વેલેન્ટાઇન ડે એટલે શું ?

એક એવો દોસ્ત, એવી વ્યક્તિ ,  જે તમારાં સુખ માં સુખી અને દુઃખ માં ભાગીદાર હોય,  તમારી ખામીઓ સહિત તમને સ્વીકારે અને આગળ વધવા પ્રોત્સાહન આપે, જેની સાથે તમે તમારી જાતને સુરક્ષિત માનો. એ જ તમારો સાચો વેલેન્ટાઇન કહેવાય. અને આપણા બધા પાસે એક એવો દોસ્ત એવી વ્યક્તિ જરૂર હોય છે. આપણે ફક્ત નજર દોડાવવા ની જરૂર છે.

કેમ છો બાલ મિત્રો ? મજામાં છો ને ! બધા હમણાં તો ઘરેથી ભણવાનું છે, એટલે સ્કૂલની બહુ જ યાદ આવતી હશે  તમને બધા ને ? સરસ તૈયાર થઇને સ્કૂલમાં જવાનું, મિત્રો સાથે બેસીને વાતો કરવાની, ધમાલ મસ્તી કરવાની, થોડું ઝગડવાનું અને સાથે બેસીને સ્કૂલમાં નાસ્તો પણ કરવાનો અને આ બધું  તમને બહુ જ યાદ આવતું  હશે નહીં ? તો ચાલો,  આજે આપણે એવા એક સસલાના બચ્ચા ની વાર્તા સાંભળીએ. એ સસલા ના બચ્ચા નું નામ હતું ગોલુ. ગોલુ તેમના મમ્મી-પપ્પાની સાથે રહેતું હતું. એને કોઈ ભાઈ બહેન હતું નહીં. અને કોઈ મિત્ર પણ નહી, એટલે ગોલુભાઈ ને તો ખુબ જ કંટાળો આવે. ગોલુભાઈના પપ્પા જાય કામ પર એટલે ગોલુભાઈ અને મમ્મી, બંને ઘરે એકલા. ગોલુભાઈને તો વાતો કરવાનું, રમવાનું બહુજ મન થાય એટલે થોડી -થોડી વારે જઈને મમ્મી હેરાન કરે, મમ્મી કામ કરતી હોય અને વચ્ચે જઈને ગોલુભાઈ કંઈક ખાવાનું માંગે, કંઈક ફરિયાદ કરે એટલે મમ્મી નું કામમાં ધ્યાન લાગે નહિ. એટલે મમ્મી એને વારે ઘડીએ… કહે, “ગોલુ, તું બહાર જઇને રમને.” પણ ગોલુભાઈ કોની સાથે રમે? એમને તો કોઈ જ મિત્ર હતા નહી. એટલે થોડી વાર બહાર જાય, આંટો મારી ને પાછા આવે. મમ્મી પાસે કઈ ને કઈ વસ્તુ માગ્યા કરે,  કાં તો મમ્મી કંઈક પૂછયા કરે. એક દિવસ તો ગોલુભાઈ ના મમ્મી ની તબિયત જરા ઠીક નહોતી , અને એમાં ગોલુભાઈ એ તે દિવસે આવીને મમ્મીને ખુબજ હેરાન કરી , એટલા બધા પ્રશ્ર્ન પૂછયા,   થોડીથોડી વારે કંઈક ખાવાનું માંગે, એટલે મમ્મી એ દિવસે જરા ગુસ્સે થઇ ગયા, અને એમને ગોલુ ને કીધું,  કેટલી વાર કીધું ગોલુ તું બહાર જઈ ને રમ..  હું  અહીંયા ઘરમાં કંઈક પણ કામ માં  હોઉં ત્યારે પણ તું અહીંયા આવીને ને કંઈ નાં કંઈ પછુયા કરે છે, આજે તો મારી તબિયત જરા પણ સારી નથી, એટલે હું પણ ખુબજ થાકી ગઈ છું.

