રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦…. ગુજરાત તૈયાર છે
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ની જાહેરાત થતાં, આ નીતિમાં સૂચવેલ મુદ્દાઓ રાષ્ટ્રની પ્રવર્તમાન શિક્ષણ પદ્ધતિમાં યથોચિત અને વિદ્યાર્થી કેન્દ્રી આવકારદાયક ફેરફારો સૂચવે છે. ખાસ કરીને NEP માં સમાવિષ્ટ ECCE અંતર્ગત ૩ થી ૪ વર્ષનાં બાળકો માટે પૂર્વ પ્રાથમિક અને ધો. ૧—૨. ગુજરાત રાજ્યમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં સૂચવેલ બાબતો આજથી ૨ દાયકા પહેલાં અમલમાં આવેલ. એ સમયે અમલમાં મુકાયેલ અભ્યાસક્રમ અને પાઠયપુસ્તકોની રચનાની સમગ્ર પ્રક્રિયાને આ લેખ દ્વારા ટૂંકમાં પ્રસ્તુત કરી NEP ૨૦૨૦ સાથે તુલના કરવાનો પ્રયાસ છે.
૧૯૯૪ માં કેન્દ્રસ્તરે અપનાવવામાં આવેલી નીતિ મુજબ MLL (લઘુતમ અધ્યયન કક્ષા) આધારિત અભ્યાસક્રમ નક્કી કરી પાઠયપુસ્તકોની રચના કરી. જેમાં મુખ્યત્વે દરેક બાળકે સિદ્ધ કરવાની ક્ષમતાઓ પર ભાર આપીને સમાનતાને અને ચોક્કસ બોધાત્મક સિદ્ધિ પર ભાર આપી ગુણવત્તાને સિદ્ધ કરવાનું રાખવામાં આવેલ. પરંતુ શિક્ષક કેન્દ્રી વર્ગશિક્ષણની પ્રક્રિયાથી ખસીને અને ૧૯૯૩માં પ્રો.યશપાલ સમિતિ દ્વારા તૈયાર થયેલ “ભાર વિનાના ભણતર” અને “બાળક કેન્દ્રી આનંદદાયી પ્રક્રિયા” તરફના શૈક્ષણિક અનુભવમાં ગુણાત્મક ફેરફાર હાંસલ કરવાનું બાકી હતું.
૧૯૯૪માં જ જિલ્લા પ્રાથમિક શિક્ષણ કાર્યક્રમ (DPEP) શરૂ થયો. અને આ કાર્યક્રમ અંતર્ગત કેટલીક વૈકલ્પિક રૂપરેખા તૈયાર કરવામાં આવી. જેવી કે,
૧. MLL ની ક્ષમતાઓને કેવળ મૂલ્યાંકનનાં લક્ષ્યો ગણવી, બાળકના પ્રારંભિક તબક્કાના શિક્ષણ સાથે વિષયોની જાણકારીને અદ્યતન બનાવવી.
૨. પ્રવૃત્તિ આધારિત અધ્યાપનનો અભિગમ.
૩. “બાળકમિત્ર” જેવાં પાઠયપુસ્તકો, જે બાળકને એમની સાથે વધુ ક્રિયાશીલ બનાવે. ઉપરાંત શિક્ષકોને ઉપયોગી શિક્ષક હાથપોથી અને શાળા પર્યાવરણમાંથી અધ્યયન સામગ્રી (TLM)નું નિર્માણ.
૪. શિક્ષકોની ભાગીદારીવાળી અને અનુભવ આધારિત પદ્ધતિઓનો ઉપયોગ કરતી શિક્ષક તાલીમ.
આ માટે DPEP એ ૧૯૯૭માં નારગોલ મુકામે ૭ દિવસના “સંક્લ્પનાત્મક શિબિર”નું આયોજન કર્યું, જેના સંયોજનની જવાબદારી DPEP ન ટેક્નિકલ મદદ કરનારી સંસ્થા Education consultants India Limited” (EdCIL) ને સોંપવામાં આવી. આ શિબિરના કેન્દ્રસ્થ વિષયોઃ
૧. બાળક
૨. શિક્ષક
૩. શીખવા—શીખવવાની પ્રક્રિયા અને
૪. શાલેય શિક્ષણની નવી સમજણ હતા.
