આજ્ઞા પાલન
એક કાળ એવો હતો કે આજ્ઞાપાલનને બાલસદ્ગુણોમાં પ્રથમ સ્થાન હતું. આજ્ઞાધારક બાળકો સમાજમાં વખણાતાં, તેમને લીધે માબાપોની પ્રતિષ્ઠા વધતી અને વડીલોની આજ્ઞા નીચે પડવા દેવાવાળાં બાળકો તિરસ્કારપાત્ર ઠરતાં. તેમને લીધે માબાપોને શરમાવું પડતું.
હરેક સરકાર પોતાની પ્રજામાં ઉત્તમ સદ્ગુણ વફાદારીને માને છે કારણ કે તેઓ કાયદા કરે તે વફાદારીથી પાળવાનો ગુણ પ્રજામાં હોય તો જ તેનું રાજ્ય સુનિયંત્રિત ચાલી શકે. તેમજ બાળકો આજ્ઞાધારક હોય તો માબાપોનું કૌટુંબિક રાજ્ય તેમણે આંકેલી દિશામાં વિના મુશ્કેલીએ ચાલી શકે.
બાળકોમાં ગમે તે ઉપાયે આજ્ઞાધીનતા કેળવવી એ જ જૂના જમાનામાં માબાપોનું બાળશિક્ષણ પરત્વેનું મુખ્ય અંગ હતું. તે વખતે શિક્ષકો પણ અનેક રીતે એને ટેકો આપતા.
આજે બધાં કહે છે, કેળવણીમાં નવો યુગ બેઠો છે. આ નવો યુગ બાળસન્માનનો છે. બાળપૂજાનો છે. બાળકોનું વ્યક્તિત્વ ખીલવા દેવાનો છે. આજે મોટાઓ બાળકોની ઇચ્છાઓ, આકાંક્ષાઓ તપાસીને તેને અનુસરવા માગે છે. ત્યારે આજે એ પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે આ નવા યુગમાં આજ્ઞાપાલનને કંઈ સ્થાન ખરું? ને સ્થાન હોય તો બાળકોની આજ્ઞા મોટાંઓ ઉઠાવે, વડીલો આજ્ઞાધારકપણું કેળવે તે જાતનું છે શું?
નવા યુગને એટલે બાલયુગને બરાબર ન સમજનારાઓ બીજે છેડે જઈ બાળકોની મનસ્વી આજ્ઞાઓ ઉઠાવનાર બની જતાં જોઈ ઘણી વાર શંકા થાય છે કે આ નવો યુગ એટલે માબાપોની ગુલામીનો યુગ તો નહિ! આજે બાળકોના સ્વાતંત્ર્યની લડત લડાય છે તો કાલે મોટાંઓને પોતાના સ્વાતંત્ર્ય માટે લડવાનો વખત તો નહિ આવે!
ખરી રીતે નવા યુગમાં આજ્ઞાપાલનને સ્થાન નથી ને છે પણ ખરું. બે વચ્ચેની મર્યાદા સૂક્ષ્મ છે. માટે જ ગાડું એક છેડેથી બીજે છેડે સહેલાઈથી જાય છે. બાળકોમાં આજ્ઞાધીનતા માગવાવાળાં પોતે ક્યારેક જુલમી સત્તાધારી થઈ બેસે છે, બાળકોના વિકાસને હણનારા થઈ બેસે છે. માત્ર પોતાની જ સગવડ સાચવનારાં થઈ બેસે છે, ને બાળજીવનને ગુંગળાવી નાખે છે એની તેમને ખબર પડતી નથી. તેની વિરુદ્ધ જઈ બાળયુગમાં માનનાર નવો સિદ્ધાંતવાદી બાળસન્માનને નામે ક્યારેક બાળકની સ્વચ્છંદતાને પોષનાર બની જાય છે, બાળકના નિયમનરહિત જીવનને ઉત્તેજનાર થઈ પડે છે, બીજાને પોતાના ગુલામ બનાવવાની બાળકને તક આપી બાળકને ગુલામ બનવા દે છે, તેની તેને ખબર પડતી નથી અને આખરે બાળકને અધિક સુખી જોવાને બદલે દુઃખી જોવાનું જ એને ભાગે આવે છે.
