ઘરમાંથી બાળકો સ્વભાષા શીખે છે. ઘરમાંથી બાળકો સામાજિક આચારો શીખે છે. ઘરમાંથી બાળકો વ્યાવહારિક વર્તન શીખે છે. ઘરમાંથી બાળકો ધર્મ અને નીતિ પણ શીખે છે. ખરી રીતે ઘર એ સૌથી મોટી પાઠશાળા છે.
ઘરમાં કોઈ શીખવવા બેસતું નથી. ઘરમાં પાઠ દેવાના કે લેવાના નથી હોતા. ઘરમાં પરીક્ષા અને પાસ નાપાસ થવાપણું નથી. ઘરમાં સ્વયંશિક્ષણ ચાલે છે.
ઘરમાં અભ્યાસક્રમ લખેલો કે છાપેલો નથી હોતો અને તેને પહોંચી વળવા માટેનાં પાઠય પુસ્તકો પણ નથી. ઘરના કોઈપણ ખૂણામાં જીવનશિક્ષણની નિશાળનો જુદો ભાગ અને તેની સામગ્રી નથી.
અને એમ છતાં ઘરમાંથી બાળકો ૯૯ ટકા જેટલું જીવન શીખે છે. ઘરમાંથી શીખેલું દૃઢ બને છે, ઘરમાંથી શીખેલું બહુ મુશ્કેલીથી ભૂલી શકાય છે. આખરે મોટી ઉંમરનાં બધાં શિક્ષણોને અંતે ઘરનું શિક્ષણ તો ઊભું જ રહે છે. આ ઘરનું શિક્ષણ તે મનુષ્ય, સમાજ, ધર્મ અર્થાત્‌ સમગ્ર દુનિયા પ્રત્યેની એક દૃષ્ટિ. એક ધર્મના માણસો, એક નાતના માણસો, એક ઇલાકો કે રાષ્ટ્રના માણસો, એક ખંડના માણસો કે એક રંગના માણસો કદાચ દેખીતી રીતે સરખા લાગે, કદાચ એક જ જાતના ભણતર ભણેલા, અને એક જ જાતના ધંધામાં રહેલા, એક જ ધર્મ કે રાષ્ટ્ર પ્રેમના ઝંડા નીચે રહેલા દેખીતી રીતે સરખા લાગે, પણ જરાક તેમને ઊંડેથી જોઈએ, જરા તેમનો વધારે પરિચય પાડીએ તો દરેકે દરેક વ્યક્તિ જીવન પ્રત્યેની પોતાની દૃષ્ટિમાં અને તેની ક્રિયામાં સૂક્ષ્મ રીતે જુદી પડતી માલૂમ પડશે. વખતે એમ પણ બને કે સમૂહમાં સૌની ભાષા એક જ પ્રકારની બોલાય છતાં દરેક જણ તે ભાષા દ્વારા પોતાની વિશિષ્ટ દૃષ્ટિ પ્રમાણે જ સમજે અને તે પ્રમાણે જ પોતાને વ્યક્ત કરે.
આમ થવાનું કારણ મનુષ્યે બાલ્યાવસ્થામાં ઘરમાં રહીને જે એક ઊંડી અસર, છાપ, સંસ્કાર, દૃષ્ટિ લીધેલી છે તે છે.
એક કુટુંબ વહેમી છે, તેમાં અનેક વહેમોની વાતો થાય છે, અનેક વહેમોમાં કુટુંબ માને છે; વહેમો અનુસાર કુટુંબના દેવ દેવીઓની માનતા કરે છે, વહેમોને લીધે ભૂવા, જોગી, જતિ વગેરેમાં શ્રદ્ધા રાખે છે, અને વહેમોથી કુટુંબ ભયભીત બને છે, વગેરે જે બધું થાય છે તેની વચ્ચે નાનું બાળક રહે છે અને તેનો કુટુંબના બીબામાંથી કુટુંબ જેવો જ પાકો ઘાટ બને છે. પાછળથી કદાચ બુદ્ધિના વિકાસ વડે બાળક આ બધા વહેમોને શબ્દોથી હઠાવવા દોડે છે, આચરણમાં પણ કદાચ વહેમોની સામે લડે છે, છતાં તેનું સાચું માનસ વહેમી રહે છે અને એક નહિ તો બીજા પ્રકારના ધ્યેયમાં તે પડી શકે છે. મેલડીના વહેમમાં તે ન પડે તો વિજ્ઞાનના વહેમમાં પડે છે. ભૂવાથી તે ન ઠગાય તો તે લુચ્ચા વિજ્ઞાનીથી ઠગાય છે. એટલે જ આપણે ઉપરથી ઘણા ભણેલા ગણેલા, સામાજિક તથા ધાર્મિક બાબતોમાં જેમણે ક્રાન્તિ કરી હોય એવાને પણ તાણીએ તો મૂળમાં જઈને ઊભા રહે છે અને એક અથવા બીજી રીતે તેઓ બાલ્યાકાળમાં જે મૂર્તિના ઉપાસકો થઈ ગયા હોય છે તેની આગળ જ ઊભા હોય છે.
એક બીજું કુટુંબ શ્રદ્ધાવાળું છે. તેમાં ધર્મ પ્રત્યે ભાવ છે. સાધુ પ્રત્યે આદર છે. કથાવાર્તા, કીર્તન વગેરેમાં પ્રેમ છે. દેવદર્શન વગેરેમાં ઉત્સાહ છે. આવા કુટુંબમાં ઊછરતું બાળક સહેજે આ કુટુંબની ભાવના, દૃષ્ટિ, વર્તન વગેરે ઝીલે છે અને તેમ બની જાય છે. બાળક જાણે કે ન જાણે પણ તેની માનસિક અને આધ્યાત્મિક રચના ઉપર આ વાતાવરણ મજબૂત છાપ પાડે છે. માનો કે પાછળથી આ બાળક જાતજાતની વિદ્યા શીખ્યું, પશ્ચિમ કે પૂર્વના નાસ્તિકવાદોથી નાસ્તિક બન્યું; તો પણ જો તેની ઉપરની મનોવૃત્તિને જરા ખસેડી ઊંડા પડોમાં જઈશું તો એક અથવા બીજી રીતે તે શ્રદ્ધાપ્રધાન, ભક્તિપ્રધાન માલૂમ પડશે. અલબત્ત કદાચ તેની શ્રદ્ધાનો વિષય જુદો હશે, તેના દર્શનનો વિષય અને તેના શ્રવણ કીર્તનનો વિષય બીજો હશે, પણ તત્ત્વતઃ તે માણસ કુટુંબે જે છાપ આપી તે છાપવાળો રહેશે.
