રમકડાંનું નામ સાંભળતાજ બાળપણની મીઠી યાદો આંખો સમક્ષ તરી આવે! માટીના બનેલાં કે પિત્તળના, પુઠ્ઠા કે કાપડના, રમકડાં હાથમાં આવે કે રમવાનું શરુ!

બાળવિકાસને અનુલક્ષીને વિચારીને તો રમકડાંને બાળ જીવનનું અભિન્ન અંગ કહી શકાય. બાળકોને આનંદ આપવાની સાથે રમકડાંઓ એક શિક્ષકનો ભાગ પણ ભજવતા હોય છે. બાળકોના સર્જનાત્મકતાને કુદરતી પ્રોત્સાહન પૂરું પાડે છે.

સંશોધન કહે છે કે બાળકો માટે રમકડાં એ ફક્ત ઢીંગલા—ઢીંગલીઓ અને રમતના સાધનો સુધી સીમિત નથી. ઘરમાં અને આસપાસના વાતાવરણમાં રહેલી કોઈ પણ વસ્તુ અથવા પદાર્થ એક રમકડાંનો અર્થ સેવે છે. ઝાડના સૂકા પાંદડાઓ, નાના પથ્થરો, સાવરણી, ચપ્પલ, પેન, પેન્સિલ કે પછી ઘરના તાળાની ચાવીઓ, અને આના જેવી તમામ વસ્તુઓ બાળકોને ખૂબ પસંદ હોય છે અને તેઓ કલાકો સુધી તેની સાથે રમી શકે છે.

સમયાંતરે અવનવા પ્રકારના તથા ડિજિટલ ટેક્નોલોજીથી ચાલતાં રમકડાંઓ બજારોમાં ઠલવાતાં રહે છે અને વાલીઓ અને શિક્ષકોની સમક્ષ એવી મૂંઝવણ ઉભી થાય છે કે બાળકો માટે સર્વશ્રેષ્ઠ રમકડાં કેવી રીતે પારખવા. “એડયુકેશનલ” અને “ચાઈલ્ડ ફ્રેંડલી કહેવાતા તમામ રમકડાં બાળકો માટે યોગ્ય છે? જરૂરી છે કે મોંઘા ભાવના રમકડાં અને સુંદર દેખાતા રમકડાંજ બાળકોને આકર્ષે છે? શું પાડોશીના ઘરે નવી આવેલી બેટરી ઓપરેટેડ કાર બાળકોમાં ક્ષણિક કુતૂહલતા સિવાય કાયમી જીજ્ઞાસાને પ્રેરે છે? આવા ઘણા બધા સવાલો વાલીઓ અને શિક્ષકોના મનમાં રમતાં રહે છે અને તેમને વિચારતા કરી મૂકે છે.
જવાબો એક જટિલ કોયડાની માફક ખૂબ સરળ છે. વાલીઓ અને શિક્ષકો એક સામાન્ય ભૂલથી બચી શકે છે! અને તે છે રમકડાંની પસંદગી!

બાળકો માટે રમકડાં ખરીદતા પહેલાં :

બાળકની ઉંમર — બાળકની ઉંમર તેના સર્વાંગી વિકાસનું ખૂબ જરૂરી પાસું છે. બાળક કુદરતી રીતે રમી શકે અથવા રમતના નિયમો સમજી શકે તેવી રમતો એમને વધુ પસંદ પડે છે. બાળકના માનસિક અને શારીરિક વિકાસથી ઘણું ઉપરનું અથવા તદ્દન નીચલું સ્તર એ બાળકમાં અણગમો પેદા કરે છે. બાળકોની ઉંમરનું ખાસ ધ્યાન રાખીયે.

બાળકની પસંદગી — છોકરાઓને ગમે ગાડી ને છોકરીઓને ગમે ઢીંગલી! રમકડાંઓની બાળકના લિંગ આધારિત પરિકલ્પનાથી બચીએ. બાળકોને ગમે તે રમકડાં સાથે રમે તેવું વાતાવરણ પૂરું પાડીએ. છોકરી બોક્સિંગ અને કુશ્તી પણ કરે અને છોકરાઓ ઢીંગલી સાથે ઘર ઘર પણ રમે!

જ્ઞાન સાથે ગમ્મત — રમત બાળકોની કુદરતી પ્રક્રિયા છે અને તેઓ રમત દ્વારા શીખે છે. રમકડું જ્ઞાનવર્ધક હોવાની સાથે સાથે આનંદદાયક હોય તો તે બાળકને લાંબા સમય સુધી ગમતું રહે છે અને બાળકો તેની સાથે અવનવા પ્રયોગો કરવા પ્રેરાય છે.

