ઉમેશ અને એનાં માતાપિતા મુંબઈથી મળવા આવ્યાં હતાં. માતા પિતા ટેન્શનમાં હતાં. કંઈ બોલતાં નહોતાં. શબ્દોમાં શું કહેવું કંઈ ખબર નહોતી પડતી. ઉમેશ શાંત હતો પણ એને જબરજસ્તી લાવ્યા હોય એવું લાગતું હતું.

માતાને વાત કરવાનું કહ્યું ત્યારે માતાએ કીધું કે ઉમેશ કોલેજ પૂરી કરવાની ના પાડે છે. કારણ કંઈ કહેતો નથી. એમના મોટા છોકરાએ કોલેજ પૂરી કરી છે. વધારે ડીટેલમાં વાત કરતાં ખબર પડી કે આ ફેમિલી પાસે બાપદાદાનો ખૂબ પૈસો હતો. જમીન જાયદાદ — સોનું ખૂબ હતું. દાદાનો ધંધો સારો ચાલતો હતો. પિતાને પૈસા ઉડાવવાની આદત હતી. માતા મધ્યમવર્ગીય પરિવારમાંથી આવતી હતી. બંને બાળકોને એ ભણાવવા માંગતી હતી પણ પિતાને એજ્યુકેશનનું બહુ મહત્ત્વ હતું નહિ. છોકરાઓ નાનપણથી ભણવાનું છોડીને પિતા સાથે દુકાને જતા. માતા ભણવા માટે કહેતી પણ પિતા માતાને બેસાડી દેતા. પૈસા ભણતર વગર પણ ખૂબ કમાવાય છે એ બાળકોએ નાનપણથી જોયું હતું.

દાદા પછી દુકાન — ધંધો પડી ભાંગ્યા. બાળકો સાથે પિતાએ નવો ધંધો ચાલુ કર્યો. પિતાને પણ ધંધાનો બહુ અનુભવ હતો નહિ. દુકાન ખોલાવામાં ખૂબ ખર્ચા કર્યા. બાળકોને પૈસાની કિંમત હતી નહિ, જરૂર કરતા વધારે સ્ટાફ રાખ્યો. સ્ટાફે પૈસામાં ગોલમાલ કરી. દુકાન બહુ ચાલી નહિ. બંને બાળકો એજ્યુકેશનનું મહત્ત્વ સમજતાં નહોતાં એટલે બંને પાસે કોઈ ડિગ્રી નહોતી. ક્યાંય નોકરી મળે એમ નહોતું.

ક્યારે પણ પૈસાની તંગી એમણે જોઈ જ નહોતી. ધીરે ધીરે પૈસા ખલાસ થઈ ગયા. દેવું ખૂબ વધી ગયું. દુકાન વેચી દેવી પડી. જમીન, સોનું ગીરવી મુકાઈ ગયાં.
ઉમેશ સાથે વાત કરી ત્યારે ઉમેશને એવું લાગતું હતું કોલેજ કરવાથી શું ફાયદો? પૈસા ધંધામાં જ કમાવાય છે. ૨૦ — ૨૫ હજારની નોકરી એને કરવી નહોતી. ધંધામાં લાખો રૂપિયા એણે કમાવા હતા.

ઉમેશને સમજાવ્યું કે ભણેલું ક્યારેય વેસ્ટ નથી થતું. તું ગ્રેજ્યુએટ થઈ જાય પછી ધંંધો કરી જ શકે છે. ઉમેશના હવે પોતાના વિચારો છે, હવે તેની સાથે એક ફ્રેન્ડ તરીકે જ વાત કરાય. ડિગ્રી લેવામાં નુકસાન નથી એ વાત એના ગળે ઊતરી છે.

આ કિસ્સા પરથી માતાપિતાએ શીખવાનું કે બાળક સાથે મિત્રતાથી વાત કરવી જરૂરી છે. પણ એ જ સમયે ઓથોરિટી ફીગરમાં પણ વાત કરવી જરૂરી છે. નાનપણથી માતાએ બાળકને ભણવાના સમયે ભણવું જ પડશે એ બાળક અને પતિ બંને સામે જ મક્કમતાપૂર્વક રજૂ કરવું બહુ જ જરૂરી હતું. દરેક વખતે ખુશ કરવું કે બાળકને પંપાળવું પેરન્ટિંગ નથી.

ઘણીવાર બાળકના ભવિષ્ય માટે બાળકને શિસ્ત શીખવાડવી જરૂરી છે, ભણતર આપવું જરૂરી છે. નિયમોમાં બાંધવું જરૂરી છે. બાળક જ્યારે તરુણાવસ્થામાં આવે ત્યારે પણ નિયમો હશે, પણ ત્યારે બાળકના વિચારો, બાળકની સંમતિ સાથે નિયમો બનાવો.

આજકાલ માતાપિતા બાળકને એટલી સુવિધા આપે છે કે બાળક સુવિધાનો આદતી બની જાય છે. બાળકને પોતાનાં કામ જાતે કરવાની આદત પાડો. બાળકોને જરૂર કરતા વધારે સગવડો આપીને બાળકને પાંગળું બનાવી દઈએ છીએ. બાળકોએ પૈસાનું મૂલ્ય સમજાવવું બહુ જ જરૂરી છે.

બાળક કોલેજમાં આવે પછી એને પોકેટમની આપવાનું રાખો. એની પાસે એને આપવામાં આવેલી રકમનો હિસાબ જાળવવાનો અને માતાપિતા આગળ રજૂ કરવાનો આગ્રહ રાખો. બાળકને એક નક્કી કરેલ રકમમાં એના ખર્ચા કરવાનું કહો.આ કેસમાં પિતા ખોટા રોલ મોડેલ તરીકે વર્ત્યા છે. એમણે કોઈ દિવસ મહેનત કરી નહિ. પૈસાનું મહત્ત્વ સમજ્યા નહિ, માટે બાળકો પણ સમજી શક્યાં નહિ.

એક સુંદર વાક્ય છે કે, આપણે પોતે જિંદગીમાં એટલો સંધર્ષ તો કરી લેવો જેથી બાળક માટે આપણે રોલ મોડેલ બની શકીએ.

આપણું બાળક આપણા જેવું બને અથવા આપણા કરતાં સારું બને માટે, આપણે સુધરવાની જરૂર છે, આપણને જોઈને બાળકો જાતે જ બદલાઈ જશે.