રથ તો ઘણાંય જોયા હશે, પરંતુ આવો શિક્ષણ રથ તો આ કોરોનાના સમયે જ બતાવ્યો. વાત છે કચ્છ જિલ્લાના માંડવી તાલુકામાં અંતરિયાળ વિસ્તારમાં આવેલ હુંદરાઈ વાડી પ્રાથમિક શાળાના શિક્ષક દીપકભાઈની કે જેમને આ શિક્ષણ રથ ચલાવવાનો વિચાર આવ્યો. સરકારે જ્યારે ઓનલાઈન શિક્ષણની મંજૂરી આપી અને સાથે બાયસેકના માધ્યમ દ્વારા શિક્ષણ પ્રક્રિયા રાજ્યમાં ચાલુ રહે તેવી વ્યવસ્થા ગોઠવી ત્યારે નાનકડી શાળાના આ શિક્ષકને ચોક્કસ ખબર હતી કે તેમના વિસ્તારના બાળકો તો શિક્ષણથી વંચિત જ રહેવાના, કારણ કે તેમના વિસ્તારમાં તો ભાગ્યેજ કોઈ વાલી પાસે એન્ડ્રોઈડ ફોન હતો, કે ટેલિવિઝનની ઘરે વ્યવસ્થા. વળી, ઈલેક્ટ્રીસીટીની હાજરીનો પ્રશ્ન તો ખરોજ! આવા સમયે આ દિપકભાઈ શિક્ષકે પોતાની ગાડીમાં LED TV તથા અન્ય જરૂરી સાધનોની તૈયારી સાથે શિક્ષણનો રથ તૈયાર કરી દીધો. હવે તો રોજ સવારે ૯ થી ૧૨ આ રથ હુંદરાઈ વાડી વિસ્તારમાં ફરતો જાય અને બાળકોને શિક્ષણનું ભાથું પીરસતો જાય અને તે પણ કોરોના મહામારીથી બચવા માટે સરકાર શ્રી દ્વારા નક્કી કરેલ માર્ગદર્શિકાને ધ્યાનમાં રાખીને.

સાચો શિક્ષક એ જે પોતાના વિદ્યાર્થીના હિતનો નિઃસ્વાર્થ વિચાર કરે છે. આતો દીપકભાઈના રથ વિશે જાણવા મળ્યું, આવા તો અનેક શિક્ષકો હશે જેમણે શિક્ષણની જ્યોત જલાવી રાખવા આ કપરા સમયમાં પોતાનાથી થતા પ્રયત્નો કરતાં હશે. આવા દરેક શિક્ષક મિત્રોને કોટી કોટી વંદન.