બાળકને કેળું ખાવાની ના પાડવી એ તેને કાદવમાં બોળીને કેળું ખાવા ઉશ્કેરવા બરાબર છે .

  • જ્યોતીન્દ્ર દવે                                        

બાળકે શું કરવું જોઈએ એના કરતાં એણે શું ન કરવું જોઈએ એ અંગે એને ઉપદેશ આપવાનો માબાપ તરીકે આપણો ઉત્સાહ અદમ્ય હોય છે. “ના’ સાંભળવાનું આપણા હિતમાં હોય તોયે “ના’ પચાવવાનું કેટલું અઘરું હોય છે એ આપણા સીધા અનુભવની વાત છે .“ના’ મનુષ્યના અહમને વીંધે છે એટલે “ના’ સામે બળવો કરવા મનુષ્યનું મન ઉશ્કેરાય છે. બાળક સાથે કામ પાડતી વખતે આ સત્ય સદાય સ્મરણમાં રાખવું જોઈએ. બાળક થોડું મોટું થઇ આમ તેમ જવા માટે આત્મનિર્ભર બને છે કે તરત જ “ના’ ના તાતા તીર એના પર છૂટે છે. “ધૂળમાં નથી રમવાનુ’ “ખુરશી પરનથી ચઢવાનું, ઓટલેથી ભૂસકા નથી મારવાના, વરસાદમાં નથી નાહવાનું, કેળું નથી ખાવાનું, કમલ સાથે નથી રમવાનું, આ અને આવા અનેક નકારો બાળકના કુમળા મન સાથે સતત અફળાતા રહે છે. અવા નકારોની યાદી કરીએ તો બાલમૂર્તિનો એક વિશેષાંક થઇ શકે. દરેક માબાપે પોતે દિવસમાં બાળકને કેટલીવાર ના પાડી તેની યાદી કરવા જેવી છે.

બાળકને માટે કેળું ખાવાનુ ઈષ્ટ ન હોય તેવે વખતે એને કેળું ખાવાની ના પણ પાડી શકાય. પણ આપણે શા માટે ના પાડીએ છીએ એ એને સમજાવવું જોઈએ. (આપણે કેવળ આપણી માન્યતાઓ કે ખોટા ખ્યાલોને કારણે બાળકને કેળું ખાવાની ના નથી પાડતા ને એની ખાતરી પણ આપણે કરવી જોઈએ) એમ નહીંકરીને આપણે કેવ સરમુખત્યાર બનીને કેળું ખાવાની મનાઈ ફરમાવીશું તો પોતાના ઘવાયેલા સ્વમાનનો બદલો લેવા કાદવમાં બોળીને કેળું ખાવા એ ઉશ્કેરાશે. એટલે કે આપણે જેની ના પાડી હશે એનાથીય ભૂંડી રીતે વર્તી એ આપણા પર બદલો લેશે.

બાળકને પાડવામાં આવતી ‘ના’ માંથી કેટલીક માબાપની ખોટી બીકમાંથી જન્મતી હોય છે. કેટલીક એમના પૂર્વગ્રહો અને અણસમજમાંથી જન્મતી હોય છે, પણ ઘણી બાબતમાં બાળકને રોકવાનું જરૂરી પણ હોય છે. એટલે બાળકના હિતમાં હોય ત્યારે “ના’ પાડવાનું પણ અનિવાર્ય બને છે. પણ “ના’ પાડવાની રીત દરેક માબાપે  શીખી લેવી જોઈએ.

બાળક પોતાને શા માટે ના પાડવામાં આવે છે તે સમજી શકે એવડું ન હોય ત્યારે તેને બળજબરીથી પાછું વાળવાને બદલે ફોસલાવી એનું મન બીજે વાળી દેવું જોઈએ. બાળક આપણો મુદ્દો સમજી શકે એવડું થાય ત્યારે તો એને ગળે વાત ઊતરાવીને જ, એને પાછુંવાળવું જોઈએ. બાળકનું મન ન સ્વીકારે ત્યાં સુધી આપણી વાતનો ઇન્કાર  કરવાનો એને અધિકાર છે, એ સ્વીકારવા જેટલું આપણું મન ખુલ્યું હોવુંજોઈએ.