આપણું ઘર અને તેનું વાતાવરણ ઉલ્લાસભર્યું બનાવવા માટે એક બીજી વસ્તુની જરૂર છે; એ છે, પ્રેમ. કુટુંબ સંસ્થા જ પૂરા પ્રેમના પાયા ઉપર ઊભી થયેલી છે. સ્ત્રીપુરુષો ગાઢ પ્રેમથી આકર્ષાય છે, પ્રેમને લીઘે જ એકતા રહે છે, બીજા સૌથી જુદા થઈને, બે જ જણાં — એકમેકનાં બની રહે છે, એકબીજા ખાતર જીવે છે, એકબીજામાં ઓતપ્રોત બની જાય છે. આ રીતે પ્રેમના પાયા ઉપર તેમનો સંસાર ઊભો થયો છે. પછીથી એ બેનાં ચાર બને છે, છ બને છે. ગમે તેટલાં બને પણ તે બધાં એકબીજાનાં હોય છે. પ્રેમના ધાગાથી એકબીજા સાથે ઘટ્ટ રીતે બંધાયેલાં હોય છે.

આવું હોવા છતાં, કુટુંબમાં હંમેશાં પ્રેમનું સામ્રાજ્ય દેખાય છે? કોઈ પણ ઘેર ગમે ત્યારે જઈને ઊભા રહીએ, તો પ્રેમનું સ્નિગ્ધ વાતાવરણ હંમેશા જોવા મળશે એવી ખાતરી આપી શકાય નહિ. ઘણે ઠેકાણે પ્રેમનો અભાવ અને રુક્ષતા દેખાય છે. ઘણી જગ્યાએ હરીફાઈ, અદેખાઈ, મારા—તારાનું ઝેર વધુ પ્રમાણમાં દેખાય છે. એટલા માટે પ્રેમ એક જરૂરી વસ્તુ છે એમ કહેવાનો પ્રસંગ ઉપસ્થિત થાય છે.

પ્રેમનું વાતાવરણ બગડવાનું મુખ્ય કારણ સ્વાર્થીપણું છે. પ્રેમ સ્વાર્થ ત્યાગ માગે છે. “હું” નહિ પણ “આપણે” — એ વૃત્તિ જાગૃત થવી જોઈએ આ રીતે પરિસ્થિતિ બનવાને બદલે બીજાના ત્યાગનો ફાયદો લઈને કોઈ પણ વ્યક્તિ પોતે સ્વાર્થી બનવા લાગે છે ત્યારે પ્રેમનો પાયો ઢીલો પડે છે.

બાળકો તો પ્રેમ માંગે છે, પ્રેમ આપે છે; પરંતુ તેઓ પોતે વધુ સ્વકેન્દ્રિત હોય છે. પ્રેમ ખાતર બીજાને આપવા તે તૈયાર થાય છતાં એમ ન કરતાં પોતે જ ખાઈ જવું, પોતાની ખાતર જ વસ્તુ રાખી મૂકવી વગેરે પ્રકારની વૃત્તિ ઘણીવાર તેમનામાં દેખાય છે અને ત્યાં જ પ્રેમ અને સ્વાર્થનું દ્વંદ્વ શરૂ થાય છે.

બાળકના નાના મનના આ સ્વાભાવિક દ્વંદ્વો પ્રેમનો વધુ નાશ કરી શકતા નથી, પરંતુ તેમને જ્યારે મોટાઓનો ટેકો મળે છે ત્યારે તે પ્રેમનાશનાં કારણભૂત બને છે.

