ગાંધીજી જોહાનિસબર્ગમાં રહેતા હતા, ત્યારે તેમના પર રસ્કિનના પુસ્તક “અનટુ ધીસ લાસ્ટ” ની પૂરી અસર પડી ચૂકી હતી. એ પુસ્તકના વાંચન પછી તેમણે ફિનિક્સના સ્ટેશનથી અઢી માઈલ દૂર “ફિનિક્સ આશ્રમ”ની સ્થાપના કરી હતી. ફિનિક્સના થોડા સમયના વસવાટ પછી ગાંધીજી જોહાનિસબર્ગમાં રહેવા આવ્યા. અહીં તેઓ સાદું જીવન જીવવાના પ્રયોગો કરવા લાગ્યા.

પોતાનાં બાળકોમાં પણ શ્રમ અને સાદાઈના સંસ્કારો પડે તે માટે તેઓ પોતાના સ્વાવલંબનના પ્રયોગોમાં બાળકોને પણ સામેલ કરવા લાગ્યા.

પહેલાં ઘરમાં બજારની “રોટી” આવતી. તેને બદલે તેમણે હાથે રોટી બનાવવાનું શરૂ કર્યું. હાથે રોટી બનાવવી હોય તો મિલનો આટો કામ ન આવે, તે માટે તો જાતે જ દળવું જોઈએ. એટલા માટે તેમણે હાથે દળવાની એક ઘંટી ખરીદી અને “જાતમહેનત ઝિંદાબાદ”ની શરૂઆત કરી. દળવાના આ પરિશ્રમમાં બાળકો પણ જોડાતાં. તેમને માટે આ પ્રવૃત્તિ આનંદદાયી તેમજ શરીર કસનારી નીવડી. બાળકો માટે આ પ્રવૃત્તિ રમતરૂપ બની રહી. બાળકો ઘંટી ચલાવે તે માટે ગાંધીજીએ કદી તેમને ફરજ નથી પાડી; તેઓ તો આ કામ હોંશે હોંશે કરતાં. આ કામથી બાળકોમાં શ્રમના ને સ્વાવલંબનના સંસ્કારો દૃઢ થતા ગયા.

આ ઉપરાંત બાળકો ઘરનું બીજું કામ પણ કરતાં. ઘરની સફાઈ કરવમાં ઘરના નોકરોને મદદરૂપ થતાં. આ ઉપરાંત બાળકો પાયખાનાની કોટડી સાફ કરવી, બેઠક ધોવી વગેરે કાર્યો પણ હોંશપૂવર્ક કરતાં. આવાં કામમાં મોટેરાં સાથે જોડાવું તેમને બહુ ગમતું. મોટેરાંના કામમાં બાળકોને જોડાવું બહું ગમતું હોય છે. જે કામ મોટેરાં સૂગ વિના કરે છે તે કામમાં નાનાં બાળકોને પણ સૂગ નથી આવતી. ગાંધીજી અને તેમની સાથે રહેતા અન્ય સાથીઓના આવાં કામમાં જોડાવાથી બાળકોમાંથી સૂગ તો ગઈ પણ સાથે સાથે તેઓ આરોગ્યના સામાન્ય નિયમો પણ શીખતાં ગયાં.

જોહાનિસબર્ગમાં બાળકોની સેવાપરાયણતા પણ ખીલી ઊઠી હતી. જો કે ત્યાં કોઈ માંદાં તો ભાગ્યે જ પડતાં, પણ જો માંદગીનો પ્રસંગ આવે તો સેવાકાર્યમાં બાળકો તો હોય જ. તેઓ આ કામ ખુશીથી કરતાં.  આમ ઘરમાં શ્રમ અને સ્વાવલંબન દ્વારા બાળકોનું જીવનઘડતર તો થતું રહેતું છતાં તેમના ઘડતરમાં એક ખામી રહી જતી તે ગાંધીજીને ખૂંચતી. તેઓ બાળકોને અક્ષરજ્ઞાનની વ્યવસ્થિત તાલીમ આપી શકતા નહોતા, કે તમને અક્ષરજ્ઞાનની વ્યવસ્થિત તાલીમ મળે તેવી વ્યવસ્થા પણ ગોઠવી શકતા નહોતા. એટલે બાળકોને અક્ષરજ્ઞાનની વ્યવસ્થિત તાલીમ મળી શકી નહીં. તેઓ તેમની પ્રવૃત્તિઓમાંથી એકાદ કલાક જેટલો સમય પણ બાળકોને વ્યવસ્થિત રીતે ભણાવવા કાઢી શકતા નહિં. આનું દુઃખ બાળકોને રહ્યું; ગાંધીજીને પોતાને પણ આનો ખટકો રહી ગયો. અલબત્ત સહુથી મોટા દીકરાએ આ અંગેનો બળાપો ઉદારતા વાપરી, એ દોષ અનિવાર્ય સમજી દરગુજર કર્યોં. આ ઊણપને સારુ ગાંધીજીને એટલો પશ્ચાતાપ તો જરૂર રહ્યો કે, “હું આદર્શ બાપ ન નીવડયો.”

અલબત્ત ઘેર બાળકો માટે કેળવણીની બીજી કોઈ સગવડ કરી ન શકાય, પણ ઓફિસે તેમને સાથે લઈ જઈને તેમને થોડી ઘણી કેળવણી મળી રહે તેવો પ્રયત્ન તો ગાંધીજી  કરતા હતા.