સલામતી — રમકડાં ખરીદતાં પહેલાં અથવા બાળકોને કોઈપણ વસ્તુ આપતાં પહેલાં તેની સલામતી પારખવી ખૂબ અગત્યની છે. બાળકોના શારીરિક અંગો અને અવયવો હજી પરિપક્વ નથી થયા હોતા. બાળકોમાં વાગવાથી થતું નુકશાન સમજવાની તથા સારસંભાળ રાખવાની ક્ષમતા ધીરે ધીરે વિકસિત થાય છે, માટે ૮ વર્ષની ઉંમર સુધી તેમનું ખાસ ધ્યાન રાખવું.

નવું રમકડું આવે ત્યારે — બાળકોને નવા રમકડાંની સાથે લાગણીનો અનુભવ પણ આપીએ. “આ રહ્યું તને ગમતું રમકડું હવે જાઓ અને રમો” ને બદલે રમકડાંને સંતાડીને એને બાળક સાથે શોધીએ. ખૂબ હસીએ અને બાળકોની રમતમાં સહભાગી બનીએ.

બાળકોને ગમતાં રમકડાં — બાળમનોવિજ્ઞાનની દ્રષ્ટિએ :

શું બધાંજ રમકડાંઓ ખરીદવા પડે?

બાળકોને ખૂબ ગમતાં રમકડાંઓ આપણા ઘરમાંજ વસેલા છે! બાળકોને રસોડામાં રહેલા ચમચી, ચમચાઓ, થાળી, વાટકા, તપેલીઓ, કપ, રકાબી ખૂબ ગમે છે. ધ્યાન રાખીએ કે કાચની અથવા સિરામિકની વસ્તુઓથી બાળકોને ઉંમર પ્રમાણે દૂર રાખીએ. જૂના કપડાં, બુટ — ચપ્પલ, મોટા ભાઈ કે બહેનના જૂના કોટ — જેકેટ, પ્લાસ્ટિક અથવા માટીના ઘરેણાઓ ઈત્યાદિ બાળકોની કલ્પનાશક્તિને ખૂબ પ્રોત્સાહન આપે છે.                મોટાં બાળકોને બટન, સોય — દોરા વડે જૂના કાપડને સીવવાની અને નવી ડિઝાઈન બનાવવાની મજા પડે છે. જૂની ઘડિયાળ, મોબાઈલ, ટેલિફોન, કોમ્પ્યુટર, પ્રિન્ટર વગેરેને ખોલવાની અને પાછું જોડવાની પ્રક્રિયાથી સહજપણે તેઓ મશીનો અને તેમાં રહેલા નાના નાના ભાગો વિષે સમજ કેળવે છે. રસોઈમાં મદદ કરાવવી, બાગમાં ચાલવું અને પરિવારના કામમાં મદદ કરવાથી બાળકો સમાજવ્યવસ્થાના નિયમો શીખે છે.

બાળકોના વય જૂથ પ્રમાણે ગમતાં રમકડાં

ઉંમર : જન્મ થી ૧૮ મહિના

આ ઉંમરમાં બાળકો ધીરે ધીરે વસ્તુઓ અને રમકડાંઓ સાથે જોડાય છે. અવાજવાળા ઘુઘરાઓ, થપ્પીમાં ગોઠવાતા રમકડાં, પાણીમાં તરતાં રમકડાં જેવાં કે પ્લાસ્ટિકના બતક, દેડકાઓ, રંગ અને ચિત્ર વાળા બ્લોક્સ, દોરી અને મણકાઓ, ધક્કા મારવાના અને ખેંચવાના રમકડાં, ગીત ગાતી અને અવાજ કરતી ચોપડીઓ અને સંગીતના વાજિંત્રો આ ઉંમરના બાળકો માટે ખાસ યોગ્ય છે.

ઉંમર : ૧૮ મહિના થી ૩ વર્ષ

આ ઉંમરના બાળકોને ૩ પૈડાં વાળી સાયકલ, લાકડાનો ઘોડો, જુદા જુદા આકાર અને રંગબા બ્લોક, બાળકોના કદનું સ્વિમિંગ પૂલ, ખુરશી, ટેબલ, ઢીંગલાંઓ, સ્ટફડ એનિમલ્સ ગમે છે. તેમને ફેન્સી ડ્રેસના કપડાં પહેરીને અભિનય કરવો ગમે છે. આકાર અને રંગના કોયડા, માટીકામ, ચોક અને સ્લેટ, મોટા વ્હીલવાળી રમકડાં ગાડી, ટ્રેન અને ઘર ઘર રમવું ગમે છે. પાવડર અથવા વોટર કલર સાથે રમી શકે છે.