રાજ્યમાંથી શિક્ષણવિદો, કેળવણીકારો, બિનસરકારી સંસ્થાઓના પ્રતિનિધિઓ પ્રાથમિક/માધ્યમિક શાળાઓના આચાર્યો—શિક્ષકો, અને DPEP/GCERT/DIETs ના અધિકારીઓ—અધ્યાપકો મળીને કુલ ૬૦ જેટલા શિબિરાર્થીના રાજ્ય તજ્જ્ઞ જૂથ (શ્રૂઘ્)ની રચના થઈ. નારગોલ શિબિર, નક્કર અભ્યાસક્રમ અને પાઠયપુસ્તકની પુનઃરચનાની યોજના તરફ ગતિ કરવા માટેનું વિધેયાત્મક વાતાવરણ સર્જવા માટે અગત્યનું માધ્યમ બની રહી. SRG દ્વારા સર્વસંમતિથી નક્કી થયેલ મુદ્દાઓ પર ભવિષ્યમાં શિબિરોનું આયોજન કરવાનું ગોઠવાયેલ.
નારગોલની “સંકલ્પનાત્મક શિબિર”ના અનુસંધાનમાં July ’97 ભાાં EdCIL ના સહયોગથી GCERT આયોજિત કાર્યશાળાનું ઈડર મુકામે આયોજન થયું. જેનો મુખ્ય વિષય “શિક્ષક તાલીમ” હતો. તાલીમ વિશે અને તાલીમનાં તમામ પાસાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલ અને તાલીમ અંગેની સમજ સ્પષ્ટ કરવામાં આવેલ. આ કાર્યશાળામાંથી પ્રાપ્ત દિશાસૂચન ભવિષ્યની તાલીમ માટે બહુ ઉપયોગી બની રહી.
ઇડરની કાર્યશાળા બાદ July’97 ભાાં જ GCERT એ પાલીતાણા મુકામે “શાળા તત્પરતા” મોડયુલનું નિર્માણ કરી તે અંગે રાજ્યકક્ષાની પાલીતાણા મુકામે સઘન તાલીમ આપવામાં આવી. સાથે સાથે “ક્ષમતાલક્ષી દિવાસ્વપ્ન” કાર્યશાળાનું પણ આયોજન કરવામાં આવ્યું. ગિજુભાઈ બધેકાએ કરેલા શૈક્ષણિક પ્રયોગો પર તેમણે લખેલ “દિવાસ્વપ્ન” પુસ્તક આધારિત ધો. ૧ અને ૨ ના ગુજરાતી, પર્યાવરણ અને ગણિત વિષયોની ક્ષમતાઓને ગીતો, વાર્તા, રમત, નાટક અને વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા સિદ્ધ કરી શકવા “ક્ષમતાલક્ષી દિવાસ્વપ્ન” કાર્યશાળામાં ધો. ૧—૨ના ત્રણેય વિષયોની ક્ષમતાઓને પ્રવૃત્તિઓ દ્વારા શિબિરાર્થીઓએ પ્રત્યક્ષ અજમાયશ કરી અનુભવ લીધો અને પ્રવૃત્તિમય શિક્ષણ માટે વિશ્વાસ મેળવ્યો. ભવિષ્યમાં તૈયાર થનારાં પાઠયપુસ્તકોને આ બંને કાર્યશાળાઓએ અગત્યનો આધાર પૂરો પાડેલ.
આ પછી તરત જ ગાંધીનગર ખાતે ઑગસ્ટ ૧૯૯૭માં કાર્યશિબિર યોજાઈ ગઈ. તેમાં ભાષા, ગણિત અને પર્યાવરણ શીખવવા માટેના સુયોગ્ય અભિગમની સમજણ ઊભી કરવાનો મુખ્ય ઉદ્દેશ હતો. સાથે સાથે બાલકેન્દ્રી શિક્ષણ તેમજ બાળકો માટે આનંદદાયી અને ભારરહિત શિક્ષણ માટે પાઠયપુસ્તકોમાં કેવા જરૂરી ફેરફારો જણાય છે તે નક્કી કરવાનો ઉદ્દેશ પણ હતો. ત્રણેય વિષયોને શીખવામાં અને શીખવવામાં પડતી મુશ્કેલીઓ અને ખોટી ધારણાઓ પર ધ્યાન કેન્દ્રિત થયું. ત્રણેય વિષયોનાં પાયાનાં કૌશલ્યોને સિદ્ધ કરવા શું પગલાં લઈ શકાય તેની સ્પષ્ટ ચર્ચા કરવામાં આવી.