આપણે મોટાં જ, ભાંડરડાં વચ્ચે, મિત્રો — મિત્રો વચ્ચે સ્પર્ધા કરાવી કેટલીક વાર પ્રેમનો નાશ કરાવીએ છીએ. “આ ડાહ્યો, એ ગાંડી” એમ આપણે કહીએ એટલે ભાઈ—બહેન વચ્ચે પ્રેમને બદલે દ્વેષનું તત્ત્વ પ્રવેશે છે. “આ આવો, તે આવી.” એવી આપણે સરખામણી કરીએ છીએ તેના લીધે સ્પર્ધાનું, દ્વેષનું અને ઈર્ષાનું બીજારોપણ થાય છે. ભાઈઓ — ભાઈઓ વચ્ચે, મિત્રો — મિત્રો વચ્ચે, નજીકના અને દૂરના આપ્તજનો વચ્ચે, આ વિષનાં બીજ આપણે મોટાંઓ જ વાવીએ છીએ, આનું કારણ આપણામાં હોય છે. આપણા મોટાં લોકોના વ્યવહારો પણ ક્યાં પ્રેમના પાયા પર આધારિત હોય છે? જગતનો વ્યવહાર સ્વાર્થ અને દુષ્ટતાના પાયા પર જ રચવો જોઈએ એવું આપણે ઠરાવી દઈએ છીએ, અને એની અસર કુમળાં મનનાં બાળકો પર થવા દઈએ છીએ.

બાળકોના વિકાસ માટે સ્પર્ધા હોવી જ જોઈએ એવું પ્રામાણિકપણે માનનારાં કેટલાંક જણ છે. કદાચને એવું જ માનનારાં બધાં છે; ન માનનાર કોઈ અપવાદ રૂપે હશે, અને તે મૂર્ખ ઠરે છે. સ્પર્ધાથી બાલજીવનનું કેટલું ગંભીર નુકસાન આપણે કરીએ છીએ તેની આપણને કલ્પના નથી. સ્પર્ધામાં પાછળ રહેનારને તો નુકસાન છે જ પરંતુ આગળ આવીને બક્ષિસો કે શાબાશી મેળવનારનું પણ જન્મભર ટકે એવું ગંભીર નુકસાન થાય છે. તેવાઓએ સતત જાગૃત રહીને કોઈ બીજો પોતાની આગળ આવી જતો નથીને, તેનું ધ્યાન રાખવું પડે છે. એથી કોઈના સહકારી બની અભ્યાસ કરવો, જે કોઈને આવડતું નથી તેને મદદ કરવી, સમજાવીને કહેવું વગેરે પ્રેમના વ્યવહાર તે કદી રાખી શકતો નથી. તેનાથી બીજાનો ઉત્કર્ષ, આગળ વધવું કદી સહન થતું નથી. હંમેશા પોતે જ પહેલા હોવનાી તેને ટેવ પડેલી હોય છે. એણે જગતના જીવનકલહમાં ખૂબ મોટા ફટકા ખાવા પડે છે. કારણ એનું માથું પોતે ખૂબ જ મોટો છે એ વિચારોથી ફરી ગયું હોય છે.

ટૂંકમાં, બાલજીવનમાંની સુખની ક્ષણોનો નાશ કરનાર અને પ્રેમનો તાંતણો તોડી નાંખનાર અને મૈત્રીને જમીનદોસ્ત કરનાર સ્પર્ધા જેવું બીજું કોઈ ખરાબ તત્ત્વ નથી. ઉપર જણાવ્ય પ્રમાણે સ્પર્ધાને પેટે ઇર્ષા અને દ્વેષ જન્મે છે. પ્રેમતત્ત્વની હકાલપટ્ટી થાય છે.