તેઓ અઢી માઈલ દૂર આવેલી ઓફિસે ચાલીને જતા. બાળકો પણ સાથે જતા. આ રીતે આવતાં—જતાં પાંચ માઈલ ચાલવાથી બાળકોને સારી કસરત મળી રહેતી. રસ્તામાં ચાલતાં ચાલતાં તેઓ બાળકોને કંઈક ને કંઈક શીખવતા રહેતા. આમ પાંચ માઈલના અંતરમાં હાલતી—ચાલતી પાઠશાળા ચાલતી. ઓફિસમાં બાળકો ગાંધીજીના અસીલોના અને ઓફિસના મહેતાજીના સંપર્કમાં આવતાં. તેમની પાસેથી તેઓ ઘણું શીખતા. ઓફિસમાં તેઓ કશુંક વાંચતા, આંટાફેરા કરતાં અથવા તો ખરીદીની જરૂર હોય ત્યારે બજારમાં ખરીદી કરવા જતાં. તેમની આ બધી પ્રવૃત્તિઓ તેમના અવૈધિક શિક્ષણનો ભાગ બની જતી.

ગાંધીજી બાળકોને વ્યવસ્થિત રીતે અક્ષરજ્ઞાન ન આપી શકયા પણ તેમના ચારિત્ર્યઘડતર માટે તેમને કશીય કચાશ રાખી નથી. આ અંગે તેઓ લખે છે કે : “તેમના અક્ષરજ્ઞાનો હોમ પણ મેં ભલે અજ્ઞાનથી છતાં સદ્‌ભાવે માનેલી સેવાને અર્થે કર્યો છે, એવો મારો અભિપ્રાય છે. તેમનાં ચારિત્ર્ય ઘડવા પૂરતું જે કંઈ કરવું ઘટે તે કરવામાં મેં કયાંયે ઊણપ નથી રાખી એમ કહી શકું છું ને પ્રત્યેક માબાપની આ અનિવાર્ય ફરજ છે એમ હું માનું છું. મારી મહેનત છતાં મારાં તે બાળકોનાં ચારિત્ર્યમાં જ્યાં ખામી જોવામાં આવી છે તે અમ દંપતીની ખામીઓનું પ્રતિબિંબ છે એવી મારી દૃઢ માન્યતા છે.

ગાંધીજી એમ માનતા કે છોકરામાં જેમ માબાપનાં શરીરનો વારસો ઊતરે છે તેમ તેમનો ગુણદોષનો વારસો પણ ઊતરે જ છે. તેમાં આસપાસના વાતાવરણને કારણે અનેક પ્રકારની વધઘટ થાય છે ખરી, પણ મૂળ મૂડી તો બાપદાદા ઇત્યાદિ તરફતી મળેલી હોય છે તે જ ખરી. તેઓ દાર્શનિક દૃષ્ટિએ વિશેષમાં ઉમેરે છે કે, “એવા દોષોના વારસામાંથી કેટલાંક બાળકો પોતાને બચાવી લે છે એમ મેં જોયું છે. એ આત્માનો મૂળ સ્વભાવ છે, તેની બલિહારી છે.

બાળકોને અંગ્રેજી કેળવણી આપવા અંગે તેઓ વિરોધ વ્યકત કરતા. તેઓ માનતા કે જે હિન્દી માબાપો પોતાનાં બાળકોને બચપણથી જ અંગ્રેજી બોલતાં કરી મૂકે છે તેઓ તેમનો અને દેશનો દ્રોહ કરે છે. તેઓ અમે પણ માનતા કે અંગ્રેજી કેળવણીને કારણે પોતાના દેશના ધાર્મિક અને સામાજિક વારસાથી વંચિત રહે છે, ને તેટલે અંશે દેશની તેમજ જગતની સેવા કરવા ઓછા લાયક બને છે. આવી માન્યતાને કારણે તેઓ બાળકો સાથે ગુજરાતીમાં જ વાતો કરતા.

જેમ જેમ અનુભવ વધતો ગયો તેમ તેમ તેમના આ કેળવણી વિષયક વિચારો વધુ દૃઢ થતા ગયા. પોતે બાળકોને જે કેળવણી આપેલી અને અંગ્રેજી કેળવણીથી દૂર રાખેલાં તે અંગે વીસ વર્ષ પછી તેનું અવલોકન અને પુનઃમૂલ્યાંકન કરતાં તેઓ લખે છે કે, “જો કે મારા પુત્રો અક્ષરજ્ઞાનમાં કાચા રહી ગયા છે, છતાં માતૃભાષાનું સામાન્ય જ્ઞાન સહેજે પામી શકયા તેથી તેમને અને દેશને લાભ જ થયો છે, ને અત્યારે તેઓ પરદેશી જેવા નથી રહ્યા. તેઓ દ્વિભાષિયા તો સહેજે થયા, કેમ કે મોટા મિત્રમંડળના સહવાસમાં આવવાથી ને જ્યાં વિશેષ અંગ્રેજી બોલવામાં આવે એવા દેશમાં રહેવાથી અંગ્રેજી બોલતાને સામાન્ય લખતા થઈ ગયા.”

(સંદર્ભ : “સત્યના પ્રયોગો.” પ્રકરણ : “ઘરમાં ફેરફારો અને બાળકેળવણી”ના આધારે.)