કદમ આગળ વધારતા ડિસેમ્બર ૧૯૯૭માં પણ એક ખૂબ જ અગત્યની કાર્યશિબિર યોજાઈ ગઈ. આ કાર્યશિબિર પ્રથમ ત્રણ કાર્યશિબિરના નિર્ણયોને અમલમાં મૂકવામાં આવે તો વર્ગમાં શું થશે એની કલ્પના કરવામાં મદદરૂપ થાય તે હેતુથી આયોજિત કરવામાં આવી. આ કાર્યશિબિરનું કેન્દ્રબિંદુ રહ્યું “પ્રવૃત્તિ” એનો ખ્યાલ અને પ્રવૃત્તિ કેવી રીતે વર્ગખંડમાં ભણવાની પ્રક્રિયાને પોષે છે એની સમજણ. “પ્રવૃત્તિની કવાયતે” કોઈ પણ પ્રવૃત્તિમાં આયોજન અને કરવામાં પડતી મુશ્કેલીનો અંદાજ આપ્યો.
ત્યારબાદ વિષયો અને તેના આધારે તેનાં પાઠયપુસ્તક કેવાં હોવાં જોઈએ તેની મથામણ શરૂ થઈ. પ્રારંભિક ધોરણોમાં ભાષા, ગણિત અને પર્યાવરણ શિક્ષણની મુશ્કેલીઓ રજૂ કરી અને એમને હલ કરવામાં પ્રવૃત્તિ આધારિત ભણતર કેવી રીતે કરી શકે તેની ચર્ચા પણ થઈ. ચર્ચાઓના આધારે એવું તારણ નીકળ્યું કે ભાષા અને પર્યાવરણ વચ્ચે સમન્વય શક્ય છે અને ગણિતને સ્વતંત્ર વિષય રાખવો. આ કામ શરૂ કરવા માટે SRG માં ૩૦ શિક્ષકોનો સમાવેશ કરવામાં આવ્યો. અભ્યાસક્રમમાં ફેરફાર લાવવા માટેની સીધી પ્રક્રિયામાં પહેલીવાર એમ બન્યું કે શિક્ષકોનો ઔચારયક રીતે સમાવેશ થયો હોય.
SRG દ્વારા ધોરણ ૧ થી ૪ ના અભ્યાસક્રમ અને પાઠયપુસ્તક પુનઃરચનાની વિચારણા શરૂ થઈ. આ વિચારણામાં વય—સ્તર અને બાળકોની અપેક્ષાઓ, શરૂઆતમાં ભારણ ઓછું, અનુભવજન્ય અને પ્રવૃત્તિ આધારિત અભિગમ, બાળકોમાં સ્વતંત્ર રીતે શીખવાની પ્રક્રિયાને ઉત્તેજન, સ્મૃતિના ઉપયોગની તકો, આદિવાસી બાળકો જેવાં વિશિષ્ટ જૂથોની આવશ્યકતાઓ, કોયડાઉકેલ પર ધ્યાન અને કાર્યસંબંધની સમજણ, કલ્પનાવિકાસ, સર્જન અને વિસ્તરણ અને સ્થાનિક પરિસ્થિતિ અનુસાર અભ્યાસક્રમની બાબતોમાં ફેરફાર કરવાનું શિક્ષકોને સ્વાતંત્ર્ય જેવી બાબતોની ચર્ચા થઈ.
આટલું નક્કી થયા પછી હવેનું પગલું હતું અગાઉ તારવેલા માપદંડોને સુવ્યવસ્થિત કરી ફરીથી ઘડવાનું. ઘણી બધી ચર્ચાઓના અંતે શ્રૂઘ્ એ નોંધ્યું કે અભ્યાક્રમ સંતોષકારક કહી શકાય; પરંતુ પાઠયપુસ્તકો સુધારવાની જરૂર છે.