ઉંમર : ૩ થી ૬ વર્ષ

આ ઉંમરના બાળકોને વધારે મોટી જગ્યા અને વસ્તુઓની જરૂર પડે છે. અભિનય કરવાનું અને મોટા લોકોની જેમ તૈયાર થવાનું તેમને ખૂબ ગમે છે. બાળકોને આ ઉંમરમાં રંગો અને બ્રશ, સ્કેચ પેન, વાર્તાની ચોપડીઓ, કાગળો, કન્સટ્રકશન સેટ, કીચન સેટ, ડૉક્ટર સેટ, લાકડાના મોટા બ્લોક્સ, જોડવાના, ઉખાડવાના, બાંધવાના બ્લોક્સ, રેતી અને પાણીના સાધનો ઇત્યાદિ આપી શકાય. વાલીઓ પૂર્વ પ્રાથમિક શાળામાં કરાવાતી પ્રવૃત્તિઓ અને સાધનો ખાસ જોઈ લે અને સમજીને ઘરમાં એ પ્રમાણેનું વાતાવરણ પૂરું પાડી શકે.

ઉંમર : ૬ થી ૯ વર્ષ

આ ઉંમરના બાળકોને અવનવી વસ્તુઓ અને પ્રયોગો કરવા ગમે છે. બોર્ડ ગેમ્સ જેમ કે ચેસ, કેરમ, લુડો, ટેબલ ટેનિસ આસાનીથી શીખી અને રમી શકે છે. ઇલેક્ટ્રિક ટ્રેનના મોડેલ, કન્સટ્રકશન સેટ, હેન્ડિક્રાફ્ટ્‌સ, સ્પોર્ટ્‌સ ફિક્શન અને મેજિક કરવામાં અનેરો આનંદ પામે છે.

બાળકો અને રમકડાંઓ વચ્ચેની મહત્ત્વપૂર્ણ કડી — વાલીઓ અને શિક્ષકો

દરેક બાળક અનોખું અને મહત્ત્વપૂર્ણ છે. બાળકનું મુક્ત મને અવલોકન કરતાં સમજાય છે કે તેઓ કેવું વ્યક્તિત્વ ધરાવે છે, તેને શું ગમે છે અને તેની રુચિ શેમાં છે. બાળકો જ્યારે રમતમાં લીન હોય ત્યારે વાલીઓ અને શિક્ષકો બાળકો સાથે જોડાઈને નવા વિચારોની આપ — લે કરી શકે અને રમત અથવા રમકડાંઓ સાથે અવનવા પ્રયોગ કરતા શીખવી શકે. આના દ્વારા બાળકોમાં સ્વયંભૂ નવા વિચારો ઉત્પન્ન થાય છે, સમસ્યા ઉકેલવાની ક્ષમતા જાગૃત થાય છે, તેમજ માનસિક અને ભાષાકિય વિકાસ સરળતાથી આગળ વધે છે.

બાળકોના સામાજિક વિકાસ અને લાગણીઓના વિકાસ માટે વાલીઓ અને શિક્ષકોનું પ્રોત્સાહન ખૂબ જરૂરી હોય છે. જન્મથી લઈને ૮ વર્ષની ઉંમર સુધીમાં જો બાળકોને આ પ્રકારની પ્રતિભાવશીલ કાળજી (રિસ્પોન્સિવ કેર ગિવિંગ) મળે તો બાળકમાં જીવન જરૂરી કૌશલ્યોનું નિર્માણ સરળતાથી થઈ શકે છે. બાળક પોતાના સર્વાંગી વિકાસની મહત્તમ ક્ષમતાને ઓળંગી શકે છે.

ખાસ યાદ રાખીએ કે બાળકો અને આપણા વચ્ચે ૨૫—૩૦ વર્ષનું અંતર હંમેશા રહેશે! માટે જરૂરી નથી કે આપણને ગમતું હોય તે એમને ગમેજ! જુદી પેઢીના જુદા વિચારો અને વિકલ્પો ઓળખીએ અને તેમના મિત્ર બની તેમની સાથે જોડાયેલા રહીએ!