પોતાની પેટી અને બિછાનું લઈ એક મહેમાન બાઈ ઘેર આવીને ઊભી રહી. ઘરના દરેક માણસને જુદી જુદી જાતનો આનંદ થયો; કોઈને ઘરમાં જરા ગડબડ લાગી, કોઈને લાગ્યું કે મહેમાનનો સામાન વ્યવસ્થિત મૂકવો જોઈએ, પણ નાના મધુને કંઈ જ લાગ્યું નહિ. એને તો એટલું જ લાગ્યું કે એક બાઈ એકાએક ઘરમાં પેસી ગઈ છે, ને તેના સામાનથી પોતાની દોડવાની જગ્યા રોકી છે; પોતાની બા સાથે તે ગપ્પાં મારતી બેઠી છે એટલે બા પોતાની રમત બરાબર ધ્યાન આપીને જોતી નથી, પોતે બોલે છે તે બરાબર સાંભળતી નથી. મધુને રમવાની ઇચ્છા એટલી પ્રબળ હતી અને પોતાના કામની મહત્તા એને એટલી બધી લાગતી હતી કે તે મહેમાન બાઈ તરફ જોવાનો કે તેના વિષે વિચાર કરવાનો તેને વખત જ નહોતો. જરા જોયું ન જોયું કરીને મધુ પોતાને કામે લાગ્યો. બાની અને મહેમાનની વાતો શરૂ થઈ.

મધુ પોતાની રમતમાં લીન હતો; પોતાના કામમાં હતો. પણ મહેમાન બાઈ મહેમાન થઈને રહે તેમ લાગતું નહોતું. કુટુંબના માણસો જેમ જ રહેવાનો એનો વિચાર હોય તેમ લાગતું હતું. આવી સામાન્ય છાપ મધુના મન ઉપર પડયા વિના રહી નહિ. એટલે પારકા માણસથી દૂર રહેવાનું સ્વાભાવિક વલણ ઓછું થયું. ને એના રમવાકૂદવામાં રોજનું સહજપણું આવવા લાગ્યું. મહેમાનોએ આવીને છૂટથી હરવાફરવાનો કે બોલવા ચાલવાનો હક્ક લઈ લીધો હોય એવો કડવો અનુભવ મધુના નાનકડા જીવનમાં થયો હતો કે નહિ તે ખબર નથી; પણ આજના મહેમાને ઘરમાં કૃત્રિમ સભ્યતાનું વાતાવરણ ફેલાવ્યું ન હતું એટલું તો ખરું જ. વળી મહેમાન બાઈ ખૂબ નજીકના સંબંધવાળી હોય એમ લાગતું હતું. છતાં તેણે મધુને ઊંચકી લીધો ન હતો, પ્રેમથી બચી લીધી ન હતી; બાએ તેનેે “આ તારાં અમુક થાય છે માટે નમસ્કાર કર” એમ કહ્યું ન હતું, એટલે તેને પરાયા માણસ પાસે વાંકા વળવાનો પ્રસંગ આવ્યો ન હતો. તે જ પ્રમાણે મહેમાન બાઈએ પણ “તારું નામ શું?” “હું કોણ છું?” “મારું નામ શું” વગેરે નિરર્થક નિકટ આવવાના પ્રશ્નો પૂછયા ન હતા, એટલે મહેમાનથી બહુ અડચણ ન લાગી. તે હંમેશની માફક રમવા લાગ્યો.

રમતાં રમતાં એક મુશ્કેલી ઊભી થઈ. દોરીમાં ગાંઠ હતી તે છૂટતી ન હતી. બા પાસે લઈ ગયો પણ બાથીયે છૂટી નહિ. કોઈ પણ રીતે પોતાના હક્કમાં આડે ન આવનાર મહેમાનથી ગભરાવાનું મધુને હવે કારણ રહ્યું નહોતું. એટલે આવા મુશ્કેલીના પ્રસંગે કોની પાસે જવું એવા વિચારથી મધુએ મહેમાન સામે જોયું. મહેમાનના ચહેરા ઉપરથી એ મદદ કરશે એમ લાગ્યું. વિચાર આવ્યો કે તરત જ મધુ મહેમાન પાસે ગયો અને “છોડી દો” એટલું જ કહી પોતાના કામે લાગ્યો. મહેમાન બાઈએ દોરીને ક્ષુદ્ર ગણી ફેંકી દીધી નહિ; એટલું જ નહિ પણ કાળજીપૂર્વક તે દોરી છોડવા લાગી. આ જોઈ, મધુનું કોમળ અને સંસ્કારગ્રાહી મન મહેમાન તરફ વળ્યું.

વાર તો લાગી. ઝટ દઈને દોરીની ગાંઠ છૂટી નહિ પણ છેવટે ગાંઠ છોડીને દોરીના બે છેડા મહેમાને મધુના હાથમાં આપ્યા. મધુએ દોરીના છેડા હાથમાં લઈ, પોતાનો સંતોષ દેખાડવા મહેમાન તરફ જોયું. મહેમાનની આંખમાં મધુની આંખનું પ્રતિબિંબ પડયું. એકક્ષણ બંનેની નજર મળી; બંનેનાં હૃદય પ્રેમભીનાં થયાં અને બંનેની નાજુક મૈત્રીની શરૂઆત થઈ.