જેના આધારે ગાંધીનગર નજીક અમિયાપુર ખાતે એક કાર્યશિબિર યોજાઈ જેનું નામ હતું.
“પાઠયક્રમ સમીક્ષા અને પાઠયપુસ્તક પુનઃરચના અને અંતિમ સ્વરૂપ માટેની કાર્યશિબિર”માં નીચે જેવા નિર્ણયો લેવાયા. ૧. ભાષા અને પર્યાવરણ માટે ધોરણ ૧ અને ૨માં એક જ પાઠયપુસ્તક કરવું જેમ કે વિષયવસ્તુ પર્યાવરણનું હોય અને માધ્યમ ભાષા હોય.
૨. ક્ષમતામાં જરૂરી ફેરફાર કરી ગણિત વિષયવસ્તુની રજૂઆત સરળ અને રસપ્રદ કરવી. કેટલાક વિષયવસ્તુમાં થોડી કાપકૂપ કરવી. જેમ કે ધોરણ ૧ માં ૧ થી ૫૦ અને ધોરણ ૨ માં ૫૧—૧૦૦ સંખ્યાનું જ્ઞાન આપવું.
૩. વિગતવાર શિક્ષક આવૃત્તિ તૈયાર કરવી. જેમાં પ્રત્યેક પાઠ માટે પદ્ધતિ અંગે અને ભણવા — ભણાવવાની સામગ્રી તૈયાર કરવા માટે માર્ગદર્શન હોય. શું કરવું જોઈએ અને સામાન્ય રીતે શું ન કરવું તેમજ શું ક્યારેય ન કરવું એ અંગે સૂચનો હોવાં જોઈએ.
ઉપરના ત્રણેય નિર્ણયો શ્રૂઘ્ નું અદ્ભુત જૂથકાર્ય, દલીલો અને ચર્ચાના અંતે લેવાયેલા હતા. પ્રથમ દલીલમાં પર્યાવરણની વિષયવસ્તુના શિક્ષકે બાળકોને એમના અનુભવોના આધારે શીખવવાનું હોય છે… અને એમાં સ્વતંત્ર પાઠયપુસ્તકની જરૂર નથી. સાથે સાથે એક અગત્યના તારણના આધારે પણ આ નિર્ણય લેવાયો કે “બાળક શીખે ત્યારે એનું શીખવાનું સમગ્રતયા થયું હોય છે, એની શીખવાની પ્રક્રિયા (જ્ઞાનપ્રાપ્તિ)માં ગણિત, ભાષા કે પર્યાવરણ એવા ભાગલા નથી હોતા.”
આટલી પાયાની સમજ નક્કી થયા બાદ અભ્યાસક્રમ પુનર્ગઠન તેમજ પાઠયપુસ્તકની નવરચનાનું કાર્ય શરૂ થયું. સાથે અગત્યની બાબત હતી શિક્ષકઆવૃત્તિની રચના.. તમામ કાર્યશિબિરમાં વારંવાર શિક્ષકો માટે જે બાબતો માર્ગદર્શન માટે નક્કી થયેલ તે આ હતી — પાઠોનું આયોજન, મૂલ્યાંકન અને વ્યક્તિગત રસને અનુલક્ષીને વૈકલ્પિક અભિગમ અપનાવવો. આમ શિક્ષકઆવૃત્તિ, શિક્ષક માટે માર્ગદર્શિકા બનશે અને એમને સ્થાનિક સંદર્ભમાં અભ્યાસક્રમને મૂલવવાની પ્રેરણા આપશે. ભણવા — ભણાવવાની સસ્તી સામગ્રી તૈયાર કરવા માટે અને સ્થાનિક પર્યાવરણનો ઉપયોગ કરવા માટે માર્ગદર્શન આપવાનું પણ નક્કી થયું. ઉપરાંત શિક્ષકઆવૃત્તિમાં આમેજ કરવા માટેના અગત્યના મુદ્દાઓની યાદી પણ તૈયાર કરવામાં આવી. આ ઉપરાંત એક મહત્ત્વની પ્રક્રિયાને પણ અહીં સ્થાન આપવામાં આવ્યું. અને તે પ્રક્રિયા હતી — સ્કુલ પ્લેસમેન્ટ કાર્યક્રમ. એમ નક્કી કરવામાં આવ્યું કે શ્રૂઘ્ ના તમામ સભ્યોએ પ્રાથમિક શાળામાં પ્રત્યક્ષ વર્ગખંડમાં જઈ એક શિક્ષક તરીકે બાળકો સાથેના વર્ગવ્યવહાર થકી પ્રાથમિક શિક્ષણનો અનુભવ લેવો. સ્કુલ પ્લેસમેન્ટ કાર્યક્રમ આ તમામ સભ્યો માટે ખૂબ જ ફળદાયી અને આગામી સમગ્ર પ્રક્રિયામાં ઉપયોગી નીવડયો.
