ને નોકરી કે વ્યવસાયમાં રોકાયેલા હોય છે ત્યારે બન્ને જણ બાળકોને પૂરતો સમય આપી શકતાં નથી. આનાથી કેટલાંક બાળકોને એવું લાગે છે કે એમની ઉપેક્ષા થઈ રહી છે. એવાં બાળકોના મનમાં જે રીસ કે ગુસ્સો પેદા થાય છે એનો ભોગ એ પોતાના નાના ભાઈ કે બહેનને બનાવે છે. આવા પ્રસંગે તમે એને મારો, ધમકાવો કે ચીમકી આપો તો એનો કશો અર્થ રહેતો નથી. એનાથી તો ઊલટું એના મનમાં એવી ભાવના વધારે બળવાન બનશે કે એણે એના માબાપનો પ્રેમ ગુમાવી દીધો છે. ખરી જરૂર બાળકના મનમાં રહેલી અસલામતીની લાગણી દૂર કરવાની છે. આવા બાળકને પ્રેમ અને સલામતી આપવાનું ચૂકશો નહીં. બે સંતાનોમાંથી એકનો તમે પક્ષ લેશો અથવા એકનું અપવર્તન દૂર કરવા એને અન્ય બાળકોનું ઉદાહરણ આપવાની કોશિશ કરશો તો સમસ્યા વધારે વણસશે.

સમસ્યાને હલ કરવા માટે બાળકને નકારાત્મક સૂચનો કદી કરશો નહીં. “બહેનને મારીશ નહીં“; “એના વાળ કેમ ખેંચે છે?”; “મેં કેટલી વાર તને કહ્યું કે બહેનનું રમકડું અડીશ નહીં” આવા આદેશો બળતામાં ઘીની ગરજ સારે છે. બાળકોની એ ખાસિયત છે કે તમે એમને જે કરવાની ના પાડશો, એ તેઓ સામે ચાહીને કરશે. શ્રેષ્ઠ ઉપાય તો એ છે કે એમની પાસેથી ઇચ્છિત હોય એનાં સ્પષ્ટ, હકારાત્મક સૂચનો એમને કરો. તમારી વાણીમાં પ્રેમના સ્થાને તિરસ્કાર વાસ ન કરી બેસે એ ખાસ જોશો.