આત્મવિશ્વાસ…. પ્રગતિનું પ્રથમ પગથિયું
વાલીમિત્રો… મારા કાકાની દીકરીની સાથે બનેલો એક પ્રસંગ અહીં રજૂ કરું છું. ભૈરવીબેનની દીકરી શ્રુતિ બીજા ધોરણમાં ભણતી હતી. ખૂબ જ હોંશિયાર બાળકી… ભણવામાં સારો દેખાવ કરવાની સાથે ઈતર પ્રવૃત્તિમાં પણ ઉત્સાહથી ભાગ લે. પણ સ્વભાવે થોડી ઓછાબોલી. એને કોઈ સાથે વાદવિવાદમાં ઊતરવાનું બહુ ગમે નહીં. એ રંગે થોડી શ્યામ હતી. અને સગાંસબંધીઓની મહેરબાનીથી કદાચ આ વાતનો એને અહેસાસ થતો.
એના વર્ગમાં એક ભૈરવી કરીને બાળકી હતી. એ શ્રુતિને ખૂબ જ હેરાન કરે. નાની નાની વાતમાં ચીડવે, એની નોટબૂક છુપાવી દે, એની પેન્સિલની અણી તોડી દે, એના યુનિફોર્મ પર એનું ધ્યાન ના હોય ત્યારે હાથ લૂછી ડાધ પાડે. શ્રુતિ રોજ શાળાએથી રડતી ઘરે આવે અને ભૈરવીબેનને ફરિયાદ કરે. થોડા દિવસ તો ભૈરવીબેન એને સમજાવે કે હશે હવે, કોઈ બાળક એવું હોય. તું તારી સહેલીઓને એના વિશે વાત કરને. ત્યારે શ્રુતિએ કહ્યું, “એ રોજ વર્ગની છોકરીઓ માટે ચોકલેટ લાવે. ક્રીમ વાળી બિસ્કીટ લાવે છે. એટલે બધાંજ એની વાત માને છે.”
આ બધું રોજનું થયું, માનું દિલ પોતાની દીકરીને રડતી જોઈને કચવાય તો ખરું ને? ભૈરવીબહેને સલાહ આપી કે તું વર્ગશિક્ષકને ફરિયાદ કર. પણ શ્રુતિએ કોઈ ફરિયાદ ના કરી. અને એનો ઘરે આવીને રડવાનો નિત્યક્રમ ચાલુ જ રહ્યો. હવે મમ્મીની ધીરજની સીમા આવી. એણે શ્રિુતને કહ્યું, “બે ઊલ્ટા હાથની ઝાપટ લગાવી દે એને, એટલે તારી મુસીબતનો કાયમ માટે અંત આવે.” એ જ વખતે ઘરમાં દાખલ થયેલા શ્રિુતના પિતા વિજયભાઈએ આ વાત સાંભળી.
એમણે ભૈરવીબેનને પૂછયું, “આવી ઊલટી સીધી શિખામણ દીકરીને કેમ આપી રહ્યાં છો?” ભૈરવી ર્બિેન અકળાઈને બોલ્યાં, “હું શું કરું તમે જ કહો, રોજ નિશાળમાંથી રડતી ઘરે આવે અને રોજ રોજ એક જ ફરિયાદ, આજે તો વૈભવી આવું બોલી, આજે વૈભવીએ મારી સાથે આવું કર્યું.” હવે વાતનો હવાલો પિતાએ સંભાળ્યો. એમણે ભૈરવીબેનને ચા બનાવવા કીધું અને એ શ્રુતિની સાથે વાર્તાલાપ કરવા બેઠાં. આખી વાત સાંભળ્યા પછી એમણે શ્રુતિને કારણ પૂછયું તો શ્રુતિએ કહ્યું કે જ્યારે પણ શિક્ષક મારાં વખાણ કરે એટલે એમના ગયા પછી વૈભવી મને ચીડવે છે. કાલે તો મારાં જૂતાં થોડાં ફાટી ગયાં હતાં તો મને ભિખારી… ભિખારી ચીડવતી હતી. અને મારા ગુજરાતી નિબંધનાં જ્યારે વર્ગશિક્ષકે વખાણ કર્યાં તો કહે કે મમ્મી પાસે લખાવ્યો છે. અને બધી છોકરીઓ એની જ બાજુ લઈ મને ચીડવે છે.