શિક્ષકઆવૃત્તિ
ધોરણ ૧ ની ભાષા — પર્યાવરણના પાઠયપુસ્તકની શિક્ષકઆવૃત્તિમાં શરૂઆતમાં એક કોઠો મૂકવામાં આવ્યો હતો કે જેમાં શિક્ષકોને દરેક પાઠમાં ભાષાની ક્ષમતાઓ અને પર્યાવરણીય વિષયવસ્તુ સાથે રાખી કેવી રીતે અધ્યયનકાર્ય કરાવી શકાય તેની સમજૂતી આપવામાં આવી હતી… દરેક પાઠની પહેલાં ૨/૩ પાનાંમાં શિક્ષકોને કયા ક્રમમાં કેવી રીતે પાઠને આગળ ચલાવવાનું છે તેની સ્પષ્ટ સમજૂતી આપેલી હતી. દરેક પાઠની શરૂઆત એક રેખાચિત્રથી કરવામાં આવી હતી… જે પાઠને અનુરૂપ હોય અને બાળકોએ તેમાં રંગપૂરણી કરવાની હોય… બાળકનો શીખવાની ક્રમ બહુ જ સુનિર્દેશિત હતો. દરેક પાઠના અંતે એક કોરું પાનું રાખવામાં આવેલ જેમાં શિક્ષકોને પાઠ ભણાવતાં જે જે મુશ્કેલીઓ પડી હોય કે નવી કોઈ પ્રયુક્તિ ઉમેરી હોય તેની વાત રજૂ કરવાની હતી.
તે જ રીતે ગણિતની શિક્ષકઆવૃત્તિમાં સૌ પ્રથમ બાળકોના પૂર્વાનુભવોથી શરૂ કરવામાં આવ્યું હતું… જેમાં નાનું—મોટું, લાંબું—ટૂંકું, જાડું—પાતળું વગેરે સંકલ્પનાઓની વાત કરવામાં આવી હતી અને પછી સંખ્યાજ્ઞાનની શરૂઆત કરવામાં આવેલ. દરેક પ્રકરણમાં સૌ પ્રથમ પૂર્વજ્ઞાનની પ્રવૃત્તિ, રંગપૂરણીની પ્રવૃત્તિ, અભિમુખતાની પ્રવૃત્તિ, દૃઢીકરણની પ્રવૃત્તિ, મહાવરાની પ્રવૃત્તિ, જેવો ક્રમ જળવાયો હતો… ગણિતમાં પણ વાર્તા, રમતો અને અભિનયગીતો હોઈ શકે તે આ પાઠયપુસ્તક દ્વારા સુનિશ્ચિત થયું.
શ્રૂઘ્ દ્વારા નક્કી થયેલ ધો. ૧નો અભ્યાસક્રમ, શિક્ષકઆવૃત્તિમાં આમેજ કરવાની બાબતોની સ્પષ્ટ સૂચનાઓની યાદી તથા ભાષા — પર્યાવરણનું એક અને ગણિતનું અલગ એમ બે પાઠયપુસ્તકો રચવા લેખકોએ કાર્ય શરૂ કર્યું.