કૌટુંબિક રાજસત્તામાં આજ્ઞાપાલનનું જરૂર સ્થાન હોય જ. જેમ સ્વતંત્ર પ્રજા વધારેમાં વધારે વફાદાર હોય, કાયદાને માન આપનારી હોય અને અરાજકપણું કે સત્તાદ્રોહ તો કેવળ ગુલામ પ્રજામાં જ સંભવે તેમ બાળકો આજ્ઞા ઉઠાવવા તત્પર હોય એ જ સ્વાભાવિક છે. દરેક સાચા સ્વતંત્ર વિકસિત મનને સુવ્યવસ્થા ગમે છે. અવ્યવસ્થા તો માત્ર વિકૃત મનને જ ગમે. બાળકનું વિકસતું મન પણ બધી જગ્યાએ વ્યવસ્થા શોધે છે : અવ્યવસ્થિત જીવનથી તે ત્રાસે છે. વ્યવસ્થાને પોષનાર નિયમો પાળવાને તે સદા ખુશી હોય છે. અવ્યવસ્થાના વાતાવરણમાં તે ગુંગળાઈ જઈ અવ્યવસ્થિત બને છે. એ અવ્યવસ્થિત સ્થિતિથી તે પોતે જ અત્યંત દુઃખી બને છે. બાળકનો કજિયો, હઠ, રડવું વગેરે બધું તેની દુઃખી સ્થિતિના દ્યોતક છે. એ સ્થિતિ કાઢી નાખવાની આપણે આજ્ઞા કરીએ તો તેથી તે જઈ શકે નહિ. પરંતુ અવ્યવસ્થાની જ્ગયાએ વ્યવસ્થા સ્થાપવાનો રસ્તો આપીએ તો તે દુઃખી સ્થિતિનો ઉપાય થશે.
મોટાંઓ કહે તેમ બાળકો કરે ત્યાં બાળકોની સ્વતંત્ર વિચારશક્તિ હણાય છે ને તેમનામાં વિચાર—આચારની ગુલામી કેળવાય છે. માટે તે જાતના આજ્ઞાપાલનને નવા યુગના સિદ્ધાંતોમાં કદાપિ સ્થાન હોય જ નહિ. મોટાંઓની તરફેણમાં કદાચ માની લઈએ કે મોટાંઓ હંમેશ બાળહિતની દૃષ્ટિએ આજ્ઞા કરે છે, પોતાના અનુભવનો લાભ બાળકોને આપવા માગે છે. બાળકોનું જીવન સુલભ, મુશ્કેલી વિનાનું કરવા ચાહે છે, તો પણ એ બધું બાળકોને બુદ્ધિની ગુલામી આપે છે અને જાતસાહસની તક ન મળતાં તેમને વેવલાં બનાવવામાં જ પરિણમે છે. માટે આજ્ઞાનું આ રૂપ પણ બાળવિકાસની દૃષ્ટિએ ઘાતક જ છે. તેથી નીચા ઊતરીને પોતાની સગવડ આદિથી કરેલી આજ્ઞાઓ વિશે તો વિચાર કરવાની જરૂર જ નથી. તે તો સર્વ કાળે—સર્વ સ્થળે નિંદ્ય જ છે. છતાં એક બે રૂપમાં આજ્ઞાપાલનને નવા યુગમાંયે સ્થાન હોય.
