પોતાની વરસ દોઢેક વરસની નાનકડી દીકરી સાથે વહાલથી પરંતુ થોડીક અજડાઈથી રમતાં મોટાં બાળકોને મા કહેતી સંભળાય છે, “ધ્યાન રાખજો છોકરાં, એ પણ માણસ છે.”

બાળક પોતે એક વ્યક્તિ છે, પોતાનામાં પરિપૂર્ણતાની સંભાવનાઓ સંઘરીને આવેલું એક ચૈતન્ય છે, આ વાત કહેવાતાં મોટાં લોકોને પણ યાદ કરાવવી પડે છે. બાળકમાં સારું — નરસું બંને પડેલું હોય છે. આમાં સારપને ઊગવા દેવી અને નરસાઈને કરમાઈ જવા દેવી એ જોવાનું કામ મા બાપનું છે. બાળકો જન્મથી જ અવળચંડાં છે અને માબાપનું કામ તેમને સીધાં કરવાનું છે, આ ભ્રમણામાંથી જેટલા વહેલા સદ્‌તત્ત્વને ફૂટવા માટેનાં જરૂરી ખાતર, પ્રકાશ, પાણી સિંચાતાં રહે તો માંહ્યલું સત્ય ઊગવા સિવાય રહેતું નથી.

અનેક પ્રયોગો પરથી પશ્ચિમી કેળવણીકારો તારણ કાઢે છે કે આસપાસનું વાતાવરણ બાળકના વ્યક્તિને ખીલવા માટે દિશા આંકતું હોય છે. જે બાળકનું પહેલું વર્ષ માની મમતાભરી હૂંફમાં વીત્યું હોય તે અને જે અસહાય રીતે ઊછર્યું હોય તે બાળકમાં સ્પષ્ટ ફરક જોવા મળે છે. પહેલું બાળક માયાળુ અને સહકાર આપતું હોય છે, જ્યારે બીજા બાળકમાં આત્મવિશ્વાસ, સાહસવૃત્તિ અને સલામતીની ભાવનાનો અભાવ જોવા મળે છે.

સહજ રીતે જે શિખાય છે અને વિધિસર જે શિખવાડાય છે, તેનાં પરિણામોમાં સ્પષ્ટ ફરક જોવા મળે છે. કહેવાય છે કે બાળકો આરામથી કીડી—મકોડાને મારતાં હોય છે અને મા—બાપ ટાઢાકોઠે તે જોતાં રહેતાં હોય છે. આપણે માનવ મા—બાપ, આપણાં માનવ—બાળકને માનવતાના પાઠ શીખવવામાંથી પણ પાછાં પડીએ તો આપણી માનવતા શેમાં? આખી દુનિયાને ત્રાસ આપનારી રાવણી કે હિટલરી બુદ્ધિ ગમે તેટલી પ્રચંડ હોય પણ તેથી આસુરી બુદ્ધિના ઉપાસક આપણાં બાળકો ન બને, પ્રભુ પાસે નિરંતર “હે ભગવાન, મને સદ્‌બુદ્ધિ દે જે” એટલું માગવાની અક્કલ કાયમ રહે તેટલું તો જોવું પડશે ને?

બુદ્ધિ અને સદ્‌બુદ્ધિ વચ્ચેનો ભેદ બાળકોને ડગલે ને પગલે સમજાવવો પડશે. વર્ગમાં પહેલો નંબર લાવવો, સ્પર્ધામાં ઈનામ જીતી લાવવું તેમાં બુદ્ધિ છે, પરંતુ વર્ગમાં પાછળ રહી જતાં સહાધ્યાયીને બે દાખલા શિખવાડવવા, પોતાને મળી ગયેલાં ઇનામ—બક્ષિસને કોઈ જરૂરિયાતવાળા દોસ્તારને આપી દેવા મનમાં ઉમળકો આવવો તે સદ્‌બુદ્ધિ છે. બુદ્ધિનો વિરોધ નથી, પરંતુ સદ્‌બુદ્ધિ એ તો માનવજીવનનો પાયો છે. આ પાયા પર રચાયેલી જીવન—ઈમારત સમાજમાં અનેક મંગળ મંદિર ઊભાં કરશે. બાળકમાં વિદ્વત્તા ઓછી હોય, કુશળતા ઓછી હોય તો નભી જશે, પરંતુ તેનામાં સંવેદના નહીં હોય, વિવેકશક્તિ નહીં હોય તો તેનું જીવન ઘણું અધૂરું રહી જશે.