પાઠયપુસ્તકો અને શિક્ષક આવૃત્તિ તૈયાર થયે SRG સમક્ષ સમીક્ષા માટે મૂકવામાં આવેલ. સમીક્ષા દરમ્યાન સૂચવેલ સર્વસ્વીકાર્ય બનતાં એ મુજબ આ પુસ્તકોમાં સુધારો કરી DPEP ના ૩ જિલ્લાઓ બનાસકાંઠા, પંચમહાલ અને ડાંગની આશરે ૪૦૦ શાળાઓમાં અજમાયશી ધોરણે આ પાઠયપુસ્તકો મૂકવામાં આવ્યાં. અજમાયશી મૂકતા પહેલાં પાઠયપુસ્તકોના લેખકોએ RPs ને તાલીમ આપી અને RPs એ શિક્ષકોને તાલીમ આપી “આનંદદાયી અને પ્રવૃત્તિલક્ષી” નવાં પાઠયપુસ્તકોનો અમલ શરૂ થયો. શાળા કાર્ય દરમ્યાન પણ શ્રૂઘ્ ના સભ્યો દ્વારા શાળા મુલાકાત લઈ અમલીકરણના તમામ પાસાઓનું સૂક્ષ્મ નિરીક્ષણ કરેલ અને શિક્ષકોનાં મંતવ્યો અને સૂચનો મેળવેલ.
શિક્ષકોના સૂચન અનુસાર પાઠયપુસ્તકમાં જરૂરી ફેરફાર કરી, SRGની સંમતિ સાથેSRG ના આ ત્રણેય જિલ્લાઓની તમામ શાળાઓમાં આ દ્વિતીય અજમાયશીકરણ માટે પાઠયપુસ્તકો અમલમાં આવ્યાં. સાથે અન્ય જિલ્લાઓની ૨૦—૨૦ શાળાઓમાં પણ અજમાયશી ધોરણે અમલમાં મૂકવામાં આવ્યાં.
ધો. ૧ના પ્રથમ અજમાયશ સમય દરમ્યાન લેખકો દ્વારા આ જ પદ્ધતિએ ધો. ૨ના ભાષા પર્યાવરણનું એક અને ગણિતનું એક એમ બે પુસ્તકો અને તેની શિક્ષક આવૃત્તિ તૈયાર કરી SRG સમક્ષ સમીક્ષા માટે મુકાયેલ અને સંમતિ મળતાં ધો. ૨ ની પ્રથમ આશરે ૪૦૦ (અગાઉ ધોરણ ૧ માં લીધેલ શાળાઓ જ) શાળાઓમાં અજમાયશી ધોરણે અમલમાં મૂકવામાં આવેલ. આ સમયે પણ SRG દ્વારા શાળા મુલાકાત અને ધો.૧ અને ૨ના શિક્ષકોની રૂબરૂ મુલાકાત લઈ તેમના સ્પષ્ટ પ્રતિભાવો અને સૂચનો મેળવેલ. પ્રથમ અને દ્વિતીય તબક્કાના અજમાયશી સમય દરમિયાન SRG ના સભ્યો તેમજ જિલ્લાના અધિકારીઓ — કર્મચારીઓ દ્વારા સમયાંતરે સઘન શાળા મુલાકાત કરવામાં આવતી. જેમાં સભ્યો દ્વારા ધોરણ ૧ અને ૨ ના વર્ગખંડમાં શિક્ષક દ્વારા થતા અધ્યાપનકાર્યનું ખૂબ જ ઝીણવટથી અવલોકન કરવામાં આવતું અને ત્યારબાદ તે શિક્ષક સાથે રૂબરુ મુલાકાત પણ કરવામાં આવતી. જેમાં પાઠયપુસ્તકના શિક્ષકઆવૃત્તિનાં દરેક પ્રકરણના અભિપ્રાયો મેળવવામાં આવતા. શાળા મુલાકાતના સમગ્ર કાર્યક્રમ બાદ મળેલ અભિપ્રાયોનું એકંદરીકરણ કરી તેના ઉપર પુખ્ત ચર્ચા વિચારણાના અંતે પાઠયપુસ્તકોમાં જરૂરી સુધારા પણ કરવામાં આવ્યા. સમગ્ર પ્રક્રિયા આ બંને વર્ષ દરમિયાન ખૂબ જ આયોજનબદ્ધ અને પરિણામલક્ષી રીતે ચાલી, અને જૂન ૨૦૦૧ થી ધોરણ ૧ ના બંને વિષયનાં પાઠયપુસ્તકો ભાષા (ગુજરાતી— પર્યાવરણ) અને ગણિત રાજ્ય કક્ષાએ અમલમાં આવ્યાં. આ જ પ્રકારે ધોરણ ૨ નાં પાઠયપુસ્તકો જૂન ૨૦૦૨ થી રાજ્યકક્ષાએથી અમલમાં આવ્યાં.