આજ્ઞાપાલનને નિયમપાલન અથવા કાયદાપાલનના રૂપમાં સ્થાન હોય જે નિયમ, કે કાયદાની યોગ્યાયોગ્યતા બાળકોની સમજણ વધે તેમ તેમ તેઓ વિચારી શકે અને અયુક્ત નિયમ સામે વાંધો લઈ પણ શકે. કુટુંબવ્યવસ્થા અને એક ઘરમાં રેહનાર બધાંની સગવડની દૃષ્ટિએ કુટુંબમાં વખત સાચવવા પરત્વે, કે કયે સ્થાને કઈ પ્રવૃત્તિ થાય તે પરત્વે, કે કયી વસ્તુ કોની ગણાય તે પરત્વે જરૂર નિયમો હોય. એ નિયમો દરેક જણ પોતાનો વિકાસ છૂટથી સાધે ને બીજાની આડે ન આવે એ દૃષ્ટિએ હોય, તેમજ તે એક બીજાની સગવડ સાચવવી, એકબીજાનું માન સાચવવું, એક બીજા પ્રત્યે લાગણીનો સ્વભાવ રાખવાં વગેરે બધાં તત્ત્વો સચવાય એ રીતે હોય. આ નિયમોમાં ન્યાય—કોર્ટ કે રાજકાયદાની વ્યવસ્થા તેમજ વ્યક્તિના અને સમાજના હક્ક સાચવવાનાં તત્ત્વો હોય પણ તેની લાગણીશૂન્યતા, તેની કુટિલતા, તેની શાયલોકગીરીને તો અણુમાત્ર અવકાશ ન જ હોય. આ નિયમપાલન કરાવવામાં દૃઢતા અને મક્કમતા પણ હોય. પણ તેને જુલમ કે સખ્તાઈનું રૂપ ન જ આપવું જોઈએ. આ જાતના નિયમપાલના સત્તાધારીમાં ન્યાયમૂર્તિ જેટલો વિવેક ન્યાયબુદ્ધિ ને સમતોલતા જોઈએ. છતાં બાળકોનું ઘર પોતાનું ઘર મટી કોરટ જેવું નિંદાપાત્ર સ્થાન ન બને તે પણ જોવાનું.
આ જાતની નિયમાધીનતાથી કુટુંબનાં બધાં માણસોને સુખ ને શાંતિ વધારે મળતી હોવાથી બાળકોને પણ તે ગમે જ છે. ચોક્કસ નિયમોથી તેમનું જીવન સુલભ થતું હોવાથી ચોક્કસ નિયમોના અભાવથી તેઓ વધારે કંટાળે છે એમ આપણે થોડા જ દિવસમાં જોશું. તેમજ નિયમ આપીને જો આપણે પોતે જ એ ભૂલી ગયાં હોઈએ અથવા એનો બરાબર અમલ ન કરતાં હોઈએ તો બાળકો આપણું ધ્યાન તે તરફ ખેંચે છે. આપણી ભૂલ કાઢે છે ને હંમેશ જો ઢીલાશ રાખીએ તો ત્રાસે છે. મનુષ્યમનનો સ્વભાવ જ નિયમિતતા ને અવસ્થિતતા માગે છે, તેના વિના જ મનુષ્ય દુઃખી એની સાચી પ્રતીતિ તો બાળકો જ કરાવે છે. તેઓ આપણી મનુષ્યજાત પ્રત્યે શ્રદ્ધા ને આશા ઉપજાવે છે.
બીજા એક પ્રકારના આજ્ઞાપાલનને પણ સ્થાન આપવું જોઈએ. બાળક આજ્ઞાને લીધે જ્યારે જાતને ગંભીર ઈજાની સ્થિતિમાં મૂકે જેમ કે કૂવાની પાળે રમવા જાય ત્યારે “નહિ“નો લશ્કરી હુકમ જ હોય. એ રીતે ઘરની બહાર ક્યાંય ન જવાનું. સામાજિક વ્યવહાર આદિની બાબતમાં બાળક મા કે બાપને પૂછીને જ પગલું ભરે ને માની “હા“ એટલે “હા” ને માની “ના” એટલે “ના” એમ જ હંમેશને માટે સમજવું એવી બાળકને ટેવ પડવી જોઈએ.
