કોરોના… નામ તો સાંભળ્યું જ હશે ને મારું! કોણ છું હું??

આખી દુનિયા રોજ સવાર પડતાં જ મારું નામ લે છે અને રોજ સૂતા પહેલાં મારી હસ્તીનો વિનાશ થઈ જાય એવી પ્રાર્થના કરે છે.

તમે મને અને મારા સ્વરૂપને જાણો જ છો.

હું તો તમારા પર જીવતું, તમારી અંદર જીવતું એક નાનકડું, નરી આંખે ના દેખાઉં, એવું વિષાણુ (વાયરસ) છું. તમે મને મારા પ્રવેશનો માર્ગ ખુલ્લો કરી આપશો તો જ હું તમારા શરીરમાં પ્રવેશી શકીશ. અને પછી તમારા જ શરીરમાં વસવાટ કરીને તમને તકલીફ આપીશ.

માટે સાવધાની વર્તો. ખુદ સાફ રહો અને સફાઈ રાખો. ડરવાથી નહીં, સમયસૂચકતાથી અને સાવચેતીથી જ મને માત કરી શકશો. કોરોના વિશે એટલે મારા વિશે હર દિન જુદી જુદી ખબર, તરેહ તરેહની દવાઓ, નુસ્ખા અને જુદી જુદી સલાહનો રાફડો ફાટ્‌યો છે. જાણે તમે બધા જ કોરોના નાબૂદીની યુનિવર્સિટીમાં પ્રવેશ માટેની તૈયારી કરવાના છો.

તમને બધાને જ ખબર છે કે કોરોના કેવી રીતે થાય, હું તમારા શરીરમાં પ્રવેશું તો હું શું શું ઉધમ મચાવી શકું છું, તમને કેટલી હદ સુધી નુકસાન પહોંચાડી શકું છું. હું તમારા શરીરમાં છું કે નહીં એનાં ચિહ્‌નો તો તમને જાણે ગોખાઈ જ ગયાં છે. ઊંઘમાંથી ઉઠાડીને પૂછો તો પણ ભૂલ ના થાય. અને મારું આગમન થયા પછી શું કરવું એનું જ્ઞાન પણ બધાને જ છે. તમને નથી લાગતું કે તમે બધા જ ડોક્ટર બની ગયા છો! પોતાના અનુભવનો આનાથી સારો સદુપયોગ બીજો કયો હોઈ શકે?

શરૂઆતમાં તમે મારાથી એટલે કે કોરોનાથી ખૂબ જ ડરતા હતા. જરાક છીંક પણ આવે કે થોડો પણ તાવ આવે તો તરત જ તપાસ કરાવવા દોડી જતા હતા. ખૂબ જ સાવચેતી રાખતા હતા. છતાં પણ મેં કેટલા બધાં લોકોનાં શરીરમાં મુસાફરી કરી, કેટલાયનાં આયુષ્યની દોરી ટૂંકાવી દીધી. અને તમે બધાએ પણ શરૂઆતમાં માસ્ક પહેરવાનું ટાળ્યું. મારા કરતાં પોતાની સગવડતાને (માસ્ક પહેરવાથી ગભરામણ થાય છે) મહત્ત્વ આપ્યું.

જેના ઘરમાં હું નહોતો પ્રવેશી શકતો, એ લોકોએ પણ પોતે ઘરની બહાર આવીને મારો માર્ગ સરળ કરી આપ્યો. સરકારે લોકડાઉન કર્યું છતાં મારા આક્રમણને રોકી શક્યાં નહીં. કારણ, આજે પણ દરેક ઘરમાં એક વિભીષણ તો મોજૂદ હોય જ છે. મને છૂટો દોર આપવાનું પરિણામ ખૂબ જ ગંભીર આવ્યું, તે પછી તમારી આંખો ખૂલી.