મધુએ ધીમે ધીમે મહેમાન તરફ વધુ ધ્યાન આપવાનું શરૂ કર્યું. મહેમાનની સામે બાના ખોળામાં બેસી હાથપગ હલાવી પોતાનું સ્વાગત વ્યક્ત કર્યું. મહેમાનને સોપારી લાવી આપવાની ઇચ્છા બતાવી ને છેવટે પોતાનું નામ, ગામ, જિલ્લો, બધું ખુશીથી કહ્યું. મહેમાનને શું કહેવું તે જાણી લીધું. થોડા જ વખતમાં નાનકડા મધુના હૃદયમાં મહેમાનને સ્થાન મળી ગયું. મધુ પોતાને કામે લાગ્યો; મહેમાન પણ પોતાને કામે લાગ્યાં.

મધુ મહેમાન સાથે મૈત્રી કરવા ઇચ્છતો હતો છતાં અતિ નિકટતાનો પ્રસંગ આવ્યો ન હતો. મહેમાન બાઈએ પણ મધુના નાજુક ભાવને ધક્કો લાગે એવો અતિ નિકટ પ્રસંગ આણ્યો નહોતો. મહેમાને રાત્રે સુતી વખતે એ પ્રસંગ આણ્યો. મધુના બિછાના પર બેસી તેણે પૂછયું : “મધુ! હું તારી પાસે સૂઉં કે?” મધુએ કાંઈ પણ મર્યાદા ન રાખતાં સરળપણે કહ્યું : “ઉં હું, તમે ત્યાં તમારા બિછાના પર સૂજો; હું તો બા પાસે સૂઈશ.” મહેમાને વધુ આગ્રહ કર્યો હોત તો મધુ તેને ધક્કો મારવાની તૈયારીમાં જ હતો; પણ મહેમાન એટલેથી સમજી ગયાં, જરાક હસીને તે ત્યાંથી ચાલ્યાં ગયાં ને મધુને વધારે કડક થવાની જરૂર પડી નહિ. તેમની મૈત્રીમાં “પ્રથમ ગ્રાસે મક્ષિકા” જેવું થયું નહિ.

બીજે દિવસે સવારે જરૂર જેટલા અંતરથી મૈત્રીના વિકાસની શરૂઆત થઈ. નાની નાની વાતો થતી હતી. મધુના નાનાં નાનાં નિરર્થક દેખાતાં કામો મહેમાનબાઈ પૂરતા મહત્ત્વથી જોતાં હતાં. મધુએ એકાદ કાગળની ચિઠ્ઠી આપી. મહેમાને વાતોમાં હોવા છતાં તેને ફેંકી ન દેતાં કાળજીપૂર્વક લીધી. બેસવાની જગ્યાએ કાગળના કકડાનો કચરો પડયો હતો તેને ઊંચકીને કચરાની ટોપલીમાં કેમ નાખવો તે ધીમેથી મધુને બતાવ્યું, અને મધુએ તે લક્ષ આપી સુંદર રીતે કર્યું. “આમ નહિ; જો પણે કચરો રહી ગયો, એ લઈ લે” વગેરે કહી મધુના કામમાં એણે અણચણ ઊભી કરી નહિ. કામ પૂરું થયા પછી મધુએ મહેમાનની સામે જોયું ને નવું કામ શીખ્યાનો પોતાનો સંતોષ આંખોથી જ પ્રદર્શિત કર્યો. તે પ્રસન્ન દેખાયો ને મહેમાન એને હૃદય સરસો ચાંપીને કે બચી લઈને એના નાજુક ભાવોને ધક્કો લગાડયો નહિ. એકાદ મિનિટ ખોળામાં બેસી તે નાચવાકૂદવા ચાલ્યો ગયો. મહેમાને એને જવા દીધો. મધુના હૃદયમાં મહેમાનને ઉચ્ચ સ્થાન મળ્યું.

આવી રીતે શરૂ થયેલી મૈત્રી જ વધારે દૃઢ થાય છે, વધારે નિકટ લાવે છે. એ જ સાહજિક છે. બપોરે જમ્યા પછી મહેમાન જરી આડે પડખે થયાં હતાં. મધુ તેની પાસે બેઠો. મહેમાને ઉંદરની, ચકલીની એમ બે ત્રણ વાર્તાઓ કહી. મધુની આંખો આનંદથી ચમકી ઊઠી !

છેવટે મધુ મહેમાનની પાસે જ તેમના ઓશીકા ઉપર માથું રાખી સૂઈ ગયો. મહેમાનની આંખ પણ લાગી ગઈ.

મધુની બાને નવાઈ લાગી કે “એક જ દિવસની ઓળખાણમાં મધુ મહેમાનનો કેટલો બધો જાણીતો થઈ ગયો? આ તો ભારે થઈ?”
બાળક ભૂલ કરે

તો પણ તેને ભય બતાવવો નહિ,

કેમ કે ભયથી બાળક નરમ થઈ પોતાનું તેજ

અને શક્તિ ગુમાવી બેસે છે. ભૂલનું ઔષધ ભય નથી,

કેમ કે ભય રાક્ષસનું રૂપ છે.

—ગિજુભાઈ