થોડી વાર તો ગોલુભાઈ ઘરમાં એકલા એકલા રમ્યા, પણ પછી ખૂબ જ કંટાળ્યા, એટલે એમને પણ વિચાર કે કર્યો ચાલ આજે તો હું બહાર જઈને, કોઈ મિત્રને શોધી કાઢું. ગોલુભાઈ તો નીકળ્યા મિત્ર ને શોધવા.  બહાર નીકળી એ જંગલમાં ખુબ દૂર દૂર સુધી ગયા પણ એમને કોઈજ મિત્ર મળ્યો નહીં. પણ ગોલુભાઈ હિમ્મત હાર્યા નહીં, તેમણે નક્કી કર્યું આજે તો કંઈ પણ થાય મારે કોક એક દોસ્ત શોધી જ  કાઢવો છે. એ થાકી ને એક ઝાડ નીચે બેઠા. અને આજુબાજુ જોવા લાગયા, કોઈ દેખાય છે મારા જેવડું  જેની સાથે હું રમી શકું, બહુ બધી વાતો કરી શકું…, મસ્તી કરી શકું.. એટલામાં એ બેઠા હતા, ત્યાંથી થોડે દૂર એક ઈંડુ દેખાયું. ગોલુભાઈ તો ખુશ થઇ ગયા અને કૂદકા મારતાં મારતાં ઈંડા પાસે ગયા, એ કોઈ દિવસ ઘર ની બહાર બહુ નીકળ્યા ન હતા,  અને એટલે એમણે તો ઈંડુ પહેલી જ વાર જોયું હતું, એટલે એ વિચારવા  લાગ્યાં… કે આ  ઈંડા માં શું હશે ? મારે એને તોડી ને જોવું પડશે. આમાંથી કશુંક તો નીકળશે જ.  ગોલુભાઈ તો એમના નાના નખ હતા, ને એના થી ઈંડા પર ટકોરા મારવા લાગ્યા,  ટક… ટક…ટક….. કોણ છે અંદર? જવાબ તો આપો, પણ ભાઈ ઈંડા માંથી કોઈ બોલ્યું નહીં, ગોલુભાઈ એ ફરી જરા જોર થી નખ થી ઈંડા ને તોડવાનો પ્રયત્ન કર્યો. ઠક… ઠક… ઠક… પણ ઈંડુ તો કંઇજ તૂટ્યું જ નહીં !બાપ રે આ ઈંડુ તો કેટલું મજબૂત છે!  કયારથી આને નખ મારુ છું પણ તૂટતું જ નથી, હવે શું કરવું? ગોલુભાઈ એ તો ઈંડુ  જયાં હતું ને ત્યાં નજર ફેરવી તો ત્યાં નાના નાના પથ્થર પડ્યા હતા. હમમ, આમાં તો નખ થી કામ નહીં ચાલે ભાઈ, મારે તો આને પથ્થર મારી ને તોડવું પડશે. ગોલુભાઈ તો ગયા અને નાનાં નાનાં  પાંચ-છ પથ્થર લઇ આવ્યા અને પછી ઈંડા ને તાકી ને પથ્થર માર્યા.. તડિંગ તડિંગ, તડીંગ .  ગોલુભાઈએ તો પાંચે પાંચ પથ્થર થી ઈંડાને તોડવાનો પ્રયતન કર્યો, પણ ઈંડુ તો તૂટ્યું જ નહીં. અલા હવે શું કરશું ?  કઈ બીજો મોટો આઈડિયા લગાડવો પડશે, આ ઈંડુ તો ભાઈ બહુજ મજબૂત છે.

ગોલુભાઈ તો થાકી ગયેલા હતા પણ એમને તો  જાણવું જ હતું કે આ ઈંડા માં શું છે એટલે એમણે શું કર્યું ખબર છે ? ઈંડુ નીચે હતું ને એની પર કુદકા મારવાનો પ્રયત્ન કર્યો,તો પણ ઈંડુ તૂટ્યું જ નહીં. ગોલુભાઈ વિચારે આતે કેવું ઈંડુ છે કે તૂટતું જ નથી અને હવે મને ભૂખ લાગી છે.  ઘર તો કેટલું દૂર છે હજી! અને મારે તો  આ ઈંડુ તોડ્યાં વગર આજે  ઘરે  જવું જ નથી. ગોલુભાઈ એ ત્યાં બાજુમાં ડુંગર હતો ને ત્યાં નજર કરી તો ડુંગર પર સરસ મજાનું ઝાડ હતું  અને એની પર કૈંક  લટકેલું હતું. હમમમ.. કશુંક ઉપર ફળ લટકેલું લાગે છે ભાઈ, ચાલો ચાલો ડુંગર પર જઈ કંઈક ફળ ખાઈ લઉં,  એટલે મારુ થોડું પેટ ભરાય ને પછી મારામાં તાકાત આવે અને પછી હું આ ઈંડા ને  તોડવાનો પ્રયત્ન કરું. પણ આ ઈંડુ જો નીચે મૂકી ને જાઉં અને બીજું કોઈ આવી ને મારુ આ ઈંડુ લઇ જાય તો, એટલે ગોલુભાઈએ શું કર્યું ? ઈંડુ ઉંચકી લીધું હાથ માં અને ડુંગર ચડવા લાગ્યા. ભાઈ એ બહુ નાનો ડુંગર ન હતો  હાં કે . આપણાં ગોલુભાઈ ઈંડાને ઉંચકીને ઉપર ચડતા જાય,  ચડતા જાય એટલે  છેક ઉપર પહોંચ્યા ને પછી એમને લાગ્યો થાક. હાશ! ઉપર પહોંચી તો ગયો અને ત્યાં પેલું ઝાડ હતું ને એના પરથી થોડા ફળ તોડીને ખાધા. વાહ..