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦માં સૂચવેલ બાબતો અને ઉપરોક્ત પ્રવૃત્તિલક્ષી અને આનંદદાયી પાઠયપુસ્તકો તથા શિક્ષક આવૃત્તિની તુલના કરવાનો પ્રયાસ કરેલ છે.
NEP માં સૂચવેલ ભલામણો | પ્રવૃત્તિલક્ષી અને આનંદદાયી પાઠ્યપુસ્તકો તથા શિક્ષક આવૃત્તિ |
ધોરણ ૧ નાં તમામ બાળકો માટે ૩ માસનો પ્રવૃત્તિ આધારિત શાળાતત્પરતા કાર્યક્રમ | ધોરણ ૧ : ભાષાની શિક્ષક આવૃત્તિના પ્રથમ ૧૮ પાનાં શાળાતત્પરતાની તમામ પ્રવૃત્તિને આવરી લે છે. તદ્ઉપરાંત શાળાતત્પરતા કાર્યક્રમનું મોડયુલ તેમજ ક્ષમતાલક્ષી દિવાસ્વપ્ન પણ આ તમામ પ્રવૃત્તિને આવરી લે છે. |
ધોરણ ૧, ૨ : ભાષાની શિક્ષક આવૃત્તિમાં શરૂઆતમાં જ એક કોઠો આપવામાં આવેલ છે જેમાં મૂળાક્ષરની ઓળખ થી લઇ શબ્દ/વાક્ય વાચન અને લેખનનો એક વૈજ્ઞાનિક અભિગમ દર્શાવેલ છે. | |
પ્રારંભિક ગણન પાર ધ્યાન | ગણિતની શિક્ષક આવૃત્તિમાં પૂર્વાનુભવો જેવા કે નાનું – મોટું,ઓછું – વધારે, લાબું – ટૂંકું જેવા ખ્યાલોના આધારે મૂર્ત વસ્તુઓ અને ચિત્રના આધારે ગણનને કેવી રીતે દ્રડ કરાવી શકાય તેના પુષ્કળ મહાવરા આપેલ છે. |
રમત આધારિત અધ્યયન | ધોરણ ૧ અને ૨ નાં બંને વિષયોની શિક્ષક આવૃત્તિમાં દરેક સંકલ્પના શીખવવા માટે રમતનો ઉલ્લેખ કરેલ છે. ૨૦ – ૨૫ જેટલી રમતો સામેલ છે. |
પ્રવૃત્તિ આધારિત અધ્યયન | ધોરણ ૧ અને ૨ નાં બંને વિષયોની શિક્ષક આવૃત્તિમાં દરેક સંકલ્પના શીખવવાણી શરૂઆત જ પ્રવૃત્તિ દ્વારા કરેલ છે. ૯૦ – ૧૦૦ જેટલી વિષયવસ્તુ આધારિત પ્રવૃત્તિઓ સામેલ છે. |
ગીતો – જોડકણાં તથા વાર્તાનો સમાવેશ | ધોરણ ૧ અને ૨ નાં બંને વિષયોની શિક્ષક આવૃત્તિમાં દરેક એકમમાં વિષયવસ્તુ આધારિત ગીતો અને જોડકણાં સામેલ છે. દા.ત., માત્ર ધોરણ ૧ : ભાષામાં ૨૦ ગીતો અને ૨૫ જોડકણાંનો સમાવેશ થયો છે. જયારે ધોરણ ૧ : ગણિતમાં ૩૦ જેટલા ગીતો – જોડકણાંનો સમાવેશ કરેલ છે. ધોરણ ૧ : ભાષામાં ૧૦ વાર્તાઓ અને ગણિતમાં પણ ૨ વાર્તા મૂકેલ છે. ગણિતમાં પણ ગીતો – વાર્તાઓ હોઈ શકે તે આના આધારે સાબિત થયું અને વર્ગખંડમાં સિદ્ધ પણ થયું. |