પપ્પા બધું જ સમજી ગયા. એમણે શ્રુતિને સમજાવી કે એ એના ચીડવવા પર ધ્યાન આપવાનું બંધ કરી દે. તું ચિડાઈને રડે છે એટલે એ વધુ ચીડવે છે. એના કરતાં એ તને ચીડવે તો તું જે કાંઈ કરે છે એના કરતાં વધુ સારું કરવાનો પ્રયત્ન કર. કાલે એણે તને તારાં જૂતાં માટે ચીડવી, તો તારે રડવાની શી જરૂર હતી. એના કરતાં એમની સાથે તારે હસી લેવું હતું ને? “જુઓ ને મારાં જૂતાં કેવાં ફાટી ગયાં છે, હું મમ્મીને ક્યારથી કહું છું કે મને સાંધી આપ, પણ એને સમય જ નથી મળતો.“પણ કાંઈ નહીં, મને ફાટેલાં જૂતાંથી શરમ નથી આવતી. ”
પરંતુ શ્રુતિ કદાચ એ સમજવા માટે નાની હતી. એની ફરિયાદનો દોર ચાલુ જ રહ્યો. છેવટે એનાં મમ્મી શાળામાં વર્ગશિક્ષક પાસે મળવા ગયાં. વર્ગશિક્ષકે એમને બાહેધરી આપી કે હવે આવું નહીં બને. સાથે શ્રિુતને પણ કહ્યું કે આ ફરિયાદ તેં મમ્મી કરતાં મને કરી હોત તો આનો ઉકેલ જલ્દી આવત. સમસ્યાનું નિરાકરણ તો આવી ગયું. વૈભવીને વર્ગ શિક્ષકે સમજાવી અને પછી એણે પણ શ્રુતિને હેરાન કરવાનું છોડી દીધું. શ્રુતિની મમ્મીને ફરિયાદ કરવા આવતા જોઈને, જે બાળકીઓ વૈભવીની વિરુદ્ધ જવાની હિંમત નહોતી કરતી એ બધી હવે શ્રુતિને સાથ આપવા લાગી.
થોડી મોટી થતાં શ્રુતિ એના પપ્પાએ કહેલી વાત પર વિચારવા લાગી. અને એને પણ એ વાતનું મહત્ત્વ સમજાયું. આથી જ્યારે જિંદગીમાં આવો કોઈ નિરાદર સહન કરવાનો આવે, ત્યારે શ્રુતિ એનાથી નિરાશ થવાના બદલે, એને પોતાની તાકાત બનાવીને વધુ મહેનત કરી, આગળ વધવાનો પ્રયત્ન કરતી રહી. શ્રુતિ થોડા ઘેરા રંગની છે, અને આપણા સમાજમાં બદનસીબે રંગને પણ ઘણા લોકો મહત્ત્વ આપે છે. પરંતુ શ્રુતિએ એક હકારાત્મક અભિગમ અપનાવી લીધો હતો. એનામાં આવડત તો હતી જ, હોંશિયાર પણ ખૂબ જ હતી અને અભિનય એ એનો શોખ હતો.
આજે શ્રુતિ પોતાની સફળતા માટે એની જિંદગીમાં બનેલા એક આ નાનકડા પ્રસંગને ખૂવ જ મહત્ત્વ આપે છે. કોઈના પણ નકારાત્મક અભિગમને એમનો દ્રષ્ટિકોણ સમજીને અને એમાંથી શીખ લઈને પોતાની ખામીઓને સુધારીને એણે પોતાની અભિનયની આગવી દુનિયા વસાવી છે. એના પપ્પાની એક નાનકડી પણ અત્યંત મહત્ત્વની સલાહ એનામાં આત્મવિશ્વાસ જગાવવાનું કારણ બની ગઈ.
તો વાચકમિત્રો, આ પ્રસંગ માટે તમારો શું અભિપ્રાય છે? શ્રુતિની જેમ ચૂપ રહેવું અને અન્યાય સહન કરવો યોગ્ય છ? તમારા બાળક સાથે પણ આવું કંઈક બની શકે છે. આર્થિક પરિસ્થિતિ સારી હોય એવાં બાળકોનું મિત્ર વર્તુળ મોટું હોય છે. અને સામાન્ય વર્ગના મધ્યમ વર્ગનાં માતા—પિતાનાં બાળકોની સાથે ઘણીવાર જાણતાં અજાણતાં અન્યાય થતો હોય છે. તમારું બાળક જો અંતર્મુખી હોય, ને એના લીધે જો શાળામાં આવી કોઈ પરિસ્થિતિ આવે તો તમે તમારા બાળકને કેવી રીતે મદદ કરશો? એને પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર કેવી રીતે કરશો? શું શ્રુતિની મમ્મી ભૈરવીબેને આપેલી સલાહ સાથે તમે સહમત છો? જ્યારે આપણા બાળકને કોઈ શારીરિક હાની પહોંચાડવાનો પ્રયત્ન કરે ત્યારે તમે શું કરશો?
