ભણવામાં સામાન્ય હોવું એટલે નિષ્ફળ હોવું એ સમજ યોગ્ય નથી. સામાન્યતાની પણ એક અલગ પ્રકારની સફળતા અને સમૃદ્દ્રિ હોય છે.

એક દિવસ એક મિત્ર આવી કહે, “આજે તો મજા પડી.”

“કેમ ?”

“એક એવા કાર્યક્રમમાં ગયેલો જ્યાં બાળક મહત્ત્વનું હતું, એણે મેળવેલા ગુણ નહીં.”

વાતએમ હતી કે, એક વાલીએ પોતાની દીકરીના દસમા ધોરણના પરિણામની ખુશીમા દીકરીને ગમતાં લેખકને બોલાવેલ. સગા, સંબંધીઓ અને મિત્રોને બોલાવીને જમણ પણ રાખેલ. વાત આટલી જ હોત તો નવાઈ ન લાગત પણ દીકરીનુંપરિણામ સાંભળીને આમંત્રિત સહુને નવાઈ લાગી હતી. પરિણામ ૬૮% હતું. દરેકના ચહેરા પરનો પ્રશ્નાર્થ જોઈને વાલીએ સ્પષ્ટતા કરતાં કહ્યું,

“મારે માટે મારી દીકરી મહત્ત્વની છે. નાનપણથી એ ભણવામાં આવી જ છે. પણ, એને ભણતર સિવાયની બીજી ઘણી બધી પ્રવૃત્તિઓમાં રસ છે. જેને એ મોજથી માણે છે. અમારે મન દીકરીના ૬૮ % મહત્ત્વના નથી. આ કાર્યક્રમ તો દીકરીએ બોર્ડની પહેલી પરીક્ષા પાસ કરી એની ખુશી માટે છે.

” સામાન્ય રીતે ભણતરની હોંશિયારી કે સામાન્યપણાનો આપણો માપદંડ એટલે પરિક્ષામાં કરેલો દેખાવ અને એમાં મેળવેલ ગુણ, ખરેખર તો હોંશિયારી બુદ્દ્રિમત્તાથી મપાય, નહીં કે મેળવેલ ગુણ માત્રથી. જરૂરી નથી કે પરીક્ષામાં અવ્વલ આવનાર વિદ્યાર્થીઓ બુદ્દ્રિશાળી જ હોય ! અને સામાન્ય ગુણ મેળવનારનું મગજ નબળું જ  હોય.

કેટલીક વખત કેટલાક વિદ્યાર્થીઓને અમુક વિષય પસંદ જ ન હોય, ક્યારેક, કોઇ શિક્ષકની ભણાવવાની પદ્ધતિ જ એવી હોય જેને કારણે તેઓ જે વિષય ભણાવતા હોય તેમાં રસ ન પડે.

આજે સમાજમાં, પ્રવર્તમાન શિક્ષણ લઇ રહેલાં બાળકોનાં વાલીઓમાં વધી રહેલ સ્પર્ધાત્મક ભાવ માત્ર બાળક કે વાલીને જ નહીં, આખા સમાજને માટે ખતરારૂપ બન્યો છે. સ્પર્ધાત્મક દષ્ટિકોણને કારણે બાળકોને/વ્યક્તિને જોવાની, સમજવાની કે ઓળખવાની દષ્ટિ જ બદલાઈ ગઈ છે. અરે ! સહુથી મોટી ભૂલ તો એ કે, ગુણ (માર્કસ) ને જસફળતાનું માપદંડ માની લેવાયું છે. માણસને એનાં હૃદયમનની જીવંતતાથી પારખવાને બદલે કેટલાં ગુણ મેળવી શકેછે કે, કેટલો પગાર છે એને આધારે જ મૂલવાય છે. એટલું જ નહીં, બીજા સાથે સતત સરખામણી પણ થયા જ કરે.

દરેક બાળક, દરેક વ્યક્તિ અલગ અને અનન્ય હોય છે. દરેકનો સ્વભાવ, રસ-રૃચિ અલગ હોય છે. દરેકની આવડત અલગ હોય છે. દરેકની બુદ્દિમત્તા કે શીખવાની ઝડપ પણ અલગ અલગ જ હોય છે. દરેક બાળક ભણવામાં જ કે પછી દરેક વિષયમાં હોંશિયાર હોય એ જરૂરી નથી. કોઇને એક વિષય ગમે તો કોઇને બીજો. એ જ રીતે, શિક્ષણેત્તર પ્રવૃત્તિઓનું પણ છે.

નિશ્ચિત ધોરણના નિશ્ચિત વિષયો સાથે શિક્ષણેત્તર પ્રવૃત્તિઓ બાળકના સર્વાગી વિકાસ માટે જરૂરી છે. મોટાભાગની શાળાઓમાં પાઠ્યપુસ્તક ઉપરાંત સિવણ, ચિત્ર, સંગીત, નૃત્ય, હસ્તકલા, ફોટોગ્રાકી, ઇતર વાંચન, વિવિધ શારીરિક – માનસિક રમતો જેવી અનેક પ્રવૃત્તિઓ નકામી ગણાય છે. હકીકતમાં આ કે આવી પ્રવૃત્તિઓ આપણને સ્વાસ્થ્ય અને શાંતિ આપે છે.

જે વાલીઓને આ બાબતની સમજ છે, જે વાલી પોતાનાં બાળકોને એક અનન્ય વ્યક્તિ તરીકે જુએ છે અને સન્‍માન આપે છે તે વાલીઓ, બાળકને જે વિષય કે પ્રવૃત્તિમાં રસ પડે તેમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કરે છે. આ માટેની જરૂરી સગવડતાઓ પણ પૂરી પાડે છે. અને ખાસ કરીને, ભણતરમાં જો સામાન્ય દેખાવહોય  તો શરમ અનુભવતાં નથી.

માત્ર પાઠ્યપુસ્તકોનું જ ભણતર જીવન માટે અગત્યનું છે એવું ન માનતા, શાળા ઉપરાંત શાળામાંથી આપેલ ગૃહકાર્ય પૂરું કરી મનગમતી પ્રવૃત્તિમાં સમય આપનાર બાળકો અનેકવિધ ક્ષેત્રમાંથી આનંદ મેળવે છે. જે પોતાની આસપાસના વાતાવરણને પણ પ્રફલ્લિત કરે છે.

દરેક બાળક વિશેષ છે અને વિશિષ્ટ શક્તિ ધરાવે છે. ઉપરાંત, શિક્ષણ અને જીવન અલગ અલગ નથી પણ શિક્ષણનું મુખ્ય કાર્ય જીવતાં શીખવવાનું છે. જો, આટલું સમજીને સ્વીકારી લઇએ તો, દેખાદેખી કે હરીફાઈના ગાડરિયા પ્રવાહમાંથી નીકળી આપણે આપણાં બાળકોને પોતાનું મનગમતું વિશ્વ આપી શકીએ.