પણ આજ્ઞાપાલન કે નિયમપાલનના સંબંધમાં બે બાબતો મોટાંઓએ ધ્યાનમાં રાખવાની છે. પહેલી એ કે “હા” કે “ના” નું પોતાની સાથે ચોક્કસ ધોરણ નક્કી કરીને એક વાર “હા” કે “ના” કહી દેવું ને પછી તેને ગમે તે થાય તો પણ વળગી રહેવું. બાપા બહાર જવા નીકળે ત્યારે બાળકોને સાથે ફરવા નીકળવું ગમે. બાળક કહે છે, આવું. બાપ કહે “ના આજે હું ન લઈ જઈ શકું.” બાળક રડે — “ઠીક ચાલ ત્યારે” કરીને તેને લઈ જવામાં આવે. બીજો દાખલો “બા ફલાણીને ત્યાં રમવા જાઉં?” “ના.” “એં…એં…એં…” “જા ત્યારે કનડતી મટ…”
માબાપો કહે છે, બાલસ્વાતંત્ર્યને લીધે બાળકો આજ્ઞા માનતાં મટી ગયાં છે. માબાપનું માનતાં નથી. પણ ખરી રીતે એમ છે કે માબાપોને આજ્ઞા કરતાં કે પળાવતાં આવડતું નથી માટે બાળકો માનતાં નથી. આ અણઆવડત જૂની છે, હવે તો માત્ર તેનો ભાર બાળસ્વાતંત્ર્ય ઉપર નાખવામાં આવે છે. આપણે બાળકને પહેલા અઠવાડિયાથી નિયમપાલનના વાતાવરણમાં ઉછેરી શકીએ ને એમ કરનારાં માબાપોને ભાગ્યે જ બાળકો માનતાં નથી એમ કહેવું પડે. આપણું ધોરણ સાવ ઊંધું હોય છે. ત્રણ વરસ સુધી માબાપને ઘરનાં બધાં મળીને બાળકને શક્ય તેટલું બગાડીએ છીએ, તેને સ્વચ્છંદી બનાવીએ છીએ. પોતાના મોઢામાંથી શબ્દ નીકળવાનો અવકાશ. મારી તહેનાતમાં આ બધાં હાજર છે જ એમ બગડેલા રાજાની માફક આપણે એને ઉછેરીએ છીએ ને પછી આપણી ને એની હેરાનગતિની શરૂઆત થાય છે.
બીજી વાત નિયમ કરનારે એ દૃઢતાથી પળાવનારે પોતાની “હા” “ના”ની બાબતમાં હંમેશ વિચાર કરતા રહેવું જોઈએ. જેમ ન્યાયાધીશને મન રહે છે કે પોતાને હાથે ૯૯ ખરા દોષી છૂટે તો હરકત નહિ પણ એકે નિર્દોષી માર્યો ન જાય એ જ રીતે આપણા નિયમોમાં શક્ય તેટલો લાભ બાળકોને મળે, એ ધોરણ હોવું જોઈએ.
છેલ્લી વાત એમ છે કે આજ્ઞાપાલનમાં એક અભિમુખતા જેવું તત્ત્વ છે. આપણું નિયમન, આપણું પ્રેમાળ વાતાવરણ બાળકના વિકાસને પોષક એવું હોય છે ત્યારે તે એવી હવામાં આગળ વધે છે ને આગળ વધ્યાનો જે કુદરતી સાત્ત્વિક આનંદ તેને થાય છે તેથી આવું સુંદર વાતાવરણ આપનાર તરીકે આપણને માનીને આપણા ઉપર પ્રેમ ઠાલવે છે. બાલમંદિરમાં પુષ્કળ કામ કરીને જાત પ્રત્યે ખુશ થઈ બાળકો કેટલીયે વાર આવીને આપણને ભેટી પડે છે, બચી ભરે છે, ને કાંઈક કાંઈક કરે છે. એનું કારણ એમનો અંદરનો પોતાની તરફનો સંતોષ છે. પોતાને જોઈતું કામ ન મળ્યું હોય એવાં બાળકો અંધારામાં મૂંઝાઈ જઈને જાણે ફરતાં હોય એમ ફરે છે. એમને આપણે કહીએ “ભાઈ પીવાનું પાણી લાવ”. તો તે સાંભળ્યા વગર ચાલ્યું જ જશે અથવા “ના” પાડશે. આને આપણે આજ્ઞાભંગ અથવા મોેટાંઓનો ઉપમર્દ ન કહી શકીએ. આ તેની પોતાની મૂંઝવણની સ્થિતિ છે. પણ વિકાસનો માર્ગ જડવાથી પ્રસન્ન થયેલા બાળકને કહીએ “જાઓ આસન ઉપાડો”, “પાણી લાવો” તો એ તો દોડતું જશે ને જે કહો તે કરશે. પોતાની શક્તિની બહારનું હોય, સામાન્યતઃ પોતાને ન ગમતું હોય તોયે કરશે. આમ બાળકની મનઃસ્થિતિ ઉપર આજ્ઞાપાલનનો આધાર છે. આને અલ્પકાલની અભિમુખતા અનભિમુખતા કહીએ. જ્યારે બીજી ચિરકાલની અભિમુખતા પણ હોય છે. બાળકના વિકાસમાં મદદ કરનાર તરફ બાળકમાં એક પ્રકારની હંમેશની અભિમુખતા હોય છે. જ્યારે વિરોધક તરફ હંમેશની અનભિમુખતા હોય છે ને પોષક નથી ને વિરોધક નથી એવા ત્રાયત તરફ બંને નહિ એવી સ્થિતિ હોય છે. આપણે ત્રાયત તરીકે કોઈ બાળકને કહીએ કે, “જાવ, પાણી લાવ” ને તે ન માને તો એમાં આપણે જાતે જ વિચારવું જોઈએ કે આ હુકમ કરવામાં આપણી અસભ્યતા આ બાળકને સાલી એમાં શી નવાઈ! એટલું તેનું આત્મસન્માન વધારે કહેવાય.
નિયમ અને હુકમ એટલે કે આપણી સગવડ માટે આપણે કોઈને કાંઈ કરવાનું કહીએ એને જુદાં પાડવાં જોઈએ. આપણે તો આજ્ઞાધીનતામાં મોટાંઓ કહે તેમ માથે ચડાવીને કરવું એમ માનીએ છીએ. બાળક અને કુટુંબ અથવા શાળાની સમાજ વ્યવસ્થાને અર્થે કરેલા નિયમો ને તેનું પાલન એક જુદી વસ્તુ છે ને આપણી ખાતર બાળક આપણું કાંઈ કામ કરે, એ વસ્તુ જુદી છે. જો કે અભિમુખતાનું તત્ત્વ બંને જાતના આજ્ઞાપાલનમાં હોય જ છે. આપણી સામે વિરોધ કે અનભિમુખતા હોવાથી બાળક ઘણી વાર અરાજકની જેમ નિયમ માત્રને ઊથલાવવા નીકળે છે. તે ઉપરથી બાળકની અવ્યવસ્થાપ્રિયતા સિદ્ધ થતી નથી પણ બાળકની નિયમનપ્રિયતા જ સિદ્ધ થાય છે. આમ અમુક સૂક્ષ્મ અર્થમાં નવા બાળયુગમાં આજ્ઞાપાલનને સૌથી મોટું સ્થાન છે. આજ્ઞાપાલન એ નિયમપાલનના અર્થમાં મનુષ્યવિકાસનું પહેલું ને આવશ્યક તત્ત્વ છે. જેમ હવા વગર પ્રાણી જીવી શકે નહિ તેમ નિયમ વગર વિકાસ સંભવે નહિ ને બીજા અર્થમાં એટલે મોટાઓ કહે તેમ કરવું એ બાળકની વ્યવસ્થિત એટલે વિકાસને માર્ગે ચડેલી મનઃસ્થિતિનું ચિહ્ન છે. ને બંનેને માટે વિકાસપોષક તરીકે આપણી ખરી પરીક્ષા છે. જ્યારે બાળક ઉદ્ધત, આજ્ઞાને ધુત્કારનાર, નિયમને ઊથલાવનાર બને ત્યારે કુશલ રાજનીતિજ્ઞની જેમ આપણે જ આપણી રાજનીતિ સૂક્ષ્મતાથી તપાસવા બેસવું ઘટે.