નવું ઘર
દુનિયા ઉપર નવી ઉષા ઊઘડી છે, અને એ ઉષામાં આપણે સૌ જાણે—અજાણે જવાને જાણે કે તૈયાર થતાં જઇએ છીએ. એ નવો પ્રકાશ જે ઘરોમાં પેઠો છે તે ઘર હું તમને બતાવું ? જુઓ ત્યાં બાળક તંદુરસ્ત હાસ્ય હસી રહ્યું છે. આ રહ્યા તેના પિતા. માનથી તેને કહે છે : “કેમ, જમવા તૈયાર છો કે?” અને બાળક કહે છે : “આ આવું છું, આ ચિત્ર કાઢીને.” અને બા બાપાને પીરસે છે એટલામાં ચિત્ર પૂરું કરી બાળક દોઽતું આવી બા બાપાને બતાવે છે ને જમવા બેસે છે. બાળક બાપાને છૂટથી પ્રશ્ન પૂછે છે ને બાપા વિનોદ અને શાંતિથી જવાબ આપે છે.
આ રહ્યું પેલું બા બાપાના ઘરમાં બાળકનું નાનું એવું ઘર. સાચે જ બાળકનું તે ઘર છે. બાળક ત્યાં બાપા જેમ છૂટથી રહે છે; બાની જેમ પોતાનું કામકાજ કરે છે; બાપાની જેમ પોતાના મિત્રોને ત્યાં બોલાવે છે. બાળકના ઘરમાં તેના જીવનવિકાસની આ રહી કેટલી બધી ચીજો ! આ તેનું નાનું એવું પુસ્તકાલય! નીચે નાની અભરાઇ, નીચે નાની માટલી, નાની હથોડી, નાની કાતર, નાની કોદાળી, નાનું આસન અને આ બધી જીવનસામગ્રી જુઓ, તે ત્યાં ગયું. કેટલી તલ્લીનતાથી પોતાનું ઘર સાફ કરે છે! જેવું આવડે છે તેવું કરે છે. બા ત્યાં આવે છે અને કહે છે : “કાલ કરતા આજે સારું વળાયું છે. કેમ, આજે તો આ નવી આવેલી સાવરણી બરાબર ફાવે છે ને?”
જુઓ, સાંજનો ફરવા જવાનો વખત થયો છે. બાળક પોતાના ઘરમાં તૈયાર થઇ રહ્યું છે. શાંતિથી તે હાથ મોઢું ધોઇ કપડા પહેરી રહ્યું છે. બાપાએ ડોકિયું કર્યું ને બાળકે કહ્યું : “આ તૈયાર થઇ રહ્યો છું.” બા જરા રાહ જોતી ઊભી છે. જુઓ, પેલું એક બાળક પોતાની મેળે પહેરણના બુતાન બીડે છે, આયા મદદ કરવા દોડે છે. બાળક મૌન કઽકાઇથી સંભળાવી દે છેઃ “મને આવડે છે. હું તારો ગુલામ નથી.” આયા બહાર જઇ બાની પાસે ફરિયાદ કરે છેઃ “ભાઇને બુતાન બીઽતાં પૂરાં આવઽતાં નથી ને મારી સામે તો આમ ડોળા કાઢે છે! કોણ જાણે કયારેય એ પહેરણ પહેરી રહેશે!” બા કહે છેઃ “ભલે મોડુ થાય. એની મેળે કરતો હોય ત્યારે કરવા દેવું. એને અપંગ કરવા તને નથી રાખી.” અને આ નવા ઘરની અંદર મહેમાનને બાળકના પિતા કહે છેઃ “જરા એને છોડી દેશો? આપણાં બાળકો દડા જેમ ઉલાળવા ને આપણે માટે ગમ્મત કરવા આપણાં રમકડા નથી. માફ કરજો જરા.” આ નવા બાળકની, નવા વિચારની માતા બેનપણીને જરા સંકોચ પામીને પણ કહે છેઃ બેન, બાળકને બચી ના લે. જો ને, એને એ કયાં ગમી? એમ એને ન ગમે એ રીતે આપણું હેત ન બતાવીએ.” બાપ અને મા બંને સમજુ છે. મોટા મિત્રો આવે છે અને બાળકને કહે છે : “જોઉં, તને સુંદર ગાતા આવડે છે ? ગા જોઇએ. તને તો ઇનામ આપવું જોઇએ. બહુ હોંશિયાર તું તો.” કોઇ કહે છે : “એ તને તો કાંઇ નથી આવઽતું. જો, પેલી છોકરી કેવું ગૂંથે છે !” મા—બાપ આમ કહેનારને ઇશારાથી જ ના પાડે છે. પાછળથી ખુલાસો કરે છેઃ “હું આપને કહું? સ્તુતિ—નિંદાઓથી આપણે બાળકોને મુકત રાખીએ. એ વિના જ એ તો મજા કરે છે.”
તમે માનશો કે આ નવા ઘરમાં નવા બાળક સાથે નવો જ બની ગયેલો પિતા બાળક સાથે હાસ્ય—વિનોદ કરે છે, તે તેની સાથે રમે છે, તેની સાથે નાની નાની બાળજીવનની વાતો કરે છે, ને માનપૂર્વક તેના જીવનને
સમજવા તથા તેની મુશ્કેલી દૂર કરવા તત્પર રહે છે. એક વકીલ, ડૉક્ટર કે વેપારી પોતાનું ઘરાક ન ખોવાય તેની જે કાળજી રાખે છે તેથી વિશેષ કાળજી તે પોતાના બાળકનું અંતઃકરણ પોતા પાસેથી ન ખોવાઇ જાય તેની રાખે છે. અને બા પોતાના બચ્ચાંને તેઓ જે નાજુક સવાલો પૂછે તે દાબી દીધા વિના તેના જવાબો સ્વાભાવિક પણે આપે છે. આ ખીલતા ફૂલબાગની એક ફૂલદેવી જેવી તેનાં બાળકો વચ્ચે ફરે છે. બાળકો હસે છે ને ખીલે છે; બાને સુગંઘ આપે છે. અને અભિમાન આપે છે કે આ બાલમાનસની દષ્ટિએ મારું ઘર પૃથ્વી ઉપર એક સ્વર્ગ છે !
આવું નવું ઘર આપણામાંનાં કેટલાયે જોયું છે ?