મોટો ઓડકાર ખાધો… સરસ પેટ ભરાઈ ગયું.  પણ હવે તો થોડી ઊંઘ પણ આવેં છે. થોડી નીંદર લઇ લઉં પછી આ ઈંડાને તોડું અને ગોલુભાઈ તો એમના બંને હાથ ની વચ્ચે દબાવી ને ઈંડુ રાખી ને સૂઈ ગયા. થાકેલા હતા ને ગોલુભાઈ?  ઘરેથી આટલું ચાલીને આવ્યા અને પછી ઈંડુ તોડવા કેટલા પ્રયત્ન કર્યા અને પછી પાછો ડુંગર ચડ્યા એટલે ગોલુભાઈ તો ઘસઘસાટ સુઈ ગયા. થોડીક જ વારમાં ભાઈ એ તો નસકોરા બોલાવવા લાગ્યા. જે ડુંગર પર એ  સુતા હતા ને?  ત્યાં ઠંડો પવન પણ હતો એટલે એમને કદાચ ઊંઘ માં ઠંડી લાગતી એટલે ગોલુભાઈ તો ટુંટિયુ વાળીને શૂઈ ગયા અને એમાં એમના હાથ માંથી પેલું ઈંડુ છૂટી ગયુ…

ઈંડુ તો ડુંગર પરથી ગબડતું ગબડતું છેક નીચે પડ્યું. જેવું ઈંડુ નીચે જોર માં પડ્યું એવુંજ ઈંડુ તૂટી ગયુ અને એમાંથી બહાર આવ્યું  એક નાનકડું મરઘી નું બચ્ચું, ચૂં… ચૂં… ચૂં… ચૂં… મરઘી ના બચ્ચાએ તો  બહાર નીકળીને આમ જોયુ , તેમ જોયુ પણ એને તો કંઈ જ દેખાયું નહીં, અને એ વિચારવા લાગ્યું “હું ક્યાં છું?” આજુબાજુ કોઈ નથી. પછી એની નજર ઉપર ગઈ,  ઉપર કોણ હતું? ગોલુભાઈ ટુંટિયુ વાળીને સુતા હતા ને ? એમણે એમનું માથું પણ એમના બેઉ હાથમાં લઇ લીધું હતું, કારણ કે એમને ઊંઘમાં પણ ખુબ જ ઠંડી લાગતી હતી. સીઈઈ.. હૂઊઉ.. સીઈઈ.. હૂઊઉ..  પણ એમને એટલી બધી  ઊંઘ આવતી  હતી ને કે ઠંડી લાગવા છતાં પણ ઉઠી જ નહોતાં  રહ્યા. મરઘીના બચ્ચાએ વિચાર્યું  કે આ ઉપર સફેદ સફેદ શું છે? ધોળું ધોળું પોચું પોચું ! ચાલ, હું ઉપર જઈ ને જોઉં. નાનું નાનું મરઘી નું બચ્ચું ધીરે ધીરે કૂદતું કૂદતું છેક ઉપર ગયું, ગોલુભાઈ તો ઘસઘસાટ નસકોરા બોલાવીને સુતા હતા. મરઘીનું બચ્ચું વિચારે કે આ છે શું આવું સરસ ધોળું ધોળું અને આમાં થી અવાજ શું આવે છે? એ અવાજ ગોલુભાઇ નાં નસકોરાં નો હતો.  એટલે એણે  શું કર્યું ખબર છે? એ, ની ચાંચ થી સસલાભાઈ સુતા હતા ને ? આપણાં ગોલુભાઈ ને મરઘીનું બચ્ચું ચાંચ મારવા લાગ્યું. ચક..ચક..ચક..ચક.. શું છે આ?  હાલતું પણ નથી આટલી હું એને ચાંચ મારુ છું તો પણ?  પછી એ મરઘીનું નાનું બચ્ચું તો ગોલુભાઈ સુતા હતાને ? એમની ઉપર ચઢી  ગયું અને એમની પર એ કુદકા મારવા લાગ્યું. જમ્પ.. જમ્પ.. તો પણ ગોલુભાઈ તો ઉઠ્યા જ નહિ. એમના તો નસકોરા ચાલું જ હતા. થાકીને મરઘીનું બચ્ચું નીચે ઉતરી ગયું. હવે શું કરશું? આ સફેદ સફેદ જે પણ કઈ છે ને એતો જરા પણ હાલતું નથી અને મને તો એનું મોઢું પણ દેખાતું નથી ! એટલે મને કેવી રીતે ખબર પડે આ શું છે, હવે હું  શું કરું જેથી આ કોણ સૂતું છે  તે મને  ખબર પડે?

