દીકરીની જોડ સખી નહિ મળે રે લોલ…

અરે મારો કેમ છો… અરે, હું રડી તો બધા તો હસવા માંડયા… જરા જોવા દો, આ દુનિયા કેવી છે!… પહેલા મને મારી મમ્મીને શોધવા દો. આમાંથી મારી મમ્મી કોણ હશે? હસતાં હસતાં રડી રહી છે, એ જ મારી મમ્મી લાગે છે! મારા પપ્પા કેમ ક્યાંય દેખાતા નથી? હા, પેલા દૂર ઊભા છે એ જ મને મારા પપ્પા લાગે છે. અરે, પણ મારા દાદી તો ખરેખર રડતા હોય એવું કેમ મને લાગે છે? અને હમણાં એવું કેમ બોલ્યા કે, છોકરી આવી અમારા તો નસીબ ફૂટયા! મને તો બહુ ખરાબ લાગ્યું. મને તો રડવું આવી ગયું. નવ મહિનાથી હું બહાર આવવાની રાહ જોતી હતી. કેટલી ઉત્સાહિત હતી… આજે મારો ભર્થ ડે છે અને તોય દાદી આવું બોલ્યા?

મને મારા પપ્પા તો ગમતા જ નથી, કેમ? હું ત્રણ મહિનાની હતી ત્યારે મારી મમ્મીને ડૉકટર પાસે લઈ ગયા હતા. પછી ડૉક્ટરે મારા મમ્મીના પટેનો કંઈક ફોટો પાડયો હતો અને ડૉક્ટર આંટીએ કીધું કે તમારે છોકરી આવવાની છે. મારા પપ્પાએ ડૉક્ટરને કીધું કે અમારે આ બાળકી જોઈતી નથી. હું તો ત્યારે ખૂબ જ ડરી ગઈ હતી. બહુ જ દુખી થઈ ગઈ હતી. કેવું લાગે તમને, જ્યારે તમને ખબર પડે કે તમારા જન્મદાતા તમને મારી નાખવા માંગતા હતા. પપ્પા કંઈ આવા હોય? પોતાની દીકરીને મારી નાંખવાનું કહે? પણ મારી મમ્મીએ ના પાડી. મમ્મીએ કહ્યું કે હું મારી દીકરીને જરૂર જન્મ આપીશ. પછી અમે ઘરે ગયા, તો દાદા —દાદીશે પણ પપ્પા જેવી જ વાત કરી. દાદી કહેવા માંડયા છોકરો આપનો વંશ આગળ વધારે, ઘરડા થઈએ ત્યારે આપણને સાચવે, મને બહુ નવાઈ લાગી. આ કામ છોકરીઓ ના કરી શકે? દાદી મમ્મીને મારા જન્મ માટે કોસતા હતા, પણ ડૉક્ટર આંટીએ સમજાવ્યું કે પુરૂષ તરફથી વાય ક્રોમોઝોન આવે તો જ છોકરો થાય, આમા મારી મમ્મીનો શું વાંક? પણ મારી મમ્મી અટલ જ રહી. પપ્પાને ડૉક્ટર આંટીએ બહુ સમજાવ્યા કે હવે છોકરા —છોકરીઓમાં કોઈ ભેદ નથી. છોકરીઓ એ બધા જ કામ કરી શકે છે જે છોકરાઓ કરી શકે છે. દરેક પરિવારને પોતાનો વંશવેલો કાયમ માટે જળવાય રહે તેની ચિંતા હોય છે. પોતાની જાયદાદ પોતાના જ ઘરમાં રહે. પોતાનાં દીકરા માટે તેમને વહુ તો જોઈએ જ છે. સ્ત્રી વગર વંશવેલો શક્ય જ નથી. છતાંય તેમને દીકરી નથી જોઈતી. ફક્ત દીકરો જ જોઈએ છે. દીકરો હશે તો કાંધ આપી સ્મશાન લઈ જઈ અગ્નિસંસ્કાર આપશે, આવી વર્ષો જૂની પરંપરાથી સમાજ ધેરાયેલો છે. પેટમાં હતી ત્યારે જ આ બધું સાંભળીને વિચારતી હતી. દુનિયામાં છોકરી છોકરામાં આવો ભેદભાવ કેમ છે? મારા પહેલા આવી ગયેલી છોકરીઓ આવી નફરત વાળી દુનિયામાં જીવતી હશે? મારી મમ્મી ખુશ નહિ હોય? મારે પણ નફામાં ઓરમાયિ જીંદગી જીવવાની છે?

