રીષિકા અને ત્રીશા. બંને (ઉંમર વર્ષ છ). બંને પોતાની મસ્તીમાં રમત રમવામાં મશગૂલ હતી, ત્યાં જ મમ્મીએ કહ્યું, “બેટા હોમ વર્ક કરી લો.” ત્રીશા તરત જ બોલી, “હોમવર્ક કરીને પછી તો રમવા જવાનું ને?” મમ્મીએ હા પાડી. દાદીમા રેખાબહેને પૂછયું, “તમને રમત રમવાનું બહુ ગમે છે ને?” રીષિકાનો જવાબ, “રમવાનું ખૂબ ગમે છે હો, બા!”     બાએ હસતાં હસતાં જવાબ આપ્યો, “હા બેટા, રમવું તો જોઈએ ને? તમે નાના છો.” તો રીષિકા બોલી, “તો પછી અમે મોટા થઈ જઈએ ત્યારે પણ રમવાનું ને? અમે સેવન યર્સના થઈએ… ને પછી ટેન યર્સ… ને હંડરેડ યર્સના થઈએ તો પણ રમવાનું ને…?”

રીષિકા અને ત્રીશાની વાત સાંભળીને, બાલસહજ નિર્દોષ વાતો સાંભળીને સૌ હસવા લાગ્યાં. તેમની બાળ રમતો રમવાની તાલાવેલી પર સૌ કોઈ પોતાનું બાળપણ યાદ કરીને બાળક બની ગયાં. આ તકે મને ગિજુભાઈના શબ્દો યાદ આવે છે “પોતાની મસ્તીમાં રમત રમતાં બાળકોને જોવા એ દર્શન કરવા યોગ્ય છે. બાળકો રમતમાં પોતાનાં ખરાં સ્વરૂપને પ્રગટ કરે છે. બીજમાં મનુષ્ય રહેલો છે, તે બીજને નાનપણથી ઓળખતા આવડે તો આપણે તેને ઉગવામાં યોગ્ય મદદ કરી શકીએ. બાળકોની રમતો આપણે જોતા રહીએ, તેઓ ખરેખર કોણ છે તે ત્યાંથી પણ જાણવા પ્રયત્ન કરીએ; અને પછી તેઓ જે છે તેવા ઉત્તમ થાય તે માટે અનુકૂળતા કરી આપીએ. બાલરમતો રમતાં બાળકોનું દર્શન કરીએ.