સ્નેહલને ભણવામાં બહુ જ રસ છે, પણ કાંઈ યાદ રહેતું જ નથી. મિનળને તો ભણવું જ નથી ગમતું. ચંદા એકાએક અંગૂઠો ચૂસવા લાગી છે, અને ક્યારેક તો પોતાના નખ પણ કરડે છે. રવિને ઘરમાં રહેવુંજ નથી ગમતું.

દેવને પહેલાં કયારેય નહીં, અને હવે બોલતાં-બોલતાં થોથવાય છે, અને સ્પષ્ટ નથી બોલી શકતો. ક્યારેક-ક્યારેક રાત્રે પથારી પણ ભીની કરે છે.

સેજલનો ગુસ્સો તો કાબૂ બહારનો છે અને ભાંગફોડ પણ બહુ જ કરે છે. પ્રીતિની ભૂખ બહુ જ ઓછી થઈ ગઈ છે, તે ચિડાયા પણ બહુ જ કરે છે. યંદ્રેશ જિદ્દી અને સાચું બોલતો થઇ ગયો છે. એક વખતનો આજ્ઞાકારી કમલ હવે બંડ પોકારે છે અને દરેક વાતનો વિરોધ કરે છે. કલાને શાળાએ નથી જવું અને ઘરના એકાંત ખૂણામાં ભરાઈને બેસી રહે છે. સની રાડો પાક્યા કરે છે અને કોઇનું માનતો નથી, બેલા તો ટી.વી સામેજ આખો દિવસ વિતાવે છે, તેને ભણવું નથી ગમતું. કેયુર કોઈ પણ ઉપર હાથ ઉઠાવી લે છે, તે દિવસે દિવસે આક્રમક બનતો જાય છે, ચિંતન કશા પણ કારણ વગર ડર્યો ડર્યો રહે છે, તેનો આત્મવિશ્વાસ ડગી ગયો છે. દરેક કામ માટે તેનું વલણ નકારાત્મક છે – “એતો મારાથી ન બની શકે, હું નહીં કરી શકું ‘*’ આવા તો સંકડો પ્રશ્નો બાળકોના વાલીઓ તથા શિક્ષકોને સતાવતા રહે છે. અનેક પ્રશ્નો છે પણ સમજમાં નથી આવતુંકે હલ કઇ રીતે કરવા.

કુટુંબની વ્યાખ્યા હવે બદલાતી જાય છે. કુટુંબો વિભક્ત થતાંજાય છે, નાનાં થતાં જાય છે. માત્ર પતિ-પત્ની અને બાળક અને આમાં પણ પતિ પત્ની બને નોકરી વ્યવસાયમાં જોડાયેલાં, તથા બે છેડા એક કરવાની દોડધામમાં થાકેલાં અનેક મૂંઝવણોથી ઘેરાયેલાંહોય. આવા સમયે તેઓને બાળકોની આવી સમસ્યાઓ સમજી તે હલ કરવા ક્યારેક નિષ્ણાતોના માગંદર્શનની જરૂર પડે છે.બાળકને મદદરૂપ થવું તેમ ઈચ્છવા છતાંય ખુદ પોતાની સમસ્યાઓથી ઘેરાયેલા વાલીઓ ક્યારેક વધુ ને વધુ ગૂંચવાતા જાય છે, અને પશ્વો હલ થવાને બદલે વધુ જટિલ બનતા જાય છે.

બચપણમાં જ બાળકોની આવેગાત્મક સમસ્યાઓને જો સમજી શકાય અને હલ કરી શકાય, તો બાળક અને વાલી બનેને રાહત તો મળે જ છે, સાથે – સાથે બાળકના પ્રશ્વો હલ થતાં, તે તેની અન્ય રચનાત્મ અંતઃશક્તિઓનો (Potemital) તથા વ્યક્તિત્વનો વિકાસ વધુ અસરકારક રીતે કરી શકે છે.

આ ઝડપ તથા સ્પર્ધાના યુગમાં બાળકે પણ તાલ મિલાવવો પડે છે અને એટલે જ તેની કોમળ સંવેદનાઓ ક્યારેક ઘવાતી જાય છે. આવા સમયે નિષ્ણાતોનું માર્ગદર્શન ઘણે અંશે તેની હતાશા તથા થાક પર કાબૂ મેળવી, નવી આશાનો સંચય કરી, પ્રગતિ ખોરંભાતી અટકાવી શકે છે.

નિષ્ણાત (ક્વોલિફાઈડ) માનસશાસ્ત્રીઓની જરૂર વિધાર્થીઓ, વાલીઓ, દર્દીઓ, નવવિવાહિતો, વૃદ્ધો વગેરે સહુને પડે છે. જીવનના કોઈ ને કોઈ વળાંક પર જ્યારે પ્રશ્ચો મૂંઝવી દે છે, ત્યારે મનોવૈજ્ઞાનિક નિદાન, માર્ગદર્શન, ઉપચાર વગેરે આશાનું નવું કિરણ જન્માવી શકે છે.

દરેક બાળક એક અલાયદું વ્યક્તિત્વ ધરાવતું હોય છે, અને એટલે જ એક સરખી દેખાતી બે સમસ્યા માટે પણ હંમેશાં હલ અથવા ઉપાય એકજ પ્રકારનો હોય તેવું નથી.