પણ દીકરી જન્મે તો એટલાં માટે પણ દુઃખી થાય છે કે દીકરીને સારું ઘર મળશે કે કેમ? સારો વર મળશે કે કેમ? દીકરીને બીજાના ઘરે વિદાય કરી દેવી પડે, ઘણીવાર દીકરીને સળગાવી દે છે, ઘણીવાર દીકરીને ખૂબ જ માનસિક ત્રાસ આપતા હોય છે, માતા પિતાથી આ જોવાતું નથી. અને દીકરીને વંશવેલો ન ચાલે, દીકરીનાં લગ્નમાં વધારે ખર્ચ કરવો પડે છે, દહેજ આપવું પડે છે, દીકરીનાં જન્મથી મરણ સુધીનાં રીત રિવાજોનાં ખર્ચ, દીકરીનાં લગ્ન વખતે મામેરું, દરેક વાર — તહેવાર — પ્રસંગે દીકરી માટે ભેટ — સાોગાદો, જેવા એનક આવા રિવાજોનાં હિસાબે દીકરી પસંદ કરતાં નથી… છોકરીના માતાપિતાને હંમેશા જમાઈ અને સાસરાવાળાથી ડર્યા કરવાનું, ક્યાંક જમાઈને ખોટું તો નહિ લાગે ને?

તમને ખબર છે, એક વાર મમ્મી ટીવી જોતી હતી ત્યારે આપણા વડાપ્રધાન કહેતા હતા કે ગુજરાતમાં છોકરીઓનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. એટલે ક એમને “બેટી બચાવો, બેટી પઢાવો”નું સ્લોગન આપ્યું છે. દીકરીઓને ભણતર આપીને પગભર બનાવવી જરૂરી છે. દીકરીઓ આજે ડૉક્ટર, વૈજ્ઞાનિકો બની છે, દીકરીઓ મોટા મોટા બીઝનેશમાં સીઈઓ જેવી મહત્ત્વની જવાબદારી નિભાવે છે તથા દીકરીઓ હવે પ્રોડયુશર, મોડલ, પાયલટ બની છે. ડૉક્ટર આંટી પોતે પણ એક છોકરી તો છે. એક છોકરીની હત્યા કરવામાં આવે ત્યારે એક બહેન, એક મા, એક પત્નીનું મરણ થાય છે. મારે પણ ડૉક્ટર બનવું છે. બહું ભણવું છે. બહું રમવું છે. ડાન્સ કરવો છે પણ જે રીતે પપ્પા અને દાદી વાત કરતા હતા એ લોકો મને પ્રેમ આપશે? મને ભણાવશે?

ચાલો બહુ ગંભીર વાતો થઈ ગઈ. પપ્પા તો દીકરી પર સરસ કવિતા લખતાં હોય છે, એક દિવસ ઉદયન ઠક્કરની કવિતા મમ્મી વાંચતા વાંચતા રડતી હતી,

દીકરીએ પ્હેરતાં પ્હેરી લીધા

મારા ચંપલ, માપ ખોટું નીકળ્યું

એનું પગલું, સહેજ મોટું નીકળ્યું

નાનીમાંથી મોટી સંખ્યા બાદ કર

જા, થઈ જા એની ઉંમરનો ફરી

જાદુમંતર જાત પર એકાદ, કર

નાની સરખી યુક્તિ અજમાવી લીધી

આ જુઓને, એણે શીર્ષાસન કર્યું

રમતાં રમતાં સૃષ્ટિ સુલટાવી લીધી

“લાવો, ઓળી આપું?” કહીને દીકરી

કોરા કેશે કાંસકીને ફેરવે

ગૂંચ ઉકેલે, ટચૂકડે ટેરવે

હું પણ મારા પપ્પાને ખૂબ પ્રેમ કરીશ, દીકરી તો વ્હાલનો દરિયો. હું પણ મારા દાદી ને દાદાને બધાની ખૂબ કાળજી કરીશ.

હવે મને ભૂખ લાગી છે. રડવા દો, એવું સાંભળ્યું છે, માંગ્યા વગર તો માં પણ ના પીરસે!

મારે તમારી સાથે બહુ વાતો કરવાની છે મારે મારી મમ્મી જોડે, પપ્પા જોડે, દાદા — દાદી જોડે, મારા ભાઈ સાથે, ટીચર જોડે અને તમારી દુનિયાના દરેક લોકો સાથે વાત કરવાની છે.

મારી જોડે વાત કરશો ને?

મને બોલવા દેશો ને?

મારી વાત સાંભળશો ને?

સોલ પોઈન્ટ :  લોકોને માં જોઈએ…

લોકોને બહેન જોઈએ …

લોકોને પત્ની જોઈએ…

લોકોને ગર્લ ફ્રેન્ડજોઈએ..

તો દીકરી કેમ નહી?