જો શ્રુતિએ મમ્મીની વાત માનીને કદાચ હાથ ઉગામ્યો હોત.. અને જ્યારે શિક્ષક સુધી વાત જાય અને ત્યારે અંરર્મુૃખી શ્રિુત કદાચ પોતાની વાત સારી રીતે રજૂ ના કરી શકી હોત, તો બધો જ દોષનો ટોપલો એના માથે આવત. અને શાળામાં મારપીટ કરવી એ જરા પણ યોગ્ય નથી જ. આવા સમયે વાલી તરીકેની આપણી ફરજ આપણે સમજવી જોઈએ.
ઘણીવાર બાળકની ત્રુટિ નાનકડી જ હોય છે. પરંતુ મિત્રો કે સમાજ એને સતત એની ત્રુટિનો અહેસાસ કરાવી એના મનમાં હિન ભાવના પેદા કરે છે. બાળક બોલવામાં ખચકાતું હોય, તોતડું હોય ત્યારે મિત્રો એનો ઘણીવાર મજાક બનાવતા હોય છે. અને બાળકના કુમળા મન પર એની અવળી અસર પડે છે. આવા સમયે માતા પિતાનો હકારાત્મક અભિગમ બાળકને આત્મ વિશ્વાસ ગુમાવતાં અટકાવે છે. શ્યામ વર્ણ, હલકાવું, આંખનાં ચશ્માંના વધુ નંબર હોવા, પાંચને બદલે છ આંગળીઓ હોવી. આ બધી જન્મથી જ મળેલ તકલીફો છે
બાળકને એની સારી બાજુ, એનાં ઊજળા પાસાં બતાવવાં. એક ત્રુટિ તો દરેકમાં હોય જ. કોઈ દોડવામાં સારું હોય તો કોઈનો અવાજ ગાયકની કક્ષાનો હોય. કોઈ ભણવામાં સારું હોય તો કોઈ નૃત્યકળામાં, કોઈ રંગે ગોરું હોય તો કોઈનાં નાકનકશ સારાં હોય. એટલે બાળકનું શામાં હિત છે? શામાં આગળ વધી શકે છે, એ જાણી અને એ વાતમાં એને આગળ ધપાવવા પ્રોત્સાહન આપવું જોઈએ.
શ્રુતિને ભાષા ઉપર કાબૂ સારો હતો, એ નિબંધ સરસ લખી શકતી હતી અને એટલે વર્ગશિક્ષક એનાં વખાણ કરતાં. વૈભવી દેખાવે સરસ હતી, વર્ણ ઊજળો હતો, શ્રીમંત પરિવારની લાડકી દીકરી હતી. એટલે ઘરમાં બધાં જ એનાં વખાણ કરતાં. આથી એને શ્રુતિનાં વખાણ થાય તો ઈર્ષા થતી. એને મળતી સવલતો શ્રુતિને મળતી નહોતી પણ એ શાળામાં દરેક કાર્યક્રમમાં ભાગ લેતી. કારણ એની મમ્મી એને કાયમ ભાગ લેવા કહેતી. એની મમ્મીની પણ એવી ઇચ્છા હતી. કારણ એની મમ્મીને શ્યામ રંગ હોવાથી પોતાની નિશાળમાં અનાદર સહન કરવો પડયો હતો. એટલે જ્યારે શ્રુતિ ભાગ લેતી તો એમને પોતાનાં સપનાં સાકાર થતાં દેખાતાં.
તો વાલીમિત્રો, તમારા બાળક સાથે આવો કોઈ પ્રસંગ કદાચ બન્યો હોય ત્યારે તમે એનું નિરાકરણ કેવી રીતે લાવ્યા એ વિશે અમને જણાવશો તો અમને એ ગમશે. કોઈ પણ પ્રશ્નનો હલ દરેક વ્યક્તિ માટે અલગ અલગ હોય છે, તમારા દ્રષ્ટિકોણ વિશે સાંભળવાનું અમને જરૂરથી ગમશે. આવા પ્રસંગો જ આપણને પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરવો એની શિક્ષા આપે છે. બાળકને નાનપણથી જ પોતાની ત્રુટિઓ પર વિજય મેળવતાં શીખવશો તો તમારા બાળકનો આત્મવિશ્વાસ વધશે અને એ પોતાની ત્રુટિ પર વિજય મેળવી આગળ ને આગળ ધપશે.