ઘરમાં મોટેરાંઓના એકબીજા સાથેના વર્તનની પણ બાળકોનાં મન ઉપર અસર થાય છે. માતાપિતા વચ્ચે જ્યાં ગાઢ પ્રેમ હોય છે, ઘરમાંનાં બીજા માણસો નણંદ—ભોજાઈ, સાસુ—વહુ, ભાઈ—ભાઈ — બધાં જ જ્યાં પ્રેમથી વર્તતા હોય ત્યાં બાળકોને પ્રેમનું વાતાવરણ મળે છે; પરંતુ હંમેશના ઝઘડા, એકબીજા વિષે અનુદાર શબ્દો, ક્રોધ, સંતાપ વગેરે જોવા મળે ત્યાં બાળકો પ્રેમના વાતાવરણમાં કઈ રીતે રહી શકે? બાળકને પોતા પાસે લઈને ગમે તેટલા લાડ કરાવે, દરેક પોતપોતાના બાળકને પાસે લઈને ગમે તેટલો પ્રેમ કરે છતાં એ બાળકને પ્રેમનું વાતાવરણ મળ્યું એમ કહી શકાય નહિ. આવા બધા વા—વંટોળની વચ્ચે પણ કોઈ પોતાનું મગજ શાંત રાખતું હોય તો પણ આપણે આપણું એકંદર વાતાવરણ અને કુટુંબજીવન તપાસવું જોઈએ. આપણું વર્તન, આપણું હૃદય, આપણી રહેણીકરણી તપાસવી જોઈએ. બિલકુલ પ્રામાણિકપણે અને બારીકાઈથી તપાસતાં આપણામાં પ્રેમનો અંશ કેટલો છે તે આપણને જણાઈ આવશે.

સ્પર્ધાની જેમ જ અન્યાય અને બાળકો તરફના દુર્લક્ષને લીધે બાળજીવનમાંનું પ્રેમતત્ત્વ ચાલ્યું જાય છે. તેને સ્થાને કડવાશ, જગત તરફનો તિરસ્કાર, વેર લેવાની વૃત્તિ વગેરે અસંતુષ્ટ માણસોના દુર્ગુણો બાળકમાં પ્રવેશે છે. બાળકોની આવી વૃત્તિ બને તેમાં ઘણીવાર માબાપ જ કારણભૂત હોય છે.

ઘરમાં બે બાળકો વચ્ચે કોઈ એકાદ બાબતમાં અન્યાય થાય છે. ક્યારેક એક બાળક આપણું હોય છે, બીજું ભાઈ—બહેન કે બીજા સગાંવહાલાંનું હોય છે. અલબત્ત પ્રેમબુદ્ધિથી સગાંવહાલાંના બાળકને ઉછેરવાનો ચાલ ઉપસ્થિત થયો છે છતાં વ્યવહારમાં ઘરના પોતાના બાળક અને પોતા પર આધાર રાખનાર બાળક એ બે વચ્ચે ન સમજાય તેવી રીતે ફરક રહે છે. આથી પોતાના અને બીજાનાં એમ બંને બાળકોનું નુકસાન જ થાય છે. એ કરતાં ગરીબને પાંચ પૈસાની મદદ કરવી અને છૂટાં રહેવા દેવાં. ઘરમાં કાયમનો અન્યાય પ્રવેશવા દેવો નહિ. ખરેખર જ બે બાળકો વચ્ચે જરા પણ ભેદ ન રાખીને તેની સાથે વર્તી શક્ીએ — માત્ર વર્તીએ નહિ પરંતુ અંતરથી સરખો પ્રેમ કરી શકીએ તો જ ઘરમાં એવા બીજા બાળકને સ્થાન આપવું. પ્રેમ કરવો કાંઈ અશક્ય નથી. પહેલાંનાં સંયુક્ત કુટુંબની પધ્ધતિમાં ઘરનાં બધાં બાળકો સરખાં સમજીને મોટેરાંઓ વર્તતાં, પરંતુ હવે દિવસે દિવસે સગાં ભાઈ—ભાઈ કે ભાઈ—બહેનને ઉછેરવામાં, લાડ કરવામાં, પ્રેમ વ્યક્ત કરવામાં વગેરે બધી જ બાબતોમાં ખૂબ જ જુદાઈ દેખાય છે. ઉપરાંત ખર્ચનું પ્રમાણ વધ્યું છે, અને રહેણીકરણી બદલાઈ છે. મોંઘવારી વધી છે અને તે દૃષ્ટિએ સૌને પૂરા થાય એટલા પૈસા નથી. આવા સમયે મનમાં ન હોય તોય પોતાના બાળક અને અવલંબિત બાળક તરફ ન સમજીએ તેવી રીતે આપણા વર્તનમાં ફરક પડે છે. અને તેનું કાયમનું દુષ્પરિણામ બાળકોએ ભોગવવું પડે છે.