મરઘીના બચ્ચા એ આજુબાજુ જોયુ , ત્યાં એમને નાનકડા પથરા દેખાયા અને એમને એક પત્થર લીધો ચાંચ માં અને નાખ્યો  સુતેલા ગોલુભાઈ પર , બીજો પથ્થર ફરી ગોલુભાઈ ને માર્યો, એમ કરતાં  કરતાં  ચાર પાંચ પથ્થર માર્યા..પણ ગોલુભાઈ જેનું  નામ,  ઊંઘ્યા  જ કરે  જરા પણ હાલે જ  નહીં.  હવે શું કરવું ?  મરઘી નું બચ્ચું તો વિચારવા લાગ્યું. અરે  ભાઈ , મે ચાંચ મારી તો પણ હાલતું નથી,  એમની પર કુદકા મારીએ તો પણ કોઈ જ  અસર નહીં અને પાંચ પથ્થર માર્યા તો પણ હાલતું નથી,  હવે શું કરું ?એ મરઘી નું નાનું નાનું બકુડું બકૂડું  બચ્ચું ગોલુભાઈ ની આજુબાજુ ફરવા લાગ્યું અને શોધવા લાગ્યું કે આ સફેદ રૂ નો ઢગલો હાલતો તો નથી,  પણ અવાજ ક્યાંથી  આવે છે ?  એ શાનો  અવાજ હતો એ યાદ છે ને બાળમિત્રો ?એ ગોલુભાઈ ના નસકોરાં નો અવાજ હતો, એટલે એ બચ્ચું શોધતું શોધતું ગોલુભાઈ નાં મોંઢા પાસે પહોંચી  અને એના પગે થી એમના ગળા પર ઉઠાડવા નો પ્રયત્ન કરવા લાગ્યું. એ હાલો હાલો ,ઉઠો ઉઠો , કોણ છો  તમે ? જરા તો હાલો,  મને જવાબ તો આપો . અને જેવું મરઘી ના બચ્ચાએ એના  પગે થી ગોલુભાઈ નાં ગળા ઉપર ઉઠાડવા નો વધું પ્રયત્ન કર્યો  ને? કે ગોલુભાઈ ને ત્યાં ગલીગલી થવા લાગી અને ત્યાં  જ ગોલુભાઈ હડબડી ને  ઉઠી ગયા.  કોણ છે ? કોણ છે ? પરંતુ જેવા ગોલુભાઈ અચાનક જાગ્યા  અને એમાં એ એટલા બધા ઉંઘ માં હતા,  કે એ  પછી ડુંગર પરથી ગબડવા લાગ્યાં.  ગડબડ ગડબડ…જેમ રૂ નું ઓશીકું  ગબડે ને એવી રીતે ગોલુભાઈ પણ ગબડતા ગબડતાં  છેક નીચે આવી ગયા અને તરત જ  ઉભા થઇ ગયા . કોણ છે ? કોણે મને  ગલી કરી ?  અને એટલા માં ધ્યાન ગયું તૂટેલા ઈંડા પર , અરે આ ઈંડુ કેવી રીતે તૂટી ગયું ? મે તો એને તોડવા નો કેટલો પ્રયતન કરી યો હતો અને મારા નખ થી પ્રયત્ન કર્યો,  એની ઉપર કુદકા માર્યા અને પથ્થર પણ ફેંક્યા તો પણ તૂટયું  નહીં અને આ અચાનક ઈંડુ કેવી રીતે તૂટી ગયું?  હું તો લઇ ગયો હતો ડુંગર ઉપર અને સૂઈ  ગયો હતો પણ આ ઈંડા માં થી શું નીકળ્યું ?  એમને ખુબજ અફસોસ થયો , અરે હું કયા સૂઈ  ગયો ?  