તાર્કિક ચિંતન અને સમસ્યા ઉકેલ | બંને ધોરણોના પાઠ્યપુસ્તકોમાં એવા અઢળક ઉદાહરણો છે જેના આધારે બાળકોમાં તાર્કિક ચિંતન અને સમસ્યા ઉકેલ જેવા કૌશલ્યનો વિકાસ થાય. બંને વિષયોમાં વિષયવસ્તુને અનુરૂપ TLM કેવી રીતે બનાવી શકાય તેની પણ વિસ્તૃત માહિતી આપેલ છે. |
અનુભવજન્ય અને સહપાઠી અધ્યયન | ધોરણ ૧ અને ૨ નાં બંને વિષયની શિક્ષક આવૃત્તિ અને પાઠ્યપુસ્તકમાં જે બાળકોના અનુભવવિશ્વ સાથે જોડાયેલું હોય ત્યાં એવી બાબતોનો અવશ્ય ઉલ્લેખ કરેલ છે. તદ્ઉપરાંત અધ્યયન પ્રક્રિયા દરમિયાન જ્યાં પણ સહપાઠી શિક્ષણ શક્ય છે ત્યાં જૂથ પાડીને પ્રવૃત્તિ કે અન્ય કામનો ઉલ્લેખ પણ કરેલ છે. જૂથકાર્યને ખુબ જ મહત્વ આપેલ છે. |
ગોખણપટ્ટી દૂર કરી કૌશલ્ય આધારિત અધ્યયન | બંને વિષયની વિષયવસ્તુની રજૂઆત જ એવી સુસ્પષ્ટ છે કે ગોખણપટ્ટીને અવકાશ રહેતો જ નથી. |
મૂળભૂત સંકલ્પનાઓનું જ્ઞાન, ઉચ્ચ સ્તરીય કૌશલ્યો અને તેના ઉપયોજન સંદર્ભ મૂલ્યાંકન કરવામાં આવશે | દરેક એકમ દરમિયાન અને એકમ શીખવ્યા બાદ મૂલ્યાંકન કરવું. બીજો એકમ શરુ કરતા પહેલાં કાચા રહી ગયેલા વિદ્યાર્થીઓનાં જૂથ પાડી વર્ગમાંના હોંશિયાર વિદ્યાર્થીઓની મદદથી અને શિક્ષકની પોતાની સક્રિય સામેલગીરીથી કાચા રહી ગયેલાં બાળકોની કચાસ દૂર કરવી. |
પ્રગતિપત્રકમાં સ્વમૂલ્યાંકન, સહપાઠીથી મૂલ્યાંકનનો સમાવેશ | દરેક બાળકના સ્વતંત્ર પ્રગતિપત્રકની રચના કરવામાં આવેલ. જેમાં બાળકની પાયાની માહિતી ઉપરાંત બંને વિષયના અપેક્ષિત મુદ્દાઓ તથા કૌશલ્યની યાદી આપવામાં આવી છે. સતત અવલોકન, નિદાન અને અંતે ઉપચાર દ્વારા તમામ બાળકો એ કૌશલ્યો સિદ્ધ કરી લે પછી પ્રગતિપત્રક પારથી પરિણામપત્રકની રચના કરવામાં આવે છે. |
આમ આજથી ૨ દાયકા પહેલાં, ગુજરાત રાજ્ય સરકાર શિક્ષણ વિભાગ અને GCERTદ્વારા અનેકવિધ પ્રક્રિયામાંથી પસાર થઈ અમલમાં મુકાયેલ ધો. ૧ અને ૨ ના “પ્રવૃત્તિલક્ષી અને આનંદદાયી” પાઠયપુસ્તકો અને તેની શિક્ષક આવૃત્તિઓ, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ના ECCE અને પ્રારંભિક બાળશિક્ષણ વિભાગમાં સૂચવેલ તમામ બાબતોને પ્રતિબિંબિત કરે છે. ઉપરાંત અભ્યાસક્રમ અને પાઠયપુસ્તકોની રચના પ્રક્રિયાને પણ સંતોષે છે.
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ ના અમલીકરણ માટે ગુજરાત તૈયાર છે અને રાષ્ટ્રકક્ષાએ પણ માર્ગદર્શકની ભૂમિકા માટે સજ્જ છે.