એક કુટુંબ નિંદાખોર છે. તે બીજાનાં દુષણો જ જુએ છે. તે ભૂલો કાઢવામાં આનંદ લે છે. તેની નજરે એવું કશું ભાગ્યે જ આવે છે કે જે આ કુટુંબની સ્તુતિને પામે. આવા કુટુંબમાં ઊછરતું બાળક નિંદાવૃત્તિનું પોષણ મેળવશે અને તેમાં તેને આનંદ આવશે. આ બાળક ગમે તેટલું મોટું થશે તો પણ તેની મૂળ છાપ તેનામાં ઊંડાણમાં રહેશે અને તેનું વર્તન વારંવાર આ છાપનું દર્શન કરાવશે. કદાચ તે પોતાના કુટુંબની પેઠે સ્થૂળ અને જાડી નિંદા નહિ કરે. કદાચ તેની ભાષા નિંદાની નહિ હોય. કદાચ તે પોતાની વાણીને વિવેકી વિવેચન કહેશે. છતાં તે બધું પેલી ઊંડી છાપમાંથી મૂળે લેતું હશે. જૂના સંસ્કારો ઉપર ઢોળ ચડશે પણ અંદરથી તો ઊંડો સંસ્કાર વારંવાર ડોકિયું કરશે. આવો આપણો સામાન્ય અનુભવ છે. અને આપણે તેનો પ્રામાણિકપણે વિચાર કરીએ તો આપણો અનુભવ દૃઢ બને. એનો અર્થ એવો નથી કે કેળવણી કંઈ કરી ન શકે. કેળવણી અને શિક્ષણ માણસને જ્ઞાન આપી શકે. માણસની મૂળભુત શક્તિઓને ખીલવી શકે અને ખાસ કરીને જે શક્તિઓ શરીર અને બુદ્ધિ ઉપર અવલંબતી હોય તેમાં ઘણી પ્રગતિ આપી શકે. પણ જે વસ્તુ એક રીતે હૃદયની છે, શરીર અને બુદ્ધિની પેલી પારનાં વલણોની છે; તેમાં તો નાનપણમાં જે છાપો પડે છે તે બહુ ઊંડી જાય છે અને એક બીજાને જેમ પ્રયોગો વડે સુધારવું વધારવું ઘણું આકરું પડે છે તેમ કેળવણીના પ્રયોગોમાં પણ બને છે. એટલે જ કેળવણીની ક્રિયા ઘણી ધીમી ચાલતી માલૂમ પડે છે અને હરહંમેશ કેળવણીની નિષ્ફળતાની કરુણ બૂમ પડયા કરે છે અને વારંવાર કેળવણીની પ્રથામાં ફેરફારો કરવા પડે છે.
પણ કેળવણીની પ્રથામાં ફેરફારો આવશ્યક છે છતાં તે ફેરફારો ઊંડા સંસ્કારને ફેરવવામાં થાકી જાય છે અને તેથી જો કંઈ મુખ્ય અને અગત્યનું કામ કરવાનું હોય તો ઘરમાં સારા સંસ્કારો કેવી રીતે પડે તે વિચારવાનું અને કરવાનું છે. ઘર એમ સમજે કે શાળાઓ અને વિદ્યાપીઠો બાળકોને સર્વાંગ—સુંદર કેળવણી આપી શકશે તો તેમાં ઘરની ભૂલ છે. ઘર એ સમગ્ર જીવનની ઈમારતનો પાયો છે અને જો પાયો જ કાચોપોચો અથવા પોલો હોય તો ઉપરની આખીયે સુંદર અને મહામૂલ્ય ઈમારત તૂટી જ પડવાની.
વળી જીવનવિકાસમાં ઘર જ મુખ્ય છે એમ નથી. બાળકના પૂર્વ સંસ્કારોને ખીલવા અગર સુકાઈ જવાનું સ્થાન ઘર છે. ઘર એ ધરતી છે. એમાં બીજને અનુકૂળ અને પ્રતિકૂળ બંને જાતનું વાતાવરણ મળી શકે. પ્રત્યેક ઘરે એટલું તો અવશ્ય જોવાનું છે કે પ્રત્યેક બીજને સારું ખાતર પાણી મળે, તેના વિકાસમાં સાચી અને સારી મદદ મળે. સારા બીજને ખરાબ ભૂમિમાં ચીમળાવાનું કે વિકૃત બનવાનું ન થાય એ જોવાની ફરજ તો પ્રત્યેક ઘરની છે. ઘરનો કાર્યપ્રદેશ પૂરો થયા પછી શાળા અને પાઠશાળાઓ છે. ઘર તરફથી જે કોઈ શાળામાં મોકલવામાં આવે તેના ઉપર આગળ ચણતર કરવાનું કામ શાળાનું છે. પૂર્વ સંસ્કાર અને ભવિષ્યની શાળા વચ્ચે ઊભેલું ઘર અતિ મહત્ત્વની કેળવણીની સંસ્થા છે.