ઉનાળાનો સમય હતો. એક રાત્રે અમે સૌ બેઠક રૂમમાં બેઠાં હતાં. નાનકડી રીષિકા અને ત્રિશા રમત રમવામાં મશગૂલ હતી.

અચાનક લાઈટ ગઈ. અંધારું ઘોર! મોબાઈલની ફ્લેશલાઈટ કરી. અજવાળું થયું. ત્યાં નાનકડી રીષિકા બોલી, “દાદા તમને અંધારામા બીક લાગે?” મે કહ્યું, “ના બેટા, અંધારામાં શાની બીક લાગે?” તો તરત બોલી, “મને તરસ લાગી છે. મારે પાણી પીવું છે. મારી સાથે રસોડામાં આવો ને, ત્યાં અંધારું છે.”

મોબાઈલની ફ્લેશલાઈટના અજવાળે હું તેને રસોડામાં લઈ ગયો અને રીષિકાએ પાણી પીધું. રીષિકાને અંધારામા બીક લાગે છે. અંધારાના ડરથી રડી શકી પણ હોત. પરંતુ સમસ્યાનો ઉકેલ આ રીતે મેળવે છે. આવો જ બીજો પ્રસંગ, સાંજનો સમય હતો. હું ટીવીમાં સમાચાર જોતો બેઠો હતો. ત્યાં નાનકડી ત્રિશા મારી પાસે આવીને બેસી ગઈ. થોડીવાર પછી કહે, “દાદા તમે ટીવીમાં શું જુઓ છો?” હું બોલ્યો, “સમાચાર જોઉં છું, બેટા.” ત્રિશા કહે, “મને હતું, કે દાદા હમણાં બોલશે ત્રિશા બેટા, તારે કાર્ટુન સીરીયલ જોવી છે? લે… જો…”

ત્રિશાના આવા નિર્દોષ વર્તનથી હું હસવા લાગ્યો અને મેં તેને ટીવી જોવા અનુકૂળતા કરી આપી. ત્રિશાને ટીવી જોવું છે, એ સહજતાથી દાદાને આમ કહી શકે છે. અહીં બાળકની નિર્દોષતા, સહજતા અને વડીલો પ્રત્યે વિશ્વાસ દેખાઈ આવે છે.

રીષિકા અને ત્રિશા સિનિયર કેજીમાં અભ્યાસ કરે. એક દિવસ મેં કહ્યું, “મારે તમારી શાળા જોવા આવવું છે.” તો રીષિકા બોલી, “દાદા, હમણાં ના આવતા.” મેં પૂછયું, “કેમ?” તો રીષિકા બોલી, “અમારી શાળા પાસે હમણાં રોડ રીપેરીંગ કામ ચાલે છે. ખૂબ ખાડા પડી ગયા છે. પથ્થરના ઢગલા પડયા છે. તમે આવશો ને ક્યાંક પડી જશો. તો રસ્તો સરસ બની જાય પછી જ આવજો હોં.”

અહીં રીષિકાને દાદાની ચિંતા છે. ક્યાંક દાદા પડી જશે તો! દાદાને વાગી જશે તો! માટે રસ્તો સારો બની જાય પછી આવવાનું કહે છે.

અહીં બાળકની કઈંક વિશેષ સમજણ પ્રગટે છે. આવા પ્રસંગો વખતે બાળકને પોતાની ચતુરાઈ, હોંશિયારી બતાવવાનો હેતુ હોતો નથી. ઉકેલ કેમ મેળવવો તે પોતે મેળવે છે.

આમ ઉપરોક્ત સંવાદો જેવા સંવાદો દરેક ઘરમાં થતા હોય છે. ક્યારેક આપણે બાળકને સમજવામાં અન્યાય કરી બેસીએ છીએ. બાળક જવાબ આપે કે ચતુરાઈ દાખવે તો આપણે ખોટાં લેબલ લગાવી દઈએ છીએ. ચાલાક છે, હોંશિયાર છે, મીંઢું છે, ચબરાક છે, વગેરે…. વગેરે…

મારી દૃષ્ટિએ બાળક એ બાળક છે.

મેડમ મોન્ટેસૉરીએ સાચું જ કહ્યું છે, “હે પરમદેવ! બાળકના હૈયામાં ઊતરી તેમના જીવનને સાચી રીતે સમજવાની શક્તિ આપો, કે જેથી અમે આપના દૈવી સંકેત અને અટલ ન્યાની દૃષ્ટિએ એમને સમજી શકીએ, ચાહી શકીએ અને અમેની સેવા કરી શકીએ.”

ગિજુભાઈએ સાચું જ કહ્યું છે, “ઈશ્વરનો અનુગ્રહ એ સૌથી મોટો ચમત્કાર છે. બાળકો સૌથી વધારે પ્રભુના અનુગ્રહિતો છે. બાળકોને સમજવા માટે ચોપડીઓ ના વાંચો, પણ બાળકોને જ વાંચો. બાળકોમાં લોકો અને વાતાવરણને પારખવાની અદ્‌ભુત શક્તિ છે.”