મારે તો જોવા નું રહી ગયું કે આ ઈંડા માં શું હતું એટલા માં ઉપર થી મરઘી નું નાનું નાનું બકુડુ બકુંડું બચ્ચું કૂદતું કૂદતું નીચે આવ્યું અને એણે  આવી ને જોયુ કે ગોલુભાઈ ઈંડા પાસે ઉભા હતા.  અરે , કોણ છો તમે ? મે તમને કેટલા હલાવ્યા,  પણ તમે ઉઠ્યા જ નહિ !  ગોલુભાઈ એ તો મરઘી ના  બચ્ચા સામે ખુબજ આશ્ર્ચર્ય થી જોયુ . અરે , તું કયા થી  આવ્યું ? જયારે હું સુઈ ગયો ત્યારે અહીં કોઈ ન હતું. મરઘી નું બચ્ચું કહે , અરે , હું આ ઈંડા માં હતો , અને ઈંડુ તૂટી ગયું એમાં થી હું બહાર આવ્યું.  પણ તમે કોણ છો ? ગોલુભાઈ કહે હું ગોલુ,  હું સસલા ભાઈ નું બચ્ચું છું . મારી પાસે કોઈ મિત્ર ના  નહોતો ને એટલે હું મિત્ર ને શોધવા નીકળ્યો  હતો મારી સાથે રમવા માટે , કારણ કે હું એકલો એકલો કંટાળી ગયો હતો.  અને પછી હું મારી મમ્મી  ને પજવતો હતો..એટલે એણે મને  કીધું  જ તારા માટે મિત્ર શોધી કાઢ રમવા , અને એમાં મને મળી ગયુ આ ઈંડુ.  હું એને  ક્યારનો તોડવા નો પ્રયત્ન કરતો હતો . મરઘી નું બચ્ચું ખુશ થઇ ગયું અને એણે ગોલુભાઈ ને કીધું હું પણ આ દુનિયા માં આજે જ આવ્યો  છું. એટલે મારી પાસે પણ કોઈ મિત્ર નથી . ચાલો , આજથી આપણે  બંને જણાં  એકબીજા ના પાકા દોસ્ત  બની જઈએ અને ગોલુભાઈ ખુશ થઇ ગયા.  અને કીધુ  મારુ નામ ગોલુ છે તો તારું નામ આપણે  તારું નામ મોલુ  પાડીશું . તો મરઘી નું બચ્ચું કે હા, અને એય દિવસ થી ગોલુ અને મોલુ  પાકા-દોસ્ત બની ગયાં.

ગોલુભાઈ અને મોલુભાઇ જોડે જોડે રમે અને ખુબ મજા કરે અને ખુબ વાતો કરે ,cએટલે ગોલુ ભાઈ મમ્મી પણ ખુશ થઇ ગયા, કે ચાલો ગોલુ ને રમવા માટે મિત્ર તો મળી ગયો,એટલે એનો સમય પણ સરસ પસાર થઇ જશે..   અને કે હવે  ગોલુભાઈ અને મોલુભાઇ એ ખાદ્યું પીધુને મજા કરી… બાળમિત્રો તમને આ વાર્તા ગમીને ?તમને બધાને પણ બધા ઘણાં મિત્રો હશે, દોસ્ત ની જરૂર  બધા ને જ હોય છે,તમને પણ દોસ્ત છેને બધાને… તોફાન મસ્તી માટે સુખ-દુઃખ ની વાતો કરવા માટે રમવા માટે , અને જયારે દોસ્ત હોય ને તો એની સાથે ઝગડો પણ થાય,  પરંતુ બધું ભૂલી ને પછી દોસ્તી કરી લેવાની . કારણ કે દોસ્ત ના હોય ને તો આપણે પણ ગોલુભાઈ ની  જેમ એકલા પડી જયે..અને પછી ખુબ કંટાળો આવે..તમે બધા પણ દોસ્ત ની સાથે ખુબ મજા કર જો…. ચાલો આવજો તયારે.