બાળપણમાં શિક્ષણની પ્રક્રિયા શબ્દો—પ્રવચનોથી નથી ચાલી શકતી. બાળકોને ભરપૂર અનુભવોમાંથી પસાર થવા દેવાં જોઈએ. નિતનવા અનુભવોની પાઠશાળામાંથી બાળપણ ગુજરશે તો ખબરેય નહીં પડે અને ઘાટ ઘડાઈ જશે. આપણું કામ તો એ પ્રત્યેક અનુભવના સારાસારને તારવી દરેક મુકામે તેમની સમક્ષ મૂકતાં રહેવું; સારાસારનો વિવેક પણ તેમનાં દિલદિમાગમાંથી જ ઊભો થવા દેવો. તેમાં ગભરાવાની જરૂર નથી. કદાચ બાળકો અનિષ્ટ તારતમ્યો પર પહોંચશે તો? ઈશ્વરે માનવને એવું ઉદાત્ત દિલ આપ્યું છે કે આમ માનવનાં સર્વસાધારણ નિષ્કર્મો કદીય ડુબાડનારાં નથી હોતાં. જો એવું હોય તો જગતમાં આજે ગાંધી, ઈશુ, બદ્ધ, મહાવીર પૂજાય છે, તેને બદલે હિટલર—મુસોલિની અને કંસ—રાવણ પૂજાતા હોત.

આ અનુભવ તે શિક્ષણની ખાણ છે. બીજા વિશ્વ યુદ્ધ વખતે બ્રિટનના એક મહાન ચિંતક અને પ્રધાન સર જ્હોન સ્ટ્રેચીએ લંડન પર બોમ્બવર્ષા થતી હતી ત્યારે અમેરિકાથી આવેલા એક પત્રકારને પૂછયું, “અમેરિકાથી અહીં આવી પહોંચવાની શક્યતા કેટલી છે?”

ત્યારે પત્રકારે પૂછયું, “ભાગ્યે જ, પરંતુ તમે કોને માટે પૂછો છો?”

“મારાં બે બાળકો અમેરિકામાં અભ્યાસ કરે છે, તેમને અહીં લાવવાં છે.” સર જ્હોને કહ્યું.

“સર, આ લડાઈમાં તો લોકો પોતાનાં અહીં રહેતાં બાળકોને સલામત સ્થળે પહોંચાડી દેવા અધીરાં થઈ ગયાં છે, ત્યારે તમે અમેરિકામાં સલામતીપૂર્વક રહેતાં બાળકોને અહીં બોલાવવાનું વિચારો છો?”

ત્યારે જ્હોને જે જવાબ આપ્યો તે પ્રત્યેક મા—બાપે ધ્યાન આપવા જેવો છે. જ્હોન કહે છે,“મારાં બાળકો ત્યાં સલામત છે તે તો હું સમજું છું. પરંતુ જે અભૂતપૂર્વ હિંમત અને ધૃતિથી અમારી પ્રજા આજે આ બોમ્બવર્ષાનો સામનો કરી રહી છે તે અનુભવમાંથી મારાં બાળકો વંચિત રહી જાય એ મને ખટકે છે. આ ટાઈમે તો તેઓ અહીં જ અમારી વચ્ચે હોય એમ હું ઇચ્છું.”

શિક્ષણ કેવળ અમેરિકાની યુનિવર્સિટીઓમાં ભણાવતા પાઠયક્રમોમાં જ નથી, બલ્કે અન્યાય અને અનિષ્ટ સામે ઝૂઝનારાં લોકો વચ્ચે રહેવામાં પણ છે. આ દૃષ્ટિ કેળવાશે તો આપણે બાળકોનાં જીવન નિતનવા અનુભવોથી ભરી દઈશું. “ચાલો, આજે વરસાદ પડયો તો ડુંગરાઓમાં રખડવા જઈએ. ચાલો, આજે ગાંધીજયંતી છે, તો હરિજનવાસે પહોંચીએ. ચાલો, આજે તારી વર્ષગાંઠ છે તો બહેરાં — મૂંગાની શાળામાં જઈએ.”

અનેક પ્રયોગોને અવકાશ છે. જરૂર છે પ્રયોગવીરોની. બાકી બાળકો તો તત્પર ઊભાં છે, સદાબહાર, સદા તૈયાર!