કહેવત છે ને કે પોતાની મદદ કરે એને જ ભગવાન મદદ કરે છે. અને તમે દરેક વ્યક્તિએ પોતાની જાતને  મદદ  કરવાનો સંકલ્પ કર્યો.  ધરતીનો છેડો ઘર છે, એ કથનમાં કેટલું  તથ્ય છે એ  દરેકને સમજાયું. પોતાના સ્વર્ગ જેવા ઘરની કિંમત સમજાઈ. વિના કારણ બહાર જવું એ એટલું બધું જરૂરી નથી જ એની તમને સમજ પડી. ભય વગર પ્રીતિ નથી. પરંતુ મારા આ ભયના લીધે તમને બીજી ઘણી બધી હકીકતોનું ધ્યાન આવ્યું.

તમે સૌ રાહ જોઈ રહ્યાં છો કે ક્યારે આ કોરોના જશે? અને છતાં પણ કોરોનાને એટલે કે મને જ ખુલ્લું આમંત્રણ આપો છો. જો દરેક વ્યક્તિ નક્કી કરે કે મારે આ મહેમાનને જાકારો આપવો જ છે તો ખરેખર મુશ્કેલ નથી. ખૂબ જ સાવચેતી અને રસીકરણથી આ મુશ્કેલ નથી.

તમારે જો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો કાં તો પગે ચાલીને જ જવું પડે કે પછી વાહનની વ્યવસ્થા કરવી પડે. પરંતુ મારા માટે તો માનવશરીર જ વાહનનું કામ કરે છે. તમે મને લઈને જ્યાં જાઓ ત્યાં હું પહોંચી જાઉં. અને જેના જેના સંપર્કમાં આવો એની પણ પ્રેમથી મહેમાનગતિ માણી લઉં છું. જેમ બે નદી વચ્ચે પૂલ હોય એમ માનવશરીર પણ મારા માટે પૂલ છે. હું માનવસેતુની મદદથી આખી દુનિયા ફરી શક્યો. એ માટે તમારી સમજદારીનો હું ખૂબ જ આભારી છું. મારા વિકાસમાં, મારી વંશવૃદ્ધિમાં તમારી બેદરકારીનો મને ઘણો સાથ મળ્યો.

આ તો થઈ મારા વાઈરસરૂપના આગમન અને એનાથી તમને થયેલા પારાવાર નુકસાનની વાત. પણ આ કપરા કાળમાં તમે ઘણું બધું શીખ્યા, ઘણું બધું જાણ્યું. એ પણ જીવનભરનું ભાથું છે.

૧. ખુદનો હાથ, જગ્ન્નાથ. જે પોતાની મદદ કરે એને ભગવાન પણ મદદ કરે.

૨. તમારી પાસે જે કાંઈ છે કે કેટલું બધું અમૂલ્ય છે અને એના માટે પરવરદિગારનો અહેસાન માનો.

૩. આજમાં જીવો, આજને માણો અને આવતીકાલનો સામનો કરવાની તૈયારી ધરાવો.

૪. એક વિષાણુ (કોરોના)માટે કોઈ ઊંચનીચ, નાનામોટા કે અમીરગરીબ નથી.

૫. જ્યારે સંકટ આવે ત્યારે તમારો આત્મવિશ્વાસ જ તમને પડતાં બચાવે છે. પારકી આશ, સદા નિરાશ.

૬. સમયસર લીધેલો એક ટાંકો કેટલી મહેનત બચાવે છે એ ફક્ત કહેવત નથી, સચ્ચાઈ છે એ વાતનો             અહેસાસ થયો.

૭. કુટુંબની હૂંફ શું છે તે સમજાયું.

૮. કુટુંબના દરેક સદસ્યની તબિયતનું ધ્યાન રાખશો તો જ દરેક વ્યક્તિ સ્વસ્થ રહેશે અને સાથે તમે પણ.

૯. ખાલી ડરવાથી નહીં, આદતો બદલવાથી પરિણામ મળશે.

૧૦. ઘરની દાળ પકવાન બરાબર હોય છે.

પરંતુ માનવોની એક વાતથી હું કોરોના, આજે પણ ખૂબ જ શરમ અનુભવું છું. નવાઈ પણ લાગે છે. ઘણાં બધાંએ મારા ડરને  હથિયાર  બનાવી  પોતાનો ફાયદો  પણ  કરી  લીધો.  ખોટી દવા,  ખોટી રસી પણ બનાવીને  લોકોના  જાનને  જોખમમા  મૂક્યાં.  જુદા જુદા કાઢા  અને  રોગપ્રતિકારક પીણાઓની દુકાનોની લાઈન ઊભી કરી. લોકોને તો આવી પરિસ્થિતિમાં પણ કમાઈ લેવું હતું!

હા, પણ એની સામે ડોક્ટર, નર્સ, સફાઈ કામદાર, પોલીસ એવા બધા જ વર્ગના લોકોએ મારી સામેના જંગમાં પોતાનો અવિરત ફાળો આપ્યો અને માનવજાત માટે ગૌરવરૂપી ઉદાહરણ બન્યાં. ઉંમરવાળા વડીલોને ત્યાં ટિફિન પહોંચાડવાની પહેલ કરીને એમની સંભાળ રાખવાનું બીડું ઝડપ્યું. પાંચ આંગળી ભેગી કરી તમે મુક્કો બનાવ્યો અને મને હંફાવવામાં ઘણા અંશે સફળ પણ થયાં.

વિજ્ઞાનીઓએ પણ દિવસ રાત મહેનત કરી મારા માર્ગમાં અવરોધો ઊભા કર્યાં. એમની મહેનત રંગ લાવી અને એમણે અથાગ પ્રયત્નોથી મારા વિષનો તોડ શોધી કાઢયો.

પણ એક વાત તમારે સમજી લેવાની છે. તમે રસીકરણ અને સાવચેતી રાખીને મારો માર્ગ અવરોધ્યો તો ખરો પણ હજુ હું નેસ્તોનાબૂદ થયો નથી. મોકો મળે તો ફરી માથું ઊંચકીને તમને હંફાવી શકું છું. મારાથી બચવાનો એક જ ઇલાજ છે. જે સાવચેતીની તમને આદત પડી છે એને ટકાવી રાખો. માસ્કનો ત્યાગ કરીને મારા માટે દરવાજા ફરી ખોલશો નહીં. તમે માસ્ક ભલે મારા લીધે પહેરો છો, પણ એનાથી તમને બીજાં ઘણા બધા નાના મોટા રોગોથી પણ રક્ષણ મળે છે.

તમને કદાચ વારંવાર શરદી થતી હતી એ પણ ઓછી થઈ હશે. અને વારંવાર હાથ ધોવાની જે એક સારી આદત તમને પડી છે તે હંમેશ માટે ફાયદો કરાવશે.

એક અજાત શત્રુ, એક વિનાશકારી દુશ્મન તમારા વાડાની બહાર જ ઊભો છે. જરા પણ બાકોરું પડયું અને હું ફરીથી અંદર ઘૂસી જઈશ એની ખાતરી રાખજો. અને તમે મને હંફાવ્યો છે, અટકાવ્યો છે, તો એનો બદલો લેવા બમણા જોરથી ત્રાટકીશ. આ મારી ચેલેન્જ છે તમને.

તમને ભગવાને શરીર જ નથી આપ્યું પણ દિમાગ પણ આપ્યું છે. તો હું રૂપ બદલીને પણ કદાચ આવું અને જો તમે સાવચેતી નહીં રાખો તો તમારી પરિસ્થિતિ માટે તમે પોતે જવાબદાર ઠરશો. એક વખત તમારાં સ્વજનોને, તમારા મિત્રોને તમે ગુમાવી ચૂક્યાં છો. માટે હવે તમારી જવાબદારી છે કે તમે કોઈ પણ એવી ભૂલ દોહરાવશો નહીં, ગફલતમાં રહેશો નહીં, બેદરકાર બનશો નહીં. જેથી ફરીથી એવી કોઈ પણ મોટી કિંમત તમારે ચૂકવવી ના પડે. પછી ભગવાનને દોષ નહીં દેતા.

ચાલો ત્યારે… મેં તો તમને પડકાર પણ આપ્યો અને સાવચેત પણ કર્યા. તમારી જીવન—નૌકાનું હલેસું તમારા હાથમાં છે. એને મઝધારે ડૂબવા દેવું કે પાર ઉતારવું એનો આધાર તમારી સમજદારી છે. ચાલો ત્યારે  જય શ્રી ક્રિષ્ના.